અંતરીક્ષમાં છલાંગ માર્યા પછી હવે સાગરમાં ડૂબકી મારવાના આ મિશનની વાત કરીએ
સમુદ્રાયન
ચંદ્રયાન-૩ દ્વારા ચાંદના દક્ષિણ પોલ પર પગરણ માંડ્યા પછી હવે ભારત પૃથ્વીના પેટાળને ફંફોસવા જવાનું છે. દરિયામાં કેવો ખનિજસૃષ્ટિનો ખજાનો ભરેલો છે એ સમજવા માટે બનેલું સમુદ્રયાન પાણીમાં છ કિલોમીટર ઊંડે ત્રણ વૈજ્ઞાનિકોને લઈને જશે. અંતરીક્ષમાં છલાંગ માર્યા પછી હવે સાગરમાં ડૂબકી મારવાના આ મિશનની વાત કરીએ
ઘણી વાર વિચારતાં એવું લાગે કે કોઈ પણ પ્રોજેક્ટની સફળતા અને એના શ્રેયનું પણ અદ્દલ જિંદગી જેવું જ છે. સૌથી પહેલાં એના વિચારો એક કલ્પનાવિશ્વ રચે, એનું સ્વપ્ન જોવાય અને ત્યાર બાદ એ સ્વપ્નને સાકાર કરવા માટેનાં પગલાંઓ બાબતે એક લાંબી, થકવી નાખનારી સફરની શરૂઆત થાય. મોટા ભાગનાં સ્વપ્ન આ સફર દરમિયાન રસ્તે આવતી નિષ્ફળતામાં ક્યાંક હારી જતાં હોય છે, પરંતુ એ નિષ્ફળતાથી નિરાશ ન થઈને મંડ્યા રહે તો આખરે સફળતા તેને જ વરતી હોય છે. ભારત માટે પણ આવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. આપણી અત્યંત ગૌરવ સંસ્થા ISRO સાથે પણ આવું અનેક વાર થયું છે. ચંદ્રયાનના લૉન્ચિંગથી લઈને લેન્ડિંગ સુધીના પડાવ પર આપણે નિષ્ફળતાનો સામનો કર્યો. એ સ્વપ્ન એટલું સંવેદનશીલ હતું કે આપણા સાયન્ટિસ્ટ પોતાની આંખોમાંથી આવતાં આંસુઓને જાહેર પ્લૅટફૉર્મ્સ પર પણ રોકી નહોતા શક્યા. જોકે તેઓ હાર માન્યા વિના મંડ્યા રહ્યા અને આખરે ભારત વિશ્વનો એ પહેલો દેશ બન્યો જેણે ચંદ્રના સાઉથ પોલ પર સેફ લેન્ડિંગ કર્યું. આ મિશન દરમિયાન અને ત્યાર પછી પણ થંભ્યા વિનાની આ સફર ચાલુ રહી અને આદિત્ય L1 નામથી સૂર્ય મિશન પણ લૉન્ચ કર્યું.
ADVERTISEMENT
આ આભાસી લાગતી આકાશી સફર વાસ્તવિક બનાવ્યા બાદ ભારતે હવે સમુદ્રના પેટાળમાં પોતાની મહત્ત્વાકાંક્ષાઓ રોપવાની તૈયારી કરી લીધી છે. ભારત હવે એ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે જે સમુદ્રના પેટાળમાં સાડાછ કિલોમીટર ઊંડે માનવીને મોકલશે અને ગહેરાઈમાં પડેલાં અનેક રહસ્યોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે ‘સમુદ્રયાન’ અને આ સમુદ્રયાનની જવાબદારી જેણે પોતાના ખભે ઉઠાવી છે એ ગોળાનું નામ એટલે ‘મત્સ્ય ૬૦૦૦’. આટલી વાત જાણીને પણ આ સ્વપ્ન કેવું ફેસિનેટિંગ લાગે છે નહીં?
કહાની કંઈક એવી છે કે ગયા સોમવારે અર્થ સાયન્સ મિનિસ્ટર કિરેન રિજિજુએ NIOTની મુલાકાત લીધી હતી અને તેમણે જાહેરાત કરી હતી કે ભારતની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટેક્નૉલૉજી (NIOT) ભારતના સમુદ્રયાન મિશન અંતર્ગત એક એવી સબમર્શિબલ લૉન્ચ કરવા જઈ રહી છે જે સમુદ્રના પેટાળમાં જશે અને ઊંડાણમાં ગરભાયેલાં અનેક રહસ્યોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરશે. અચ્છા, એમાં પણ વળી આ ગૌરવ વધારે એવી એક ઑર મહત્ત્વની વાત એ છે કે આ સબમર્શિબલ હ્યુમન્સને લઈને ઊંડાણમાં જવાની છે. એક મિનિટ, આમ બધી અધૂરી-અધૂરી વાતો કરીએ એ મજા નહીં આવે, ખરુંને? થોડી કંઈક વિગતે માહિતી જાણીએ તો આનંદ બેવડાઈ જાય. સાચું કે નહીં? તો હાલો આપણે મત્સ્ય ૬૦૦૦ વિશેની આખી જન્મકુંડળી જાણી લેવાનો પ્રયત્ન કરીએ.
