જાતભાતનાં ચંપલો અને અવનવાં આસનોની સાથે-સાથે હવે છાણનાં ચંપલ અને આસન પણ આવી ગયાં છે. હમણાં અમદાવાદમાં સાત્ત્વિક મહોત્સવ યોજાઈ ગયો. એમાં ગુજરાતમાં સંભવિત રીતે પહેલી વાર છાણનાં ચંપલ અને આસન લોકો સમક્ષ મુકાયાં હતાં.
લોકો છાણનાં ચંપલને અચરજ સાથે જોઈને એને ચેક કરતા હતા. કેટલાક લોકોએ તો ચંપલ પહેરીને જોયાં પણ હતાં.
છાણનાં ચંપલ અને છાણનું આસન!
આ વાંચતાં જ મનમાં હેં! બોલાઈ જવાયું હશેને? જોકે આ હકીકત છે. જાતભાતનાં ચંપલો અને અવનવાં આસનોની સાથે-સાથે હવે છાણનાં ચંપલ અને આસન પણ આવી ગયાં છે. હમણાં અમદાવાદમાં સાત્ત્વિક મહોત્સવ યોજાઈ ગયો. એમાં ગુજરાતમાં સંભવિત રીતે પહેલી વાર છાણનાં ચંપલ અને આસન લોકો સમક્ષ મુકાયાં હતાં. લોકો તો આ યુનિક વસ્તુને આશ્ચર્ય સાથે જોતા જ રહી ગયા હતા.
ADVERTISEMENT
બે દાયકા મુંબઈમાં વિતાવનાર મૂળ કચ્છના રાજેશ શાહના પરિવારના કેટલાક સભ્યોએ છાણનાં ચંપલ અને છાણનાં આસનનો જાતે અનુભવ કર્યો અને એમાં રાહત જણાતાં તેઓ છાણની આ બનાવટને લોકો સુધી લઈ આવ્યા. આ વિશે વાત કરતાં કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના દુર્ગાપુર ગામમાં કામધેનુ ગૃહઉદ્યોગ ચલાવતા રાજેશ શાહ ‘મિડ-ડે’ સમક્ષ દાવો કરતાં કહે છે, ‘છત્તીસગઢમાં મારા મિત્ર મનોજભાઈ છાણનાં ચંપલ અને આસન બનાવે છે. તેમની પાસેથી છ મહિના પહેલાં આ વસ્તુઓ મગાવીને ઘરે અનુભવ કર્યો હતો. છાણનાં ચંપલ પહેર્યા પછી પગ દુખવા ઓછા લાગ્યા, ગૅસ-ટ્રબલ ઓછી થઈ ગઈ અને સ્ફૂર્તિ વધી ગઈ એ બધાં લક્ષણો જોવા મળ્યાં. છાણના આસન પર બેસવાથી શરીરમાં તજા ગરમી હોય એ ખેંચી લે છે. શરીરમાં લોહી જ્યાં ન પહોંચતું હોય ત્યાં બધે ઠેકાણે પહોંચાડવાનું ચાલુ કરી દે છે એ કુદરતી પ્રક્રિયા છે. મારાં મમ્મી ૮૩ વર્ષનાં છે. તેમને કમરના અને પગના દુખાવામાં રાહત થઈ અને તેમની સ્ફૂર્તિ વધી ગઈ. છાણનાં ચંપલ અને આસન રિઝલ્ટ જલદી આપે છે એ મહેસૂસ કર્યું એટલે થયું કે આ સારી વસ્તુને લોકો સુધી લઈ જઈએ.’
રાજેશ શાહ વીસ વર્ષ મુંબઈ રહ્યા છે અને બાંદરામાં લિન્કિંગ રોડ પર બુક-સ્ટૉલ ચલાવતા હતા. એ પછી પરિવાર સાથે વતન પાછા ફરેલા રાજેશ શાહ કહે છે, ‘ગાયનું છાણ અનેક રીતે ઉપયોગી છે. એ તો અમૃત જ છે, પણ આપણે એનો ઉપયોગ જે પ્રમાણે કરવો જોઈએ એ પ્રમાણે કરતા નથી અથવા તો એના પર શ્રદ્ધા નથી. આપણા પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં ગાયના છાણનું, ગૌમૂત્રનું અને ગાયનું મહત્ત્વ દર્શાવ્યું છે. અમે એ ગ્રંથોના આધારે સમજીએ છીએ કે ગ્રંથમાં લખ્યું છે એ સાચું છે. આપણાં પહેલાંનાં ઘરો લીંપણનાં હતાં જેના પર આપણે ચાલતા હતા. આજે પણ કચ્છના બન્ની વિસ્તારમાં ઘણા ભુંગાઓ છાણના લીંપણથી બનેલા છે. આપણા ઋષિમુનિઓએ ઘણું બધું સારું શોધીને આપ્યું છે, પણ આપણે કોઈ કારણસર એને અપનાવતા નથી. છાણના અઢળક ફાયદા છે એવી માન્યતાના આધારે ગ્રંથો પર વિશ્વાસ મૂકીને સમજીએ છીએ કે છાણથી આ સમાજનું કલ્યાણ થશે. મારા સારા અનુભવના આધારે વિચાર આવ્યો કે છાણનાં ચંપલ અને આસન લોકો સુધી લઈ જઈએ.’
