પત્નીનું દિલ જીતવું એ આસમાનના તારા તોડી લાવવા જેટલું અઘરું ચોક્કસ છે પણ નામુમકિન નથી. ભાઈલોગ, માથું ખંજવાળ્યા વિના અહીં આપેલી નૉન-મટીરિયલિસ્ટિક પ્રૅક્ટિસ ફૉલો કરશો તો અમારી ગૅરન્ટી છે કે તમારી લાઇફલાઇન ખુશમખુશ થઈ જશે
પ્રતીકાત્મક તસવીર
વિમેન્સ ડે નજીક આવે એટલે પતિદેવના મનમાં પ્રશ્નો ઘૂમરાયા કરે, પત્નીને શું ગિફ્ટ આપું? કૅન્ડલ લાઇટ ડિનર માટે ટેબલ બુક કરાવું કે મૂવી જોવા લઈ જાઉં, સરપ્રાઇઝ પાર્ટી પ્લાન કરું કે અગાઉથી જણાવી દઉં? અરે યાર, આ બધું કરવું જરૂરી છે? મોટા ભાગના પુરુષ કહેશે, વિમેન્સ ડે છે, કંઈક તો કરવું જ પડશે. કેટલાક સમજદાર પુરુષો વળી સલાહ આપશે, ઘરનાં સુખશાંતિ જાળવી રાખવાં હોય તો કાગડીને પણ બકુડી-બકુડી કહીને બોલાવવી પડે. અહીં સવાલ એ કે પુરુષોને ખરેખર પત્નીને સ્પેશ્યલ ફીલ કરાવતાં આવડે છે કે પછી આ ગતકડાંઓ વિમેન્સ ડે પૂરતાં જ છે? ભાઈલોગ, માથું નહીં ખંજવાળો. અમે જાણીએ છીએ કે પત્નીને ખુશ રાખવી અઘરું કામ છે. અને એટલે જ આજે અમે તમને પત્નીનું દિલ જીતવાના અફલાતૂન આઇડિયાઝ બતાવવાના છીએ. અને હા, આ લવ ટિપ્સ એક દિવસ પૂરતી નથી, હરહંમેશ માટે એને ફૉલો કરવાની છે.
ક્યાં ફેલ થાઓ છો?
ADVERTISEMENT
મૂવી, ડિનર કે હૉલિડે પૅકેજ જેવી મટીરિયલિસ્ટિક વસ્તુથી હંમેશાં પત્નીનું દિલ જીતી શકાતું નથી. મોટા ભાગના પુરુષો આ ભૂલ કરે છે. પંદર વર્ષથી કાંદિવલીમાં પ્રૅક્ટિસ કરતાં સાઇકોલૉજિસ્ટ ઍન્ડ કપલ થેરપિસ્ટ હિમા બૌઆ આવી વાત કરતાં જણાવે છે, ‘આજકાલ સોશ્યલ મીડિયાનું એટલુંબધું ઇન્ફ્લુઅન્સ છે કે પુરુષો રીલ્સ જોઈને વાઇફ માટે સરપ્રાઇઝ પ્લાન કરે છે. સ્પેશ્યલ ફીલ કરાવવાના આઇડિયાઝ તે ઇન્ટરનેટ પર શોધે છે. આમ કરવાથી ઓકેઝન સચવાઈ જશે અને વાઇફને પણ ગમશે એવું મગજમાં બેસી ગયું છે. પત્નીને ભેટસોગાદો આપવી કે ડિનર પર લઈ જવી સારી વાત છે, પરંતુ હંમેશાં લૉજિકલ બનો ત્યારે નિષ્ફળ જાઓ છો. જીવનના દરેક તબક્કામાં સ્પેશ્યલ ફીલ કરાવવાની વ્યાખ્યા બદલાય છે. લગ્નની શરૂઆતનાં વર્ષોમાં પાર્ટી અને ગિફ્ટ્સ ચોક્કસ ઍટ્રૅક્ટ કરે છે. જેમ-જેમ લગ્નજીવન આગળ વધે છે તેની પસંદગી અને શોખ બદલાય છે. ગિફ્ટ આપવી એ જવાબદારીમાંથી છૂટી જવા જેવી વાત છે પણ પુરુષો સ્ટિરિયોટાઇપ અપ્રોચમાંથી બહાર નથી નીકળતા તેથી પત્નીને સ્પેશ્યલ ફીલ થતું નથી.’
ઘાટકોપર અને અંધેરીમાં ક્લિનિક ધરાવતા રિલેશનશિપ કાઉન્સેલર ઍન્ડ સેક્સોલૉજિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘મટીરિયલિસ્ટિક વસ્તુનું મહત્ત્વ છે અને એ ફુલફિલ થવા છતાં સ્પેશ્યલ ફીલ નથી થતું એનું કારણ છે સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ અને ટાઇમ. આપણે ક્રેડિટ કાર્ડથી ખુશી ખરીદવામાં રચ્યાપચ્યા રહીએ છીએ એમાં સ્પેશ્યલ ફીલિંગ કોને કહેવાય એ અવેરનેસ આવતી નથી. કોઈ ખાસ દિવસે ગિફ્ટ અથવા સમય આપીને પુરુષો માને છે કે વાઇફને મારાથી જે એક્સ્પેક્ટેશન હતું એ આપી દીધું. વિમેન્સ ડે, બર્થ-ડે અથવા ઍનિવર્સરીના દિવસે મટીરિયલિસ્ટિક અથવા નૉન-મટીરિયલિસ્ટિક વસ્તુ આપી દો અને બાકીના ત્રણસો બાસઠ દિવસ પત્નીને સ્પેશ્યલ ફીલ કરાવવાનો મનમાં વિચાર નથી આવતો તો તમારી રિલેશનશિપ ફેલ છે. સ્પેશ્યલ ફીલિંગની પરિભાષા તદ્દન જુદી છે, જે પહેલાં ઑબ્ઝર્વેશનથી અને પછી ઇમ્પ્લિમેન્ટ કરવાથી આવે છે.’
આ પણ વાંચો: પાર્ટનર પણ પગભર જોઈએ
આ એક્સપેક્ટેશન છે
વાઇફને સ્પેશ્યલ ફીલ કરાવવાની મસ્ટ ફૉલો ટિપ્સ શૅર કરતાં ડૉ. શ્યામ કહે છે, ‘સૌથી પહેલાં તમારો અનડિવાઇડેડ ટાઇમ આપો. ઘણા પુરુષો ઘરમાં આવીને મોબાઇલમાં અથવા ટીવી જોવામાં વ્યસ્ત થઈ જાય અને કહેવાય શું? ઘરમાં તો છીએ. અનડિવાઇડેડ ટાઇમનો મતલબ છે ટીવી અને મોબાઇલ બંધ. બાળકો અને વાઇફ સાથે પસાર કરવાનો સમય પણ જુદો હોવો જોઈએ. વાઇફને તમે જે અડધો કલાક આપો છો એમાં તે જીવી લે છે. બીજી ટિપ્સ છે, તેને સાંભળો. મેલ બ્રેઇન ઍનૅલિટિકલ અને ફીમેલ બ્રેઇન ઇમોશનલ છે. પત્ની બોલતી હોય ત્યારે તેને સોલ્યુશન નથી જોઈતું પણ પતિ પોતાની હોશિયારી બતાવવા જાય છે. અરે ભાઈ, તેની પાસે પ્રૉબ્લેમ્સ સૉલ્વ કરવાની બુદ્ધિ છે જ. પત્નીને જોઈએ છે કે તમે તેની વાતને ધ્યાનથી સાંભળો. તે જ્યાં સુધી સલાહ માગે નહીં, આપવાની જરૂર નથી. વચ્ચે-વચ્ચે હોંકારો આપતાં રહેશો તો તેને ખબર પડશે કે તમે કૉન્વર્સેશનમાં ઇન્વૉલ્વ્ડ છો.’
પત્નીને સ્પેશ્યલ ફીલ કરાવવાના વધુ નુસખા શૅર કરતાં ડૉ. શ્યામ આગળ કહે છે, ‘બહુ જ નાની પણ મહત્ત્વની વસ્તુ છે કૉમ્પ્લીમેન્ટ. ફિઝિકલ કૅરૅક્ટરિસ્ટિક્સ, પ્રોફેશનલ અચીવમેન્ટ્સ અને સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી આ ત્રણ બાબતમાં અપ્રિશિએટ કરો. આજનો તારો દિવસ કેવો ગયો? આટલું પૂછો. કોઈ પણ કારણસર દિવસ મુશ્કેલીભર્યો રહ્યો હોય ત્યારે સ્થિતિને સમજવાનો પ્રયાસ કરો. તમારા કૅર ઍન્ડ કમ્પૅશનથી તે સલામતી અનુભવશે. તમારા દરેક નાના-મોટા નિર્ણયમાં તેને ઇક્વલ રાઇટ્સ આપો. હું તો કહીશ, એક પર્સન્ટ વધારે આપો જેથી તેનો આત્મવિશ્વાસ વધે. રોજિંદા જીવનમાં નાની-નાની બાબતોથી પત્નીને સ્પેશ્યલ ફીલ કરાવી શકો છો, દાખલા તરીકે એક ગુલાબનું ફૂલ આપીને કહો, રસ્તામાં ફૂલવાળા પાસે ગુલાબ જોઈને મને તું યાદ આવી. આ વાત ઇન્ડિકેટ કરે છે કે તમારા દિલમાં તેની હાજરી છે. તે રડે છે, હસે છે, ઝઘડે છે, બકબક કરે છે કે જે પણ કરે છે એનાં કારણોને સમજો. તેના બિહેવિયરને જોશો પણ કારણો નહીં સમજો તો એ તમારું રીઍક્શન હશે, રિસ્પૉન્સ નહીં હોય. રીઍક્શન અને રિસ્પૉન્સ વચ્ચેના ફરકને સમજવું જરૂરી છે. હજી એક અગત્યનો પૉઇન્ટ છે ફિઝિકલ રિલેશનશિપ, જે લગ્નજીવનનો પાયો છે. બેડ પર જતાં પહેલાં પર્સનલ હાઇજીનનું ધ્યાન રાખો અને વ્યસનથી મુક્ત રહો. તમને સુંદરતા જોઈએ છે એમ તેને પણ તમારી પાસેથી આવી જ અપેક્ષા છે. સેક્સ્યુઅલ હેલ્થ ખરાબ થાય પછી કશું જ સ્પેશ્યલ નહીં રહે એ સમજી જાઓ.’
કૉમન ગોલ્સ બનાવો
ગ્રોઇંગ એજ સાથે વાઇફની ફીલિંગ ચેન્જ થાય એને સમજવું જરૂરી છે એવી ભલામણ કરતાં હિમા કહે છે, ‘બર્થ-ડેના દિવસે કોઈ ગિફ્ટ ન આપો, માત્ર તેની સાથે મૉર્નિંગ વૉક પર જશો તોય લાગશે કે આજે કંઈક સ્પેશ્યલ છે. ઘણા પુરુષોમાં સ્વીકારભાવ નથી દેખાતો. પહેલાં કેવી સરસ લાગતી હતી, હવે જો કેવી થઈ ગઈ. પત્નીના ફિઝિકલ, મેન્ટલ સ્ટેટ અને ચૉઇસમાં આવેલા પરિવર્તનને સમજવાથી તમારો પોતાનો અપ્રોચ પણ બદલાશે. કોઈ પણ પ્રકારની સલાહ-સૂચના આપ્યા વિના, જજમેન્ટલ બન્યા વગર પત્નીની વાતોને કાન દઈને સાંભળવાથી તે સ્પેશ્યલ ફીલ કરે છે. કેટલાક પુરુષો પોતાને બ્રૉડ-માઇન્ડેડ બતાવવા કહે છે, અમે બન્ને પોતાપોતાની રીતે મજા કરીએ. આ વિચારધારાના કારણે સ્પેશ્યલ ફીલિંગ શબ્દનો છેડ ઊડી જાય છે. આજની લાઇફમાં કૉમન કપલ ગોલ્સ પણ મિસિંગ છે. આ એક કામ દિવસમાં સાથે કરીશું, છ મહિના પછી મૅરથૉનમાં સાથે દોડીશું, ફલાણી
જગ્યાએ હાઇકિંગ કરવાનો ટાર્ગેટ જેવા કૉમન ગોલ્સ બનાવવા જરૂરી છે. એને અચીવ કરવા મૅક્સિમમ ટાઇમ સાથે સ્પેન્ડ કરશો. પત્નીને સ્પેશ્યલ ફીલ કરાવવાના આવા અનેક તરીકાઓ તમારે જાતે શોધવાના છે.’
ભાઈલોગ, આટલા ઍકર્ટ્સ નાખો
લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પર મળતા ડિવિડન્ડ જેટલું જ મહત્ત્વ મહિલાઓ માટે કૉમ્પ્લીમેન્ટ્સનું છે. લગ્નજીવનના દાયકાઓ વીતી ગયા પછી પણ આ કીમિયો વાઇફને સ્પેશ્યલ ફીલ કરાવે છે.
ઇન્ટરનેટના યુગમાં મોબાઇલ દ્વારા ટેક્સ્ટ મેસેજ, ઇમોજિસ કે વૉઇસ નોટ મોકલવા સરળ છે, જ્યારે પત્નીને રીઝવવા પ્રેમપત્ર લખવો પડે.
તમારી સ્ટિરિયોટાઇપ વીક-એન્ડ સ્ક્રિપ્ટમાં ટ્વિસ્ટ લાવો. ડિનર અને મૂવીને સાઇડમાં મૂકી નવી વસ્તુ શીખો. આજકાલ આર્ટ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, મડ આર્ટિકલ્સ વગેરે શીખવતી વર્કશૉપ ટ્રેન્ડી છે.
પ્રોફેશનલ્સ ગોલ્સની જેમ રિલેશનશિપ ગોલ્સ સેટ કરો. આજથી પાંચ, દસ કે પંદર વર્ષ પછી તમે અંગત સંબંધોને કયા લેવલ સુધી લઈ જવા માગો છો એની ચર્ચા કરો.
દુનિયાની પરવા કર્યા વિના કોઈક વાર જાહેરમાં વાઇફનો હાથ પકડીને ચાલો.
માત્ર સુંદરતાનાં જ નહીં, પત્નીની બુદ્ધિનાં પણ દિલ ખોલીને વખાણ કરો.