સમુદ્રયાન મિશન ભારતનું પહેલું એવું મિશન છે જે મેન્ડ ઓશન મિશન છે. અર્થાત્, માત્ર યંત્ર કે કૅમેરા જ નહીં, માનવીને પોતાની સાથે લઈ જનારું આ મિશન છે. ભારતની સંસ્થા NIOTએ એક સબમર્શિબલ બનાવી છે, જેમાં ત્રણ વ્યક્તિ સવાર થશે અને સમુદ્રની ગહેરાઈમાં લગભગ ૬ કિલોમીટર કરતાં વધુ ઊંડાઈએ ઊતરશે. ૨૦૨૬ સુધીમાં એની બધી તૈયારીઓ પૂરી કરી લેવામાં આવશે. હાલ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટેકનૉલૉજી આ મિશન પર કામ કરી રહી છે અને આ ડીપ સી સબમર્શિબલને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યાર બાદ એમાં અત્યાધુનિક કૅમેરાથી લઈને બીજાં અનેક એક્સપ્લોરિંગ ડિવાઇસિસ ફિટ કરવામાં આવશે. ત્યાર બાદ એનું પરીક્ષણ હાથ ધરવામાં આવશે. આ મિશનની શરૂઆત થઈ હતી ચેન્નઈમાં ૨૦૨૧ના ઑક્ટોબર મહિનામાં. ઇતિહાસના પાને દર્જ થવા જઈ રહેલો આ એ મહિનો અને વર્ષ છે જ્યારે આવું કોઈક મહત્ત્વાકાંક્ષી સપનું વાસ્તવિકતામાં પલટાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો અને બધું ધાર્યા અનુસાર પરિણામ દેખાડે તો ૨૦૨૬માં NIOT એને ભારતીય સમુદ્રમાં લૉન્ચ કરશે.
આ એક ત્રણ વ્યક્તિ સાથે થનારું મિશન છે. અર્થાત્ સબમર્શિબલ મત્સ્ય ૬૦૦૦ પોતાની સાથે ત્રણ વ્યક્તિને સમુદ્રના પેટાળમાં લઈ જશે અને તે સમુદ્રતળથી ૬૦૦૦ મીટર કરતાં વધુ ઊંડાઈએ ડાઇવ લગાવવાનો પ્રયત્ન કરશે. હાલના તબક્કે આ પ્રોજેક્ટનો મુખ્ય ટાર્ગેટ છે સમુદ્રના સમુદ્રી જીવોનો વધુ ગહેરાઈથી અભ્યાસ કરવો, પેટાળમાં સંગ્રહાયેલા વૈકલ્પિક રિસોર્સિસની શોધ કરવી અને દેશ એના દ્વારા કેટલી હદે અને કઈ રીતે બાયો-ડાયવર્સિટી મેળવી શકે એની શક્યતા ચકાસવી.
મત્સ્ય ૬૦૦૦
આ મિશનને સફળતા અપાવવાની જવાબદારી જેને સોંપાઈ છે એ ‘મત્સ્ય ૬૦૦૦’ શું છે? મત્સ્ય ૬૦૦૦ એક સબમર્શિબલ છે જેની સમુદ્રના પેટાળમાં ૬૦૦૦ મીટર જેટલા ઊંડે જવાની કાબેલિયત હશે. આ મિશન અને એ માટેના સબમર્શિબલની ડિઝાઇન અને બનાવટ NIOT - ઇસરો સાથે મળીને કરી રહી છે. કુલ ૬૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલી આ મત્સ્ય ૬૦૦૦ સબમર્શિબલ ટાઇટેનિયમ ધાતુમાંથી બનાવવામાં આવી છે. એ અત્યંત આધુનિક અને ટેક્નૉલૉજિકલી જબરદસ્ત તો બનાવવામાં આવી જ છે. સાથે એમાં ફિટ કરવામાં આવેલા એક-એક પાર્ટનો ઝીણવટપૂર્વક રિવ્યુ કરીને ઇન્ટરનૅશનલ અસોસિએશન ઑફ ક્લાસિફિકેશન સોસાયટી પાસે એને સર્ટિફાઇડ પણ કરાવવામાં આવ્યો છે. એનો મુખ્ય આશય સમુદ્રી જીવો અને પેટાળમાં ઉપલબ્ધ ખનિજો વિશેનું સંશોધન કરવાનો રહેશે. ૨૦૨૪ના મધ્યમાં તો આ સબમર્શિબલ ટ્રાયલ માટે તૈયાર પણ થઈ જશે, પણ એનું લૉન્ચ આપણે આગળ કહ્યું એમ ૨૦૨૬માં થશે એવો હાલના તબક્કે ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. એમાં બેસાડવામાં આવેલી બૅટરી સામાન્ય સંજોગોમાં ૧૨થી ૧૬ કલાક સુધીની સફર કરાવી શકશે. અર્થાત્, એક વાર સમુદ્રના પેટાળમાં જઈને આપણા વૈજ્ઞાનિકો ૧૨થી ૧૬ કલાક સુધી તેમની શોધખોળ અને સંશોધનનું કામ કરી શકશે. એથીયે મહત્ત્વની વાત એ છે કે જો બધું સુખરૂપ રહ્યું તો આ બૅટરી લાઇફ સાથે આ સબમર્શિબલ ૯૬ કલાક સુધી એમાં બેઠેલા વૈજ્ઞાનિકોને ઑક્સિજન પૂરો પાડી શકશે. મતલબ કે ૯૬ કલાક સુધી ત્રણ માણસો સમુદ્રની ૬૦૦૦ મીટરની ગહેરાઈમાં રહીને સંશોધનનું કામ કરી શકશે. ૨.૧ મીટરની પહોળાઈવાળું આ સબમર્શિબલ એટલી તાકતવર બનાવવામાં આવી છે કે સમુદ્રની આટલી ઊંડી ગહેરાઈમાં જે પ્રેશર હોય છે એના કરતાં છગણું વધુ પ્રેશર એ સહન કરી શકશે.
પર્યાવરણને સૌથી પહેલાં મહત્ત્વ આપીને બનાવવામાં આવેલી આ સબમર્શિબલ મત્સ્ય ૬૦૦૦ કોઈ પણ દૃષ્ટિએ પૃથ્વી કે સમુદ્રની ઇકો-સિસ્ટમને હાનિ પહોંચાડે એવી બનાવવામાં નથી આવી. એટલું જ નહીં, આ યાન એટલું માતબર બનાવવામાં આવ્યું છે કે એ ભારતની બ્લુ ઇકૉનૉમી પૉલિસીનો હિસ્સો બન્યું છે. અર્થાત્, એ સમુદ્રના પર્યાવરણને કોઈ પણ રીતે હાનિકારક નથી.
ભારત છઠ્ઠો દેશ બનશે
સમુદ્ર વિશેનું આપણું જ્ઞાન વધારી શકે, વળી સમુદ્રમાં કઈ-કઈ ખનિજ-સંપત્તિ ઉપલબ્ધ છે અને મનુષ્યને એ કઈ રીતે ઉપયોગમાં આવી શકે છે એ વિશે પણ દરિયાનું વાતાવરણ ડહોળ્યા વિના આ મિશન અત્યંત ગહન જાણકારી મેળવશે. શક્ય છે આ મિશનને કારણે સમુદ્ર-પર્યટનનો એક નવો વિકલ્પ પણ ભવિષ્યમાં ઉજાગર થાય.
અત્યાર સુધીમાં પાંચ દેશો લગભગ ૪.૮ બિલ્યન ડૉલરના ખર્ચે આવા કોઈક ‘સબ સી મિશન’ કરી ચૂક્યા છે. હવે આ મિશન બાદ ભારત એ દેશોના જૂથમાં છઠ્ઠા દેશ તરીકે સામેલ થવા જઈ રહ્યું છે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જપાન અને ચીન બાદ હવે ભારત આકાશ તરફ ચંદ્રયાન અને સમુદ્ર તરફ સમુદ્રયાન દ્વારા પૃથ્વીની બને સીમાઓને લાંઘવા જઈ રહ્યું છે. આ બધા જ પાંચેય દેશોએ એક સ્પેશિયલિસ્ટ ટેક્નૉલૉજી અને વેહિકલ્સનો ઉપયોગ કર્યો છે, પરંતુ સમુદ્રને અને એના વાતાવરણને કોઈ રીતે હાનિ ન પહોંચે એવા બ્લુ સી ઇકૉનૉમી સાથે સમુદ્રયાન લૉન્ચ કરવા જઈ રહેલો ભારત એકમાત્ર દેશ છે. આ પાંચેય દેશોએ જ્યારે-જ્યારે આવું કોઈ મિશન કર્યું છે ત્યારે એક યા બીજી રીતે સમુદ્રને કે એના પર્યાવરણને ઓછી યા વધતી હાનિ પહોંચાડી હશે, પરંતુ ભારતનું આ મિશન સમુદ્રને કોઈ પણ દૃષ્ટિએ હાનિ નહીં પહોંચાડે.
હમણાં સુધીમાં ભારતને ૧૦૦૦થી ૫૫૦૦ મીટરની ઊંડાઈ સુધી સમુદ્રમાં શું-શું મળે છે એ વિશેની જાણકારી મળી છે. એમાં નિર્જીવ ખનિજોની વાત કરીએ તો પૉલિમેટેલિક મેગ્નેસિસ, ગૅસ હાઇડ્રેટ્સ, હાઇડ્રો-થર્મલ સલ્ફાઇડ્સ અને કોબાલ્ટ જેવાં ખનિજો સમુદ્રની ૫૫૦૦ મીટર ઊંડાઈ સુધી મળે છે. જોકે એથી વધુ ઊંડે સમુદ્ર પોતાની ગહેરાઈમાં કયાં-કયાં અને કેવાં રહસ્યો સંગ્રહીને બેઠો છે એ વિશે હજી આપણને કોઈ જાણકારી નથી. ચીન સમુદ્રની ૧૦,૯૦૯ મીટર જેટલી ગહેરાઈએ એના ફેન્ડુઝ મિશન દ્વારા હમણાં સુધીમાં પહોંચી ચૂક્યું છે. હમણાં સુધી ભારત ચંદ્ર વિશેની અને હવે તો ચંદ્રના સાઉથ પોલ વિશેની પણ માહિતી મેળવતો દેશ બની ચૂક્યું છે. સાથે આદિત્ય L1ની સફળતાને કારણે હવે સૂર્ય વિશે પણ આપણે અનેક માહિતીઓ મેળવી શકીશું. હવે ભારતની સીમાના બે મુખ્ય સમુદ્રો બે ઑફ બંગાળ અને અરબી સમુદ્રના પેટાળમાં જઈને ત્યાંથી પણ માહિતીઓ મેળવી શકીશું.
આપણા માટે પણ હવે એ સમય દૂર નથી જ્યારે સમુદ્રના અત્યંત ઊંડા પેટાળ સુધી આપણે પણ હરણફાળ ભરી શકીશું. પેલું કહેવાય છેને ‘જહાં ચાહ હૈ વહાં રાહ હૈ!’ નાની હોડી લઈને માછલી પકડતા શીખેલા માનવીએ એ સમયે ક્યાં વિચાર્યું પણ હશે કે ભવિષ્યમાં હું આ જ સમુદ્રની એટલી ઊંડાઈ સુધી પહોંચીશ જ્યાં સમુદ્ર અનેક રહસ્યોનો ગર્ભ સંગ્રહીને બેઠું હશે.
હાથ લાગ્યો ખનિજનો ખજાનો
તમે નહીં માનો પરંતુ આજકાલ દેશમાં રોજેરોજ એટલું બધું નવું બની રહ્યું છે, દેશ રોજ ને રોજ કોઈ એવી નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યો છે કે કેટલીયે માહિતીઓ વિશે તો આપણને ખબર સુધ્ધાં નથી. જેમ કે શું આપણે જાણીએ છીએ કે ભારતના દરિયાઈ છોર પર આવેલા ભુવનેશ્વરમાં સ્થિત સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ફૉર મિનરલ્સ ઍન્ડ મટીરિયલ્સ ટેક્નૉલૉજી જે CSIRનો હિસ્સો છે એણે હમણાં ડીપ સી એક્સ્પ્લોરેશન કરી પૉલિમેટેલિક મૉડ્યુલ શોધી કાઢ્યું હતું. કદાચ સાયન્સ કે ફિઝિક્સ નહીં સમજતા આપણા જેવા સામાન્ય માણસને આ કઈ બલાનું નામ છે એ ખબર પણ નહીં પડે; પરંતુ આ મૉડ્યુલ મૅન્ગેનીઝ, કોબાલ્ટ, કૉપર અને નિકલ જેવાં ખનિજોથી અત્યંત સમૃદ્ધ મૉડ્યુલ છે જે આવનારા દિવસોમાં ભારત અને ભારતના અર્થતંત્રની શકલ-ઓ-સૂરત બદલી શકે છે.
10,909
ચીને સ્ટાઇવર નામના વેહિકલથી દરિયામાં આટલા મીટર ઊંડે સુધી ડૂબકી લગાવવામાં સફળતા મેળવી છે.