સેક્યુલરિઝમના નામે આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે હિન્દુત્વની જ્યારે પણ અને જ્યાં પણ ચર્ચા થાય ત્યાં વિરોધનો માહોલ પહેલાં ઊભો થઈ જાય છે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર
હિન્દુ શબ્દ પર આપણે ત્યાં કહેવાતા સેક્યુલરવાદીઓ દ્વારા વિવાદ થતા આવ્યા છે. ન્યુઝ-ચૅનલો પર ચાલતી વાહિયાત ડિબેટમાં સતત આ મહેસૂસ થાય અને હિન્દુવાદી હોવું એ આતંકવાદી હોવા જેવું હોય એવી ભ્રાંતિ કરાવે. સેક્યુલરિઝમના નામે આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે હિન્દુત્વની જ્યારે પણ અને જ્યાં પણ ચર્ચા થાય ત્યાં વિરોધનો માહોલ પહેલાં ઊભો થઈ જાય છે.
એક સીધું ગણિત છે, જ્યાં જે કમ્યુનિટી વધારે પ્રમાણમાં હોય ત્યાં એ કમ્યુનિટીનું વર્ચસ વધારે હોય. આ સહજ છે અને કોઈ પણ દેશ, કોઈ પણ શહેર અને કોઈ પણ માહોલમાં આ બાબત લાગુ પડે. જૈન સોસાયટીમાં કાંદા-બટાટા લઈને લારીવાળો પણ આવતો નહીં હોય અને પંજાબીઓનું પ્રમાણ જ્યાં વધારે હોય ત્યાં બે-ચાર જૈનોની લાગણી પર ધ્યાન ન આપવામાં આવે અને ઈંડાં કે એવી ચીજવસ્તુઓ આસાનીથી વેચાતી હોય જે સમજી શકાય. આ સામાન્ય વાત સ્વીકારવા આજે બધા તૈયાર છે, પણ વાત જ્યારે હિન્દુત્વની આવીને ઊભી રહે ત્યારે અનેક લોકોને તકલીફ થવા માંડે છે. આપણું રાષ્ટ્ર છે એ હિન્દુ રાષ્ટ્ર છે અને મારી આ માન્યતામાં કોઈ ખરાબી નથી, પણ હા, હિન્દુ રાષ્ટ્રમાં હોવાની વાતથી જો કોઈને શરમ આવતી હોય કે હિન્દુ રાષ્ટ્રના વિધાનથી કોઈને તકલીફ પડતી હોય તો એ વાત ચોક્કસ શરમજનક કહેવાય.
ADVERTISEMENT
મારું માનવું છે કે હિન્દુત્વની વ્યાખ્યા ક્યાંય ધર્મ સાથે જોડાયેલી નથી. હિન્દુત્વની વાત રાષ્ટ્રીયતા સાથે જોડાયેલી છે અને એને એ જ રીતે સ્વીકારવી જોઈએ. હિન્દુસ્તાનમાં રહેતો દરેક નાગરિક પહેલાં હિન્દુ જ ગણાવો જોઈએ અને એ જ રીતે તેણે જીવવું જોઈએ. રાષ્ટ્રીયતાનો મુદ્દો અને ધર્મનો મુદ્દો એક કરવાની આવશ્યકતા નથી અને એ એક કરવો પણ ન જોઈએ. ધર્મ એ અંગત માનસિકતા હોઈ શકે, પણ રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય ધર્મ હંમેશાં એક જ હોવા જોઈએ.
રાષ્ટ્રીયતાને ક્યારેય અવગણવી ન જોઈએ. રાષ્ટ્રવાદને આપણે વધુ પ્રબળ બનાવવાની જરૂર હોય એવું હંમેશાં લાગ્યું છે. રાષ્ટ્રવાદથી રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમભાવમાં વધારો થાય છે, પણ એના કરતાં વધારે મહત્ત્વનું એ છે કે રાષ્ટ્રવાદથી રાષ્ટ્રવિરોધી કૃત્ય પર લગામ લાગી શકે છે. રાષ્ટ્રવિરોધી કૃત્ય સરકારી અધિકારીઓ પકડી શકે કે એના દ્વારા જાહેર થાય એના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે નાગરિક જ પોતાની ફરજ સમજે અને આ ફરજ એ જ સમયે સમજી શકાય છે જે સમયે રાષ્ટ્રીયતાનું મૂલ્ય સમજાય. અન્યથા હું તો કહીશ કે જેને સેક્યુલરિઝમનો ઘાઘરો પહેરી રાખવો હોય તેનું આ દેશમાં કોઈ કામ નથી. તે પ્રેમપૂર્વક વિદાય લે અને તેના વિદાયનો જમણવાર હું, મારા ખર્ચે કરવા રાજી છું. હોઉં પણ શું કામ નહીં. હિન્દુસ્તાનમાં રહીને તમારે હિન્દુત્વની વાત જ કરવાની હોય અને અમેરિકામાં રહીને તમારે અમેરિકન બનીને જ રહેવાનું હોય. જો ન રહો તો એ તમને ત્યાંથી પણ હાંકી કાઢે, સીધી વાત છે.