પેપ્સીને દુનિયાની સેકન્ડ નંબરની લાર્જેસ્ટ કંપની બનાવવાનું કામ જેણે કર્યું એ ઇન્દ્રા નૂયીની ‘ઇન્દ્રા નૂયી-અ બાયોગ્રાફી’માં માત્ર તેમની સફળતાની જ નહીં પણ ફૅમિલી વૅલ્યુઝની સાથોસાથ એ વાતો પણ છે જે તેમના સ્ત્રીત્વને પણ ઉજાળવાનું કામ બખૂબી કરે છે
બુક ટૉક
ઇન્દ્રા નૂયી
હે નારી, તારા પર જઈએ વારી-વારી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હવે દેશ-દુનિયામાં ઉત્સવની જેમ મનાવાય છે, મનાવવો પણ જોઈએ. જે આખા બ્રહ્માંડનું જતન કરવા, પ્રકૃતિ બની પ્રત્યેક જીવનું પોષણ કરવા અને આખા સંસારને સ્નેહનું સિંચન કરવા સમર્થ હોય એ સ્ત્રીત્વનું તો સેલિબ્રેશન જ હોય. દુઃખદર્દ દૂર કરીને પોષણ આપનારી, પ્રેમ અને હૂંફથી સંબંધોમાં સુવાસ ભરનારી અને ડગલે ને પગલે જીવનને અનેરી આશાનાં કિરણો તરફ ગતિ કરાવનારી નારીની કૅપેબિલિટીને ‘મિડ-ડે’ નમન કરે છે. ‘મિડ-ડે’ સલામ કરે છે સ્ત્રીઓના સશક્ત અને સૌહાર્દમય અસ્તિત્વને. આ ખાસ દિવસે પ્રસ્તુત છે પ્રેરણામયી મહિલાઓની રોમાંચક દાસ્તાન લાઇફ પ્લસના મહિલા વિશેષાંકમાં
ADVERTISEMENT
ઑફિસ સિવાયની પણ મારી એક દુનિયા છે અને ઑફિસની દુનિયા ત્યારે જ સાચી દિશામાં લઈ જઈ શકું જ્યારે બહારની દુનિયા ખુશ હોય
‘સફળતાની સાચી મજા ત્યારે છે જ્યારે તમે સ્ટેજ પર હો, તમારું સન્માન કરવામાં આવતું હોય અને ઑડિયન્સમાં રહેલા સેંકડો લોકો વચ્ચે તમારી ફૅમિલી પણ તમને જોઈ રહી હોય.’
આ શબ્દો છે પેપ્સિકો જેવી દુનિયાની વીસ જાયન્ટ કંપનીમાં જેનો સમાવેશ થતો હોય એવી કંપનીમાં સીઈઓ તરીકે જૉઇન થઈ પેપ્સિકોને દુનિયાની સેકન્ડ નંબરની લાર્જેસ્ટ કંપની બનાવનારાં ઇન્દ્રા નૂયીના. વિશ્વની પચાસ પાવરફુલ મહિલાઓના લિસ્ટમાં ૧૪ વખત આવી ચૂકેલાં ઇન્દ્રા નૂયી ૨૦૦૯માં વિશ્વના ત્રીજા નંબરનાં સૌથી પાવરફુલ મહિલાઓના લિસ્ટમાં હતાં. પોતાની બાયોગ્રાફી ‘ઇન્દ્રા નૂયી – ધ બાયોગ્રાફી’માં ઇન્દ્રા કહે છે, ‘માત્ર આગળ વધવાનો ગોલ રાખવો ગેરવાજબી છે પણ ફૅમિલી અને ફૅમિલી વૅલ્યુઝને અકબંધ રાખીને આગળ વધવું સૌથી મહત્ત્વનું છે. મને આજે પણ યાદ છે કે હું એવી મીટિંગમાં બેઠી હોઉં કે જેમાં બસો દેશમાં ફેલાયેલી પેપ્સિકો માટે સ્ટ્રૅટેજિકલ નિર્ણય લેવાના હોય તો પણ મેં મારો ફોન ક્યારેય બંધ નથી કર્યો, કારણ કે ઑફિસ સિવાયની પણ મારી એક દુનિયા છે અને ઑફિસની દુનિયા હું ત્યારે જ સાચી દિશામાં લઈ જઈ શકું જ્યારે મારી બહારની દુનિયા સલામત અને ખુશ હોય.’
ઇન્દ્રા નૂયીની વાતો વાંચતાં ક્યાંક ને ક્યાંક તમને એમાં થોડી ઑર્થોડોક્સ વિચારધારા ઝળકતી દેખાય તો એનો જવાબ પણ નૂયીએ આ જ બાયોગ્રાફીમાં આપ્યો છે. નૂયીએ લખ્યું છે, ‘મૉડર્ન થવાનો અર્થ એવો બિલકુલ નથી કે તમે તમારી ફૅમિલી વૅલ્યુઝ ભૂલીને આગળ વધો. મૉડર્ન થવું મતલબ કે એક સમયે જે કામ તમને કરવાની પરમિશન નહોતી એ કામ પણ તમે ખુશી-ખુશી કરો અને એનો ક્ષોભ ન રાખો પણ મૉડર્નાઇઝેશનનો મીનિંગ એવો બિલકુલ ન કરી શકાય કે તમે બધું ભૂલીને સેલ્ફ-સેન્ટર્ડ થઈ જાઓ. ના, ઍટ લીસ્ટ હું તો એવું નથી જ માનતી.’
‘ઇન્દ્રા નૂયી-ધ બાયોગ્રાફી’ વાંચતી વખતે તમારી આંખો સામે સતત નૂયીનો સિનેમાસ્કોપ સ્માઇલ કરતો ચહેરો તરવર્યા કરે છે અને એનું કારણ પણ તમને એ વાંચતાં-વાંચતાં સમજાય છે. વ્યક્તિ ત્યારે જ આટલી ખુશ રહી શકે, આવી સફળતા મેળવી શકે જ્યારે તે સંપૂર્ણપણે બૅલૅન્સ સાથે આગળ વધતી હોય અને એ માટે તે પૂરતી સક્ષમતા પણ કેળવી ચૂકી હોય.
અઢીસો ગ્રામ દહીં!
ઇન્દ્રા નૂયીએ પોતાની આ જ બાયોગ્રાફીમાં એક કિસ્સો લખ્યો છે, જે ખરેખર જાણવા જેવો છે. પેપ્સિકોએ આવતાં વર્ષોમાં શું નવું કરવું જોઈએ જેથી એ પોતાના કૉમ્પિટિટર્સને પાછળ રાખી આગળ નીકળી શકે એ સંદર્ભની એક મીટિંગ ચાલતી હતી. એ મીટિંગમાં દુનિયાભરમાંથી કંપનીના પચાસ જેટલા સિનિયર ઑફિસર આવ્યા હતા. કોઈ એ વાત માનવા તૈયાર નહોતું કે કંપનીએ નવા સેક્ટરમાં દાખલ થવું જોઈએ જ્યારે પ્રેસિડન્ટ ઇન્દ્રા નૂયી સ્ટ્રૉન્ગ્લી માનતાં હતાં કે તમારે ચેન્જ થવું જ પડે. મીટિંગ થોડી ગરમાગરમીવાળી રહી અને એ ગરમાગરમી વચ્ચે મીટિંગ બીજા દિવસ પર પોસ્ટપોન રહી. ઇન્દ્રા નૂયી ઑફિસથી ઘરે રવાના થયાં અને રસ્તામાં તેમને ફોન આવ્યો, ‘મને કઢી ખાવાનું મન થયું છે પણ ફ્રિજમાં દહીં નથી તો દહીં લઈ આવજેને...’
હા, એ ફોનમાં નૂયીને તેમનાં સાસુએ આવું કહ્યું અને સાથોસાથ કહ્યું પણ ખરું કે ઘરમાં જે સર્વન્ટ છે એને બીજા કામે મોકલ્યો છે તો આ કામ તું કરતી આવ.
આ પણ વાંચો: અદ્ભુત ફિલ્મો આપનારા ઍક્ટર સંજીવકુમાર વિશે કેટલું જાણો છો?
ઇન્દ્રા નૂયીએ ગાડી માર્કેટ તરફ લેવડાવી અને અઢીસો ગ્રામ દહીં લઈ ફરીથી મધર-ઇન-લૉને ફોન કર્યો કે બીજું કંઈ લેવાનું છે? તેમનાં સાસુએ શું જવાબ આપ્યો અને એ જવાબમાંથી નૂયીને શું આઇડિયા સૂઝ્યો એની વાત પછી કરીએ, પહેલાં પેલા અઢીસો ગ્રામ દહીંના ઑર્ડરની વાત કરીએ. ઇન્દ્રા નૂયીએ લખ્યું છે, ‘એ જરા પણ જરૂરી નથી કે હું બહુ બધા લોકોની બૉસ છું તો મને ઑર્ડર ન આપી શકાય કે પછી મારા પર કોઈ બૉસ ન હોય. ના, જરા પણ એવું ન હોય. હું ઑફિસમાં કોઈની બૉસ હોઉં તો મારે સ્વીકારવું જ રહ્યું કે મારા ઘરમાં મારા બૉસ એ છે. મારે તેમની વાત માનવાની જ હોય, પાળવાની પણ હોય અને એ પણ કોઈ જાતના ભાર વિના.’
ફરસાણમાંથી આઇડિયા
દહીં ખરીદ્યા પછી જ્યારે ઇન્દ્રાએ ફોન કરીને પૂછ્યું કે બીજું કંઈ લાવવાનું છે તો સાસુમાને ફરસાણ ખાવાનું મન થયું અને તેમણે ઇન્ડિયન ફરસાણ લઈ આવવાનું કહ્યું અને એ ઑર્ડરમાંથી નૂયીને આઇડિયા આવ્યો કે વર્લ્ડ આખામાં ફરસાણ ખાવાનો કન્સેપ્ટ માત્ર ઇન્ડિયામાં જ છે, પેપ્સિકોએ એ દિશામાં આગળ વધવું જોઈએ અને બીજા દિવસે મીટિંગમાં આ કન્સેપ્ટ મૂકવાની સાથોસાથ નૂયીએ ભારતના ટ્રેડિશનલ નાસ્તાઓ પણ કંપનીના ઑફિસરોને કરાવ્યા. કંપનીએ આ દિશામાં કામ કર્યું. અલબત્ત, ઇન્ડિયામાં પેપ્સિકો સ્નૅક્સ જોઈએ એવા સફળ નથી થયા પણ એનો નૂયીને અંદાજ હતો જ. જ્યાં દરરોજ ફ્રેશ ફરસાણ કંદોઈને ત્યાં મળતાં હોય એ લોકો કેવી રીતે ચકરી અને ચેવડો કે ચવાણું અને ગાંઠિયા પૅકેટવાળાં ખાય?
આજે પણ પેપ્સિકો સ્નૅક્સ યુરોપ અને અમેરિકામાં બહુ મોટો બિઝનેસ ધરાવે છે અને ધોળિયાઓ ચા સાથે તમારી ચકરી ખાતા થઈ ગયા છે. ઘરની વ્યક્તિએ સોંપેલા એ કામમાંથી મળી ગયેલા આઇડિયાની અને સાથોસાથ ઘરનાં કામ નહીં કરવાની માનસિકતાના અભાવની આ અસર. ઇન્દ્રા નૂયી લખે છે, ‘મહત્ત્વાકાંક્ષા તમને દિશા આપે અને ફૅમિલી તમને સાચી દિશા આપે.’
સ્ટોરી શૉર્ટકટ
‘ઇન્દ્રા નૂયી-ધ બાયોગ્રાફી’માં વાત પદ્મભૂષણ ઇન્દ્રા નૂયીના જીવનની છે. મદ્રાસમાં જન્મેલાં ઇન્દ્રા નૂયીએ પોતાનું એજ્યુકેશન ચેન્નઈ અને કલકત્તામાં પૂરું કર્યું અને એ પછી તેણે અમેરિકામાં પબ્લિક ઍન્ડ પ્રાઇવેટ મૅનેજમેન્ટમાં માસ્ટર્સ કરી અમેરિકામાં જ જૉબ શરૂ કરી પણ સાથોસાથ તેણે સ્ટડી પણ ચાલુ રાખ્યો. ઇન્દ્રા નૂયીને લાઇમલાઇટ આપવાનું કામ મોટોરોલાએ કર્યું.
મોટોરોલા કંપનીમાં નૂયી કૉર્પોરેટ સ્ટ્રૅટેજી ડિપાર્ટમેન્ટમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે જૉઇન થયાં અને પોતાના એ જ પિરિયડમાં નૂયીએ જોઈ લીધું કે મોટોરોલાને એની રિજિડનેસ મારી નાખશે. પેપ્સિકો જૉઇન કરવાનું કારણ પણ એ જ હતું કે બિઝનેસમાં તમારે સતત ગ્રો થતા રહેવું પડે અને પેપ્સિકો એ માટે તૈયાર હતી. ઇન્દ્રા નૂયીને પેપ્સિકોની નવી સ્ટ્રૅટેજીનાં જનક ગણવામાં આવે છે. પેપ્સિકોની ઘટતી જતી માગ વચ્ચે નૂયીએ એને ફરી સ્ટેબિલિટી આપી તો સાથોસાથ એ દિશાના દરવાજા પણ ખોલ્યા જેના વિશે કંપનીએ ક્યારેય વિચાર્યું પણ નહોતું. પેપ્સિકોને આપેલી નવી ઊંચાઈના બદલામાં કંપનીએ તેમને પેપ્સિકો કંપનીના જે શૅર ગિફ્ટમાં આપ્યા એ શૅરનું મૂલ્ય આજે અબજો રૂપિયા થાય છે.