Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત

પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત

21 July, 2024 10:12 AM IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

જો આપણે મુશ્કેલીઓ, તકલીફો કે યાતનામાંથી પસાર થઈ રહ્યા છીએ તો એ આપણી ફિલ્મનો ઇન્ટરવલ છે, અંત નથી; કારણ કે જો એ હૅપી નથી તો એ ધી એન્ડ નથી

પ્રતીકાત્મક તસવીર

ધ લિટરેચર લાઉન્જ

પ્રતીકાત્મક તસવીર

‘ફાઇટર જેટમાંથી ઇજેક્ટ કર્યા પછી, મેં મારું પૅરાશૂટ ખોલ્યું. મને ખબર હતી કે મારું લૅન્ડિંગ દુશ્મન દેશમાં થવાનું છે. આઝાદ અને મુક્ત હવામાં શ્વાસ લેવા માટે મારી પાસે છેલ્લી ત્રીસ સેકન્ડ્સ હતી. એ ત્રીસ સેકન્ડ્સ દરમ્યાન મેં મારી જાતને ભરોસો આપ્યો કે મહત્તમ પાંચ વર્ષ. વધુમાં વધુ પાંચ વર્ષ સુધી તારે અત્યાચાર સહન કરવો પડશે, ગુલામીની જિંદગી જીવવી પડશે, પણ પાંચ વર્ષ પછી આ લોકો નક્કી તને આઝાદ કરી દેશે.’

આ શબ્દો છે અમેરિકાના સૈનિક ઍડ્‍મિરલ જેમ્સ સ્ટૉકડેલના.

બન્યું એવું કે વિયેટનામ વૉરમાં વિયેટનામી સૈનિકો દ્વારા સ્ટૉકડેલના ફાઇટર જેટને ઉડાન દરમ્યાન તોડી પાડવામાં આવ્યું. તૂટેલા વિમાનમાંથી તેમણે તાત્કાલિક ઇજેક્ટ કરવું પડે એમ હતું. તેઓ પૅરાશૂટ લઈને વિમાનમાંથી કૂદી તો ગયા, પણ તરત જ તેમને ખ્યાલ આવ્યો કે તેમનું લૅન્ડિંગ દુશ્મન છાવણીમાં થવાનું છે. જમીન પર પગ મૂકતાંની સાથે જ શરૂ થનારા અત્યાચાર, ગુલામી અને કારાવાસનો સામનો કરવા માટે સ્ટૉકડેલે ઉતરાણ દરમ્યાન પોતાની જાતને કહેલા શબ્દો સમગ્ર માનવજાતને પ્રેરકબળ પૂરું પાડે છે.

લૅન્ડ થયા પછી સ્ટૉકડેલ પ્રિઝનર ઑફ વૉર એટલે કે યુદ્ધકેદી તરીકે વિયેટનામના કબજામાં રહ્યા. તેમની સાથે બીજા કેટલાક અમેરિકી સૈનિકો પણ હતા જેમને યુદ્ધકેદી તરીકે રાખવામાં આવેલા. સાડાસાત વર્ષ સુધી તેમણે દુશ્મન દેશ દ્વારા થતા અત્યાચાર, મારપીટ અને અપમાન સહન કર્યાં. તેમની સાથે રહેલા અનેક યુદ્ધકેદીઓ કારાવાસ દરમ્યાન જ મૃત્યુ પામ્યા, પણ સ્ટૉકડેલ છેક સુધી હિંમત ન હાર્યા. સાડાસાત વર્ષ પછી તેમને મુક્ત કરવામાં આવ્યા. એ કપરા દિવસો યાદ કરતાં તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ‘હું ટકી શક્યો, કારણ કે મને આ વાર્તાના અંતમાં વિશ્વાસ હતો. અત્યાચાર સહન કરતી વખતે મારા મનમાં જરા પણ શંકા નહોતી કે આ વાર્તાનો અંત મારી તરફેણમાં હશે. મારો આ સંઘર્ષ હું આજીવન યાદ રાખીશ અને લોકોને મારી વાર્તા સંભળાવીશ.’

વધારે રસપ્રદ વાત એ છે કે સ્ટૉકડેલને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે ‘જે યુદ્ધકેદીઓ મૃત્યુ પામ્યા તેમના મૃત્યુનું કારણ શું હતું?’ એના જવાબમાં સ્ટૉકડેલે કહ્યું, ‘વધુ પડતો આશાવાદ. મારી સાથે રહેલા કેટલાક કેદીઓને બહાર નીકળવાની બહુ ઉતાવળ હતી. તેઓ મનોમન વિચારતા કે આવતી ક્રિસમસ સુધીમાં આપણે આઝાદ થઈ જઈશું. ક્રિસમસના ગયા બાદ તેઓ વિચારતા કે હવે ઇસ્ટર પહેલાં મુક્ત થઈ જઈશું, પણ એવું કશું જ થતું નહીં. તહેવારો આવીને ચાલ્યા જતા અને આઝાદ થવાની ખોટી આશાઓ રાખનારા નિરાશ થઈને સંઘર્ષ છોડી દેતા.’

અતિ આશાવાદને કારણે સર્જાતી આ પરિસ્થિતિને સ્ટૉકડેલ પૅરાડોક્સ કહેવાય છે. આ વિરોધાભાસને સમજાવતાં સ્ટૉકડેલ કહે છે કે ‘વાસ્તવિકતા અને વિશ્વાસ વચ્ચેનો ભેદ તમારે સમજવો પડશે. વર્તમાનમાં ચાલી રહેલી તકલીફો, યાતના અને મુશ્કેલીઓ આપણી વાસ્તવિકતા છે. એનાથી ભાગવાને બદલે સામી છાતીએ એનો સામનો કરો, પણ મનમાં એ વિશ્વાસ રાખો કે આ યુદ્ધનો અંત તમારી તરફેણમાં રહેવાનો છે.’

કોવિડના કપરા સમયમાં સ્ટૉકડેલ પૅરાડોક્સ આપણા સહુ માટે એક રાહતનો શ્વાસ લઈને આવે છે. સંઘર્ષ ગમે એટલો લાંબો ચાલે, આપણને વાર્તાના અંતમાં વિશ્વાસ હોવો જોઈએ. આ સંકટમાંથી બહાર નીકળવા માટે કોઈ પણ જાતની ડેડલાઇન રાખ્યા વગર આપણે પણ સ્ટૉકડેલની જેમ લાંબા ગાળાનો વિચાર કરવાનો છે. પરિસ્થિતિ જેટલી વધારે વિકટ, જીત એટલી જ વધારે વિરાટ.

અમેરિકન સાઇકોલૉજિસ્ટ માર્ગા લીનેહાનની એક થેરપીનું નામ રેડિકલ ઍક્સેપ્ટન્સ છે. એનો અર્થ થાય દરેક પરિસ્થિતિનો પૂરી સમગ્રતાથી સ્વીકાર. એનો અર્થ એ નથી કે સંજોગો બદલવાનો પ્રયત્ન ન કરવો, પણ અવાસ્તવિક અપેક્ષાઓ અને ઇચ્છનીય સંજોગો પ્રત્યેનો દુરાગ્રહ છોડી દેવો. સંજોગો આપણી મરજી અને અનુકૂળતા મુજબના થાય, એવી જીદ છોડી દઈને વાસ્તવિકતાનો હિંમતભેર સામનો કરવો.

જો આપણે મુશ્કેલીઓ, તકલીફો, પીડા કે યાતનામાંથી પસાર થઈ રહ્યા છીએ તો એ આપણી ફિલ્મનો ઇન્ટરવલ છે, અંત નથી. પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત, કારણ કે જો એ હૅપ્પી નથી તો એ ધી એન્ડ નથી. એ આત્મકથા હોય કે નવલકથા, મુસાફરી હોય કે જીવન, અંત તો સુખદાયી જ હશે. આપણી તરફેણમાં જ હશે. બસ, સ્ટૉકડેલની જેમ આપણી વાર્તાના ક્લાઇમેક્સમાં આપણને ભરોસો હોવો જોઈએ. પૅરાશૂટ દ્વારા લૅન્ડિંગ કરતી વખતે સ્ટૉકડેલે પોતાની જાતને પાંચ વર્ષની યાતના માટે તૈયાર કરી દીધેલી. યુદ્ધ-કેદી તરીકે અત્યાચાર ભોગવતી વખતે તેમણે ક્યારેય એવી આશા નહોતી રાખી કે તેમને રાતોરાત મુક્ત કરી દેવામાં આવશે. તેમણે ક્યારેય ક્રિસમસ કે ઇસ્ટરની રાહ ન જોઈ. અમુક ચોક્કસ સમયગાળામાં ગુલામીનો અંત આવવો જોઈએ, એવી કોઈ ડેડલાઇન બાંધી નહીં, પણ એક દૃઢ નિશ્ચય અને મક્કમ મનોબળ સાથે તેઓ વાસ્તવિકતાનો સામનો કરતા ગયા કે ગમે એ હોય, અંત તો સારો જ હશે.

કપરા સંજોગોમાં શાંતિ મેળવવા માટેની એક પ્રાર્થના છે, જેને સેરેનિટી પ્રેયર કહેવાય છે. એ પ્રાર્થનામાં કહેવાયું છે કે ‘હે ઈશ્વર, જે સંજોગો મારા નિયંત્રણ બહાર છે એનો સ્વીકાર કરવાની હિંમત આપજે. જે પરિસ્થિતિ મારા કાબૂમાં છે એને સુધારી શકવાની તાકાત આપજે અને આ બે વચ્ચેનો ભેદ પારખી શકું એટલી સમજણ આપજે.’‘ફાઇટર જેટમાંથી ઇજેક્ટ કર્યા પછી, મેં મારું પૅરાશૂટ ખોલ્યું. મને ખબર હતી કે મારું લૅન્ડિંગ દુશ્મન દેશમાં થવાનું છે. આઝાદ અને મુક્ત હવામાં શ્વાસ લેવા માટે મારી પાસે છેલ્લી ત્રીસ સેકન્ડ્સ હતી. એ ત્રીસ સેકન્ડ્સ દરમ્યાન મેં મારી જાતને ભરોસો આપ્યો કે મહત્તમ પાંચ વર્ષ. વધુમાં વધુ પાંચ વર્ષ સુધી તારે અત્યાચાર સહન કરવો પડશે, ગુલામીની જિંદગી જીવવી પડશે, પણ પાંચ વર્ષ પછી આ લોકો નક્કી તને આઝાદ કરી દેશે.’ 
આ શબ્દો છે અમેરિકાના સૈનિક ઍડ્‍મિરલ જેમ્સ સ્ટૉકડેલના.

બન્યું એવું કે વિયેટનામ વૉરમાં વિયેટનામી સૈનિકો દ્વારા સ્ટૉકડેલના ફાઇટર જેટને ઉડાન દરમ્યાન તોડી પાડવામાં આવ્યું. તૂટેલા વિમાનમાંથી તેમણે તાત્કાલિક ઇજેક્ટ કરવું પડે એમ હતું. તેઓ પૅરાશૂટ લઈને વિમાનમાંથી કૂદી તો ગયા, પણ તરત જ તેમને ખ્યાલ આવ્યો કે તેમનું લૅન્ડિંગ દુશ્મન છાવણીમાં થવાનું છે. જમીન પર પગ મૂકતાંની સાથે જ શરૂ થનારા અત્યાચાર, ગુલામી અને કારાવાસનો સામનો કરવા માટે સ્ટૉકડેલે ઉતરાણ દરમ્યાન પોતાની જાતને કહેલા શબ્દો સમગ્ર માનવજાતને પ્રેરકબળ પૂરું પાડે છે.
લૅન્ડ થયા પછી સ્ટૉકડેલ પ્રિઝનર ઑફ વૉર એટલે કે યુદ્ધકેદી તરીકે વિયેટનામના કબજામાં રહ્યા. તેમની સાથે બીજા કેટલાક અમેરિકી સૈનિકો પણ હતા જેમને યુદ્ધકેદી તરીકે રાખવામાં આવેલા. સાડાસાત વર્ષ સુધી તેમણે દુશ્મન દેશ દ્વારા થતા અત્યાચાર, મારપીટ અને અપમાન સહન કર્યાં. તેમની સાથે રહેલા અનેક યુદ્ધકેદીઓ કારાવાસ દરમ્યાન જ મૃત્યુ પામ્યા, પણ સ્ટૉકડેલ છેક સુધી હિંમત ન હાર્યા. સાડાસાત વર્ષ પછી તેમને મુક્ત કરવામાં આવ્યા. એ કપરા દિવસો યાદ કરતાં તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ‘હું ટકી શક્યો, કારણ કે મને આ વાર્તાના અંતમાં વિશ્વાસ હતો. અત્યાચાર સહન કરતી વખતે મારા મનમાં જરા પણ શંકા નહોતી કે આ વાર્તાનો અંત મારી તરફેણમાં હશે. મારો આ સંઘર્ષ હું આજીવન યાદ રાખીશ અને લોકોને મારી વાર્તા સંભળાવીશ.’

વધારે રસપ્રદ વાત એ છે કે સ્ટૉકડેલને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે ‘જે યુદ્ધકેદીઓ મૃત્યુ પામ્યા તેમના મૃત્યુનું કારણ શું હતું?’ એના જવાબમાં સ્ટૉકડેલે કહ્યું, ‘વધુ પડતો આશાવાદ. મારી સાથે રહેલા કેટલાક કેદીઓને બહાર નીકળવાની બહુ ઉતાવળ હતી. તેઓ મનોમન વિચારતા કે આવતી ક્રિસમસ સુધીમાં આપણે આઝાદ થઈ જઈશું. ક્રિસમસના ગયા બાદ તેઓ વિચારતા કે હવે ઇસ્ટર પહેલાં મુક્ત થઈ જઈશું, પણ એવું કશું જ થતું નહીં. તહેવારો આવીને ચાલ્યા જતા અને આઝાદ થવાની ખોટી આશાઓ રાખનારા નિરાશ થઈને સંઘર્ષ છોડી દેતા.’

અતિ આશાવાદને કારણે સર્જાતી આ પરિસ્થિતિને સ્ટૉકડેલ પૅરાડોક્સ કહેવાય છે. આ વિરોધાભાસને સમજાવતાં સ્ટૉકડેલ કહે છે કે ‘વાસ્તવિકતા અને વિશ્વાસ વચ્ચેનો ભેદ તમારે સમજવો પડશે. વર્તમાનમાં ચાલી રહેલી તકલીફો, યાતના અને મુશ્કેલીઓ આપણી વાસ્તવિકતા છે. એનાથી ભાગવાને બદલે સામી છાતીએ એનો સામનો કરો, પણ મનમાં એ વિશ્વાસ રાખો કે આ યુદ્ધનો અંત તમારી તરફેણમાં રહેવાનો છે.’

કોવિડના કપરા સમયમાં સ્ટૉકડેલ પૅરાડોક્સ આપણા સહુ માટે એક રાહતનો શ્વાસ લઈને આવે છે. સંઘર્ષ ગમે એટલો લાંબો ચાલે, આપણને વાર્તાના અંતમાં વિશ્વાસ હોવો જોઈએ. આ સંકટમાંથી બહાર નીકળવા માટે કોઈ પણ જાતની ડેડલાઇન રાખ્યા વગર આપણે પણ સ્ટૉકડેલની જેમ લાંબા ગાળાનો વિચાર કરવાનો છે. પરિસ્થિતિ જેટલી વધારે વિકટ, જીત એટલી જ વધારે વિરાટ.

અમેરિકન સાઇકોલૉજિસ્ટ માર્ગા લીનેહાનની એક થેરપીનું નામ રેડિકલ ઍક્સેપ્ટન્સ છે. એનો અર્થ થાય દરેક પરિસ્થિતિનો પૂરી સમગ્રતાથી સ્વીકાર. એનો અર્થ એ નથી કે સંજોગો બદલવાનો પ્રયત્ન ન કરવો, પણ અવાસ્તવિક અપેક્ષાઓ અને ઇચ્છનીય સંજોગો પ્રત્યેનો દુરાગ્રહ છોડી દેવો. સંજોગો આપણી મરજી અને અનુકૂળતા મુજબના થાય, એવી જીદ છોડી દઈને વાસ્તવિકતાનો હિંમતભેર સામનો કરવો.

જો આપણે મુશ્કેલીઓ, તકલીફો, પીડા કે યાતનામાંથી પસાર થઈ રહ્યા છીએ તો એ આપણી ફિલ્મનો ઇન્ટરવલ છે, અંત નથી. પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત, કારણ કે જો એ હૅપ્પી નથી તો એ ધી એન્ડ નથી. એ આત્મકથા હોય કે નવલકથા, મુસાફરી હોય કે જીવન, અંત તો સુખદાયી જ હશે. આપણી તરફેણમાં જ હશે. બસ, સ્ટૉકડેલની જેમ આપણી વાર્તાના ક્લાઇમેક્સમાં આપણને ભરોસો હોવો જોઈએ. પૅરાશૂટ દ્વારા લૅન્ડિંગ કરતી વખતે સ્ટૉકડેલે પોતાની જાતને પાંચ વર્ષની યાતના માટે તૈયાર કરી દીધેલી. યુદ્ધ-કેદી તરીકે અત્યાચાર ભોગવતી વખતે તેમણે ક્યારેય એવી આશા નહોતી રાખી કે તેમને રાતોરાત મુક્ત કરી દેવામાં આવશે. તેમણે ક્યારેય ક્રિસમસ કે ઇસ્ટરની રાહ ન જોઈ. અમુક ચોક્કસ સમયગાળામાં ગુલામીનો અંત આવવો જોઈએ, એવી કોઈ ડેડલાઇન બાંધી નહીં, પણ એક દૃઢ નિશ્ચય અને મક્કમ મનોબળ સાથે તેઓ વાસ્તવિકતાનો સામનો કરતા ગયા કે ગમે એ હોય, અંત તો સારો જ હશે.

કપરા સંજોગોમાં શાંતિ મેળવવા માટેની એક પ્રાર્થના છે, જેને સેરેનિટી પ્રેયર કહેવાય છે. એ પ્રાર્થનામાં કહેવાયું છે કે ‘હે ઈશ્વર, જે સંજોગો મારા નિયંત્રણ બહાર છે એનો સ્વીકાર કરવાની હિંમત આપજે. જે પરિસ્થિતિ મારા કાબૂમાં છે એને સુધારી શકવાની તાકાત આપજે અને આ બે વચ્ચેનો ભેદ પારખી શકું એટલી સમજણ આપજે.’

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2024 10:12 AM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK