Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > અત્યારે આપણું ભારત દુનિયા માટે ભાગ્ય વિધાતા બની શકવા સમર્થ

અત્યારે આપણું ભારત દુનિયા માટે ભાગ્ય વિધાતા બની શકવા સમર્થ

23 February, 2024 09:50 AM IST | Mumbai
Swami Satchidananda

ક્રાંતિકારી વિચારધારા ધરાવતા પદ્‍મભૂષણ સ્વામી સચ્ચિદાનંદે ધર્મની ટિપિકલ વ્યાખ્યા તોડવાનું કામ તો કર્યું જ છે, પણ સાથોસાથ તેમણે હંમેશાં પ્રયાસ કર્યો છે કે લોકોની રાષ્ટ્રભાવના પ્રબળ થતી રહે.

પદ્‍મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ

પદ્‍મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ


ક્રાંતિકારી વિચારધારા ધરાવતા પદ્‍મભૂષણ સ્વામી સચ્ચિદાનંદે ધર્મની ટિપિકલ વ્યાખ્યા તોડવાનું કામ તો કર્યું જ છે, પણ સાથોસાથ તેમણે હંમેશાં પ્રયાસ કર્યો છે કે લોકોની રાષ્ટ્રભાવના પ્રબળ થતી રહે. જે રાષ્ટ્રની પ્રજામાં દેશભક્તિ નથી એ દેશથી વધારે ગરીબ દેશ જગતમાં કોઈ નથી એવું સ્પષ્ટતા સાથે કહેતાં સ્વામીજી ‘મિડ-ડે’ની ૨૯મી વર્ષગાંઠ નિમિત્તે રજૂ કરાયેલી ‘ભારત ભાગ્ય વિધાતા’ની થીમના સંદર્ભ સાથે વાત કરે છે ભારતની...

ભગવદ્ગીતા । શ્ળોક ૭૮ । અધ્યાય ૧૮ 


यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः । 
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ।।



અર્થાત્: સફળ જીવન માટે જીવનમાં કોની હાજરી હોવી જોઈએ એ સમજાવે છે ગીતાનો આ શ્ળોક. શ્રીકૃષ્ણ કહે છે, ‘જ્યાં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ છે અને જ્યાં ગાંડિવ ધનુષધારી અર્જુન છે ત્યાં જ વિજય, વિભૂતિ અને અચલ નીતિ છે.’ કહેવાનું એટલું જ કે જીવનમાં ભગવાન અને શિક્ષક કે ગુરુની હાજરીથી વ્યક્તિ સફળતા અને સમૃદ્ધિ તો મેળવે જ છે, પરંતુ નૈતિક રીતે પણ સબળ બને છે. ભગવાન અને ગુરુ જીવનના સાચા પથદર્શક બની શકે છે જો આપણે શ્રદ્ધા રાખીએ તો.  


નાગ​રિકે રાષ્ટ્રને માન નથી આપ્યું કે રાષ્ટ્રપ્રેમને સર્વોપરી નથી ગણ્યો એ રાષ્ટ્રથી દુઃખી બીજું કોઈ નથી. એક સમય હતો કે આપણે ત્યાં પણ ભારત માટે પ્રજાને એવી લાગણી નહોતી, પણ છેલ્લા એક દશકમાં એ વાત બદલાઈ છે અને બદલાયેલી એ ભાવના જ મને આશાવાદી બનાવે છે કે નજીકના સમયમાં આપણું રાષ્ટ્ર વિશ્વની ત્રીજી કે ચોથી મહાસત્તાના સ્થાને હશે. ખરા અર્થમાં ભારત ભાગ્ય વિધાતા પુરવાર થશે. 

જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓથી આપણે નાસીપાસ થઈ જતા હોઈએ છીએ. મારી સાથે પણ એવું બન્યું. સંસાર છોડવાની અદમ્ય ઇચ્છા હતી. સંસાર છોડ્યો ત્યારે મને જીવન પ્રત્યે અસાર હતો, પ્રત્યેક શ્વાસ ભારરૂપ લાગતો હતો અને દરેક ક્ષણ અસહ્ય હતી. મોત વહાલું કરવું હતું, પણ એ મોત પછી ફરીથી જન્મ લેવાની પણ કોઈ ખ્વાહિશ નહોતી અને એટલે જ જીવન ટૂંકાવવાને બદલે મોક્ષની શોધમાં મેં ભારતભ્રમણ શરૂ કર્યું. 


મોક્ષ. હા, મારી તો એ જ યાત્રા હતી. એ સિવાયની કોઈ યાત્રામાં મને રસ નહોતો.
મને એવા ગુરુની શોધ હતી જે મારા જીવનને મોક્ષના માર્ગ તરફ લઈ જાય. જોકે મારી એ યાત્રા દરમ્યાન મને એવા-એવા અનુભવો થયા, એવી-એવી ઘટનાઓ જોઈ અને ધર્મના નામે દેશમાં ચાલતી ધર્માંધતા મેં જોઈ એ પછી મને થયું કે જો સૌથી મહત્ત્વનું કંઈ હોય તો લોકોના મનમાં ધર્મના નામે જે ડર છે એ ડર દૂર કરવાની પ્રક્રિયા થાય તો એ સૌથી ઉત્તમ છે અને જીવનને એક એવો ઉદ્દેશ મળ્યો જે ક્યાંક ને ક્યાંક સહજ અને સરળ રીતે જવાબદારી આપવાનું કામ કરી ગયો. સૌ સાથે જ રાષ્ટ્રહિતની ભાવનાને સાચા અર્થમાં લોકો સુધી પહોંચાડવાની તીવ્ર જરૂરિયાત જણાઈ.

જુઓ, કદાચ કોઈકને જે લાગવું હોય એ લાગે, પણ મેં ક્યારેય કોઈ વાતનો પક્ષ લેવામાં ખચકાટ નથી કર્યો તો ક્યારેય કોઈ વાતને અવગણવામાં પણ ખચકાટ નથી રાખ્યો. દૂધ-દહીંમાં પગ રાખવાની પ્રક્રિયા મને ક્યારેય ગમી નથી. મને યાદ છે કે ગુજરાતમાં જ્યારે નર્મદા બંધની ઊંચાઈ માટે એ સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર સામે આંદોલન શરૂ કર્યું ત્યારે તેમની સાથે જોડાવામાં મને ખચકાટ નહોતો, કારણ કે વાત રાષ્ટ્રહિતની હતી. જો તમે તમારા ઘરની સુખાકારી ન જોઈ શકતા હો તો કેવી રીતે ખુશી-ખુશી ઘરમાં રહી શકો? મારો આશ્રમ એ જ મારું ઘર નહીં; પણ મારું રાજ્ય, મારો દેશ મારું ઘર અને એ ભાવ રાખવો જ પડશે. જોકે એ માટે સૌથી પહેલાં અૈક્યભાવ મનમાં લાવવો પડે અને એ ભાવ ત્યારે જ આવે જ્યારે તમે તમારું સાંસારિક ગણિત છોડીને, શાસ્ત્રોમાં કહેવાઈ છે એ ધર્મની ટિપિકલ રૂપરેખા છોડીને રાષ્ટ્રધર્મનો ભાવ અપનાવો.

આપણે ત્યાં સૌથી અ​ગ્રિમ હરોળમાં ધર્મને મૂકવામાં આવે છે જેના માટે આપણા સાધુબાવાઓ જવાબદાર છે. એ લોકોએ પ્રજાને ડરાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. બીકના માર્યા લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે અને સાધુબાવાઓ તેમની પાસે એ બધું કરાવવા તત્પર રહે છે જે તેમના સ્વાર્થની વાત હોય છે. આ માન​સિકતા તોડવામાં આવે એ આવશ્યક છે. નહીં તો આ દેશમાં આસારામ અને રામરહીમ જેવા પાંખડીઓ આવ્યા જ કરશે અને ધર્મ કલંકિત થયા કરશે. મને લાગે છે કે આ દેશની આ એક જ સૌથી મોટી મજબૂરી છે જે ક્યાંક ને ક્યાંક આગળ વધતા રાષ્ટ્રના પગ પકડી એનો ભાર વધારવાનું કામ કરી શકે છે.

