પાનવે પહેલાંથી જ નક્કી કરેલું કે જ્યાં સુધી કોઈ કૉમ્પિટિશન જીતીશ નહીં ત્યાં સુધી કોઈને જાહેર નહીં કરું કે હું તીરંદાજી શીખી રહ્યો છું.
રાઇઝિંગ સ્ટાર
પાનવ શાહ
‘નાનો છે’, ‘પાતળો છે’, ‘કરી નહીં શકે’ એવાં મહેણાં મારનારા ભલભલાની કાંદિવલીના પાનવ શાહે બોલતી બંધ કરી દીધી છે. મહાભારતમાં જોયેલા ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપે પાનવના જીવનની દિશા બદલી નાખી ને એ બની ગયો છે ધનુર્ધારી. નવ વર્ષના પાનવે હાલમાં જ જીત્યા છે તીરંદાજીના બે સુવર્ણ પદકો.
લૉકડાઉનના કપરા કાળમાં કેટલાંય બાળકો મોબાઇલને હવાલે થયાં હતાં ત્યારે કાંદિવલીમાં રહેતાં કેતન શાહ અને તેમનાં પત્ની વિધિબહેનને વિચાર આવ્યો કે સમય ભલે બદલાયો, પણ અમે અમારા બાળકને સ્ક્રીન્સના હાથે બરબાદ થવા નહીં જ દઈએ. એ વિચારે તેમણે દીકરા પાનવ સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવવાનો શરૂ કર્યો. એ સમયે ફરીથી શરૂ થયેલા મહાભારત અને રામાયણ એ લોકો સહપરિવાર જોતા અને એમાંથી પાનવનું ધ્યાન ખેંચાયું ધનુર્ધારી અર્જુનની ધનુર્વિદ્યા પર. પછી શોધખોળ ચાલી ધનુર્વિદ્યા શીખવતા વર્ગો એટલે કે ‘આર્ચરી ક્લાસ’ શોધવાની.
જોકે આમાં સહેલાઈથી ઍડ્મિશન મળે એમ નહોતું. એ જોયેલું ત્યારે પાનવ માંડ ચાર-પાંચ વર્ષનો હશે એવું જણાવતાં પાનવના પપ્પા કેતન શાહ કહે છે, ‘પાનવ ત્યારે છએક વર્ષનો થયો ત્યારે શોધવાનું શરૂ કરેલું. જ્યાં પૂછીએ ત્યાં લોકો કહે કે એ તો નાનો છે એટલે હમણાં રહેવા દો. પણ પાનવને તો ચાનક ચડેલી કે શીખવી છે તો આર્ચરી જ! એટલે અમે શોધખોળ ચાલુ રાખી.
ADVERTISEMENT
પાનવની મમ્મી એની સ્કૂલના દિવસોમાં બાસ્કેટબૉલ ટીમમાં ઘણી ઍક્ટિવ હતી અને હું પણ નાનપણમાં સ્કાઉટિંગમાં સ્ટેટ અવૉર્ડ જીતેલો એટલે જીવનમાં સ્પોર્ટ્સને કારણે આવતી ડિસિપ્લિનને અમે સારી રીતે સમજીએ. અમારી ઇચ્છા તો હતી જ કે પાનવ કોઈ એક સ્પોર્ટ્સમાં પારંગત બને, પણ ખ્યાલ નહોતો કે એ આવી સ્પોર્ટ નક્કી કરશે.’ આ વિદ્યા શીખવાનું મુખ્ય પ્રેરક બળ એવા મહાભારત અને રામાયણ પ્રત્યેનો લગાવ આમેય પાનવને નાનપણથી જ હતો. એ વિશે વધુ વાત કરતાં પાનવની મમ્મી વિધિ શાહ કહે છે, ‘નાનપણથી જ એ આધ્યાત્મિક ખરો. એ ગર્ભમાં હતો ત્યારે મેં પણ ગીતાપાઠ કરેલા અને મહાભારત વાંચેલું. કદાચ એને લીધે આ આવ્યું હશે. નાનપણથી જ પાનવ નિયમિત પૂજાપાઠ કરે છે. મહાભારત જોતા ત્યારે એ અર્જુનની બાણવિદ્યાથી ખૂબ જ પ્રોત્સાહિત થયો. હું તેને એમ કહેતી કે જીવનમાં કશુંક કરવા માટે અર્જુન જેવું લક્ષ્ય સાધવું. તું કંઈ પણ કરે, તારું ફોકસ એવું જ હોવું જોઈએ. તેણે આને શબ્દશ: લીધું.’
પણ ટ્રેઇનિંગ ક્યાંથી લેવી?
અમે ખુશ હતા એ બાબતે પણ આર્ચરીમાં એકઝાટકે ઍડ્મિશન મળી જાય એવું નહોતું એમ જણાવતાં પપ્પા કેતનભાઈ કહે છે, ‘ઘણી શોધખોળને અંતે પાનવ લગભગ સાડાસાત-આઠ વર્ષનો થયો ત્યારે તેને ઍડ્મિશન મળ્યું અને કાંદિવલીમાં મિલિન્દ પંચાલ સરના કોચિંગ હેઠળ પાનવની ટ્રેઇનિંગ શરૂ થઈ. શીખતી વખતે અનેક તકલીફો થઈ. તેની કોણી જે રીતે વળવી જોઈએ એમ વળતી નહોતી એટલે તેને હાથમાં વારંવાર ઈજા થતી હતી. અમુક નિશાન તો હજી પણ છે. કંઈક ખોટું થાય તો સર પણ ન ચલાવી લે એટલે પ્રૅક્ટિસ ખૂબ કરવી પડે. પહેલાં બહુ બધી સ્પર્ધાઓમાં એ નિષ્ફળ ગયો. અમે તેના પર કોઈ પ્રેશર તો નાખ્યું જ નથી. એ ભણવામાં સારો છે. આ સિવાય તેને વાંચનનો બહુ શોખ છે એટલે એ સ્કૂલનો ‘બુક ટૉકર’ છે જેમાં તે બુક્સના રિવ્યુ કરે છે. અઠવાડિયામાં ચાર દિવસ આર્ચરીના ક્લાસ કરે છે, પણ ભણવાનો ભોગ નથી દેતો. શાળામાં પણ દરેક પ્રવૃત્તિમાં આગળ રહે છે.’
જીત પહેલાં જાહેરાત નહીં
પાનવે પહેલાંથી જ નક્કી કરેલું કે જ્યાં સુધી કોઈ કૉમ્પિટિશન જીતીશ નહીં ત્યાં સુધી કોઈને જાહેર નહીં કરું કે હું તીરંદાજી શીખી રહ્યો છું. કેતનભાઈ કહે છે, ‘શરૂઆતની સ્પર્ધાઓમાં તેણે ઘણી નિષ્ફળતાઓ જોઈ હતી એટલે તેને પોતે શું શીખી રહ્યો છે એ બધાને કહેવું ગમતું નહોતું. હવે તે જાહેર કરે છે, કારણ કે જીતવાની શરૂઆત તેણે કરી દીધી છે. ૨૦૨૩ના ડિસેમ્બર મહિનામાં થયેલી જિલ્લા સ્તરની તીરંદાજીમાં સુવર્ણ પદક અને ૨૦૨૪ના જાન્યુઆરીમાં થયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં રજત પદક જીત્યો. આ પછી તાજેતરમાં પહેલીથી ચોથી ફેબ્રુઆરી દરમિયાન થયેલી નૅશનલ કૉમ્પિટિશનમાં તીરંદાજીની વ્યક્તિગત સ્પર્ધામાં એક સુવર્ણ પદક અને મહારાષ્ટ્રની ટીમ તરીકે બીજો સુવર્ણ પદક મેળવીને તેણે પોતાની એ વાતને સાબિત કરી બતાવી છે.’
બૉડી શેમિંગ...
પાનવ પહેલેથી બહુ જ પાતળો એટલે બૉડી શેમિંગ બહુ જ ફેસ કરવું પડતું એની વાત કરતાં મમ્મી વિધિ કહે છે, ‘લોકો અમનેય પહેલાંથી જ કહે કે આને કશુંક ખવડાવો. બહુ પાતળો છે, વગેરે. પણ હું પાનવને કહેતી કે તું મજબૂત છે. મૂળ તો મજબૂત હોવું જરૂરી છે, મનથી અને શરીરથી! પોતાને કોઈ સાથે સરખાવવા કરતાં જાત સાથે સરખાવો એટલે કાલ કરતાં આજે બહેતર બની શકાશે. આજે પણ એ સુવર્ણ પદક જીત્યો છે ત્યારે તેને એ જ પૂછ્યું છે કે તેના સ્કોર પહેલાં કરતાં સારા છેને? તને સારું તો લાગે છેને? એ પણ મજબૂત ખરો, કદાચ એટલે જ ૪ ફીટનો મારો પાનવ સાડાચાર ફીટની કમાન આરામથી ઉઠાવી લે છે. તેના ઘડતરમાં સ્કૂલનો પણ સારો એવો ફાળો છે. તેની પ્રવૃત્તિને શાળાએ બિરદાવી છે. તેના પ્રિન્સિપાલ માને છે કે બાળકો સ્કૂલ સિવાયની કોઈ એકાદ ઇતર પ્રવૃત્તિમાં આગળ હોવાં જ જોઈએ. ખુશીની વાત એ છે કે સ્કૂલમાં તેને ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સની જગ્યાએ કબડ્ડી, લંગડી, રિલે રેસ જેવી લોકલ સ્પોર્ટ્સ શીખવાય છે. આને લીધે જ ભારતીય સ્પોર્ટ્સને ઇન્ટરનૅશનલ લેવલે આગળ લઈ જવા પાનવ મક્કમ છે.’