Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગલે મેં ખીચ-ખીચ? તો ચાલો પ્રાણાયામમાં શોધીએ એનો ઇલાજ

ગલે મેં ખીચ-ખીચ? તો ચાલો પ્રાણાયામમાં શોધીએ એનો ઇલાજ

Published : 28 December, 2022 09:25 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

કોવિડની ફરીથી એન્ટ્રી થવાના અણસાર વરતાઈ રહ્યા છે ત્યારે શરદી, ખાંસી જેવાં લક્ષણોથી રક્ષણ મેળવવાથી લઈને ઓવરઑલ તમારી ફેફસાંની ક્ષમતા સુધારવામાં ઉપયોગી થઈ શકતા કેટલાક નવા શ્વસનને લગતા અભ્યાસ પર વાતો કરીએ આજે

ગલે મેં ખીચ-ખીચ? તો ચાલો પ્રાણાયામમાં શોધીએ એનો ઇલાજ

રોજેરોજ યોગ

ગલે મેં ખીચ-ખીચ? તો ચાલો પ્રાણાયામમાં શોધીએ એનો ઇલાજ


એક રિપોર્ટ મુજબ ૪૦ ટકા લોકો ખોટી રીતે શ્વાસ લેતા હોય છે. ડૉક્ટરની વિઝિટ કરતા ૮૫ ટકા લોકોની બ્રીધિંગ પૅટર્ન રૉન્ગ હોય છે અને એ બાબતથી તેઓ પોતે પણ અજાણ હોય છે


સીઝન ચેન્જ થવાને કારણે ઘણાબધા લોકો તમારી આસપાસ એવા મળશે જેમને શરદી-ખાંસી જેવાં ફ્લુનાં લક્ષણો હશે. એક બાજુ ઋતુનો સંધિકાળ, વધી રહેલી ઠંડી અને એમાં પાછું હદ વટાવી રહેલું હવાનું પ્રદૂષણ. આ સ્થિતિમાં સૌથી વધુ અસર કોઈને પહોંચતી હોય તો એ છે તમારાં ફેફસાં. આપણા શરીરની તમામ સિસ્ટમ પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેનો પ્રભાવ પડે છે એવી આપણી રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્રની શરીરની અન્ય તમામ સિસ્ટમ પર અસર થતી હોય છે. આપણા અસ્તિત્વ માટે શ્વાસ કેટલા મહત્ત્વના છે એ કહેવાની જરૂર નથી. આ દુનિયામાં એક પણ એવો સજીવ નથી જે શ્વસન ન કરતો હોય. કેટલાંક સર્વેક્ષણો કહે છે કે ત્રણમાંથી એક વ્યક્તિને શ્વસનની સમસ્યા છે અને ઘણાને તો એ ખબર પણ નથી હોતી કે તેઓ બ્રીધિંગ પ્રૉબ્લેમથી પીડાય છે. યુકેના મહિલાઓને લગતા મૅગેઝિનમાં રૉબિન મૅક્નેલિસ નામના ફિઝિયોથેરપિસ્ટે લખેલા એક રિપોર્ટ મુજબ ૪૦ ટકા લોકો ખોટી રીતે શ્વાસ લેતા હોય છે.



ડૉક્ટરની વિઝિટ કરતા ૮૫ ટકા લોકોની બ્રીધિંગ પૅટર્ન રૉન્ગ હોય છે અને ઘણા કેસમાં તેમનું કે તેમના ડૉક્ટરનું પણ એ દિશામાં ધ્યાન નથી હોતું. બહુ જ વધુપડતા ઝડપી શ્વાસ લેવા અથવા શ્વાસ લેતી વખતે ખોટા સ્નાયુઓનો ઉપયોગ કરવો, ટૂંકા શ્વાસ લેવા જેવી સમસ્યાઓ બ્રીધિંગ પૅટર્ન ડિસઑર્ડરમાં આવતી હોય છે અને જો તમે ખોટી રીતે શ્વાસ લેતા હો તો એનાથી તમારી શારીરિક અને માનસિક હેલ્થ તો ડિસ્ટર્બ થાય જ છે પરંતુ તમારી ઓવરઑલ પર્સનાલિટીને પણ એ ખરાબ રીતે અસર કરે છે. આદતવશ ઘણા લોકો ખોટી રીતે શ્વસન કરતા હોય છે. જેમ કે વધુપડતું પેટ બહાર ન દેખાય એટલે શ્વાસ લેતી વખતે પેટ દબાવી રાખતા હોય, કોઈ અણધારી ઘટનાનો ડર મનમાં પેસી ગયો હોય અને શ્વાસને ખોટી રીતે રોકી રાખવાની આદત પડી હોય, બ્રૉડ ચેસ્ટ દેખાડવા માટે જાણી જોઈને છાતી ફુલાવીને શ્વાસ લેતા હોય. આ બધી જ ખોટી શ્વસનની આદતો તમને ફિઝિકલી જલદી થકવી નાખશે. માનસિક રીતે સતત પૅનિક અને રેસ્ટલેસ રાખશે, તમારો ઓવરઑલ પર્ફોર્મન્સ અને વિચારવાની ક્ષમતા ડિસ્ટર્બ કરશે. 


આનાથી ઊંધું જો તમને શ્વાસ લેતાં આવડતું હોય તો લગભગ દરેક શારીરિક-માનસિક સમસ્યાઓને દૂર કરવાથી લઈને આધ્યાત્મિક રીતે વિકસિત થવામાં પણ તમારા શ્વાસ મદદરૂપ થઈ શકે છે એવું દૃઢતાપૂર્વક માને છે ભાઈંદરના શ્રી કૃપાળુ આશ્રમના સ્થાપક પૂજ્ય ગુરુજી નરેન્દ્ર બ્રહ્મચારીજી. છેલ્લાં પાંત્રીસ વર્ષથી પ્રાણાયામની સાધના કરતા અને લોકોને પણ પ્રાણાયામ થકી અનેક પ્રકારના લાભ કરાવનારા નરેન્દ્ર ગુરુજી પાસેથી પ્રાણાયામને લગતી મહત્ત્વપૂર્ણ જાણકારીથી લઈને કેટલાક પ્રાણાયામના તેમના અનુભવસિદ્ધ અસરકારક અભ્યાસો વિશે પણ વાત કરીએ. 

મહત્ત્વ સમજીએ
આપણા શરીરમા ચેતાતંત્રની જુદી-જુદી શાખાઓ છે, જેનું કામ શરીરનાં જુદાં-જુદાં કાર્યોને પાર પાડવાનું છે. એમાંથી અમુક કામ શરીર દ્વારા ઑટોમૅટિકલી થાય છે અને અમુક કાર્ય તમે તમારી ઇચ્છા મુજબ કરી શકતા હો છો. જેમ કે તમારું હૃદય એની મેળે ધબકે છે. તમારા હૃદયને તમારે કહેવું નથી પડતું કે આટલા વાગ્યે ધબકજે અને આ સમયે આરામ કરજે. એ કાર્ય ઑટોમૅટિકલી થયા જ કરે છે. એ જ રીતે જેવું પેટમાં ખાવાનું પધરાવો એવું જ પાચન ઑટોમૅટિકલી થવાનું શરૂ થઈ જાય છે. તમારે આંતરડાં કે પેટની સ્વિચ ઑન નથી કરવાની. આ કામ ઑટોનૉમિક નર્વસ સિસ્ટમ દ્વારા થાય છે, પરંતુ શ્વાસ એવા છે જે બન્ને રીતે કામ કરે છે. તમે ધારો કે નક્કી કરો કે યાર, શ્વાસ લઈને હવે થાકી જવાયું, નથી લેવા શ્વાસ બે-ત્રણ કલાક. તો એમ કરવું શક્ય બનશે? અફકોર્સ નહીં. એટલે કે તમે ન ઇચ્છો તો પણ શ્વાસ એની મેળે ચાલ્યા જ કરવાના છે પરંતુ તમે શ્વાસને તમારી ઇચ્છા મુજબ મૅનેજ પણ કરી શકો અને આ જ સૌથી મહત્ત્વની બાબત છે કે આ ક્રિયાનો કન્ટ્રોલ તમારી પાસે પણ છે અને શરીર પાસે પણ. અને એટલે જ આપણા અસ્તિત્વના અવિભાજ્ય અંગને જો બરાબર મૅનેજ કરી શકીએ તો એ તમારા શરીરની ક્ષમતા ઘણી રીતે વધારી શકે. ખાસ કરીને કોવિડ અને અન્ય ફ્લુ જેવા વાઇરલ ઇન્ફેક્શનમાં પણ તમારું બ્રીધિંગ મૅનેજમેન્ટ પર્ફેક્ટ હશે તો વાઇરસ તમારા શરીરને વળગશે જ નહીં અને કદાચ વળગી જાય તો લાંબો સમય એ સર્વાઇવ જ નહીં કરી શકે. ફેફસાંની ક્ષમતા કરતાં આજે આપણે ઓછો ઑક્સિજન લઈ રહ્યા છીએ ખોટી શ્વસન પદ્ધતિને કારણે. એટલે જો શ્વાસ લેવાની પદ્ધતિ સુધારીએ, ક્વૉલિટી ઍર દ્વારા સારા પ્રમાણમાં શરીરના ઑક્સિજનની જરૂરિયાતને પૂરી કરીએ તો બીમારી તમારાથી દૂર ભાગશે એ બહુ જ સરળ અને સહજ બાબત છે. 


રોગોમાં રામબાણ
છેલ્લાં પાંત્રીસ વર્ષથી હજારો લોકોને પ્રાણાયામનો અભ્યાસ કરાવનારા શ્રી નરેન્દ્ર બ્રહ્મચારીજી કહે છે, ‘અમારે ત્યાં એક કલાકમાં ક્લાસમાં મોટા ભાગના સમયમાં અમે લોકો પાસે પ્રાણાયામનો અભ્યાસ કરાવીએ છીએ અને એના થકી અમે અઢળક લોકોમાં હકારાત્મક રિઝલ્ટ જોયાં છે. શ્વાસ લેવાનો રિધમ જો તમારો બરાબર હશે તો એ તમારા શરીરના, મનના અને આ કુદરતના રિધમ સાથે જળવાઈ રહેવાની તાકાત આપશે. પ્રાણાયામનો અભ્યાસ નિયમિત કરશો તો શરદી, ખાંસી કે થ્રોટ ઇન્ફેક્શન તો શું પણ એકેય બીમારી શરીરમાં ટકશે નહીં. ડિપ્રેશનથી લઈને ડાયાબિટીઝ, હાર્ટ પ્રૉબ્લેમ, પાચનની સમસ્યા, હાઈ બ્લડ-પ્રેશર, મગજને લગતા રોગો, સાંધાને લગતા રોગો એમ લગભગ દરેકેદરેક પ્રૉબ્લેમનું સમાધાન મળી જાય છે. પ્રાણાયામથી કૉન્સ્ટિપેશનમાં સૌથી મોટો લાભ થાય છે અને એ બીજી ઘણી સમસ્યાઓ માટે જવાબદાર છે. તમે ઝીણવટપૂર્વક જોશોને તો સમજાશે કે જેમને કબજિયાત હોય તેમના શરીરમાં બીજા રોગ હોય તો એ વધુ ઉગ્ર બનતા હોય છે. જેમ કે થાઇરૉઇડ કે માઇગ્રેટ હોય તેમને જો કબજિયાત રહેતી હોય તો તેમની સમસ્યા વધુ ઉગ્રતા ધારણ કરશે. તમે શરીરથી શુદ્ધ થાઓ, મનથી સ્થિર થાઓ તો આર્થિક રીતે પણ આગળ વધતા જ હો છો. પ્રાણાયામ સર્વગુણ સંપન્ન અભ્યાસ છે, જે તમને આધ્યાત્મિક પ્રગતિ માટે પણ મદદ કરે છે. કાયાવરોહણવાળા સ્વામી કૃપાળુ મહારાજ એટલે કે મારા ગુરુજી પ્રાણાયામના ૩૦૦થી વધુ જુદા-જુદા અભ્યાસોના જાણકાર હતા. આપણે ત્યાં યોગીઓ આધ્યા‌ત્મિક ઉન્નતિ માટે સદીઓથી પ્રાણાયામનો માર્ગ અપનાવતા રહ્યા છે.’

Shree Narendra Brahmachariji

શ્રી નરેન્દ્ર બ્રહ્મચારીજી પાસેથી જાણીએ ખાસ અભ્યાસો
દીર્ઘ પ્રાણાયામ : કંઠથી શ્વાસ લેવો. દિવસમાં જ્યારે સમય મળે ત્યારે અને જ્યારે પણ પ્રાણાયામનો અભ્યાસ કરો ત્યારે પણ આ અભ્યાસથી શરૂઆત કરવી જોઈએ, જેમાં તમે શ્વસન કંઠથી લઈ રહ્યા હો એટલે ઑટોમૅટિકલી તમારો શ્વાસ ઊંડો નાભિ સુધી જશે. શ્વાસનો રિધમ બદલાશે. શ્વાસ લેતી વખતે ધ્યાન કંઠ પર કેન્દ્રિત કરવું અને સાથે કંઠને હવાનો સ્પર્શ અનુભવાય એ રીતે શ્વાસ ભરતાં-ભરતાં નાભિ સુધી પહોંચે છે કે નહીં એ જોવું. આ દીર્ઘ પ્રાણાયામ પણ બહુ જ તરત વ્યક્તિને રિલૅક્સ કરી દે છે. 

બાહ્‍ય અને આંતર કુંભક પ્રાણાયામ : ઊંડો શ્વાસ ભરીને શ્વાસને પૂરેપૂરો બહાર કાઢવો અને પછી યથાશક્તિ બહાર જ રોકી રાખવો. અહીં યથાશક્તિ શબ્દ મહત્ત્વનો છે. શ્વાસને બળજબરીપૂર્વક રોકવો નહીં, પણ જ્યાં સુધી સ્વસ્થતાપૂર્વક બહાર રોકી શકાતો હોય ત્યાં સુધી જ રોકવો. શ્વાસને આ રીતે બહાર રોકવાના અભ્યાસથી તમારાં ફેફસાંના કોષોની પ્રાણવાયુને ઍબ્સૉર્બ કરવાની ક્ષમતા વધે છે. એ જ રીતે શ્વાસને અંદર રોકો છો ત્યારે શરીરના પ્રત્યેક કોષ સુધી ઑક્સિજન સર્ક્યુલેશન બહેતર બને છે. 

ઉચ્ચારણ પ્રાણાયામ : એક શ્વાસમાં જેટલી વાર ‘રામ’ બોલી શકાય એટલી વાર બોલતા જાઓ. એ પછી ફરી ઊંડો શ્વાસ લઈને શ્વાસને યથાશક્તિ અંદર રોકીને શ્વાસ બહાર છોડો. ‘રામ’ એવું બોલો ત્યારે ‘ર’ ઉચ્ચારણને કારણે તમારી જિહ્વા તમારા તાળવાના મધ્ય ભાગને સ્પર્શે છે જેથી જિહ્વા સ્મૂધ બને છે. વાણીશુદ્ધિ માટે આ ખૂબ જ સારો અભ્યાસ છે. જેમને તોતડાપણું હોય તેમને તો આ ઉચ્ચારણથી ભરપૂર લાભ થતો હોય છે. એ જ રીતે ‘ૐ’નું ઉચ્ચારણ કરીને પ્રાણાયામ કરવાથી કંઠને લગતા રોગોમાં આરામ મળે છે અને પ્રણવ પ્રાણાયામ એટલે કે શ્વાસ ભરીને ખાલી ‘મ’કારનું ઉચ્ચારણ કરવાથી મસ્તિષ્કના કોષો ઝંકૃત થવાથી માનસિક ક્ષમતા વધે છે. 

અનુલોમ-વિલોમ અને ભસ્ત્રિકા : ડાબી બાજુથી શ્વાસ લઈને જમણી બાજુથી છોડવો અને જમણી બાજુથી શ્વાસ લઈને ડાબી બાજુથી છોડવો. આ અનુલોમ-વિલોમનો અભ્યાસ પણ ખૂબ જ પ્રભાવશાળી છે. એની પહેલાં ભસ્ત્રિકા પ્રાણાયામ એટલે ઝડપથી શ્વાસ છોડવાની પ્રક્રિયા પણ પ્રભાવશાળી છે. (ઘણા શિક્ષકો આ જ મેથડને કપાલભાતિ તરીકે ઉલ્લેખે છે.)

Whatsapp-channel Whatsapp-channel

28 December, 2022 09:25 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK