Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સહરાના રણ તરફ જતી વખતે ગાડીમાંથી બહાર નજર કરો તો સમજાય વિશાળતા એટલે શું

સહરાના રણ તરફ જતી વખતે ગાડીમાંથી બહાર નજર કરો તો સમજાય વિશાળતા એટલે શું

Published : 09 April, 2023 01:50 PM | IST | Mumbai
Manish Shah | writermanishshah@gmail.com

અમે મૉરોક્કોથી સહરાના રણમાં પ્રવેશવાના હતા, રણમાં જ રાત રહેવાના હતા અને સહરાના કદાચ એક ટકા ભાગને થપ્પો મારીને પાછા આવી જવાના હતા, છતાં મારી ઉત્સુકતા ચરમસીમાએ હતી

પરંપરાગત બાંધકામ ધરાવતો હોટેલ કસબાનો વિશાળ પરિસર.

શ્રી કુદરત શરણમ્ મમ:

પરંપરાગત બાંધકામ ધરાવતો હોટેલ કસબાનો વિશાળ પરિસર.


સાડાછ ફુટનો બર્બર અને સાડાપાંચ ફુટનો હું બન્ને હસી રહ્યા હતા. મેં તેને પૂછ્યું, ‘બર્બરની કઈ પેટાજાતિ?’ તે બોલ્યો, ‘ટુઆરેગ.’ આ પેટાજાતિ આફ્રિકન કુળની હોય છે, પરંતુ આ શબ્દ ટુઆરેગ સાંભળીને મારા કાન ઊંચા થઈ ગયા. વર્ષો પહેલાં નૅશનલ જ્યૉગ્રાફિક મૅગેઝિનમાં આ બધા કબીલાઓ પર એક સુંદર લેખ વાંચ્યો હતો અને અંતમાં લેખકે આ સફર દરમ્યાન પ્રવાસની યાદગીરીરૂપે જે ચીજવસ્તુઓ લીધેલી એનો ફોટો મૂક્યો હતો. ફોટોમાં સૌથી આકર્ષક વસ્તુ હતી, એક કટાર, જેને લેખકે ટુઆરેગ કટાર લખેલી અને ત્યારથી જ આ શબ્દ જાણે હૃદયમાં કંડારાઈ ગયો હતો. આ પ્રવાસે આવતાં પહેલાં જ આવી એક કટાર લેવાનું મનોમન નક્કી થઈ ગયું હતું, પરંતુ અહીં તો જેટલા કબીલા એટલી કટાર એવું ઇન્ટરનેટ પર શોધતી વખતે લાગ્યું હતું. અલગ-અલગ પ્રદેશોની કટાર, નાઇજીરિયાની નાઇઝર કટાર,  મૉરોક્કોની કોઉમ્યા, આરબ વિશ્વની જાંબિયા, અલ્જિરિયાની કાબાઇલ વગેરે અનેક પ્રકારની કટારોને કારણે હું ખૂબ મૂંઝવણમાં હતો કે આટલા બધા પ્રકારની કટારમાંથી ટુઆરેગ કટાર ક્યાં મળશે? નસીબ એટલાં સારાં કે મને આ દરવાનભાઈ મળી ગયા અને તેઓ પણ પાછા ટુઆરેગ. તરત જ તેને પૂછી લીધું કે ‘ભાઈ, આ ટુઆરેગ કટાર ક્યાં મળશે?’ તેણે કહ્યું, ‘અહીંથી નીકળીને જેવા રણપ્રદેશ તરફ જશો ત્યાં અનેક દુકાનો બધા પ્રકારની કટાર વેચે છે અને તમને ટુઆરેગ કોઈ પણ દુકાનમાંથી આસાનીથી મળી જશે. મેં તેને ફોટો હોય તો દેખાડવાનું કહ્યું, કારણ કે તેઓ તો મોટી તલવાર લઈને ઊભા હતા. ફોટો જોયો અને મેં એનો ફોટો પાડી લીધો જેથી કટાર ઓળખવામાં વાંધો ન આવે. ધાતુ ચામડા અને લાકડાની મિશ્ર કારીગીરી ધરાવતી આ કટાર ખરેખર કાબિલે-તારીફ હોય છે. 
આટલી વાત કરીને છૂટા પડ્યા અને હું હોટેલની અંદર ગયો. જમવાનું પતાવ્યું ત્યાં તો સ્વિમિંગ-પૂલની આજુબાજુ બધાને ગોઠવાયેલા જોયા. રાત જામી રહી હતી, ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. બર્બર સંગીતની જમાવટની તૈયારી ચાલી રહી હતી. હવે આ બધા વાતાવરણનો નશો ન ચડે તો જ નવાઈ. ૪૦૦ કિલોમીટર ગાડી ચલાવવાનો થાક તો પળભરમાં ઓગળી ગયો. અમે બધા ત્યાંના એક તંબુમાં ગોઠવાયા અને સંગીત ચાલુ થયું. સુરાના શોખીનોએ એને ન્યાય આપ્યો. કુદરતના સાંનિધ્યનો તો નશો એવો જોરદાર હોય છે કે આ બધા કૃત્રિમ નશાની કોઈ જરૂર જ ન પડે. એમને એમ અમારા ચહેરા ચમકી રહ્યા હતા. 




રૂમ્સની ચાવીઓ રાખવા માટેનાં માટીનાં નાનાં-નાનાં ખાનાંઓની સપ્રમાણ સુંદરતા.
કોઈ પણ સાંસ્કૃતિક પ્રેમી માટે આ એક સ્વપ્ન સમી જમાવટ હતી. આફ્રો-અરેબિક સંસ્કૃતિનાં કેટકેટલાં પાસાં અનાવૃત્ત થઈ રહ્યાં હતાં. કબીલાઓની જીવનકથની જાણે વહી રહી હતી, કિતાબો ખૂલી રહી હતી. આ સૂકાભઠ અને વેરાન પ્રદેશમાં લોકો કઈ રીતે મોજથી રહી શકે, જીવી શકે એ સઘળુંયે અમારી આંખો સમક્ષ ભજવાઈ રહ્યું હતું. તેમનાં ઘરેણાં, અલગ તરી આવતા પોશાક, હથોડીથી ટીપી-ટીપીને બનાવેલાં ઓજાર તેમના જીવન પ્રત્યેના સકારાત્મક અભિગમને દર્શાવી રહ્યાં હતાં. એક પછી એક ગીતો ગવાઈ રહ્યાં હતાં. ગાયકીમાં કાંઈ સમજાય નહીં, પરંતુ અવાજના આરોહ-અવરોહ પરથી વિરહનો અને મિલનનો સૂર જરૂર સમજાઈ રહ્યો હતો. એક જોડાણ અનુભવાઈ રહ્યું હતું. અહીં પણ એ જ વાતો હશે??? પોઠો સાથે વેપાર પર નીકળેલા પ્રિયતમ વિખૂટા પડવાની પીડા, અનેક આશંકાઓ અને અનિશ્ચિતતા વચ્ચે મહિનાઓ પછી પાછા આવેલા પ્રિયતમ સાથેના મિલનનો આનંદ. અહીં આ સંસ્કૃતિમાં પણ આ જ તો છે. કોઈક દરિયો ખેડે છે, તો વળી કોઈક રણપ્રદેશ. અનેક સંસ્કૃતિઓ, પરંતુ પરિસ્થિતિ વત્તેઓછે એકસમાન જ. વિરહ અને મિલન વચ્ચે જ અટવાયા કરતી, પરંતુ ઊછરતી રહેતી અનેક સભ્યતા. આ દરેક સભ્યતાનું વળી સંગીત, સૂર, લય, તાલ અલગ-અલગ, પરંતુ વિરહનું સંગીત હૃદયમાં એક ટીસ ઊપજાવે અને મિલનની પડઘમ હૃદયમાં ટેસ જન્માવે. ટીસ અને ટેસ વચ્ચેના ગાળાની વાત જ બધી સભ્યતાઓનો પાયો છે. આને માનવીય ઇતિહાસની વિશેષતા કહેવાય કે કરુણતા? આવું જ બધું વિચારતાં-વિચારતાં કલાક ક્યાં વીતી ગયો એની ખબર જ ન પડી. ક્યારેક-ક્યારેક લોકોની હાજરી વચ્ચે આવી રીતે ખોવાઈ જવાનો પણ એક અલગ જ આનંદ હોય છે. સમગ્ર પ્રક્રિયા માણવા જેવી ખરી. આગળ લખ્યું એમ, આખી હોટેલ કાંઈક ગેબી લાગે એટલી હદે ભડક રંગોથી રંગાયેલી હતી, રૂમનું રાચરચીલું પણ એવું જ પરંતુ સરસ. કોઈક અગમ્ય કારણસર ગમે એવું. રૂમ પર જઈને થોડું બેઠા, વાતો કરી, પરંતુ અનેક કારણસર ઉત્કંઠા શમવાનું નામ જ નહોતી લેતી. કાલનો દિવસ, રાત અને પછીનો દિવસ એમ કુલ ૩૬ કલાક પૂરેપૂરા માણવાના હતા. 


માટીના મકાનની પાછળથી ડોકાઈ રહેલાં તાંબાવરણા સહરાનાં પ્રથમ દર્શન - મેરઝુગા.
આ તબક્કો હતો, મારા મૉરોક્કો પ્રવાસના બીજા મુખ્ય આકર્ષણનો, વિશ્વવિખ્યાત કે કુખ્યાત સહરાના રણપ્રદેશની મુલાકાતનો. રોમાંચ શબ્દનો અર્થ સમજાઈ રહ્યો હતો. ઉત્તેજના, વિસ્મય, કૌતુક આ બધું એની ચરમસીમા પર હતું. આમ તો ઘણા રણની મુલાકાત લીધી છે, પરંતુ સહરાની વાત જ અલગ છે. કેટકેટલીયે વાર્તાઓ, અનુભવો, કિસ્સાઓ વાંચ્યા છે, સાંભળ્યા છે એટલે એક અજબ ઉત્સુકતા અમને ઘેરી વળી હતી. એમાં પણ આ અરફાઉડની હોટેલ કસબાએ તો બધી કસર પૂરી કરી નાખી હતી. થોડી ભૌગોલિક જાણકારી આપી દઉં. મૉરોક્કો એ આફ્રિકન બાજુએથી સહરાના રણમાં પ્રવેશવાનું દ્વાર છે. આમ જુઓ તો આ રણ ત્રણ બાજુએથી દરિયામાં જ લુપ્ત થાય છે. પશ્ચિમે ઍટલાન્ટિક મહાસાગર, ઉત્તરપૂર્વમાં ભૂમધ્ય સમુદ્ર અને પૂર્વીય દિશામાં લાલ સાગરમાં આ રણ વિલીન થાય છે. દક્ષિણે બીજા આફ્રિકન દેશો, પરંતુ વિશ્વનું આ મોટામાં મોટું ગરમ એટલે કે રેતીવાળું રણ લગભગ ૧૧ કે ૧૨ દેશોમાં ફેલાયેલું છે. પશ્ચિમે આફ્રિકાથી એટલે કે મૉરોક્કોથી તમે પ્રવેશી શકો અને પૂર્વ દિશામાં મોટામાં મોટા અરબ દેશ ઇજિપ્તથી નીકળી શકો, પરંતુ રસ્તામાં એકથી એક ચડિયાતા ખતરનાક દેશો અને ભૌગોલિક વિષમતાને સલામત રીતે પસાર કરી શકો તો. નામચીન અલ્જિરિયા, ઉપર લિબિયા, નીચે નાઇઝર, ચાડ અને સુદાન... આ બધાં નામ વાંચીને જ ભયનું લખલખું પસાર થઈ જાય. 
વીસમી સદી અને એકવીસમી સદીની શરૂઆતમાં અનેક સાહસિકોએ આ પ્રવાસ કર્યા છે. કુદરતની આ અજોડ કરામતને જાણી છે માણી છે, પરંતુ અત્યારના સમયમાં આ અસંભવ છે. ઉપર લખેલા એ દારુણ ગરીબી અને દયનીય હાલતમાં સબડી રહેલા દેશોમાં રાજકીય અરાજકતા ખરાબ રીતે પ્રસરેલી છે. ત્રાસવાદે એવો ભરડો લીધો છે કે આ તો એક સ્વપ્ન નહીં,  દુઃસ્વપ્ન છે એમ કહી શકાય. અમે મૉરોક્કોથી રણમાં પ્રવેશવાના હતા, રણમાં જ રાત રહેવાના હતા અને ફરી પાછા અહીંથી જ પ્રવેશવાના હતા. એટલે આમ જુઓ તો સહરાના કદાચ એક ટકા ભાગને જ થપ્પો મારીને પાછા આવી જવાના હતા, પરંતુ સહરાના રણની મુલાકાત લીધેલી એમ તો કહી જ શકાયને? મારી આ મુલાકાત કોઈ સાહસકથા નહીં, પરંતુ ચોક્કસપણે એક અનુભવ તો કહી જ શકાય. એટલા માટે જ આ અનુભવને સંપૂર્ણપણે માણી લેવાનો હતો. 


મૉરોક્કોના દરેક પ્રદેશનાં નામ સાથે એની લાક્ષણિકતા દર્શાવતો અનોખો નકશો.
સવારે ઊઠ્યા અને ફટાફટ તૈયાર થઈ ગયા. આજે અમારો ટીશર્ટ-ડે હતો એટલે આજે અમારે બધાએ મોટો રોવરનાં ટીશર્ટ પહેરવાનાં હતાં. નીકળવાનું થોડું મોડું હતું એટલે હોટેલના પરિસરને ફંફોસવાનું કામ કર્યું. ખૂબ વિશાળ પરિસર હતો. એક મોટી દુકાન હતી, પરંતુ એ બંધ હતી. હોટેલની લૉબી ખૂબ સુંદર રીતે સજાવેલી હતી. હાથબનાવટના ગળાના મોટા હાર, ચામડાનાં મોટાં પાકીટ, પાણી રાખવા માટેની મશક, મૉરોક્કન કટાર... આ બધું સરસ રીતે ફ્રેમ કરીને લટકાવ્યું હતું, પરંતુ સૌથી સુંદર અને આકર્ષક હતાં રિસેપ્શન કાઉન્ટરની પાછળ આવેલી રૂમ-નંબર પ્રમાણે ચાવીઓ રાખવા માટેનાં માટીનાં નાનાં-નાનાં ખાનાં. આ ખાનાંઓથી જ કાઉન્ટરની શોભા સુંદર રીતે નીખરી આવતી હતી. કાઉન્ટરની ડાબી બાજુએ આવેલો એક નાનો દરવાજો વૉકવેમાં ખૂલતો હતો. જમણી તરફની સંપૂર્ણ દીવાલને આવરી લેતો મૉરોક્કોનો નકશો કમાલનો હતો. આખાયે દેશના દરેક પ્રદેશના લોકોનો પહેરવેશ, ત્યાંની ખાસિયત અને એવું બધું એમાં છતું થતું હતું. એ કૅમેરામાં તો આવે જ નહીં એટલે એક છેડાથી બીજા છેડા સુધીનો વિડિયો ઉતારી લીધો. લગભગ સાડાઅગિયાર વાગ્યે મારા ટુઆરેગ દોસ્તને ખુદાહાફિઝ કહીને છૂટા પડ્યા. 
સવારના અજવાળામાં તેનો કાળો રંગ અને સફેદ દંતપંક્તિ કંઈક વધારે જ વિરોધાભાસ સર્જી રહ્યાં હતાં, પણ ખુશમિજાજ હતો આ નેક બંદો એ પાકી વાત. એક દીવાલ પર વળી આ પ્રદેશમાં ફિલ્માંકન કરેલા અનેક ફિલ્મોના ફોટોગ્રાફ્સ સજાવેલા હતા.
રણપ્રદેશને કંડારવા યુરોપમાં સહરા ખાસ્સું લોકપ્રિય છે એ દેખાઈ આવે. અમારે ફક્ત ૬૦ કિલોમીટરનું જ અંતર કાપવાનું હતું. રસ્તામાં બે નાની મુલાકાતો વિશે પણ કબીરે કહ્યું હતું, પરંતુ આમ નિરાંત હતી. અરફાઉડ, આ આખાયે પ્રદેશની હજી પણ એક વિશેષતા છે એના વિશે વાચકમિત્રોને કહી દઉં. ખગોળવિજ્ઞાનના ખેરખાંઓએ કરેલા ઊંડા અભ્યાસ પ્રમાણે કહેવાય છે કે આપણી આ પૃથ્વીની વય લગભગ સાડાચાર અબજ વર્ષ છે. આવા જ એક અભ્યાસના પરિણામરૂપે વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે આટલાં વર્ષો દરમ્યાન અહીં ઘણી બધી ઊથલપાથલ થઈ છે. જ્યાં રણ છે ત્યાં પહેલાં દરિયો હિલોળા લેતો હતો અને જ્યાં દરિયો છે ત્યાં રણ હતા. સાત ખંડો પણ જોડાયેલા હતા અને કાળક્રમે થપાટો ખાઈ-ખાઈને અત્યારે આ ખંડોની જમીન વહેંચાઈ ગઈ છે. આ અભ્યાસને હિસાબે અને અહીં મળી આવતા પુરાવાઓને કારણે એમ કહેવાય છે કે આ સહરાના રણની જગ્યાએ કરોડો વર્ષ પહેલાં મહાસાગર પથરાયેલો હતો અને આ મહાસાગરમાં લાખો કરોડોની સંખ્યામાં વિવિધ જીવસૃષ્ટિ એટલે કે જળસૃષ્ટિ પણ હાજર હતી. 
આપણે માનવો તો હજી આ ગ્રહ પર યુવાન એટલે કે ૬૦ લાખ વર્ષ જ જૂના છીએ, પરંતુ આ અરફાઉડ અને આજુબાજુના પ્રદેશમાં કરોડો વર્ષ પહેલાંની જીવસૃષ્ટિનાં અનેક અશ્મિઓ એટલે કે ફોસિલ્સ મળી આવે છે. અશ્મિઓની રચના વિશે ફરી ક્યારેક વાત કરીશું, પરંતુ આ પ્રદેશમાં પથરાયેલી સેંકડો દુકાનો અહીં મળી આવતાં અશ્મિઓનો વેપલો માંડીને બેઠી છે. કોઈ રોકટોક જ નથી. રીતસરની જમીન ખોદી-ખોદીને કાળની ગર્તામાં ધરબાયેલાં અને પૃથ્વીના પેટાળના ખડકોમાં થીજી ગયેલાં અશ્મિઓનો ખો કાઢી નાખ્યો છે અહીંના સ્થાનિક લોકોએ. આવાં અનેક પ્રકારનાં અશ્મિ તમને તમારા અસ્તિત્વનાં મૂળિયાં વિશે વિચારતાં કરી મૂકે એ નક્કી.
અમે અહીંના સૌથી પ્રખ્યાત મ્યુઝિયમ તેમ જ વેચાણકેન્દ્રની મુલાકાત લીધી અને લગભગ ૫૭ કરોડ વર્ષ જૂનાં અશ્મિઓવાળા પથ્થરો પણ જોયા. લોકો આ જ પથ્થરોનો ઉપયોગ આર્ટિફેક્ટ, વૉશ-બેસિન, ફર્નિચર માટે કરે છે. વિદેશમાં પણ આ અશ્મિઓની ખાસી એવી ડિમાન્ડ છે, હાય રે ઘેલછા! આપણે માનવો કોઈ પણ વસ્તુ અભ્યાસ પૂરતી સીમિત ન રાખતાં પ્રદર્શનનો, માલિકી ભાવનો વિષય બનાવી નાખવામાં એક્કા છીએ  એ ફરી એક વખત પુરવાર થયું. શું ખબર આવાં અબાધિત, વિચારશૂન્ય ખોદકામ, ખાણકામ ક્યારે અટકશે? ઇતિહાસને સમજવાનો હોય, સજાવવાનો ન હોય એ લોકો ક્યારે સમજશે? આપણા કચ્છમાં પણ આવી જ હાલત છે. કાળા ડુંગરની આસપાસના વિસ્તારોમાં આવી જ ઘેલછા બેરોકટોક ચાલે છે. અહીં પણ એક સમયે દરિયો હાજર હતો એ ખબર પડે ત્યાં સુધી ઠીક છે, પરંતુ બધું જ ઉઠાવી-ઉઠાવીને તમે હાલતા થાઓ અને થોડા સમયની લાલસાને કારણે આવા લાખો-કરોડો વર્ષ જૂના કુદરતી વારસાનું વિવેકભાન વગર નિકંદન કાઢી નાખો એનો શું ફાયદો? આ કુદરતી સંપદાનું શોષણ કરવાનું આપણાથી ક્યારેય છૂટશે ખરું? કુદરતને એનું કામ કરવા દઈએ કે પછી આપણે માલિક છીએ એ પુરવાર કરવા પારાવાર ભૂલો, ના, ના, ગુનાઓ કર્યા જ કરવાના. કોઈ પણ પ્રકારની કુદરતી સંપત્તિને એના મૂળભૂત સ્વભાવમાં જોઈ ન શકવી અને એનો ઉપભોગ કરી, શોષણ કરવું એ આપણી માનવજાતની વિકૃતિ થઈ ગઈ છે એવું લાગ્યા વગર રહેતું નથી. 

જમીનના પેટાળમાં થીજી ગયેલાં ૫૦ કરોડ વર્ષો જૂનાં અશ્મિઓ - અરફાઉડ.
અમે બન્ને તો વિચલિત થઈને તરત આ કેન્દ્રની બહાર નીકળી ગયા. વધારે વર્ષ આ વારસો ટકશે નહીં, માનવજાત બધું સાફ કરી નાખશે એ નજર સમક્ષ દેખાઈ રહ્યું હતું. ગાડીમાં જ બેઠા રહ્યા. બધા આવ્યા અને ગાડી કાઢીને આગળ વધ્યા. બધાને ભૂખ લાગી હતી એટલે ગામમાં જ આવેલી એક સરસ રેસ્ટોરાંમાં જમવા ઊતર્યા. આ રેસ્ટોરાં એક સ્પૅનિશ મહિલા અને તેનો જોડીદાર ચલાવી રહ્યાં હતાં. સહરાના આ પ્રદેશમાં કોઈ યુરોપિયન આધુનિક મહિલા આવીને રેસ્ટોરાં પણ ચલાવી શકે એ જાણીને આનંદ થયો. ખાવાનું આવ્યું, પરંતુ મારું મન તો આ રેસ્ટોરાંને લાગીને જ આવેલી બાજુની દુકાનમાં હતું. ગૃહઉદ્યોગ તથા હાથબનાવટની વસ્તુઓ વેચતી આ દુકાન, બીજી દુકાનોથી થોડી અલગ તરી આવતી હતી એટલે બધા જમી લે ત્યાં સુધી મેં આ દુકાનનું ચક્કર લગાવવાનું નક્કી કર્યું. ફટાફટ પાઉંના બે-ત્રણ ટુકડા મોંમાં ઠૂંસ્યા અને ભાગ્યો. ધાતુની, લાકડાંની અનેક સુંદર હાથબનાવટની વસ્તુઓ બધી અભેરાઈઓ સજાવી રહી હતી. મેં હળવેકથી ત્યાં હાજર રહેલા એના માલિકને ટુઆરેગ કટાર માટે પૂછ્યું. તેણે મને કટારનો વિભાગ, હા જી, સમગ્ર વિભાગ નીચે છે એમ કહ્યું અને અમે બન્ને નીચે ઊતર્યા. મારી તો આંખ પહોળી થઈ ગઈ. તાજ્જુબીથી હું આ આખોયે વિભાગ નિહાળી રહ્યો. પેલા દરવાનની વાત સાચી હતી. બધાયે પ્રદેશની, અનેક કબીલાઓની સંસ્કૃતિની છડી પોકારતી સેંકડો કટારો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. દુકાનદારને પણ આ કટારનું સારુંએવું જ્ઞાન અને સમજ હતી એમ લાગ્યું. તેણે મને ઘણી કટાર દેખાડી, પરંતુ આગળના ભાગથી વળેલી હોય એવા આકારની આ કટાર મારા મગજમાં ન બેઠી. મેં તેને ટુઆરેગ કટાર જ દેખાડવાનું કહ્યું. એ કટાર પણ જોઈ, આખરે એક ખૂબ ગમી ગઈ એ લઈ લીધી. એક નાઇઝર કટાર પણ લીધી. સરસ, સરળ, સાફ હસ્તકામ. ઊડીને આંખે વળગે એવું અને હા ભાવતાલ પણ કર્યા. જે દુકાનદારે કહ્યા હતા એનાથી ૪૦ ટકામાં બન્ને કટાર ખરીદી લીધી. એક ધ્યેય સફળ. બધા બહાર આવે ત્યાં સુધી દુકાનદાર સાથે જ વાતે વળગ્યો. મુંબઈની વાતો કરી, તેમની સંસ્કૃતિ વિશે વાતો કરી, અશ્મિઓના નિકંદન વિશે અમે બન્ને વ્યથિત અને ચિંતિત, પરંતુ લાચાર હતા. શું કરી શકાય?  

 

ચામડા, લાકડા અને ધાતુની હાથબનાવટની લાલ ટુઆરેગ કટાર અને વાદળી રંગની નાઇઝર કટાર.

અહીંથી નીકળીને ચાલીસેક કિલોમીટર દૂર જવાનું હતું. અરફાઉડને વટાવીને અમે જઈ રહ્યા હતા સ્વપ્ન સાકાર કરવા. સહરાને નિહાળવા, અનુભવવા, મેરઝુગા ગામે, જ્યાંથી સહરાની ખરી શરૂઆત થાય છે એમ કહી શકાય. આમ તો આ આખોયે રણપ્રદેશ જ કહી શકાય, પરંતુ અત્યાર સુધી સપાટ, રેતાળ અને ખડકાળ પ્રદેશ દેખાતો હતો. રણમાં હોય એવા રેતીના ઢૂવા દેખાતા નહોતા. ગાડી ચલાવતાં આજુબાજુ નજર કરો એટલે વિશાળતા કોને કહેવાય એ સમજાઈ જાય. વેરાન, સૂકો પ્રદેશ અને આ વિશાળતાને ચીરીને વચ્ચેથી નીકળેલી આ સડક પર અમારી ૧૩ ગાડીઓનો કાફલો. ડ્રોનનો વિરહ સાલી રહ્યો હતો મને. નાનાં-નાનાં ગામડાંઓ પસાર થઈ રહ્યાં હતાં. માટીનાં ઘર અને પ્રદેશની ભૂગોળને એકરૂપ રચના. સુંદર પરંતુ એકવિધતા અને શુષ્કતા નજરે ચડે. આફ્રિકન કુળનાં દેખાવનાં બાળકો, પુરુષો, બુરખાધારી સ્ત્રીઓ દેખાઈ રહી હતી. રૂઢિવાદી ઇસ્લામનો ચહેરો કળાઈ રહ્યો હતો. આટલી ગરમીમાં કાળા રંગનો બુરખો કેમ કરી સહેવાતો હશે? બપોરનો તડકો સનગ્લાસિસ પહેર્યા છતાં આંખોને આંજી રહ્યો હતો. એક વળાંક આવ્યો અને કાફલો જમણે વળ્યો. ડાબે એક સુંદર મોટું માટીનું બનેલું મકાન નજરે ચડ્યું. ખૂબ જ સુંદર બાંધણી ધરાવતું મકાન એકદમ આકર્ષક લાગી રહ્યું હતું અને વળી માટીનો આછેરો રંગ મકાનની પાછળની ઘેરા રંગની દીવાલને હિસાબે ફોટોગ્રાફી માટે એક સરસ કૉન્ટ્રાસ્ટ રચી રહ્યો હતો. આગળની ગાડીને જવા દઈને મેં ફોટો લેવા માટે ગાડી ઊભી રાખી. કૅમેરા તો ખોળામાં જ હતો અને મેં કૅમેરામાં જોયું. અરે, આ શું? કૅમેરામાંથી આંખો હટાવીને મેં પાછું મકાનને જોયું. પાછળની દીવાલ અલગ રંગની તો ઠીક, પરંતુ થોડી ઊંચી-નીચી પણ લાગી રહી હતી. પહેલી વખતે ગાડી ચાલુ હતી એટલે અલપઝલપ જોવામાં ખ્યાલ નહોતો આવ્યો. આવી કેવી દીવાલ? શાંતિથી બરાબર જોવા વળી પાછું કૅમેરામાં જોયું. મકાનને ઝૂમ લેન્સની મદદથી નજીક કર્યું અને... મારી આંગળી બટન પર દબાઈ ગઈ, દબાયેલી જ રહી. મારા કૅમેરામાં જો બટન સતત દાબેલું રાખો તો એક સેકન્ડમાં ૭ ફોટો પાડી શકો. ખટાક, ખટાક, ખટાક, ખટાક ચાલુ જ રહ્યું. હું જે જોઈ રહ્યો હતો એ જોવામાં ભાન જ ન રહ્યું કે ચૌદેક ફોટો લેવાઈ ગયા હતા. વાચકમિત્રો, એ કોઈ દીવાલ નહોતી. ચાલીસેક ફુટ ઊંચો માટીનો ઢૂવો હતો. તાંબાવરણી તપેલી રેતનો રંગ કાંઈક અલગ જ આભા પ્રસરાવી રહ્યો હતો. ઝૂમ લેન્સમાં દેખાઈ રહેલા રેતીના મોજામાં હું તણાઈ રહ્યો હતો. હૈયું હિલોળે, મન ઝંકૃત, મગજ ક્ષુબ્ધ, આંખો વિસ્ફારિત... સહરાનાં પ્રથમ દર્શન. તાંબાવરણી રેતીના આશ્લેષમાં આખો પ્રદેશ, સૂર્યદેવતાના સખત તાપમાં તપી તપીને, તાંબાવરણો થઈ ગયો હતો. પાછળની ગાડીનાં હૉર્નથી તંદ્રા તૂટી, હું જાગ્યો. ડાબે જોતાં-જોતાં જ ગાડી આગળ ધપાવી. જમણી તરફના મકાનના પ્રાંગણમાં બધા પ્રવેશી રહ્યા હતા. મેં જમણે રસ્તા પર જ ગાડી ઊભી રાખી અને ઊતરી પડ્યો. રસ્તાની બરાબર સામે બાજુથી ઝળૂંબી રહેલું અદ્ભુત સહરા... નિર્બંધ, નિ:સીમ, નિરાકાર, અસીમ, અગાધ સહરા! રણ અને અર્ણવ વચ્ચે કોઈ ફરક, તફાવત હોય ખરો?
ના, અર્ણવમાં મોજાં પ્રવાહી અને અહીં રણમાં રેતમોજાં પણ પ્રવાહી. કુદરતનાં બન્ને અદ્ભુત પરિબળો જાણે એકાકાર. એક જયકાર, એક ઓમકાર, એક પ્રણવ... ચોમેર થી પડઘાઈ રહ્યો... શ્રી કુદરત શરણમ્ મમ્.
સહરાની વાતો લઈને આગળ વધીશું આવતા અઠવાડિયે.

Whatsapp-channel Whatsapp-channel

09 April, 2023 01:50 PM IST | Mumbai | Manish Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK