આપણા દેશમાં ૧૮ વર્ષની ઉંમરે વ્યક્તિ મતદાન કરી શકે છે. છોકરીઓ લગ્ન કરી શકે છે. સાથે જ કાયદાકીય રીતે તેમને બીજા પણ અનેક હકો પ્રાપ્ત થાય છે,
સ્પેશ્યલ સ્ટોરી
પ્રતીકાત્મક તસવીર
આપણા દેશમાં ૧૮ વર્ષની ઉંમરે વ્યક્તિ મતદાન કરી શકે છે. છોકરીઓ લગ્ન કરી શકે છે. સાથે જ કાયદાકીય રીતે તેમને બીજા પણ અનેક હકો પ્રાપ્ત થાય છે, પરંતુ શું સંતાનો ૧૮ વર્ષની વય સુધીમાં સ્વતંત્રપણે સાચો જીવનસાથી ચૂઝ કરે એટલાં પરિપક્વ હોય છે ખરાં? દરેક માતાપિતાને અંદરખાને પજવતા આ પ્રશ્નની આવો જરા ખુલ્લામાં થોડી મોકળા મને ચર્ચા કરીએ
છેલ્લા એકાદ મહિનાથી શ્રદ્ધા વાલકરના મર્ડરકેસે આખા દેશમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ બાબતે અનેક વાર ઘણું ચર્ચાઈ ગયું છે, પરંતુ થોડા દિવસ પહેલાં શ્રદ્ધાના પિતાએ અનેક પેરન્ટ્સના દિલમાં અજંપો જન્માવતો સવાલ ખડો કર્યો હતો. શ્રદ્ધા ૧૮ વર્ષની થઈ એ પછી અમને કહેતી હતી કે હવે હું મારા નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છું. તે ખોટું પગલું ભરી રહી છે એ સમજાવવા છતાં નહોતી માની. આ જ કારણોસર પોતાના હૃદયનો બળાપો કાઢતાં તેના પિતાએ કહ્યું હતું કે ૧૮ વર્ષની ઉંમરે દીકરીઓને જીવનસાથીની પસંદગીની સ્વતંત્રતા આપી દેવામાં આવે છે એવું ન હોવું જોઈએ. ૧૮ વર્ષની ઉંમરે દીકરીઓને લગ્ન કરવાની જે કાયદાકીય પરવાનગી આપવામાં આવે છે એ ખોટી છે. આ ઉંમરે હજી બાળકો એટલાં પરિપક્વ નથી થયાં હોતાં કે તેઓ પોતાના જીવનના આવા મહત્ત્વના નિર્ણયો લઈ શકે.’
ADVERTISEMENT
જે પેરન્ટ્સના સંતાન સાથે આવી ઘટના ઘટી હોય તેમનું મન આવી વિહ્વળતા અનુભવે એ સ્વાભાવિક છે, પણ શું ખરેખર ૧૮ની વયે સંતાનો પૂરતાં પરિપક્વ નથી હોતાં? આજે વાત કરીએ કેટલાક વિશેષજ્ઞો તથા વાલીઓ સાથે અને આ મુદ્દે તેમના શું વિચારો છે એ જાણવાનો પ્રયત્ન કરીએ.
ડૉ. રાજ બ્રહ્મભટ્ટ
ઘાટકોપરમાં રહેતાં, પણ મૂળ ઈડર પાસે આવેલા કોકાડિયા ગામનાં બ્રાહ્મણ દીપાલી યાજ્ઞિક ૨૧ વર્ષીય દીકરી સ્તુતિનાં માતા છે. ફક્ત પોતાની દીકરીના સુરક્ષિત ભવિષ્ય માટે દિલ્હી છોડી મુંબઈ રહેવા આવી ગયેલાં દીપાલીનું કહેવું છે કે, ‘કાયદો ગમે તે કહે, ૧૮ વર્ષની ઉંમરે હજી બાળકો નાનાં જ કહેવાય. અરે, હજી બે કે ત્રણ વર્ષ પહેલાં જ તો તેઓ સ્કૂલમાંથી બહાર આવ્યાં હોય છે! જે ઉંમરે હજી ગ્રૅજ્યુએશન પૂરું થયું નથી, બહારની દુનિયા જોઈ નથી, જીવનના અનુભવો મેળવ્યા નથી એ ઉંમરે જીવનસાથીની પસંદગી કેવી રીતે થઈ શકે? હજી તો તેમણે પોતાના શરીરના આવેગોને સમજવાના બાકી હોય છે, લગ્ન બાદ આવતી ઘરેલુ અને સામાજિક જવાબદારીઓને સમજવાની બાકી હોય છે, એ બધાની સાથે નોકરીધંધાના સ્થળે કામની જવાબદારીઓને બૅલૅન્સ કરવાનું શીખવાનું હોય છે. બલકે, એ બધા કરતાં પણ માણસની પરખ કરતાં શીખવાનું બાકી હોય છે. આવી સમજદારી વિકસવામાં ઓછામાં ઓછો ૨૬-૨૭ વર્ષ સુધીનો સમય તો લાગી જ જાય છે. તેથી મારું તો દૃઢપણે માનવું છે કે દીકરી હોય કે દીકરો, ૧૮ વર્ષની ઉંમર લગ્ન માટે તો શું, મત આપવા માટે પણ યોગ્ય નથી.’
આ પણ વાંચો : તમારો પણ ફાયદો ને મારો પણ ફાયદો
હાલ કાંદિવલીમાં રહેતાં મૂળ મહુધાનાં જૈન મોનિકા ભણસાલી ૨૨ વર્ષીય દીકરી હિનલનાં માતા છે. તેઓ દીપાલીબહેનની વાતને આગળ વધારતાં કહે છે કે, ’૧૮-૧૯ વર્ષની ઉંમરે બાળકો હજી કૂવાના દેડકા જેવાં જ હોય છે. તેમણે બહારની દુનિયા જોઈ જ ક્યાં હોય છે? આ ઉંમરે તો તેમના માટે તેમના મિત્રો, ટીવી, ફિલ્મો અને સોશ્યલ મીડિયા જ બધું હોય છે. તેથી તેમને મન બહારની દુનિયામાં બધું સારું-સારું જ હોય છે. ઉપરાંત જો માતાપિતાએ પહેલેથી પોતાનાં સંતાનો સાથે મિત્રો જેવો વ્યવહાર ન રાખ્યો હોય તો આ જ એ ઉંમર છે જ્યારે બાળકો ઘરે સૌથી વધારે જૂઠું પણ બોલતાં હોય છે. ઘરે ખોટું બોલી મિત્રો સાથે બહાર ફરવા જવું, હોટેલમાં કે ફિલ્મો જોવા જવું, પાર્ટીઝમાં કે ક્લબમાં જવું વગેરે પણ આ ઉંમરે જ સૌથી વધારે થતું હોય છે. તેથી આ ઉંમરે તેમને છેતરવાં કે ગેરમાર્ગે દોરી જવાં બહુ આસાન હોય છે. આવામાં કોઈ એકાદ વ્યક્તિ તરફ આકર્ષણ થઈ જાય તો તેઓ તેને પોતાનું સર્વસ્વ સમજી લેવાની ભૂલ કરી બેસતાં હોય છે અને પછી તેનાથી આગળ તેમને બીજું કશું દેખાતું જ નથી. આ આવેગમાં કોઈ ખોટી વ્યક્તિ સાથે પનારો પડી જાય તો એનાં પરિણામો સંતાનો અને માતાપિતાએ જીવનભર ભોગવવાનાં આવે છે. તેથી મારી દૃષ્ટિએ તો જ્યાં સુધી તમે લોકોને સમજવાનું નથી શીખતાં, બધાની વચ્ચે પોતાની જાત માટે ઊભાં રહેવાનું નથી શીખતાં, આર્થિક રીતે થોડાં પગભર નથી થતાં ત્યાં સુધી જીવનસાથીની પસંદગી કે લગ્ન જેવા જીવનના અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાનું સાહસ કરવાનો વિચાર સુધ્ધાં કરવો જોઈએ નહીં.’
દીપાલી યાજ્ઞિક અને મોનિકા ભણસાલી
આ મુદ્દે જાણીતા સેક્સોલૉજિસ્ટ અને રિલેશનશિપ કાઉન્સેલર ડૉ. રાજ બ્રહ્મભટ્ટનું કહેવું છે કે, ‘વિજ્ઞાનની દૃષ્ટિએ છોકરાને પહેલું સ્ખલન થાય અને યુવતીને પહેલું માસિક આવે ત્યારથી તેની કિશોરાવસ્થાની શરૂઆત થઈ જાય છે. અલબત્ત, શારીરિક પરિપક્વતાનો અર્થ માનસિક પરિપક્વતા નથી જ થતો. ૧૮ વર્ષની ઉંમર એ ફક્ત એક આંકડો છે. જ્યાં સુધી વ્યક્તિમાં કોઠાસૂઝ આવતી નથી ત્યાં સુધી તે માનસિક રીતે પરિપક્વ થઈ ન કહેવાય. આ કોઠાસૂઝ ફક્ત જવાબદારી નિભાવતાં-નિભાવતાં જે અનુભવોનું ભાથું મળે છે એમાંથી જન્મે છે. દુર્ભાગ્યે આપણા દેશમાં હાલ પરિસ્થિતિ કંઈક એવી નિર્માણ થઈ છે, જ્યાં નવી જનરેશન પાસે મીડિયા અને ઇન્ટરનેટને પગલે માહિતીઓનો ઘટસ્ફોટ થયો છે. તેથી તેમની પાસે જ્ઞાન છે, ટેક્નૉલૉજી છે, પરંતુ દિશા નથી. તેમને ફક્ત બધું ભોગવી લેવું છે. તેમને સ્વતંત્રતા જોઈએ છે, પરંતુ એ સ્વતંત્રતાની સાથે જે જવાબદારી આવે છે એ તેમણે ઉપાડવી નથી. પરિણામે ઘણી વાર તેઓ ગજા બહારનું રિસ્ક પણ લઈ લેતાં હોય છે. સાથે જ આ ઉંમરે તેઓ અંગ્રેજીમાં જેને પિયર પ્રેશર કહે છે તેવું મિત્રો દ્વારા પારાવાર પ્રેશર પણ અનુભવતા હોય છે. આવામાં જો કોઈ એકાદ વ્યક્તિ સાથે જાતીય આનંદ માણી લીધો તો તેઓ એવું સમજવાની ભૂલ કરી બેસે છે કે આવો આનંદ તો તેમને બીજી કોઈ વ્યક્તિ આપી જ નહીં શકે. પરિણામે એકાદ-બે વાર મળેલા શારીરિક સુખને તેઓ પ્રેમ સમજવાની ભૂલ કરી બેસે છે અને પછી ભવિષ્યનો વિચાર કર્યા વિના આંધળૂકિયું કરવા પર ઉતાવળાં બની જાય છે. આવામાં તેમનાથી ખોટાં પગલાં ભરાઈ જવાની શક્યતા ખૂબ વધી જાય છે.’
આ પણ વાંચો : જો સંપત્તિ સાચવવી હોય તો પૂરતું સૂઓ
તો આવું ન થાય એના માટે શું કરવું?
હવેના સમયમાં આપણે આપણાં સંતાનોનાં પેરન્ટ્સ નહીં, પરંતુ તેમના જીવનના સૌથી પહેલાં અને સૌથી મહત્ત્વના મિત્ર બનવાનું છે એમ જણાવતાં ડૉ. રાજ બ્રહ્મભટ્ટ કહે છે કે, ‘આ માટે નાનપણથી તેમની સાથે સમય વિતાવવો જરૂરી છે. જરૂર પડે તો પોતાની કારકિર્દીના ભોગે પણ. દરેક પરિવારે દિવસનું એક સમયનું ભોજન તો સાથે લેવું જ જોઈએ, જેમાં એકબીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે એની ખુલ્લા દિલે ચર્ચા થાય. સાથે જ દર વર્ષે એકાદ મોટા અને એકાદ નાના વેકેશન પર પણ જવું જ જોઈએ. વાલીઓએ તેમનાં સંતાનોને તેમની ઉંમર પ્રમાણે યોગ્ય છૂટ આપતાં પણ શીખવું પડશે અને સાથે જ તેમના પ્રત્યેક મિત્રથી પરિચિત બનતાં પણ શીખવું પડશે. આ બધું કર્યા બાદ પણ બની શકે કે તમારું સંતાન જીવનના કોઈ તબક્કે તમારી મરજી વિરુદ્ધ કોઈ પગલું ભરે તો પણ શ્રદ્ધાના પિતાએ જેમ તેની સાથે સંબંધો ઓછા કરી દીધા એવી ભૂલ તો ન જ કરવી જોઈએ. યાદ રાખો છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થઈ શકે. તમારે તમારાં સંતાનોને એવો વિશ્વાસ અપાવવો પડશે કે ભલે તેણે તમારી મરજી વિરુદ્ધ કોઈ નિર્ણય લીધો હોય, પરંતુ તેમના આ નિર્ણયમાં પણ તમે તેમની સાથે છો અને તેના જીવનના પ્રત્યેક ઉતાર-ચઢાવમાં તમે તેમની પડખે ઊભા છો. તમારો આપેલો આ વિશ્વાસ તમારા સંતાનના જીવનની સૌથી મોટી મૂડી બની રહેશે, જે તેમને નાની-મોટી કોઈ પણ મુશ્કેલીમાં સૌથી પહેલાં તમારી પાસે આવવાની પ્રેરણા આપતી રહેશે. શ્રદ્ધાના પિતાએ જો આવો વિશ્વાસ પોતાની દીકરીમાં જન્માવ્યો હોત તો આજે તેના આ હાલ ન થયા હોત.’