Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > ચૂંટણી પરિણામોમાં બ્રૅન્ડ મોદીનો પરચો અને લોકસભાની ચૂંટણી માટેના સંકેતો

ચૂંટણી પરિણામોમાં બ્રૅન્ડ મોદીનો પરચો અને લોકસભાની ચૂંટણી માટેના સંકેતો

10 December, 2023 09:53 AM IST | Mumbai
Raj Goswami

બ્રૅન્ડ મોદી જનતામાં જ નહીં, બીજેપીની અંદર પણ એટલી છવાઈ ગઈ છે કે એને રાજ્યોમાં કોઈ મોટા ચહેરાની જરૂર નથી રહી. આનું પરિણામ એ આવશે કે આ લોકસભાની ચૂંટણી અમેરિકાની પ્રેસિડન્સી પ્રણાલી પ્રમાણે લડાશે અને બીજેપી બમણા જોરથી બ્રૅન્ડ મોદીને મેદાનમાં ઉતારશે

ફાઈલ ફોટો

ક્રૉસલાઈન

ફાઈલ ફોટો


લોકસભા ચૂંટણી માટેની સેમી-ફાઇનલ મૅચ તરીકે ગાજેલી ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને ૩-૧થી જીત હાંસલ થઈ છે. પાર્ટીએ મધ્ય પ્રદેશમાં ૧૬૩, રાજસ્થાનમાં ૧૧૫ અને છત્તીસગઢમાં ૫૪ બેઠકો સાથે સત્તા મેળવી છે.  તેલંગણમાં કૉન્ગ્રેસને ૬૪ બેઠકો સાથે જનતાનો આદેશ મળ્યો છે.
રાજસ્થાન અને છત્તીસગઢમાં કૉન્ગ્રેસ એનાં પાંચ વર્ષના ‘ઉમદા’ શાસનના બળે સત્તામાં વાપસી કરવાનાં સપનાં જોઈ રહી હતી, જ્યારે મધ્ય પ્રદેશમાં એ બીજેપી સરકાર વિરોધી કથિત લહેરનો ફાયદો ઉઠાવીને સત્તા મેળવશે એવો આશાવાદ સેવી રહી હતી. ગયા રવિવારે જોકે પરિણામોએ એ આશા પર પાણી ફેરવી દઈને કૉન્ગ્રેસને સ્તબ્ધ કરી દીધી હતી.
રાજકીય વિશ્લેષકોએ (અને ઓપિનિયન પોલે) આવાં ચૂંટણી પરિણામોની કલ્પના પણ નહોતી કરી. રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપી કમજોર છે અને મધ્ય પ્રદેશની જનતા શિવરાજ સિંહની સરકારથી થાકી ગઈ છે એવી વાતો લાંબા સમયથી ચર્ચાતી હતી, પરંતુ જમીની હકીકત અલગ જ નીકળી. બીજેપીએ ત્રણે રાજ્યોમાં પ્રભાવશાળી બહુમતી મેળવીને ‘બ્રૅન્ડ મોદી’નો પરચો આપ્યો અને ૨૦૧૪થી શરૂ થયેલા કૉન્ગ્રેસના ધોવાણને એક ઑર ધક્કો માર્યો.


કૉન્ગ્રેસ હવે ત્રણ રાજ્યો કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગણમાં પોતાના દમ પર સત્તામાં રહેશે. તેલંગણમાં કૉન્ગ્રેસે એની નજીકની હરીફ સત્તાધારી બીજેપીને હરાવી છે. કૉન્ગ્રેસ બિહાર અને ઝારખંડમાં સત્તાધારી ગઠબંધનનો પણ ભાગ છે અને તામિલનાડુમાં શાસન કરતી દ્રવિડ મુનેત્ર કળગમ (ડીએમકે)ની સહયોગી છે. જોકે એ રાજ્ય સરકારનો હિસ્સો નથી.
આ પરિણામોએ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ‘આપ’ની સ્થિતિને મજબૂત બનાવી છે. બે રાજ્યોમાં સરકારો સાથે એ બીજો સૌથી મોટો વિપક્ષી પક્ષ બની ગઈ છે, કારણ કે કૉન્ગ્રેસનો હિસ્સો ઘટ્યો છે. આમ આદમી પાર્ટી (એએપી-આપ)ના નેતા જાસ્મિન શાહે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે આજનાં પરિણામો પછી આમ આદમી પાર્ટી બે રાજ્ય સરકારો પંજાબ અને દિલ્હી સાથે ઉત્તર ભારતમાં સૌથી મોટી વિપક્ષી પાર્ટી તરીકે ઊભરી આવી છે. 



એ વાતની પણ નોંધ લેવી જોઈએ કે છેલ્લાં બે વર્ષમાં કૉન્ગ્રેસે પોતાને રાજકીય રીતે પુનઃ ઊભી કરવા માટેનો ગંભીર પ્રયાસ કર્યો છે. એણે પાર્ટીની પરંપરાથી દૂર, ઉચ્ચ વર્ગને નારાજ કરવાનું જોખમ વહોરીને જાતિગણતરીનું સમર્થન કર્યું હતું. રાહુલ ગાંધીએ મહત્ત્વાકાંક્ષી ‘ભારત જોડો’ યાત્રા કરી હતી. કૉન્ગ્રેસે બીજેપીને જવાબ આપવા પોતાની કલ્યાણકારી યોજનાઓ (બીજેપીની ભાષામાં ‘રેવડી’) ઘોષિત કરી હતી. એણે વિપક્ષ ગઠબંધન બનાવવાની પહેલ કરી હતી. પાર્ટીએ મધ્ય પ્રદેશમાં કમલ નાથ અને છતીસગઢમાં ભૂપેશ બઘેલને આગળ કરીને નરમ હિન્દુત્વની બ્રૅન્ડ બનાવી હતી, જેથી એ બીજેપીની ‘તુષ્ટીકરણની રાજનીતિ’ને જવાબ આપી શકે. જોકે આ કશું જ કામ ન લાગ્યું.
 


ત્રણ રાજ્યોના વિજય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પાર્ટીના કાર્યકરોને સંબોધતાં સૂચક રીતે કહ્યું હતું કે ‘આજની હૅટ-ટ્રિકથી ૨૦૨૪ની હૅટ-ટ્રિકની ગૅરન્ટી મળી છે.’ સવાલ એ છે કે સેમી-ફાઇનલમાં મોટી જીત બાદ બીજેપી માટે ફાઇનલનો રસ્તો પણ એટલો જ સરળ છે? 

લોકસભા ચૂંટણી પહેલાંની આ છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ હતી. એટલા માટે જ આ રાજ્યોનાં પરિણામોને ૨૦૨૪ માટે સેમી-ફાઇનલ તરીકે જોવામાં આવ્યાં હતાં, કારણ કે આ રાજ્યોમાં લોકસભાની સારીએવી બેઠકો છે જે કેન્દ્રમાં કોઈ પણ પક્ષને સત્તામાં લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. 


દેશમાં લોકસભાની ૫૪૨ બેઠકો છે. મધ્ય પ્રદેશમાં ૨૯, રાજસ્થાનમાં ૨૫, છત્તીસગઢમાં ૧૧, તેલંગણમાં ૧૭ અને મિઝોરમમાં એક બેઠક છે. પાંચ રાજ્યોમાં કુલ ૮૩ બેઠકો છે એટલે વિધાનસભામાં સૌથી વધુ બેઠકો જીતનાર બીજેપી માટે લોકસભાનો માર્ગ વધુ સરળ બની શકે છે. જોકે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીની રીત હંમેશાં બદલાતી રહી છે. ૨૦૦૩થી લોકસભા અને મહત્તમ પાંચ વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે છ મહિનાનો ગાળો હોય છે. આ વખતે પણ એવું જ છે.

રાજ્યોનાં પરિણામો એક બાબત સાફ કરે છે કે મતદારોમાં નરેન્દ્ર મોદીની અપીલ નિશ્ચિતપણે અકબંધ છે. તે એ પણ દર્શાવે છે કે બીજેપીનું સંગઠન મજબૂત છે અને કાર્યકરો જોશમાં છે. આ જ કારણથી કૉન્ગ્રેસ સત્તા અને સંસાધનો બન્નેથી વંચિત રહી છે અને લોકસભામાં પણ એ એની આડે આવશે. દરેકને ખબર છે કે બીજેપી કૉર્પોરેશનથી લઈને લોકસભા સુધી ચૂંટણી પૂરા જોશથી લડે છે. દરેક ચૂંટણીમાં બીજેપીનો કાર્યકર સક્રિય થઈ જાય છે. બીજેપી લોકસભાની ચૂંટણીમાં પણ આ ત્રણ મોટી જીતનો ફાયદો ઉઠાવવાનું કામ કરશે.

આ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ મોદીના નામે મત માગ્યા હતા. મધ્ય પ્રદેશ જેવા રાજ્યમાં, જ્યાં શિવરાજ સિંહ ચૌહાણના નામે પાર્ટીની અંદર આંતરિક લડાઈ ચાલી રહી હતી, ત્યાં પાર્ટીના રણનીતિકાર અમિત શાહ તમામ નેતાઓને એક મંચ પર લાવ્યા હતા. રાજસ્થાનમાં પણ એવું હતું. લોકો કહેતા હતા કે વસુંધરા રાજેને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં નહીં આવે તો પાર્ટીને નુકસાન થશે. બીજેપીએ ત્યાં પણ મોદીના નામે જ વોટ માગ્યા અને પરિણામ નજર સામે છે.

મોદીની લોકપ્રિયતાના પરિણામે બીજેપીનો વોટશૅર બમણો થયો અને હિન્દી પટ્ટાનાં રાજ્યો તેમ જ તેલંગણમાં એની બેઠકોમાં અનેકગણો વધારો થયો. એટલે કે બીજેપીએ ઉત્તર ભારતમાં પોતાની પકડ વધુ મજબૂત કરી છે અને દક્ષિણમાં પગ મૂકવાનું શરૂ કર્યું છે.

આનો સીધો અર્થ એ થયો કે બ્રૅન્ડ મોદી માત્ર વિપક્ષોનો જ સફાયો કરવામાં કામિયાબ છે. એટલું જ નહીં, એ બીજેપીમાં પણ રાજ્યોના કદાવર નેતાઓને વેતરી નાખે છે. આવું તો ઇન્દિરા ગાંધી વખતે પણ નહોતું. ઇન્દિરાની જનતા પર જબરદસ્ત પકડ હતી. એમ છતાં રાજ્યોમાં એવા ઘણા મોટા નેતાઓ હતા જે સમય-સમય પર કેન્દ્રીય નેતાગીરીને પરેશાન કરતા હતા.
બ્રૅન્ડ મોદી જનતામાં જ નહીં, બીજેપીની અંદર પણ એટલી છવાઈ ગઈ છે કે એને રાજ્યોમાં કોઈ મોટા ચહેરાની જરૂર નથી રહી. આનું પરિણામ એ આવશે કે આ લોકસભાની ચૂંટણી અમેરિકાની પ્રેસિડન્સી પ્રણાલી પ્રમાણે લડાશે અને બીજેપી બમણા જોરથી બ્રૅન્ડ મોદીને મેદાનમાં ઉતારશે.

એનો અર્થ એ થયો કે લોકસભામાં મોદી વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધનનો મુકાબલો થશે. લોકસભાની ચૂંટણીમાં બીજેપીને હરાવવા માટે કૉન્ગ્રેસે વિપક્ષી દળો સાથે ગઠબંધન કર્યું હતું. આ ત્રણેય રાજ્યોમાં બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. એમાં ઇન્ડિયા ગઠબંધન ચિત્રમાં નહોતું (પરિણામો પછી વિશ્લેષકો માને છે કે એ એક ભૂલ હતી. સેમી-ફાઇનલમાં કૉન્ગ્રેસે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ જ ચૂંટણી લડવાની જરૂર હતી, જેથી ૨૦૨૪ની પ્રૅક્ટિસ થઈ જાત).

ઇન્ડિયા ગઠબંધનમાં આંતરિક વિરોધાભાસ અને ખેંચતાણ ઘણી છે. દરેકનાં સ્થાનિક હિતો અને મજબૂરીઓ છે. પરિણામે એ વડા પ્રધાનપદ માટે કોઈ એક ચહેરો આગળ કરી શકે એમ નથી. બીજેપી આનો ફાયદો જરૂર ઉઠાવશે.

બીજું, રાજ્યોનાં પરિણામો પછી કૉન્ગ્રેસ પક્ષની સાથે-સાથે ઇન્ડિયા ગઠબંધનમાં પણ નિરાશા ફરી વળી છે. કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે તેમની પાર્ટી આ રાજ્યોમાં પોતાને મજબૂત કરશે અને આગામી લોકસભાની ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ના ઘટકો સાથે મળીને તૈયારી કરશે. ખડગેએ વધુમાં કહ્યું હતું કે ‘આપણે આ હારથી નિરાશ થયા વગર ભારતના મતદારો સાથે મળીને લોકસભા ચૂંટણી માટે બમણા ઉત્સાહ સાથે તૈયારી કરવી પડશે.’

રાજ્યોનાં પરિણામો આવતાંવેંત જ કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ૨૦૨૩ની ૬ ડિસેમ્બરે ભારતીય ગઠબંધનની બેઠક બોલાવી હતી; પરંતુ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે બેઠકમાં હાજર રહી શકવા સામે અશક્તિ બતાવી હતી (હવે ૧૭ ડિસેમ્બરની તારીખ નક્કી થઈ છે). કૉન્ગ્રેસે એવી સ્પષ્ટતા કરી હતી કે ચેન્નઈ ઍરપોર્ટ વરસાદને કારણે બંધ છે એટલે સ્ટૅલિન પણ હાજર રહી શકે એમ નથી. એ જ સમયે નીતીશકુમારની તબિયત સારી નહોતી, જ્યારે મમતા બૅનરજી કાર્યક્રમમાં વ્યસ્ત હતાં.

ચાર રાજ્યોમાં કૉન્ગ્રેસના નિરાશાજનક પ્રદર્શનથી ઇન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષોને પ્રેશરની રાજનીતિ કરવાની તક મળી છે. વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસની ગણતરી એવી હતી કે તે જો જીત હાંસલ કરે તો લોકસભાની ચૂંટણીમાં તેનો હાથ ઉપર રહે. હવે એ સંભાવના ખતમ થઈ ગઈ છે. હવે ઘટક પક્ષો કૉન્ગ્રેસને વધુ દબાવશે અને પોતાની શરતો મનાવશે.
૨૦૨૪માં ઇન્ડિયા ગઠબંધનની સામે બીજેપીને ત્રણ રીતે ફાયદો રહેશે. એક, એ મોદીના દસ વર્ષના શાસનને સ્થિરતા તરીકે પેશ કરશે અને એમાં બીજેપી શાસિત રાજ્યોના મતદારોનું સમર્થન મજબૂત થશે. બે, બીજેપીની પાસે કેન્દ્ર ઉપરાંત રાજ્યોનાં સંસાધનોની તાકાત હશે અને ત્રણ, લોકસભાની ખર્ચાળ ચૂંટણીમાં કૉન્ગ્રેસ સંસાધનોની દૃષ્ટિએ વધુ ગરીબ સાબિત થશે. 
બીજેપીને એ ખબર હતી કે ઇન્ડિયા ગઠબંધનને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં એક મજબૂત હરીફ તરીકે ઊભરતું અટકાવવું હોય તો ચાર રાજ્યોમાં કૉન્ગ્રેસની બેઠકો ઘટવી અનિવાર્ય છે. બીજેપી એ ગણતરીમાં પાર ઊતરી છે. 

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2023 09:53 AM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK