ડાયટ પ્લાન ફોલો કરવા લાગ્યા છે એમ છતાં પ્રોટીનની કમીની સમસ્યા કેમ હજી આટલી મોટી છે. તે સૌ કોઈએ સમજવા જેવું છે.
બિન્દાસ બોલ
પ્રતીકાત્મક તસવીર
ખેતીપ્રધાન દેશ ભારતમાં દરેક પદાર્થની ઉપજ થાય છે. ખાદ્ય પદાર્થોથી ભરપૂર આપણા દેશમાં તેમ છતાં ૮૦ ટકા લોકોમાં પ્રોટીનની અછત છે એવું એક તાજેતરમાં એક રિપોર્ટમાં બહાર આવ્યું છે. ગરીબ-શ્રીમંત દરેક લોકોમાં, ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં પ્રોટીનની ઊણપ ધરાવનારાઓ છે.
વિચારવાલાયક સવાલ એ છે કે સાક્ષરતા વધી છે, લોકો હેલ્થ પ્રત્યે જાગૃત પણ થવા લાગ્યા છે. ડાયટ પ્લાન ફોલો કરવા લાગ્યા છે એમ છતાં પ્રોટીનની કમીની સમસ્યા કેમ હજી આટલી મોટી છે. તે સૌ કોઈએ સમજવા જેવું છે.
ખીચડી - કઢી, ઈડલી - સાંભાર, દાળ ભાત આવા દરેક કોમ્બિનેશન જે પહેલેથી જ બનેલા છે એના મહત્વના કારણો છે શરીરને લાગતા પ્રોટીન અનાજ અને કઠોળના સંયોજનથી જ મળે કારણકે આપણા શરીરમાં કુલ વીસમાંથી નવ મહત્વપૂર્ણ અમીનો એસિડ છે જે અનાજ, કઠોળ, ડેરી પ્રોડક્ટ, ડ્રાયફ્રુટ દ્વારા મળે છે. પરંતુ વનસ્પતિ દ્વારા ઉગતા અનાજ અને કઠોળમાં નવેનવ અમીનો એસિડ નથી હોતા. અનાજ અને કઠોળ બન્નેનું સંયોજન પ્રોટીન માટે જરૂરી છે. માત્ર કઠોળના પ્રોટીનથી અધૂરું પ્રોટીન મળે છે, પણ પણ લોકોમાં આ બાબતે જાગૃતિ ઓછી છે ડાયટમાં સૌ કોઈ ખૂબ ઘેલા બન્યા છે પરંતુ સાચી દિશામાં ડાયટ કરી રહ્યા છે કે નહીં એને જાણવું ખૂબ જરૂરી છે.
એક તરફ લોકો ચટાકેદાર ટેસ્ટી ખાવાના શોખમાં ભરપૂર જંક ફૂડ ખાતા થઈ ગયા છે. ૨૪ કલાક ઘર સુધી ફૂડ ડિલિવરી કરતી સર્વિસના કારણે લોકોમાં આળસ વધતી જાય છે જેને કારણે બહારનું ખાવાનું ચલણ ખૂબ વધ્યું છે. જન્ક ખાનારાઓને એ પડી નથી કે તેમના શરીરમાં જે કચરો નંખાઈ રહ્યો છે એ કેટલો અનહેલ્ધી છે. તો બીજી બાજુ હેલ્થ કૉન્શ્યસ લોકો એટલું ઓવર ડાયટિંગ કરે છે કે તેઓ પૂરતું ભોજન જ નથી લેતા. જે લે છે એ પણ પોષણની દૃષ્ટિએ બૅલૅન્સ્ડ નથી હોતું. આ બન્ને અંતિમો છે અને બન્ને ખોટા છે. શરીરના યોગ્ય ગ્રોથ માટે પ્રોટીન ભોજનમાં પૂરતું લેવાય એ માટે જાગવાની જરૂર છે. દિવસ દરમિયાન તમે જે ખાઓ છો એને રાત્રે એક વાર ચેક કરો કે કેટલું પ્રોટીન ખાધું? માત્ર વેજીટેબલ અથવા ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ પનીર પર ફોકસ ના કરો. શરીરમાં દરેક તત્ત્વનું મહત્વ છે. માટે સૌ કોઈ સમતોલ આહારના મહત્વને સમજી જશે તો જ પ્રોટીનની ઊણપ દૂર કરી શકાશે.
શબ્દાંકનઃ ભાવિની લોડાયા