Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સંઘવીસાહેબને છેલ્લી સલામ...

સંઘવીસાહેબને છેલ્લી સલામ...

Published : 13 July, 2020 05:24 PM | IST | Mumbai
Divyasha Doshi

સંઘવીસાહેબને છેલ્લી સલામ...

નગીનદાસ સંઘવી

નગીનદાસ સંઘવી


તડફડ કરનારા સંઘવીસાહેબ કહો કે નગીનબાપા કહો, તેઓ હવે આ દુનિયામાં નથી એ સાંભળવું તેમને મળનાર દરેકને માટે અઘરું લાગે. ૧૦૦ વર્ષની ઉંમરે પણ તેઓ ટટ્ટાર ચાલતા, કમ્પ્યુટર વાપરતા અને આજની દુનિયા સાથે અનુસંધાન સાધી શકતા. રવિવારે સુરતમાં તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી તેઓ કાર્યરત હતા. તેમના પૌત્ર સૌમિલ સાથે તેમણે વાત કરી હતી એને યાદ કરતાં સૌમિલ જણાવે છે કે ‘તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી ડૉક્ટર પાસે લઈ ગયા હતા અને છાતીમાં પાણી ભરાયું હોવાથી હૉસ્પિટલમાં ઍડ્મિટ થયા અને ત્યાં જ છેલ્લા શ્વાસ લીધા.’
નગીનદાસ સંઘવીને મળનાર કે શ્રોતા તરીકે સાંભળનાર વ્યક્તિ તેમના ખડખડાટ હાસ્યને વીસરી ન શકે. કટારલેખક અને વિશ્લેષક તરીકે જાણીતા નગીનદાસ સંઘવીએ કૉલમ લખવાની શરૂઆત સુરતના ‘ગુજરાતમિત્ર’થી કરી હતી અને યોગાનુયોગ તેમણે અંતિમ શ્વાસ પણ સુરતમાં લીધા. મૂળ સૌરાષ્ટ્રના, પણ કર્મભૂમિ મુંબઈ જે તેમને ખૂબ પ્રિય હતું. તેમના જીવનનો મોટો કાળ મુંબઈમાં વીત્યો. છેલ્લે તેમને મળવાનું સુરતમાં બન્યું ત્યારે મુંબઈ જેવી મજા ગુજરાતમાં નથી આવતી એવી આછી ફરિયાદ તેમણે કરી હતી. મુંબઈનું ધમાલિયું જીવન તેમને યાદ આવતું હતું. જોકે જીવનના દરેક પડાવને તેમણે સ્વીકાર્યા છે એ જ રીતે આ પડાવને પણ સહજતાથી સ્વીકારી લીધો હતો.
નગીનદાસભાઈ હંમેશાં સફેદ લેંઘો-ઝભ્ભો પહેરતા. લગભગ ૬ ફુટની શારીરિક ઊંચાઈ. છેલ્લાં વર્ષોમાં તેમણે જીવનમાં અંગત રીતે અનેક ચડાવ-ઉતાર જોયા હતા. મૂળ ભાવનગરના, પણ તેમનો જન્મ બ્રહ્મદેશના અક્યાબમાં ૧૯૧૯ની ૨૧ એપ્રિલે. પ્રાથમિક શિક્ષણ ભાવનગર રાજ્યના ભૂંભલી ગામમાં લીધું હતું, તો ભાવનગર શહેરમાંથી બીએ પાસ કરીને મુંબઈ આવ્યા હતા. અહીં તેમણે માસ્ટર્સ કર્યું અને ત્રણેક વર્ષ ઇન્શ્યૉરન્સ કંપનીમાં નોકરી પણ કરી હતી. ત્યાર બાદ ત્રણ કૉલેજમાં ૩૨ વર્ષ પ્રોફેસર તરીકે નોકરી કરી. સૌપ્રથમ ભવન્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. પૉલિટિકલ સાયન્સ અને ઇતિહાસ તેમના મુખ્ય વિષય રહ્યા હતા. છેલ્લે મીઠીબાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા હતા. ૧૯૬૫ની સાલથી તેમણે કૉલમ લખવાનું શરૂ કર્યું હતું. અધ્યાપક તરીકે નિવૃત્ત થયા બાદ તેમનો એકનો એક દીકરો જયંત ઍક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો, એટલે ઘરની દરેક જવાબદારી પાછી તેમના શિરે આવી હતી. પત્નીના મૃત્યુ બાદ મોટી ઉંમરે એટલે કે ૯૭ વર્ષની ઉંમરે એકલા રહેવાનું અઘરું પડતાં મોટી દીકરી હર્ષા સાથે સુરત રહેવા ગયા હતા. તેમને બે દીકરીઓ હર્ષા અને ઉષા છે. ૨૦૧૮ની સાલમાં તેમને પદ્‍મશ્રીનો ખિતાબ મળ્યો હતો.
મુંબઈ સ્થાયી થવાની વાત કરતાં નગીનદાસભાઈએ કહેલું કે ‘એ દિવસોમાં સૌરાષ્ટ્રથી લોકો રોજગારની શોધમાં મુંબઈ જ આવતા, કારણ કે ત્યારે ગુજરાતનાં શહેરો એટલાં વિકસ્યાં નહોતાં એટલે બીજો કશો જ વિચાર કર્યા વિના મુંબઈ આવવાનું જ હોય અને એ પણ વાયા વિરમગામ. મને કૉલેજમાં ભણાવવાની ઇચ્છા તો હતી, પણ અંધેરીની ભવન્સ કૉલેજમાં એ સમયે ભણાવવા જવાની હિંમત કોઈ નહોતું કરતું. આપણે તો ત્યારથી જ બિન્દાસ હતા. ડરવાનું તો હું શીખ્યો જ નહોતો એટલે સૌપ્રથમ ભવન્સ કૉલેજમાં અધ્યાપક તરીકે સારા પગાર સાથે જોડાયો. અંધેરીમાં એ સમયે આટલી વસ્તી નહોતી. ત્યાર બાદ રૂપારેલ કૉલેજમાં દસેક વર્ષ ભણાવ્યું. એ સમયગાળા દરમ્યાન મેં ખૂબ વાંચ્યું અને વિચારોને યોગ્ય રીતે રજૂ કરતાં શીખ્યો. રૂપારેલ કૉલેજમાં આવતા વિદ્યાર્થીઓ ખૂબ સજ્જ હોવાને કારણે મારું પણ ઘડતર થયું એવું કહી શકાય. એ સમયે મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટાં પડ્યાં એટલે ગુજરાતી વિરુદ્ધની ઝુંબશનો સામનો મારેય કરવો પડ્યો હતો, કારણ કે એ વિસ્તાર મહારાષ્ટ્રિયન. બીજા બધા પ્રોફેસર મહારાષ્ટ્રિયન અને હું એકલો જ ગુજરાતી. બંદા ત્યારેય ડર્યા વિના, ધમકીઓની પરવા કર્યા વિના લેક્ચર લેવા જતા.’
આમ નગીનદાસ સંઘવી નીડર વ્યક્તિત્વના સ્વામી હોવાને કારણે જ રાજકારણ અને રાજકારણીઓ વિશે કે ધર્મ વિશે સંશોધન કરીને સત્ય બિન્દાસ કહી શકતા. અભ્યાસ કર્યા સિવાય કશું જ લખવું કે બોલવું નહીં એ તેમનો સિદ્ધાંત. તેમણે ૧૯૮૫માં ‘રામાયણની રામાયણ’ નામે કૉલમ ‘સમકાલીન’માં લખી હતી. આ કૉલમ લખવાનો હેતુ મૂળ કથાની સાચી અને સાધાર તેમ જ સચોટ રજૂઆત કરવી. ધર્મના નામે જે બાબાઓ-સંતો વાતો કરતા હતા તેમની સામે સંશોધનપૂર્ણ વાત કરવાનો તેમનો મૂળ હેતુ હતો. જોકે એમાં કેટલીક એવી બાબતો હતી જે રૂઢિગત માન્યતાઓને ગળે ઊતરે એવી નહોતી એથી એ સમયે તેમનો ખાસ્સો વિરોધ થયો હતો. તેમના પર અનેક આક્ષેપ થયા અને કૉલમ બંધ કરવી પડી. તેમણે બીજા જ વર્ષે ‘રામાયણની અંતરયાત્રા’ નામે પુસ્તક જાતે જ પ્રકાશિત કર્યું. જેમને રામાયણ વિશે સંશોધનાત્મક વાંચવું હોય તેમણે આ પુસ્તક વાંચવું જ રહ્યું.
નગીનદાસ સંઘવીએ સ્વતંત્ર ભારતના દરેક વડા પ્રધાનનો કાર્યકાળ જોયો છે. દરેક રાજકીય નેતા અને પક્ષ વિશે અભ્યાસપૂર્ણ અને વિશ્લેષણાત્મક લેખો પણ તેમણે હજી આ અઠવાડિયા સુધી લખ્યા હતા. રાજકારણ વિશેનો તેમનો અભ્યાસ અને સ્પષ્ટ અભિગમ હોવા છતાં તેમને કોઈ રાજકીય પક્ષોએ ટ્રોલ નહોતા કર્યા. લોકોને ગમે એવું લખવાનો પ્રયત્ન તેમણે ક્યારેય નહોતો કર્યો, પણ પોતે સંશોધન અને અભ્યાસ કર્યા બાદ જે માને એ સ્પષ્ટ રીતે કહેવામાં તેઓ કોઈની શેહશરમ રાખતા નહીં. રાજકારણનો તેમનો અભ્યાસ અને સમજ જોઈને રાજકારણમાં કેમ સક્રિય નહોતા થયા એવા સવાલ તેમને વારંવાર પુછાતા ત્યારે નગીનદાસ બ્રૅન્ડ આંખોમાં ચમક સાથે જવાબ આપતા, ‘રાજકારણમાં જોડાવા માટે ત્રણ લાયકાત હોવી જરૂરી છે. એક, એ માણસ સંત જેવો હોવો જોઈએ કે પછી શ્રીમંત હોવો જોઈએ અને કાં તો શઠ હોવો જોઈએ. મારામાં આ ત્રણેય લક્ષણ ન હોવાને કારણે રાજકારણમાં ન ગયો.’ આવું કહીને તેઓ ખુલ્લા મોઢે ખડખડાટ હસતા.
જોકે તેઓ શરૂઆતમાં મુંબઈ આવ્યા ત્યારે કાંદિવલીમાં રહેતા એ સમયે રાજકીય પાર્ટી સાથે સક્રિય કામ પણ કર્યું છે એ ઓછા લોકો જાણે છે. લગભગ ૧૯૫૬ની સાલમાં તેઓ કૉન્ગ્રેસમાં સક્રિય હતા. મિત્રો માટે ચૂંટણીસભાઓમાં ભાષણો પણ આપ્યાં છે. ગાંધીજી વિશે તેઓ કહેતા કે આપણા દરેક રાજકારણીઓએ ગાંધીજીને અનુસરવા જેવું છે. ખાસ કરીને જ્યારે કોઈ સમાજસેવાની વાત કરતું હોય ત્યારે ગાંધીજીનું જીવન સમજવું જરૂરી છે. પોતે ગાંધીજી જેવા સંત નથી એટલે પણ રાજકારણમાં ન ચાલી શકે એવું કહીને તેઓ પોતાના પર હસી શકતા.
ચિંતક-ફિલોસૉફર પ્લેટોને તેઓ અવારનવાર ટાંકતા. પ્લેટોએ કહ્યું હતું કે તમારે કોઈ માણસને સુધારવો હોય તો હરામખોર માણસને સુધારો, કારણ કે તેનામાં શક્તિ છે, હિંમત છે અને કામ કરવાની આવડત પણ છે. સામાન્ય માણસ નકામો છે એ આમેય નકામો અને તેમેય નકામો. હું સામાન્ય માણસ છું એટલે રાજકારણમાં ન જઈ શકું, પણ પ્લેટોએ કહ્યું છે કે જો તમે સરકારની ગતિવિધિમાં રસ ન લેતા હો તો મૂરખ વ્યક્તિના શાસન તળે જીવવા નિર્માયા છો.
નગીનદાસભાઈએ મુંબઈમાં જીવનનિર્વાહ માટે અનેક સંઘર્ષ છેલ્લે સુધી કર્યા છે. મુંબઈમાં સ્થાયી થયા ત્યારે વગડા જેવા કાંદિવલી વિસ્તારમાં રહેતા. લગ્ન કર્યાં એટલે બે છેડા ભેગા કરવા તેમણે અનુવાદનું કામ પણ પુષ્કળ પ્રમાણમાં કર્યું હતું. પછી તો અધ્યાપક થયા અને કૉલમ લખવાનું પણ શરૂ કર્યું એટલે જાણીતા થયા છતાં હજી આજે પણ લેખ લખતાં પહેલાં તેઓ એ સંદર્ભે અભ્યાસ કરવાનું ચૂકે નહીં. પત્રકારત્વ વિશે તેમની સ્પષ્ટ સમજ હતી. તેમનો આગ્રહ રહેતો કે પત્રકારત્વમાં વાંચન અને અભ્યાસ ખૂબ જરૂરી છે. તેમને અફસોસ પણ હતો કે આજે મોટા ભાગના પત્રકારો વાંચતા નથી કે પોતાનું હોમવર્ક કરતા નથી. રાજકારણી વિશે તેઓ કહેતા કે પહેલાં લોકો સમાજસેવા માટે રાજકારણમાં આવતા, જ્યારે આજે લોકો પોતાની ‘સેવા’ માટે એટલે કે ‘લેવા’ માટે રાજકારણમાં આવે છે. પહેલાંના રાજકારણીઓ વિદ્વાન હતા. તેઓ ખૂબ વાંચતા અને અભ્યાસુ હોવાને કારણે તેમની સાથે મુદ્દાસર વાત થઈ શકતી. સ્પષ્ટવક્તા હોવાની છાપ ધરાવતા નગીનદાસ સંઘવીની સ્પષ્ટતા હવે મળવી મુશ્કેલ છે. તડ ને ફડ વાત કહેનાર નગીનદાસભાઈ અંગત રીતે ખૂબ હળવા અને રમૂજવૃત્તિ ધરાવનાર વ્યક્તિ હતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી મોરારિબાપુની રામકથાનો વિદેશના શ્રોતાઓ માટે અંગ્રેજીમાં અનુવાદ કરતા. બાપુની અનેક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહેતા એ બદલ ક્યારેક તેમની ટીકા પણ થતી. તેમને અંગત રીતે જાણનાર વ્યક્તિઓ એની પાછળના દૃષ્ટિકોણને સમજી શકતા. ભારતીય પ્રાચીન પરંપરા અને આધુનિક સમાજ બન્નેનું તેમનું અધ્યયન અસાધારણ હતું.
તેમની વિદ્વત્તાનો ભાર સામી વ્યક્તિને ન લાગે એની દરકાર પણ તેઓ રાખતા. દરેક વસ્તુ અને બાબતને ઝીણવટથી તલસ્પર્શી રીતે સમજવાનો તેઓ પ્રયત્ન કરતા. તેઓ પોતે પણ વિદ્વત્તાના ભાર સાથે ન જીવતા એટલે જ તેઓ સ્વસ્થતાથી અને સહજતાથી ૧૦૦ વર્ષ જીવી શક્યા. તેમની ટીકા કરનાર વ્યક્તિ પણ તેમને મળ્યા બાદ તેમની હળવાશના પ્રભાવમાં આવ્યા વિના ન રહેતી.
ગુજરાતી પત્રકારત્વમાં આટલી ધારદાર, સત્યનિષ્ઠ અને લાંબી ઇનિંગ્સવાળી કલમ આજે વિરામ પામી છે. આવી કલમ માટે ગુજરાતી પ્રજા તેમની સદા ઋણી રહેશે.


તેમને શ્વાસની તકલીફ થતા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા
મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) જાણીતા કટારલેખક અને પદ્‍મશ્રીનું સન્માન મેળવનાર નગીનદાસ સંઘવીનું ગઈ કાલે ૧૦૦ વર્ષની ઉંમરે સુરતમાં અવસાન થયું હતું. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને સુરતના મહિધરપુરામાં આવેલી બુરહાની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. બપોરે સાડાત્રણ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું હોવાની સાથે આ વર્ષે જ તેમને પદ્‍મશ્રીથી સન્માનિત કરાયા હતા. ૧૦ માર્ચે નગીનદાસભાઈએ ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો.
કટારલેખક નગીનદાસભાઈનો જન્મ ૧૯૨૦ની ૧૦ માર્ચે ભાવનગરમાં થયો હતો. અહીંની જાણીતી શામળદાસ કૉલેજમાંથી
તેમણે બીએ કર્યું હતું. ૧૯૫૧થી ૧૯૮૦ દરમ્યાન મુંબઈની ત્રણ કૉલેજમાં તેઓ પ્રાધ્યાપક રહ્યા હતા.



મોરારિબાપુની શ્રદ્ધાંજલિ
હું જ્યારે તેમને પહેલી વખત મળ્યો ત્યારથી ‘બાપા’ કહીને જ સંબોધતો રહ્યો છું. અચાનક બાપાએ તેમની શતાયુ યાત્રા પૂરી કરી લીધી છે. તેઓ ‘તડ અને ફડ’ લખતા રહ્યા અને જીવન સાથે પણ થોડા જ કલાકોમાં તેમણે તડફડ કરી લીધું.
તેમને હું શ્રદ્ધાંજલિ તો શું આપું? મને આ વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ વડીલનો સત્સંગ સતત મળતો રહ્યો. એક સાચા શબ્દસેવી એવા પૂજ્ય બાપાના નિર્વાણને હું મોરારિબાપુ હૃદયથી પ્રણામ સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના પરિવારજનોને પણ મારા પ્રણામ. જેમનું સમગ્ર જીવન શ્લોકમય હોય તેમની વિદાયનો શો શોક કરવો? તેમની ચેતનાને પુનઃ પ્રણામ કરું છું.


નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
શ્રી નગીનદાસ સંઘવી પ્રબુદ્ધ લેખક અને વિચારક હતા. તેમના લેખો અને પુસ્તકોમાં ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનની સમજ અને રાજકીય ઘટનાઓનું પૃથક્કરણ કરવાની અસાધારણ શક્તિનો પરિચય થાય છે. તેમના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને તેમના વિશાળ વાચકવર્ગને સાંત્વના...


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2020 05:24 PM IST | Mumbai | Divyasha Doshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK