Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > યંગ રહેવું હોય તો શીખતા રહો

યંગ રહેવું હોય તો શીખતા રહો

Published : 09 December, 2023 08:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો હંમેશાં યુવાન રહેવું હોય તો શીખવાનું ક્યારેય છોડતા નહીં. તમારા અનુભવો તમને વધુ શીખવામાં મદદ કરશે. તમને સતત કંઈક નવું કરવાની ઇચ્છા હશે તો તમારી એ ઇચ્છામાં તાજગી અકબંધ રહેશે. મારા જીવનનો સાર પણ આ જ અને સંદેશ પણ આ જ

એક સિનેમા-રીલની જેમ સતત નવા કિરદાર કરતો રહ્યો છું એવા કેટલાક યાદગાર કિરદારની ઝલક

સેટરડે સરપ્રાઇઝ

એક સિનેમા-રીલની જેમ સતત નવા કિરદાર કરતો રહ્યો છું એવા કેટલાક યાદગાર કિરદારની ઝલક


૧૯૫૭ની વાત છે. એ સમયે મારી ઉંમર હતી ૮ વર્ષની, જ્યારે મેં પહેલી વાર મારા પિતાની નાટક-કંપનીમાં બનેલા ‘છોરુંકછોરું’ નામના નાટકમાં એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. મને બરાબર યાદ છે કે એ સમયે ચોપાટી પાસે તારાબાઈ હૉલ હતો, જેમાં અમારા આ નાટકનો શો હતો. મારી એન્ટ્રી ટ્રાઇસિકલ પર હતી. હું સ્ટેજ પર આવ્યો અને સામે ઑડિયન્સ જોઈને એવો ગભરાઈ ગયો કે ફરી પાછો સ્ટેજની પાછળ જતો રહ્યો, પણ એ સમયે અટકાવવાને બદલે મારા પિતાએ મને પાછો સ્ટેજ પર મોકલીને કહ્યું કે જા જઈને ડાયલૉગ બોલ. હું બહુ ડરી ગયો હતો અને એમાં આટલા બધા લોકોની વચ્ચે શું બોલવું એ વાતની મૂંઝવણ પણ મનમાં હતી. એ સમયે મારા કો-ઍક્ટર અને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સ્વર્ગીય ઘનશ્યામ નાયકના પપ્પા પ્રભાકર નાયક મારી બાજુમાં ઊભા હતા.


તેમણે મને ઊંચક્યો. પહેલાં ઑડિયન્સ સામે જોયું અને પછી મારી સામે જોયું અને તેઓ ડાયલૉગ બોલ્યા, ‘શું નાના સાહેબ, નારાજ થઈ ગયા?’ પછી મને કાનમાં કહ્યું, ‘હવે ડાયલૉગ બોલોને’ અને પછી કોણ જાણે કેમ, હું કમ્ફર્ટેબલ થઈ ગયો અને સડસડાટ ડાયલૉગ બોલવા માંડ્યો. આ મારા જીવનનો પહેલો પ્રસંગ, જે આજે જ્યારે કોઈ પણ સીન માટે જતો હોઉં અને મારી સામે ઍક્શન બોલાય કે તરત જ મારી આંખ સામે આવે. આ જ ઘટનાએ મને ક્યારેય ઍક્ટિંગથી થાકવા કે ભાગવા નથી દીધો. ઊલટું, આ એક ઘટનાએ દર વખતે કંઈક નવું કરવાની તીવ્ર ઉત્કંઠા મારી અંદર સતત જીવતી રાખી છે.



નાટકો પછી ફિલ્મોમાં કામ શરૂ કર્યું. ૧૯૭૧માં પહેલી હિન્દી ફિલ્મમાં કામ કર્યું. કરીઅર દરમ્યાન લગભગ દરેક લેજન્ડરી ઍક્ટરો સાથે કામ કરવાનો અવસર મળ્યો અને સતત કંઈક શીખતો રહ્યો. મને યાદ છે કે ‘અખંડ સૌભાગ્યવતી’ નામની ફિલ્મ મનહર કપૂર બનાવતા હતા, જેમણે મને બ્રેક આપ્યો. એ ફિલ્મ મારા જીવનની માઇલસ્ટોન ફિલ્મ બની. એ પછી મેં ક્યારેય પાછળ ફરીને જોયું નથી. એવી જ એક ફિલ્મ હતી, ‘લોહીની સગાઈ.’ જેમાં મારે એક બ્લૅકમેઇલરનો રોલ કરવાનો હતો. મને અરુણભાઈએ કહેલું કે તારે એકદમ સહજ રહીને ડાયલૉગ બોલવાના છે, જેવું તું સામાન્ય રીતે આપણી વાતચીતમાં બોલે છે બિલકુલ એ જ રીતે. મારે કહેવું પડશે કે એ ફિલ્મના ડાયલૉગ્સ પણ બહુ અદ્ભુત લખાયા હતા. અરવિંદ પંડ્યા મારી સામે ઍક્ટર, જેઓ એ સમયે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અશોકકુમાર કહેવાતા. મારે તેમને બ્લૅકમેઇલ કરવાના હતા. એ ફિલ્મ સુપરહિટ થઈ. સ્નેહલતા અને રાજીવ પણ એમાં હતાં. એ પછી ‘નસીબદાર’ ફિલ્મમાં પણ ખૂબ પાવરફુલ રોલ મળ્યો અને જેકંઈ કામ મળતું ગયું એ હું એકધારો કરતો ગયો. હજી હમણાં જ ‘કસુંબો’ અને ‘લગ્ન સ્પેશ્યલ’ નામની બે ગુજરાતી ફિલ્મ પૂરી કરી, તો જૅકી શ્રોફ સાથે એક વેબ-સિરીઝમાં પાકિસ્તાની ટેરરિસ્ટનું કૅરૅક્ટર પણ કર્યું. સુનીલ શેટ્ટી, વિવેક ઑબેરૉય જેવા ઍક્ટર સાથે ‘કેસરીવીર’ નામની ફિલ્મ પણ હમણાં પૂરી કરી. ટૂંકમાં કહું તો, હું સતત જાતને ઘડતો રહ્યો છું. મેં ક્યારેય જાતને ઘરેડમાં બંધાવા દીધી નથી એટલે જ ૭૪ વર્ષે હું ઘરડો થયો નથી. હું ઍક્ટિંગથી થાક્યો નથી. વિલનનો રોલ કર્યો તો લોકોને હસાવવા માટે કૉમેડી રોલ પણ કર્યા.


જો હું એક વીક કંઈ કર્યા વિના ઘરમાં રહું તો માંદો પડી જાઉં છું. ઘરે હોઉં ત્યારે પણ મનમાં ઍક્શન રિપ્લે ચાલ્યા જ કરતી હોય છે. હું ઍક્ટિંગમાં રિયાઝ કરું છું. ફલાણો રોલ હું બીજી કઈ-કઈ રીતે કરી શક્યો હોત એની સેલ્ફ-ટ્રેઇનિંગ મારી ચાલુ જ હોય. મારું કામ મારા માટે વિટામિનની ગરજ સારે છે. હજીયે મારે ઘણું કરવું છે, ઘણું શીખવું છે અને દરેક તકમાં એ પૂરવાના હું પૂરતા પ્રયાસ કરું છું. આજની જનરેશનને કહીશ કે ક્યારેય જાતને માસ્ટર માનવાની ભૂલ ન કરતા. બી અ સ્ટુડન્ટ વિથ એક્સ્પીરિયન્સ. અનુભવ એક એવો કૂવો છે જેને તમે ખોદતા જશો તો તમને વધુ ને વધુ મીઠું પાણી મળતું જશે.

હું વડીલોને પણ એક ખાસ વાત કહીશ કે ઘરે બેસીને બીમારીઓ નોતરવાની ભૂલ કરવાને બદલે સતત સક્રિય રહો. ઍક્ટિવ રહેશો તો બીમારી તમારાથી દૂર રહેશે. જરૂરી નથી કે પૈસાની જરૂર હોય તો જ કામ કરવાનું હોય. ના, એ બહુ ખોટી માન્યતા છે. શરીર માટે, મન માટે પણ કામ કરવાનું હોય અને એ કરતા જ રહેવાનું હોય. મને તો ઘણી વાર આ રિટાયરમેન્ટનો જે કન્સેપ્ટ છે એના પર હસવું આવે અને પછી એમ પણ થાય કે એ લીધા પછી ઘરમાં બેસી રહેવું કેમ કોઈને ગમે, કેમ કોઈને ફાવે? જે ગમે એ કરો અને મજા આવે એ કરો, પણ કંઈક કામ કરો અને જાતને ઍક્ટિવ રાખો એ બહુ જરૂરી છે.


બેસ્ટ ઍડ્વાઇઝ

ઍક્ટર પ્રાણસાહેબનો હું બહુ મોટો ફૅન. તેમને મળ્યાનો એક પ્રસંગ યાદ આવે છે.  ‘ખૂન કી પુકાર’ નામની ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું, જેમાં તેઓ સંન્યાસીનો રોલ કરતા હતા. હું તેમને જઈને મળ્યો. એ ફિલ્મમાં હું વિલન હતો. તેમને મળીને મેં નમ્રતાપૂર્વક કહ્યું કે હું આપનો ફૅન છું અને આ ફિલ્મમાં વિલનનું રોલ કરું છું. તેમણે તરત મારું નામ પૂછ્યું અને પછી તરત તેમણે મેં કરેલાં કામ વિશે પૂછ્યું. મેં કહ્યું કે અત્યાર સુધી ૧૫૦ ફિલ્મ કરી લીધી. થોડી વાતો ચાલી એટલે મેં તેમને પૂછ્યું, ‘મારે તમારી પાસેથી ટિપ જોઈએ છે, લૉન્ગ જર્નીમાં જવું હોય તો શું કરવું જોઈએ? તેમણે બહુ સરસ જવાબ આપ્યો. ‘દરેક ફિલ્મમાં કંઈક નવું કર અને તો ઑડિયન્સ તને ઍક્સેપ્ટ કરશે.’  બસ, એ વાત હું ક્યારેય ભૂલ્યો નથી અને તેમની એ જ ઍડ્વાઇસે મને મારા આજના મુકામ સુધી  પહોંચાડ્યો છે એવું હું ચોક્કસપણે નમ્રતાપૂર્વક સ્વીકારીશ.

મારા જીવનના ઘડવૈયા : મારા પિતા

તમે વિચાર કરો કે તમારા પિતા જ ફિલ્મમેકર હોય ત્યારે તમને એમ જ હોય કે હવે તો હું ધારું એ કરી શકું. ૧૯૬૭માં મારા પિતા ફિલ્મ બનાવતા હતા, જેનું નામ હતું ‘ગુજરાતણ.’ એ ફિલ્મમાં મારાં મોટાં બહેન અરુણા ઈરાની પણ હતાં. એ સમયે મેં હીરો બનવાની ઇચ્છા દર્શાવી કે તરત મારા પિતાએ સ્પષ્ટતા સાથે કહ્યું કે તું પોતાને જો, તારી ચાલવાની સ્ટાઇલ જો, તારા અવાજનો લહેકો અને તારી અભિવ્યક્તિને જો. તું બહુ જ સારી કક્ષાનો વિલન બની શકે. બસ, પિતાની આ દીર્ઘદૃષ્ટિ પર મેં ભરોસો રાખ્યો અને કોઈ પણ જાતની દલીલ વિના તેમણે મને જે રોલ ઑફર કર્યો એમાં પૂરેપૂરો ન્યાય આપવાની દિશામાં મહેનત કરવાની શરૂઆત કરી. એ ફિલ્મમાં મારા ચાર જ સીન હતા અને એ પછી પણ ફિલ્મ રિલીઝ થયા પછી મને સાઇન કરવા રીતસસરની ઘરે લાઇન લાગી.

મને યાદ છે કે એ સમયે અરવિંદ ત્રિવેદી, અરવિંદ રાઠોડ, નલિન દવે, મહાવીર શાહ, મુકેશ રાવલ જેવા આઠ ઍક્ટર જાણીતા વિલન હતા અને મારે એ બધામાં મારી જગ્યા બનાવવાની હતી, પણ મહેનતે રંગ રાખ્યો અને મને ફિલ્મો મળતી ગઈ. અરવિંદ રાઠોડના પિતાનો રોલ પણ વિલન તરીકે મેં કર્યો છે, જેમાં કૅરૅક્ટરની ઉંમર ૬૦ વર્ષની હતી અને મારી ઉંમર ૨૦ વર્ષની! મારે કહેવું જોઈએ કે મારા પિતાનું મારા માટેનું વિઝન પર્ફેક્ટ હતું. આજે કોઈ પિતા પોતાના દીકરાને આટલી પ્રામાણિક સલાહ આપી ન શકે અને ધારો કે આપે તો દીકરો એ સલાહને કેટલી કાને ધરે એ પ્રશ્ન છે.

 

- ફિરોઝ ઈરાની (વિલનની દુનિયાના લેજન્ડ અને ૭૪ વર્ષના ફિરોઝ ઈરાનીને ઓળખની જરૂર નથી. પ૩ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય ફિરોઝભાઈએ ૫૬૮ ફિલ્મો, ૨૪ નાટકો, ૪૯ ટીવી સિરિયલો અને હવે વેબસિરીઝ પણ કરી છે. ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૧૪ પુરસ્કાર અને અનેક નૅશનલ-ઇન્ટરનેશનલ ઍવોર્ડ‍્સથી તે સન્માનિત થઈ ચૂક્યા છે.)

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

09 December, 2023 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK