યુપી એટલે ક્રાઇમ, આપણી આ જ કલ્પના છે અને ભૂતકાળને જોતાં એ ખોટી પણ નથી. પણ સાચું કહું તો હવે આ વાત લાગુ નથી પડતી. યુપીમાં યોગીજીએ જે ચેન્જ કર્યો છે એ ખરેખર તમે આવીને જ અનુભવી શકો, સમજી શકો
જેડી કૉલિંગ
મારા અને ડૉક્ટર ડુલિટલમાં કોઈ ફરક નથી. જુઓ, આ મર્કટ પણ કેટલા ધ્યાનથી મને સાંભળે છે.
ગુજરાત ઇલેક્શનમાં જેણે-જેણે મતદાન કર્યું તેનો ખૂબ-ખૂબ આભાર અને જે મતદાન ચૂકી ગયા, કોઈ પણ કારણોસર પણ જે આ વખતે મતદાન ન કરી શક્યા તેમને કહેવાનું કે પાછળ લોકસભાની ઇલેક્શન આવે છે ત્યારે મતદાન કરવાનું ભુલાય નહીં. મતદાન તમારો હક છે. લાસ્ટ વીક તમને કહ્યું એમ એ તમારી જવાબદારી છે અને જવાબદારી કોઈને વારંવાર યાદ અપાવવી એ ખરેખર દુઃખ થાય એવી વાત કહેવાય. આપણે ઘરના કામની જવાબદારી ક્યારેય ભૂલતા નથી. દીકરાને કે દીકરીને સ્કૂલથી લઈ આવવાની જવાબદારી જો તમને આપવામાં આવે તો તમે ક્યારેય એ ચૂકો ખરા?
નહીંને? બસ એવી જ રીતે આ જવાબદારી પણ ચૂકવાની ન હોય. હમણાં મુંબઈ કૉર્પોરેશનનું ઇલેક્શન આવશે, એ પછી લોકસભા ઇલેક્શન આવશે અને ધારો કે એ સિવાય પણ કોઈ ઇલેક્શન આવવાનું હોય અને તમારે મતદાન કરવાનું હોય તો ભૂલ્યા વિના, અચૂક મતદાન કરજો. આજે નવી જનરેશનના યંગસ્ટર્સ પોતાની આ જવાબદારી સુંદર રીતે નિભાવે છે તો આપણે તો તેમનાથી મોટા છીએ, વધારે દુનિયા જોઈ છે અને જાણીએ પણ છીએ કે મતદાનનું મહત્ત્વ કેવું અને કેટલું છે તો શું કામ પછી આવી ભૂલ કરવાની? જરા પણ નહીં અને ક્યારેય નહીં.
ADVERTISEMENT
ઇલેક્શન અને મતદાનની વાત પરથી પાછા આવીએ જઈએ આપણે મથુરા પર. મેં તમને કહ્યું એમ, મથુરાના દિવસો મારા માટે ખરેખર બહુ સરસ હોય છે. મને કોઈ સ્ટ્રેસ ન હોય, કોઈ ચિંતાનો અનુભવ ન થાય અને એવું જ લાગ્યા કરે કે જગતની શ્રેષ્ઠ શાંતિ અહીં જ છે.
ઘણાં વર્ષો પછી મેં મથુરામાં કશુંક નવું જોયું. આમ તો આ પૉલિટિકલ વાત છે એટલે હું કોઈનો પ્રચાર કરું તો યોગ્ય ન કહેવાય, પણ એ કહેવું ખરેખર ઘટે કે મેં મથુરાને દરેક તબક્કે અને દરેક સ્તર પર જોયું છે.
મથુરામાં હું જ્યારે આવું ત્યારે કોઈની ને કોઈની સાથે વાતો કરતો રહું. મને કોઈ સાથે અજાણ્યું લાગે નહીં. બસ, એમ જ મારી વાતો ચાલતી હોય. વર્ષોનો આ નિયમ છે અને એનું કારણ પણ છે. તમે તમારા નેટિવમાં જાઓ તો તમને બધું પોતાનું લાગે. મથુરા મારા માટે મારું નેટિવ છે. અહીંનું બધું મને મારું પોતાનું જ લાગે. છેલ્લા થોડા સમયની વાત કરું તો મથુરામાં એટલી સરસ વાતો મેં જોઈ કે તમે એની કલ્પના સુધ્ધાં ન કરી શકો.
આ વખતે મથુરા આવવા માટે હું જે ગાડીમાં બેઠો હતો એ ગાડીનો ડ્રાઇવર યુપીનો અને તમારી પાસે જ્યારે પણ યુપીનું, ઉત્તર પ્રદેશનું નામ આવે કે તરત જ તમારા મનમાં એક જ વિચાર આવે, યુપી એટલે ક્રાઇમ. મને પણ એવું જ લાગતું. ગાડીના ડ્રાઇવર સાથે વાત કરતાં મેં તેને પૂછ્યું કે યુપીમાં હવે ક્રાઇમ કેટલો રહ્યો છે તો તેણે મને તરત જ જવાબ આપ્યો, બિલકુલ નહીં હૈ.
એ જ ડ્રાઇવરે મને કહી એ વાત ખરેખર સૌકોઈએ સાંભળવાની, વાંચવાની જરૂર છે. હું તેના જ શબ્દો વાપરીને એ વાત કહું.
‘યોગીજી કા નિયમ હૈ, યુપી મેં વેલકમ, નહીં તો ભીડ કમ...’
‘મતલબ...’
મેં પૂછ્યું એટલે મને કહે યોગીજી કહે છે કે તમે યુપીમાં શાંતિથી રહેવા માગતા હો અને યુપીના વિકાસની સાથે આગળ વધવા માગતા હો તો વેલકમ, પણ જો તમે ખોટી રીતે જીવવા માગતા હો, દાદાગીરી કરવા માગતા હો અને લુખ્ખી ચલાવવાની નીતિ હોય તો ચાલો નીકળો યુપીમાંથી. ભીડ કમ કરો...
આ જે વાત છે એ તમને દેખાય પણ ખરી. ક્લીન્લીનેસથી માંડીને તમને દરેક જગ્યાએ યોગીજીની છાપ છૂટતી હોવાનો એહસાસ થાય. એક સમય હતો કે તમારી સાથે ડ્રાઇવર કે રિક્ષાવાળો પણ વાત કરતો હોય તો તેના અવાજમાં તમને તુમાખીનો અનુભવ થાય, પણ હવે એવું નથી રહ્યું. બહારથી આવનારાઓને હવે એવું જ માન મળે છે જેવું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળતું હોય છે. હવે દાદાગીરી જોવા નથી મળતી અને લુખ્ખાગીરી પણ હવે ભુલાઈ ગઈ છે. ઇમેજ બદલતાં વાર લાગતી હોય છે એટલે યુપીની આ ઇમેજ તમને કદાચ માનવામાં ન આવે તો તમારે યોગીના યુપીમાં એક વાર આવવું પડે અને આવીને આ નવા યુપીનો અનુભવ કરવો પડે.
યુપીની વાત પરથી ફરી આવી જઈએ આપણે મથુરા પર.
મથુરામાં હોઉં ત્યારે મને એવું જ લાગે કે દિવસ બહુ નાનો છે. મથુરામાં મારો દિવસ મારા મતે ચોવીસ કલાકથી વધારેનો જ હોવો જોઈએ. સમય ઓછો જ પડ્યા કરે. એટએટલા લોકો ઓળખાણ અને પરિચયવાળા મળે તો ઓળખતા ન હોય એ વૈષ્ણવોમાં પણ પોતીકાપણું સતત મળતું રહે. કેટકેટલા વૈષ્ણવોને તો અમે બાળપણથી ઓળખતા, જેમના વાળ હવે સફેદ થઈ ગયા છે. વાળ તો મારા પણ સફેદ થઈ ગયા છે અને મારા ફૅમિલીનાં બચ્ચાંઓ પણ બધાં બહુ મોટાં થઈ ગયાં છે.
મથુરામાં હોઈએ ત્યારે બધેબધા આવે અને એ બધા આવે ત્યારે થાય કે જીવન કેવું ભરેલું છે. માબાપ, ભાઈ-બહેન, મારો ભાણેજ આનંદ. આનંદ હમણાં કૅનેડા છે, ત્યાંથી ખાસ આ ઉત્સવ માટે આવ્યો છે. મારો ભત્રીજો કિશન બિઝી હોય અને એમ છતાં પણ તે આવી ગયો હતો. મારી બહેન અને બનેવી છીંદવાડાથી આવ્યાં હતાં અને મુંબઈથી બહેન પણ આવી હતી. આખું કુટુંબ ભેગું થયું હોય ત્યારે એની એક મજા જ અલગ હોય છે.
જે મેં પહેલાં કહ્યું કે બીજા બધા વૈષ્ણવ પણ ઠેરઠેરથી આવ્યા હોય, મળતા હોય અને એનાથી આપણને એ પણ જાણવા મળે કે યુપી, એમપી અને રાજસ્થાનમાં પણ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ અને ‘વાગલે કી દુનિયા’ સારી ચાલી રહી છે, લોકો એની રાહ જોતા હોય છે. જાણીને જે આનંદ થાય એ વર્ણવી શકાય નહીં. હું તો કહીશ કે આ જે સફળતા છે એ માબાપ અને અન્ય વૈષ્ણવ પરિવારજનોના આશીર્વાદ છે. વૈષ્ણવોનાં જે સંતાનો આપણા મિત્રો બન્યા હોય એને ત્યાં બાળકો આવી ગયાં હોય અને એ નાનાં બાળકો પણ તમને ઓળખી જાય, તમારા કામનાં વખાણ કરતાં હોય એ કોને ન ગમે?
આ પણ વાંચો : મથુરા, મર્કટ અને મતદાન
આ બાળકો સાથે સેલ્ફી ખેંચવાનો અને પછી વડીલો સાથે આપણે સેલ્ફી લેવાનો.
આ ત્રણ દિવસ મારા માટે પરમ આનંદના હોય છે. અહીં હું કમ્પ્લીટ ડ્રેસિંગ એટલે કુરતા-પાયજામામાં જ હું હોઉં. ભજન ગાતો હોઉં, હીંચ લેતો હોઉં, પ્રસાદ લેતો હોઉં, તલ્લીન હોઉં.
અમારા માટે ઠાકોરજીનો ઉત્સવ એટલે સઘળું જીવન ન્યારું અને બીજી વાત, મથુરા એટલે મારા માટે મથુરા જેવું બીજું કોઈ જ નહીં, કંઈ જ નહીં. અત્યારે અહીંનું જે વેધર છે એ વેધર તમને યુરોપની યાદ અપાવી દે. મારે તમારી સાથે યુરોપના મારા વેકેશનની વાત કરવાની હતી પણ બીજા ટૉપિક સતત ચાલુ હતા એટલે વચ્ચે યુરોપના વેકેશનની વાત રહી ગઈ. એ સિવાય પણ બીજા એકાદ-બે વેકેશનની વાત તમારી સાથે શૅર કરવાની રહી ગઈ છે પણ હવે એ બધી વાતો, જ્યારે ટૉપિક નહીં હોય ત્યારે પણ ટૉપિકનો આપણી પાસે ક્યાં તૂટો છે અને ધારો કે એ ખૂટે ત્યારે તમે મને મેઇલ કે મેસેજ કરીને ટૉપિક આપી દો છો. બસ, ત્યારે અત્યારે આટલું જ. મથુરા ઉત્સવના તમને બધાને પણ જે જે શ્રી.