અમદાવાદના સ્ટૉલમાં મુકાયેલાં છાણનાં ચંપલ.
છાણનાં ચંપલ અને આસનની બનાવટ અને એના ટકાઉપણા વિશે વાત કરતાં રાજેશ શાહ કહે છે, ‘મેંદા લાકડી નામની વનસ્પતિ આવે છે જે આયુર્વેદિક ઔષધિ છે. જેમ અર્જુન છાલ, જેઠીમધ, તજ હોય એવી રીતે મેંદા લાકડી આવે છે. આનો ઉપયોગ પહેલાંના સમયમાં હાડકાં તૂટી જાય ત્યારે થતો હતો. આ મેંદા લાકડીનો પાઉડર બનાવી એને છાણમાં નાખીને મિક્સ કરી દેવાનું એટલે એ કડક બની જાય અને સ્ટ્રેન્થ આવે. આપણે ચંપલ પહેરીએ ત્યારે પગમાં કેટલાક પૉઇન્ટ પર ઍક્યુપ્રેશર થતું હોય છે. એ જ્યાં થતું હોય એ પૉઇન્ટને ફૉલો કરીને રબરનાં નૉર્મલ ચંપલમાં નાના હોલ કરીને એમાં છાણ અને મેંદા લાકડીના મિક્સની ટીકડીઓ ભરાવી દેવાની એટલે છાણનાં ચંપલ તૈયાર થઈ જાય. આવી રીતે છાણ અને મેંદા લાકડીના મિશ્રણની નાની-નાની સ્ટિક બનાવી દેવાની અને એમાં વચ્ચે પાતળું હોલ બનાવી એમાંથી દોરી પરોવીને છાણનું આસન બનાવાય છે. આ આસન પર તમે બેસો, બેસીને યોગ કરો અથવા રાત્રે એના પર સૂઈ શકો છો. અંદાજે ૭૦થી ૮૦ કિલો વજન આસન ખમી શકે છે. છાણનું આ આસન ઓછામાં ઓછાં બે વર્ષ અને છાણનાં ચંપલ ઓછામાં ઓછા ૬ મહિના ટકે છે અને તૂટતાં નથી.’
અમદાવાદના સ્ટૉલમાં ભરાવેલું છાણનું આસન.
અમદાવાદમાં સ્ટૉલ પર છાણનું આસન લટકાવ્યું હતું અને ચંપલ મૂક્યાં હતાં એ જોઈને સૌકોઈને અચરજ થતું હતું અને ઘણા લોકો એની પૂછપરછ કરવાની સાથે-સાથે એને અડીને, એને પહેરીને અનુભવ કરી રહ્યા હતા. લોકોના પ્રતિસાદ વિશે વાત કરતાં રાજેશ શાહ કહે છે, ‘છાણનાં ચંપલ અને આસન જોઈને ઘણાબધા લોકોને નવાઈ લાગી કે આવું હોય! તો ઘણા લોકોએ અમને કહ્યું કે છાણથી ફાયદો થાય છે એ અમને ખબર છે; પણ આવું શોધીને તમે પ્રદર્શનમાં મૂક્યું, વેચાણમાં મૂક્યું એ અમને બીજે જડ્યું નહી. ચાર દિવસમાં જ ૨૦૦ લોકો છાણનાં ચંપલ ખરીદીને લઈ ગયા તેમ જ ૨૦ લોકો છાણનું આસન લઈ ગયા. અમને એ વાતનો રાજીપો થયો કે એ લોકો અમારી વાત સમજ્યા. છાણનાં ચંપલ અને આસનને અમે હજી આગળ વધારીશું.’
વસઈમાં રહેતા હતા અને બાંદરામાં બુક-સ્ટૉલ ધરાવતા હતા રાજેશ શાહ
એક સમયે વસઈમાં રહેતા રાજેશ શાહ કહે છે, ‘ધંધા માટે હું ફૅમિલી સાથે વતનમાંથી મુંબઈ ગયો હતો. વસઈમાં રહેતો હતો અને મારો મુંબઈના બાંદરામાં લિન્કિંગ રોડ પર બુક-સ્ટૉલ હતો. હું ૨૦ વર્ષ મુંબઈમાં રહ્યો, પરંતુ પછી ફૅમિલી સાથે હું વતન કચ્છમાં પાછો આવી ગયો હતો.’