દુનિયાની મજબૂરી જુઓ. તમારે ડૉક્ટર બનવું હોય તો ભણવું પડે, પણ સંસાર સુધારવાનો દાવો કરતા બાવા બનવું હોય તો તમે અભણ હો તો પણ ચાલો. મને લાગે છે કે પાખંડને દૂર કરવા સરકાર પગલાં લે કે પછી હસ્તક્ષેપ કરે એના કરતાં સંસારી જાગૃત થાય એ વધારે જરૂરી છે. જાગૃતિ માટે અભિયાન મદદ કરે એના કરતાં અભિજ્ઞાન વધારે મદદરૂપ બને છે.
જેની પાસે પોતાની સંસ્કૃતિ હોય એ જ પોતાનાં મૂળ મજબૂત રીતે ઊંડાં ઉતારી શકે. વૈશ્વિક સંસ્કૃતિમાં ભારત પ્રથમ પાંચમાં છે એ સૌકોઈને ખબર છે અને એટલે જ ભારત પાસે પોતાની શાસનવ્યવસ્થાથી લઈને ચિકિત્સા પદ્ધતિ અને આહાર પદ્ધતિ રહી છે. ભારત પાસે ભવિષ્ય છે અને ભવિષ્ય વિના વર્તમાનનું મૂલ્ય નથી. ‘મિડ-ડે’એ પોતાના વાર્ષિક અંક માટે જે વિષય નક્કી કર્યો એ વિષય જ સૂચવે છે કે ભારતની નવી પેઢી ભારત ભાગ્ય વિધાતાના વિચાર સાથે સહમત છે, જે વિચાર પોણી સદીનીયે પહેલાં રવીન્દ્રનાથ ટાગોરે પોતાના શબ્દોમાં વ્યક્ત કર્યો હતો. ભારત ભાગ્ય વિધાતાના રૂપમાં એક સમયે હતું. એ પછી એવો પણ સમય આવ્યો કે ભારતે બીજા દેશને પોતાનો વિધાતા બનાવવો પડ્યો હોય અને એની ચાલે ચાલવું પડ્યું હોય. જોકે આગળ કહ્યું એમ છેલ્લા દશકમાં ફરી હર્ષ આવે એવા તબક્કાનું નિર્માણ થયું અને નવેસરથી આપણો દેશ ભાગ્ય વિધાતા બનવાની હરોળમાં આવી ગયો. તમે કોઈના ભાગ્ય વિધાતા હો એ સારી વાત છે, પણ ઉત્તમ વાત એ છે કે તમે વિધાતા બન્યા પછીયે નામ સરીખું ઘમંડ લાવતા ન હો. ભારતને આ વાત પણ લાગુ પડે છે. આ દશકમાં ભારતે વિશ્વના અન્ય દેશોને અઢળક મદદ કરી છે, સહાય આપી છે અને સહકાર આપ્યો છે; પણ ક્યારેય ગાઈવગાડીને કહ્યું નથી. આ ઉત્તમ સંદેશ છે અને આ જ સંદેશ તમારું વિધાતાત્વ નક્કી કરતું હોય છે.
ભારત ભાગ્ય વિધાતા જેવા ઉજ્જવળ વિચારને લોકો સમક્ષ રજૂ કરવાનું કામ ‘મિડ-ડે’એ કર્યું એ બદલ અભિનંદન અને આવતા સમયમાં પણ આ જ પ્રકારનું વિચારશીલ વાંચન આપતું રહે એ માટે શુભેચ્છા.

શબ્દાંકનઃ રશ્મિન શાહ

આવતી કાલે પણ તૈયાર રહેજો દળદાર વાંચન માટે

પ્રિય વાચકમિત્રો, 
મિડ-ડેની ૨૯મી વર્ષગાંઠનો પહેલો ભાગ તમે આગળ વાંચશો જ, પરંતુ આવતી કાલનું ‘મિડ-ડે’ જોવાનું ચૂકતા નહીં. પદ્‍મશ્રીઓનો મેળાવડો અને તેમના જીવનની મજેદાર વાતોનો ખજાનો આવતી કાલે પણ આ જ રીતે તમને વાંચવા મળશે. આવતી કાલના અંકમાં વાંચવા મળશે પદ્‍‍મભૂષણના ખિતાબથી નવાજાયેલા કમલેશ પટેલ ઉર્ફે દાજીના જીવનની મજેદાર વાતો. એ જ રીતે પારસી રંગભૂમિને જીવતી રાખનારા મજાના માણસ એવા યઝદી કરંજિયાના જીવનની વાતો, મુંબઈમાં રહીને મણિપુરી ડાન્સનો દુનિયામાં ડંકો વગાડનારાં દર્શના જવેરી, માતાની પછેડી થકી ભારતનું નામ અજવાળનારા ભાનુભાઈ ચિતારા, ભારતીય કલાને નવી દિશા આપનારા આર્ટ હિસ્ટોરિયન સરયુ દોશી, હાસ્ય સાથે દાનની સરવાણી વહાવનારા ડૉ. જગદીશ ત્રિવેદી, ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ, સામાજિક સ્તરે પર્યાવરણ અને બેટી બચાઓની મુહિમ છેડનારા વેપારી મથુર સવાણી, પીઢ અભિનેત્રી સરિતા જોશી, ભારતના બૅન્કિંગ ક્ષેત્રમાં પરિવર્તનનો શંખનાદ કરનારાં કલ્પના મોરપરિયા, કચ્છી ભાષાના પ્રચારક નારાયણ દોશી, પપેટ આર્ટના પ્રાણદાતા મહિપતરાય કવિ, ગામડાના લોકોનું જીવન સુધારનારા હીરાભાઈ લોબી અને મુંબઈની ઝૂંપડપટ્ટીઓ અને રસ્તે રઝળતા લોકોના હક માટે લડનારાં શીલા પટેલ. યસ, પદ્‍મશ્રીનું સન્માન મેળવનારાં આટલાં અને આવાં વિશિષ્ટ વ્યક્તિત્વો સાથે થયેલી મુલાકાતની ખાસંખાસ વાતો વાંચવી હોય તો આવતી કાલનો અંક લેવાનું ચૂકતા નહીં.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2024 09:50 AM IST | Mumbai | Swami Satchidananda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK