Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ખોવાયું છે, સુખનું સરનામું

ખોવાયું છે, સુખનું સરનામું

Published : 03 April, 2022 12:04 PM | IST | Mumbai
Raj Goswami

સુખી દેશોની યાદીમાં ભારતનો નંબર ગયા વર્ષના ૧૩૯માંથી ૧૩૬મા ક્રમે આવ્યો છે અને ફિનલૅન્ડ લગાતાર પાંચમા વર્ષે આ યાદીમાં નંબર વન ક્રમે આવ્યું છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ હૅપીનેસ ઇન્ડેક્સ કયા માપદંડો પર તૈયાર થાય છે અને આપણે ક્યાં સુધરવાનો અવકાશ છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સામાન્ય રીતે પ્રતિ વ્યક્તિ જીડીપી, સામાજિક સહયોગ, આયુષ્ય સીમા, જીવન જીવવાની સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચારની ધારણા જેવા માપદંડો પર વિશ્વના દેશોનો હૅપીનેસ ઇન્ડેક્સ તૈયાર થાય છે. એમાં લોકોની ખુશહાલ જિંદગીની સાથે-સાથે આર્થિક અને સામાજિક આંકડાઓ પણ ધ્યાનમાં લેવામાં આવે છે.


પૃથ્વી પર સૌથી સુખી દેશ ફિનલૅન્ડ છે અને સૌથી દુઃખી દેશ અફઘાનિસ્તાન છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ પ્રાયોજિત ૨૦૨૨ના વર્લ્ડ હૅપીનેસ ઇન્ડેક્સમાં ફિનલૅન્ડ પ્રથમ ક્રમે છે, જ્યારે અફઘાનિસ્તાન ૧૪૬મા ક્રમે છે. છેલ્લાં દસ વર્ષથી દેશોની સુખાકારી માપવાનું કામ કરતા આ ઇન્ડેક્સમાં ભારત ગયા વર્ષે ૧૩૯મા ક્રમે હતું. આ વર્ષે એમાં સાધારણ સુધારો થયો છે અને એ ૧૩૬મા ક્રમે આવ્યું છે. દક્ષિણ એશિયાનાં રાષ્ટ્રોમાંથી માત્ર અફઘાનિસ્તાનની જ ભારત કરતાં ખરાબ સ્થિતિ છે. નેપાલ (૮૪), બાંગલાદેશ (૯૪), પાકિસ્તાન (૧૨૧) અને શ્રીલંકા (૧૨૭) ભારત કરતાં ઉપરના ક્રમે છે. 
યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સૉલ્યુશન નેટવર્ક દ્વારા જારી આ ઇન્ડેક્સમાં યુરોપનો દેશ ફિનલૅન્ડ લગાતાર પાંચમા વર્ષે પ્રથમ ક્રમે છે. એની સાથે યુરોપના જ ડેન્માર્ક, આઇસલૅન્ડ, સ્વિટ્ઝરલૅન્ડ અને નેધરલૅન્ડ્સ પણ સૌથી સુખી પાંચ દેશોમાં છે. આ ઇન્ડેક્સ યુક્રેન પરના આક્રમણ પહેલાં તૈયાર કરવામાં આવ્યો હતો એટલે રશિયા એમાં ૮૦મા અને યુક્રેન ૯૮મા ક્રમે છે. બ્રિટન ૧૭મા અને અમેરિકા ૧૯મા ક્રમે છે. 



આ ઇન્ડેક્સ સામાન્ય રીતે પ્રતિ વ્યક્તિ જીડીપી, સામાજિક સહયોગ, આયુષ્ય સીમા, જીવન જીવવાની સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચારની ધારણા જેવા માપદંડો પર તૈયાર થાય છે. એમાં લોકોની ખુશહાલ જિંદગીની સાથે-સાથે આર્થિક અને સામાજિક આંકડાઓ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આને જો ઉદાહરણથી સમજવું હોય તો ફિનલૅન્ડની વાત કરવી જોઈએ. 


ફિનલૅન્ડ નંબર વન કેમ?
૫૫ લાખની વસ્તીવાળો આ દેશ એની પ્રાકૃતિક સુંદરતા માટે દુનિયાભરમાં અવ્વલ છે. એની પાસે પ્રાચીન જંગલ અને સમૃદ્ધ વન્યજીવન છે. એની સાથે ત્યાંના ઓછા પ્રદૂષણ અને સ્વચ્છ હવા-પાણીને જોડી દો તો સમજી શકાય છે કે રહેવા માટે આ દેશ ઉત્તમ છે. ફિનલૅન્ડનું ઉચ્ચ જીવનસ્તર, સુવિધાઓ અને અન્ય સિસ્ટમ્સ યુરોપના અન્ય દેશોની સરખામણીએ ઉત્કૃષ્ટ છે. અહીંની

સરકારની નીતિઓ જનકલ્યાણ માટે હોય છે. 
ફિનલૅન્ડની સ્વાસ્થ્યસેવા ઉત્તમ છે એટલું જ નહીં, નિ:શુલ્ક છે. એની કાનૂન-વ્યવસ્થા શ્રેષ્ઠ છે. અપરાધ નહીંવત્ છે. પરિણામે લોકો સુરક્ષિત મહેસૂસ કરે છે. એની શિક્ષણવ્યવસ્થા પૂરા યુરોપમાં ઉત્તમ છે. એ લોકોને રોજગાર માટે લાયક તો બનાવે છે, સાથે-સાથે બહેતર અને સુખી જીવન કેમ જીવાય એની સમજ પણ આપે છે. ફિનલૅન્ડમાં માત્ર મધ્યમ વર્ગ છે. ગરીબી બહુ ઓછી છે. કોઈ બેઘર કે ભિખારી નથી. ગરીબ હોય તેને પણ શિક્ષણ અને સ્વાસ્થ્યની સમાન સુવિધા મળે છે. અમીર લોકો તેમની અમીરીનું પ્રદર્શન નથી કરતા. 
ફિનલૅન્ડમાં સ્ત્રી-પુરુષો વચ્ચે સામાજિક-આર્થિક-રાજકીય સમાનતા છે. ફિનલૅન્ડના બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવી છે. દેશમાં ભેદભાવને સ્થાન નથી. એના બંધારણમાં બે પંક્તિ ખૂબસૂરત છે, ‘કોઈ પણ વ્યક્તિને તેના લિંગ, ઉંમર, વંશ, ભાષા, ધર્મ, શ્રદ્ધા, અભિપ્રાય, સ્વાસ્થ્ય, પંગુતા કે અન્ય કોઈ વ્યક્તિગત કારણોસર અલગથી જોવામાં નહીં આવે.’
યુરોપના અન્ય દેશોમાં પણ વધતા ઓછા અંશે આ જ માપદંડો છે અને એટલે જ હૅપીનેસ ઇન્ડેક્સમાં દુનિયાના સૌથી સુખી પાંચ દેશો યુરોપિયન છે. 


ભારત કેમ પાછળ છે?
ભારત છેલ્લાં સાત વર્ષથી તળિયે છે. ૨૦૧૪માં ભારતનો ક્રમ ૧૧૧મો હતો. એ પછી એ લગાતાર ગબડતો રહ્યો છે. ૨૦૧૮માં ભારત ૧૩૩મા ક્રમે આવ્યું ત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે ‘આપણા દેશની આર્થિક પ્રગતિ છતાં ભારત હૅપીનેસ ઇન્ડેક્સમાં પાછળ પડી રહ્યું છે. આનો અર્થ એ થયો કે વિકાસ માટે સર્વગ્રાહી અભિગમનો અભાવ છે.’ પ્રણવ’દાએ ત્યારે કહ્યું હતું કે નાગરિકોની સુખાકારીમાં સુધારો કરવા માટે સામાજિક, પર્યાવરણીય અને નાણાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. 

ભારતે ૧૯૯૧માં ઉદારીકરણનો રસ્તો અપનાવ્યો ત્યારથી સરકારો આંકડાઓ જાહેર કરીને દેશની આર્થિક વ્યવસ્થાનું ગુલાબી ચિત્ર પેશ કરતી રહી છે. વૈશ્વિક સર્વે પણ બતાવે છે કે ભારત તેજીથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છે અને દેશમાં અમીર લોકોની સંખ્યામાં લગાતાર વધારો થઈ રહ્યો છે. મીડિયામાં પણ બજારોના ચકાચૌંધવાળા સમાચારો આવતા રહે છે. એના પરથી એવું ચિત્ર ઊભું થાય છે કે લોકો એકદમ ખુશ છે, ધૂમધામથી ઉત્સવો મનાવે છે, બજારોમાં ખરીદી કરે છે, હરવા-ફરવા જાય છે અને ખાય-પીએ છે.

૨૦૧૪માં ૧૧૧મા ક્રમે ભારત હતું ત્યારથી શૅરબજારમાં તેજી જ રહી છે, પણ બીજી તરફ વર્લ્ડ હૅપીનેસ ઇન્ડેક્સમાં એનું સ્થાન ગબડતું રહ્યું છે. એના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સમાજના સુખનો માપદંડ આર્થિક પ્રગતિ નથી. એવું જો હોત તો અમેરિકા (૧૯), બ્રિટન (૧૭) સંયુક્ત આરબ અમીરાત (૨૪) કે ચીન (૮૨) દસ સૌથી સુખી દેશના ક્રમમાં હોવા જોઈતા હતા.

ભારતમાં ઘણા લોકો હવે આ હૅપીનેસ રૅન્કિંગ સામે સવાલો કરતા થયા છે. આપણે એને તૈયાર કરવાની રીત સામે શંકા કરીએ તો પણ આ રિપોર્ટ આપણને વિચારવા માટે તો મજબૂર કરે છે. પહેલી વાત તો જીડીપીથી દેશનો વિકાસ માપવામાં આવે છે, પરંતુ એને લઈને ઘણા સવાલો છે. જીડીપી દેશની કુલ અર્થવ્યવસ્થાની ગતિનો સંકેત આપે છે, પણ એનો ફાયદો સામાન્ય લોકો સુધી પહોંચે છે કે નહીં એ ખબર નથી પડતું.

૧૯૭૪માં રિચર્ડ ઇસ્ટરલીન નામના એક અર્થશાસ્ત્રીએ શોધી કાઢ્યું હતું કે અમેરિકામાં ૧૯૪૬થી ૧૯૭૦ વચ્ચે જીડીપીમાં ૬૫ ટકાની વૃદ્ધિ થઈ હતી, પણ સરેરાશ જીવનનો સંતોષ સ્થિર થઈ ગયો હતો. ઇસ્ટરલીને કહ્યું કે આર્થિક મંદી કામચલાઉ દુઃખ લાવે છે, પણ લાંબા ગાળાના જીડીપીના વિકાસથી સુખ આવે એ જરૂરી નથી.

૨૦૦૭માં યુરોપિયન કમિશને જીડીપીના સ્થાને લોકોના સુખના અહેસાસના આધારે ‘બિયૉન્ડ જીડીપી’નો પ્રોગ્રામ શરૂ કર્યો હતો. જીડીપીમાં માલસામાનના ઉત્પાદન અને ખપતને માપવામાં આવે છે. ‘બિયૉન્ડ જીડીપી’માં માણસના સ્વાસ્થ્ય, શિક્ષણ અને પર્યાવરણ પર ફોકસ કરવામાં આવે છે. આ જ પ્રકારના પ્રયોગો થાઇલૅન્ડ, કૅનેડા, ઇઝરાયલ અને બ્રાઝિલમાં પણ કરવામાં આવ્યા છે.

૨૦૧૪માં ૨૦ દેશોના યુવાનોને એક સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે ‘તમને કેટલી હદ સુધી એવું લાગે છે કે આજની યુવા પેઢીનું જીવન તેમનાં માતા-પિતાની પેઢી કરતાં વધુ સારું કે વધુ ખરાબ છે?’ આમાં જીડીપી પ્રમાણે રૅન્કિંગમાં આવતા પ્રથમ ૧૦ સમૃદ્ધ દેશોના સરાસરી માત્ર ૩૭ પ્રતિશત યુવાઓને જ એવું લાગ્યું હતું કે તેમની પાછલી પેઢી કરતાં તેમનું જીવન બહેતર છે. આમાં સૌથી સમૃદ્ધ અમેરિકાના માત્ર ૨૯ પ્રતિશત યુવાનોને જ જીવન સારું હોવાની આશા હતી. સંસારના સૌથી સમૃદ્ધ દેશોની યુવા પેઢીને એનું ભવિષ્ય જો ઉજ્જડ દેખાતું હોય તો તરક્કીને જીડીપીના માપદંડથી જોવા સામે સવાલ થવો જોઈએ.

આર્થિક વિકાસનો એક વિરોધાભાસ છે કે તમારે એ કરતા જ રહેવું પડે, એમાં પાછા જવાનો માર્ગ બંધ થઈ જાય. સાઇકલ છોડીને સ્કૂટર ચલાવ્યું એનાથી સુખ ન વધ્યું હોય તો પાછા સાઇકલ પર ન જવાય, આગળ કાર પર જ જવું પડે. આપણે આપણા જંગલવાસી પૂર્વજો કરતાં આજે અનેકગણા સમર્થ છીએ, પણ આપણે ઇતિહાસમાં સૌથી સુખી છીએ? કંદમૂળ ખાતા અને પશુની ચામડી પહેરતા આપણા પૂર્વજોએ જે સ્વર્ગની કલ્પના કરી હતી એ ઑલરેડી આજે સાકાર થઈ છે અને છતાં આપણે ‘અચ્છે દિન’નું સુખ મહેસૂસ નથી કરતા. 

ભારતમાં અમીરો વધુ અમીર અને ગરીબો વધુ ગરીબ બન્યા છે

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વિશ્વ અસમાનતા રિપોર્ટને ત્રુટિપૂર્ણ ગણાવ્યો છે અને એની મેથડને સંદેહાસ્પદ બતાવી છે. પૅરિસસ્થિત સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ અને કૅલિફૉર્નિયાસ્થિત યુનિવર્સિટી ઑફ બર્કલેની વર્લ્ડ ઇનઇક્વલિટી લૅબના તાજા અહેવાલ પ્રમાણે ભારત ‘ગરીબ અને ઘણો અસમાન’ છે. દેશના ટોચના એક પ્રતિશત લોકો પાસે કુલ રાષ્ટ્રીય આવકની પાંચમા ભાગની આવક છે. દેશની પુખ્ત વસ્તીની સરેરાશ રાષ્ટ્રીય આવક ૨,૦૪,૨૦૦ રૂપિયા છે, નીચલી ૫૦ પ્રતિશત વસ્તી ૫૩,૬૧૦ રૂપિયા કમાય છે, જ્યારે ટોચના ૧૦ પ્રતિશત લોકો ૨૦ પ્રતિશત વધુ એટલે કે ૧૧,૬૬,૫૨૦ રૂપિયા કમાય છે. રિપોર્ટના વડા લુકાસ ચાન્સેલે કહ્યું હતું કે કોવિડની મહામારીએ અત્યંત ધનવાન અને બાકીની વસ્તી વચ્ચેની અસમાનતાને વધુ પહોળી કરી છે. રિપોર્ટ પ્રમાણે ‘૧૯૮૦ના દાયકાના મધ્યથી વિનિયમન અને ઉદારીકરણની નીતિઓના પગલે આવક અને ધનની અસમાનતામાં સૌથી વધુ વધારો થયો છે. ધનવાન અને ઉચ્ચ વર્ગની સાથે ભારત એક ગરીબ અને અસમાન દેશ તરીકે ઊભર્યો છે.’ ભારતમાં ઉપરના એક પરિવાર પાસે સરેરાશ ૯,૮૩,૦૧૦ રૂપિયાની સંપત્તિ છે, પરંતુ નીચેના ૫૦ પ્રતિશતથી વધુની સરેરાશ સંપત્તિ લગભગ ૬૬,૨૮૦ રૂપિયા છે. 

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2022 12:04 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK