મુંબઈની એક સનસનીખેજ હત્યાના કેસમાં આરોપી તરીકે લાંબા સમય સુધી જેલમાં રહી આવેલાં ઇન્દ્રાણી મુખરજી એમ કહેવા સાથે જ તેમણે કેમ પીટરથી ડિવૉર્સ લીધાં, હવે જેલની બહારના દિવસોમાં તેઓ શું કરવા માગે છે એ વિશે ‘મિડ-ડે’ સાથે પેટછૂટી વાતો કરે છે.
ઇન્દ્રાણી મુખરજી (તસવીર : રાણે આશિષ)
તટસ્થ રીતે પ્રશ્ન પૂછીને સત્ય બહાર લાવવાનું કામ ઘણું મુશ્કેલ હોય છે. આજે અમે એવું જ કામ કરવા વરલી આવ્યા છીએ. અમે સવારે પોણાદસ વાગ્યે ઇન્દ્રાણી મુખરજી સાથેના ઇન્ટરવ્યુ માટે વરલીના પોચખાનવાલા રોડ પરની નવી જ પેઇન્ટ થયેલી માર્લો સોસાયટીના ગેટ પાસે ઊભા છીએ. ઇન્ટરવ્યુ ૧૦ વાગ્યે શરૂ થવાનો છે અને મુખરજીએ કહ્યું છે કે મુલાકાતની ૧૦ મિનિટ પહેલાં તેમનો ડ્રાઇવર અમને ગેટ પાસેથી ઘરે લઈ જશે.
ઇન્દ્રાણી મુખરજી ૨૦૧૫ના શીના બોરા હત્યાકેસનાં મુખ્ય આરોપી છે. એક સમયે મીડિયા એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતાં ઇન્દ્રાણી હજી પખવાડિયા પહેલાં જ જામીન પર છૂટીને આવ્યાં છે. માતાએ પોતાની દીકરીની હત્યા કરી હોય એવો આ સનસનીખેજ કેસ મુંબઈમાં ઘણી ચકચાર જગાવી ચૂક્યો છે.
ADVERTISEMENT
અમે ડ્રાઇવર સાથે ઇન્દ્રાણી મુખરજીના ઘરે પહોંચ્યા. આ જ બિલ્ડિંગમાંથી મુંબઈ પોલીસે ૨૦૧૫ની ૨૫ ઑગસ્ટે તેમની ધરપકડ કરી હતી. તેમની સામે અપહરણ અને હત્યાના ગુના નોંધાયા હતા. તેમની દીકરી શીના ૨૦૧૨ની ૨૪ એપ્રિલથી ગુમ હતી. ત્રિપુરાના સિદ્ધાર્થ દાસ નામના પોતાના ભૂતપૂર્વ લિવ-ઇન પાર્ટનર સાથે રહેતી શીના ગુમ થઈ ગઈ હતી. ઇન્દ્રાણી મુખરજી એક સમયના સ્ટાર ટીવીના સીઈઓ અને મીડિયા ક્ષેત્રના અગ્રણી પીટર મુખરજીનાં પત્ની હતાં. માતાએ જ પુત્રીની હત્યા કરી હોવાનો આરોપ હોય એવો કેસ એમ પણ ચોંકાવનારો હોય અને અહીં તો ઇન્દ્રાણી પીટરનાં પત્ની હતાં એથી આ કેસ વધુ ચર્ચાસ્પદ બન્યો. કેસ બહાર આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી ઇન્દ્રાણી મુખરજી અદાલતોમાં અને ભાયખલાની મહિલા જેલમાં જતાં-આવતાં અનેક વખત પ્રસાર માધ્યમોના કૅમેરામાં દેખાયાં હતાં. તેમને ૨૦ મેએ જામીન પર મુક્ત કરવામાં આવ્યાં છે.
તેમની સાથે વાત કરવા અમે ઘરે પહોંચીએ છીએ. વાતચીતની શરૂઆતમાં જ તેઓ અમને પાણી પીરસતાં કહે છે, ‘આજકાલ હું પાણી વધારે પીવાય એ વાતની કાળજી લઉં છું.’
એમ તો ઘર નાનું છે, પણ દીવાલો પર એમ. એફ. હુસેન અને પાબ્લો પિકાસોનાં ચિત્રોનું કલેક્શન જોવા મળે છે. અત્યારે તો તેઓ અહીં થોડા સમય માટે જ રહેવા આવ્યાં છે. તેમના પહેલાં તેમની નાની બહેન વિધિ મુંબઈમાં હોય ત્યારે આ ફ્લૅટમાં રહેતી હતી.
‘સાડાછ વર્ષ સુધી જેલની નાનકડી કોટડીમાં રહ્યા પછી હવે મને નાની જગ્યામાં જ રહેવાનું વધારે માફક આવે છે,’ એમ કહેતાં તેઓ સોફા પર ગોઠવાય છે.
અત્યારે તેમની સામે નોંધાયેલા કેસનો ચુકાદો આવ્યો નહીં હોવાને કારણે તેઓ આ કેસ વિશે કંઈ બોલવાનાં નથી. જોકે તેઓ કહે છે કે સાંભળનાર તેમની વાતો પર વિશ્વાસ મૂકે તો જ તેમના બોલવાનો કોઈ અર્થ છે.
તેઓ જણાવે છે કે ‘અત્યારે તો મારો દિવસ અલગ-અલગ પ્રકારનાં કામમાં પૂરો થઈ જાય છે. આ ઘરમાં બધું ગોઠવી રહી છું. મારાં બધાં બૅન્ક-ખાતાંની માહિતી ભેગી કરી રહી છું અને સૌથી વધુ મહત્ત્વનું એ છે કે જેઓ મારા જામીન આપી શકે એવા લોકોનો મારે સંપર્ક કરવાનો છે. મારા બધા કૉન્ટૅક્ટ-નંબર ખોવાઈ ગયા છે. મારો ફોન જપ્ત કરવામાં આવ્યો હતો અને કમ્પ્યુટર પણ. આ બન્ને વસ્તુઓ હજી અદાલતના કબજામાં છે એથી લોકોનો સંપર્ક કરવાનું અત્યારે થોડું મુશ્કેલ થઈ રહ્યું છે.’
સીબીઆઇ કોર્ટે બે લાખ રૂપિયાના પર્સનલ બૉન્ડ અને બે અઠવાડિયાંની અંદર એક અથવા વધુ સ્થાનિક જામીન આપવાની શરતે તેમને મુક્ત કર્યાં છે. જામીન માટે પણ ઘણી બધી શરતો રખાઈ છે. એમાંની એક શરત એ છે કે જામીન આપનાર વ્યક્તિ નાદાર હોવી જોઈએ નહીં. પોતાને અપાયેલી બે અઠવાડિયાંની મુદતને વધારીને ચાર અઠવાડિયાં કરાવવા માટે તેમણે હજી ગયા ગુરુવારે જ અરજી કરી છે. તેઓ જણાવે છે કે ‘એક એવી પણ શરત છે કે જામીન આપનાર વ્યક્તિ મને સારી રીતે ઓળખતી હોવી જોઈએ અને મુંબઈમાં જ રહેતી હોવી જોઈએ. વળી એ વ્યક્તિ વકીલ ન હોવી જોઈએ. આ શરત ન હોત તો મારા વકીલોમાંથી જ કોઈકે જામીન આપ્યા હોત. આમ, હાલની સ્થિતિમાં મારે વહેલામાં વહેલી તકે જામીનની વ્યવસ્થા કરવાની છે.’
તેમની ધરપકડ થઈ ત્યારની સ્થિતિ વિશે પુછાતાં ઇન્દ્રાણી મુખરજી કહે છે, ‘જેલમાં જવાનું કોને ગમે! મેં મારા જીવનમાં ક્યારેય એક સિગ્નલ પણ તોડ્યું નથી અને મારી સામે અચાનક હત્યાનો આરોપ મુકાય એ ઘણો મોટો આઘાત હતો. એ પહેલાં હું ક્યારેય પોલીસ-સ્ટેશન પણ ગઈ નહોતી. મેં સ્વપ્નેય વિચાર્યું નહોતું કે મારા પર મારા જ સ્વજનની હત્યાનો આરોપ મુકાશે. હું તો સાવ ભાંગી પડી હતી. મારી મોટી દીકરી શીનાનું મૃત્યુ થયું હોવાની શક્યતા એ જ ઘણો મોટો કુઠારાઘાત હતો. મારી અંદર લાગણીઓનું તોફાન જામ્યું હતું. કોઈ વ્યક્તિ તમારી સાથે જીવનભરના અબોલા લઈ લે એવું તો કોઈ પણ પરિવારમાં બનતું હોય છે, પણ શીનાનું મૃત્યુ થયાની વાત ઘણી-ઘણી આઘાતજનક હતી. કારાવાસ કરતાં શીનાના અવસાનની વાત વધારે અકળાવનારી હતી.
ઇન્દ્રાણીનાં વકીલ સના રઈસ ખાને એક મુલાકાતમાં એવો દાવો કર્યો છે કે શીના બોરા પીટર મુખરજીના પહેલાં લગ્નના સંતાન અને પોતાના ફિયાન્સ રાહુલ મુખરજી સાથે સંદેશાઓની આપ-લે કરતી હતી એ પુરવાર કરવા માટે સીબીઆઇ પાસે પૂરતા પુરાવા છે. સંદેશાઓની આ આપ-લે શીના ગુમ થયાના લગભગ પાંચ મહિના સુધી ચાલી રહી હતી. સંદેશાઓના આદાન-પ્રદાન વિશે ડિરેક્ટરેટ ઑફ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીઝે પણ પ્રમાણપત્ર આપ્યું છે કે એ સંદેશા રાહુલના ફોનમાંથી પ્રાપ્ત થયા છે. આ બાબતે ઇન્દ્રાણી મુખરજી કહે છે, ‘આવો પુરાવો હોય એ મારા માટે ઘણી સારી વાત છે. શીના જીવતી હોઈ શકે એવી સંભાવનાને કારણે મને સારું લાગે છે.’
નોંધનીય છે કે ઇન્દ્રાણીએ નવેમ્બર ૨૦૨૧માં સીબીઆઇને એક પત્ર મોકલ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે શીના કાશ્મીરના શ્રીનગરમાં જોવા મળી હતી એવું એક સરકારી અધિકારી અને જેલમાં સાથે હતી એ મહિલાએ મને જણાવ્યું હતું. જોકે સીબીઆઇ તેમના આ દાવાને ‘કાલ્પનિક’ અને ‘અશક્ય’ ગણાવે છે. સીબીઆઇએ ગયા માર્ચ મહિનામાં વિશેષ અદાલત સમક્ષ નોંધાવેલા જવાબમાં કહ્યું હતું કે શીના બોરા મૃત્યુ પામી છે અને ઇન્દ્રાણી મુખરજીએ અન્ય આરોપીઓ સાથે ષડ્યંત્ર રચીને શીનાની હત્યા કરાવી હતી.
મહિલાઓ માટેની ભાયખલાની જેલમાં ઇન્દ્રાણીને અલગ ખંડમાં રાખવામાં આવ્યાં હતાં. તેઓ કાચાં કેદી હોવાને કારણે તેમની પાસે મજૂરીનું કોઈ કામ કરાવવામાં આવતું નહોતું. જોકે તેઓ જણાવે છે કે ‘ધરપકડ થતાં પહેલાંની જિંદગી કરતાં જેલની જિંદગી અલગ જ હોવાની. મને દિવસના ભાગમાં કોઈ તકલીફ નહોતી, પરંતુ સાંજે ૫.૩૦ વાગ્યે કોટડીમાં બંધ કરવામાં આવશે એ વાત જ કંપારી છૂટે એવી હતી.’
મોટા ભાગનો સમય તેમણે પુસ્તકો અને અખબારો વાંચવામાં કાઢ્યો હતો. તેમણે લેખનકાર્ય, યોગાભ્યાસ, પ્રાર્થના અને બીજા કેદીઓ સાથે વાતચીતનો ક્રમ રાખ્યો હતો. ‘જેલના નિયમોનું પૂરેપૂરું પાલન કરવું એ નક્કી હતું. મેં ભરપૂર સકારાત્મક ઊર્જાનો પ્રસાર કરવાનો પ્રયત્ન કર્યો. હું ઘણી આધ્યાત્મિક પણ બની ગઈ હતી. હું નિયમિત મહામૃત્યુંજય જાપ, હનુમાન ચાલીસા, શની ચાલીસા, ગાયત્રી મંત્ર અને બગલામુખી કવચનું પારાયણ કરતી હતી.’
ઇન્દ્રાણી મુખરજીએ પોતાના ઘરમાં સેલ્ફ પર રાખેલાં ગણપતિ, લક્ષ્મીમાતા અને દત્તગુરુ ભગવાનનાં ચિત્રો દેખાડ્યાં. આ ચિત્રો તેમણે જેલવાસ દરમ્યાન અખબારો અને સામયિકોમાંથી કાપ્યાં હતાં. તેઓ જણાવે છે કે ‘મેં જેલમાં આ બધાં ચિત્રો કાર્ડબોર્ડના બૉક્સમાં લાલ રંગના દુપટ્ટાથી ઢાંકી રાખ્યાં હતાં. એને જ હું પોતાનું મંદિર ગણતી અને એની સામે બેસીને વાત કરતી. મને એમાંથી ઘણી સકારાત્મક ઊર્જા અને શક્તિ મળતી. ઈશ્વરની પ્રાર્થનામાં મારો ઘણો સમય વીતતો. હું દરરોજ ઓછામાં ઓછા બે કલાક પૂજા કરતી. આ બધાં ચિત્રો હું ત્યાંથી જ લાવી છું.’
જેલમાં રહીને તેમણે બે ભાગમાં લખાનારા પુસ્તકનાં ૨૩ પ્રકરણ લખી કાઢ્યાં છે, પણ અત્યારે એના વિશે તેઓ વાત કરવા નથી માગતાં.
અહીં જણાવવું રહ્યું કે પીટરે પણ ગયા વર્ષે એક પુસ્તક પ્રગટ કર્યું છે, જેના અડધા ભાગમાં તેમની પોતાની યાદગીરીઓ છે અને અડધામાં ભારતીય ટેલિવિઝન ઉદ્યોગની વાતો છે. શીના બોરા હત્યા પ્રકરણને કારણે ઇન્દ્રાણી અને તેમના ભૂતપૂર્વ પતિ પીટર વચ્ચે વિખવાદ થયો છે. ઇન્દ્રાણીની ધરપકડ થયાના ત્રણ મહિના બાદ ૧૯ નવેમ્બરે પીટરની ધરપકડ થઈ હતી. તેમની સામે પુરાવા નષ્ટ કરવાનો તથા ગુનેગારોને બચાવવા માટે ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો હતો.
કહેવાય છે કે કારમાં ગળું દબાવીને શીનાની હત્યા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ રાયગડના જંગલમાં ફેંકી દેવાયો હતો. સીબીઆઇના ચાર્જશીટમાં ઇન્દ્રાણી ઉપરાંત તેમના તત્કાલીન ડ્રાઇવર શ્યામવર રાય અને તેમના બીજા પતિ સંજીવ ખન્નાને આરોપી ગણાવવામાં આવ્યા છે. પ્રસાર માધ્યમોમાં પ્રગટ થયેલા અહેવાલ અનુસાર પીટરે જણાવ્યું હતું કે શીના બોરા અને તેનો ભાઈ મિખાઇલ ઇન્દ્રાણીનાં ભાઈ-બહેન હતાં એવું તેમને તથા તેમના પરિવારને જણાવવામાં આવ્યું હતું.
ઇન્દ્રાણીએ એપ્રિલ ૨૦૧૮માં છૂટાછેડા માગતી કાનૂની નોટિસ આર્થર રોડ જેલમાં રખાયેલા પીટરને મોકલી હતી. એનાં બે વર્ષ બાદ ઑક્ટોબર ૨૦૧૯માં બન્નેને છૂટાછેડા મળ્યા હતા. ઇન્દ્રાણી એક પ્રશ્નના જવાબમાં કહે છે કે ‘મુખરજી અટક લખવાનું બંધ કરવા વિશે મેં હજી સુધી કોઈ વિચાર કર્યો નથી. મારી ધરપકડ થયાના દિવસે અમારા બન્ને વચ્ચેના સંબંધમાં પરિવર્તન આવી ગયું હતું. સાદા ડ્રેસમાં આવેલા પોલીસ અધિકારીઓ મહાલક્ષ્મીના આનંદ નિકેતન નામના અનાથાશ્રમમાંથી મને પકડીને ઘરે લઈ આવ્યા, પણ મેં શું ખોટું કર્યું છે એના વિશે મને કંઈ કહ્યું નહીં. તેમણે એટલું જ કહ્યું કે તેઓ એક ઍક્સિડન્ટ સંબંધે મારી પૂછપરછ કરવા માગે છે. એના એકાદ-બે કલાક પછી પીટર ઘરે આવ્યા ત્યારે પોલીસે તેમને બાલ્કનીમાં લઈ જઈને જણાવ્યું કે મારી પૂછપરછ કયા કારણસર થઈ રહી છે. શીનાનું અપહરણ અને હત્યાનો મારા પર આરોપ મુકાયો છે એવું પીટરે મને જણાવ્યું ત્યારે ખબર પડી. ‘આ તે કેવી બેહૂદી વાત છે’ એવી મારી પહેલી પ્રતિક્રિયા હતી, પણ એ જ વખતે મને પીટરના ચહેરા પર બદલાયેલા રંગ દેખાયા. મને આજે પણ એ હાવભાવ યાદ છે. જોકે મને હજી પણ ખબર નથી પડી કે એ બધું શું હતું. પોલીસે જ્યારે મને કહ્યું કે પૂછપરછ માટે મારે તેમની સાથે આવવું પડશે ત્યારે હું ભાંગી પડી. મને રડવું આવી ગયું અને મેં પીટરને બાઝી પડતાં કહ્યું કે કંઈક કરો. મને બાથમાં લે ત્યારે દર વખતે દેખાતો ઉમળકો એ વખતે નહોતો. એ વખતે મને લાગ્યું કે હું કોઈક અજાણ્યા માણસને ભેટી પડી છું. તેઓ એકદમ શિથિલ બની ગયા, જાણે મારી સાથે કોઈ સંબંધ જ ન હોય. એક મહિલા તરીકે મારામાં આંતરિક સૂઝબૂઝ છે. એ દિવસે મને સમજાઈ ગયું હતું કે પીટર મારા માટે કંઈ નહીં કરે. તેમણે એ જ ઘડીથી મારો સાથ છોડી દીધો હતો. ધરપકડ થયા પછીના દિવસોમાં તેઓ મને અદાલતમાં અને પોલીસ-સ્ટેશનમાં દેખાશે એવી ઇચ્છા રહેતી, પરંતુ તેઓ ક્યારેય દેખાયા જ નહીં. તેઓ જેલમાં મુલાકાત માટે આપવામાં આવતા સમય દરમ્યાન પણ ક્યારેય આવ્યા નહીં. તેમણે લખેલા અનેક પત્રોમાંથી એકમાં કહ્યું હતું કે તેઓ નવેમ્બર ૨૦૧૫માં ગોવામાં પોતાનો ૬૦મો જન્મદિવસ ઊજવવાની તૈયારી કરી રહ્યા છે. મને વિચાર આવ્યો કે શું આ ખરું છે? મને મળવા માટે જેમને સમય નથી એ માણસ પોતાનો જન્મદિવસ ઊજવવાની તૈયારી કરી રહ્યો છે! તેમણે પોતાની ઇન્શ્યૉરન્સ પોલિસી, ઇન્વેસ્ટમેન્ટ અને પ્રૉપર્ટી એ બધામાંથી મને બેદખલ કરી. એમાંથી અમુક વસ્તુઓ તો અમારી સંયુક્ત માલિકીની હતી. મારે કોઈ ભાઈ-બહેન નહોતાં. મારી ધરપકડ થયાના ૧૫ દિવસ બાદ મારી માતાનું મૃત્યુ થયું અને ત્યાર પછી હાર્ટ-અટૅકને કારણે મારા પિતા મૃત્યુ પામ્યા. આમ, મને પરિવારનો કોઈ સધિયારો ન રહ્યો. શરૂઆતમાં તો હું ધૂંધવાયેલી રહેતી, પરંતુ મેડિટેશન અને યોગાભ્યાસ શરૂ કર્યા બાદ હું બધું જતું કરવા માંડી.’
ઇન્દ્રાણી જણાવે છે, ‘પોતાના ૬૦મા જન્મદિવસના બે દિવસ પહેલાં ધરપકડ થયા બાદ પીટરે મારો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. મને લાગે છે કે પોતે કંઈ કર્યું ન હોય એવા કિસ્સામાં પોતાની ધરપકડ થવી એ કેટલી મોટી વાત છે એવું તેમને સમજાઈ ગયું હશે. શક્ય છે કે મારી ધરપકડ બાદ તેમણે જે રીતે મારી સાથે સંબંધ તોડી નાખ્યો એ બાબતે તેમને પસ્તાવો થયો હશે. આથી જ કદાચ હું આટલું બધું થયા પછી પણ તેમના પ્રત્યે સૌહાર્દપૂર્ણ વલણ ધરાવું છું.’
પોતે છૂટાછેડા આપ્યા હોવા છતાં તેઓ કહે છે, ‘હું હજી પીટર વિશે વિચારું છું. હું હંમેશાં તેમની સાથે પ્રેમ કરતી આવી છું અને પ્રેમ ક્યારેય મરતો નથી. કાલે ઊઠીને કદાચ તેમને પોતાની તબિયત સારી ન હોય અથવા ખરાબ સમય ચાલતો હોય ત્યારે જો મારી જરૂર લાગશે તો હું બીજું બધું છોડીને તેમના પડખે રહીશ, પરંતુ એ વાત નક્કી છે કે હું ક્યારેય અન્ય કોઈને જીવનસાથી તરીકે અપનાવી નહીં શકું. તેઓ પણ મને જરૂર પડે ત્યારે મારી સાથે રહે એવી અપેક્ષા પણ નહીં રાખું.’
મુલાકાતના આ તબક્કે ઇન્દ્રાણી મુખરજી ચા પીવા માટે બ્રેક લે છે. એક કલાકની વાતચીત દરમ્યાન તેઓ બીજી વાર ચા પી રહ્યાં છે. તેમના ઘરકામમાં મદદ કરનાર વ્યક્તિ તેમનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરી રહી છે અને તેની વાત સમજી ગયાં હોય એમ તેઓ તેને કહે છે કે તારે જવું હોય તો જઈ શકે છે.
ઇન્દ્રાણી જણાવે છે કે ‘ઘરમાં કામ કરનાર વ્યક્તિ અને મારા કેટલાક જુનિયર જૂના કર્મચારીઓ મારા નવા મિત્રો છે. તેઓ પણ મારા જામીન બનવા તૈયાર છે. હું જેમને મારા મિત્રો ગણતી આવી છું એવા લોકો મને જમવાનું નિમંત્રણ આપે છે, પરંતુ બીજી કોઈ મદદ કરવાની તૈયારી કોઈએ બતાવી નથી. મને લાગે છે કે હું હવે આ શહેરની ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં રહેતા લોકો સાથે સંબંધ વધારવાનો પ્રયાસ કરીશ. જેલની દીવાલોએ મારા બાહ્ય અવરોધોને તોડી નાખ્યા છે.’
પોતે ભવિષ્યમાં કાચા કેદીઓને કાનૂની અને આર્થિક સહાય આપવાનું કાર્ય શરૂ કરશે એવો અણસાર તેઓ આપે છે. તેમની વકીલો એડિથ ડે અને સના રઈસ ખાન હવે તેમના પરિવારજનો બની ગઈ છે. ‘એડિથ તો હવે મારી બહેન જેવી છે અને નિકટની મિત્ર પણ છે. આજની તારીખે સના મારા જીવનની ઘણી મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓમાંની એક બની ગઈ છે. હું આજે જામીન પર છૂટીને આવી છું એનું શ્રેય તેને જ જાય છે. તે મારા ચોથા સંતાન જેવી છે.’ સનાએ હજી ૧૦ મહિના પહેલાં જ આ કેસ સંભાળ્યો છે. અદાલતને દસમી વખત વિનંતી કરીને તેમણે જામીન મેળવ્યા છે.
વાતો કરતાં-કરતાં અમે ઇન્દ્રાણીનાં સંતાનોના વિષય પર આવ્યા. તેમનાં સંતાનો છે – શીના, મિખાઇલ અને વિધિ. વિધિ તેમના અગાઉના પતિ સંજીવ ખન્નાથી થઈ છે અને પીટરે તેને દત્તક લીધી હતી. આ હત્યાકેસમાં તપાસની શરૂઆતના દિવસોમાં ઇન્દ્રાણી અને શીનાના સંબંધો વિશે અનેક વાતો ઊડી હતી. શીના ઇન્દ્રાણીની સાવકી બહેન હતી એવી પણ એક વાત હતી. વિધિએ ગયા વર્ષે પ્રકાશિત કરેલા પુસ્તક – ‘ડેવિલ્સ ડૉટર’માં એવો દાવો કર્યો છે કે શીના સાથે તેની ઓળખાણ ઇન્દ્રાણીની ગુવાહાટીમાં રહેતી બહેન તરીકે કરાવવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે શીના દક્ષિણ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણવા માટે આવી હતી. જોકે અહીં ઇન્દ્રાણી પોતાનાં ત્રણેય સંતાનમાંથી એકેય વિશે કોઈ ઇનકાર કરતાં નથી. હાલમાં વિધિ સાથે તેમનો સંપર્ક ટકેલો છે. એક સમયે તેની સાથેનો સંબંધ પણ તંગ હતો. ઇન્દ્રાણી જણાવે છે, ‘પીટર સાથે મારાં લગ્ન થયાં એ વખતે તેમની ઉંમર ૪૭ વર્ષની હતી અને હું તો હજી ત્રીસીમાં જ હતી. તેમના જીવનમાં આ નાનકડી છોકરી આવી એથી તેઓ ઘણા ખુશ હતા. તેની સાથે ઘણું રમતા અને ભાવનાત્મક રીતે પણ તેની સાથે નિકટતા ધરાવતા હતા. બીજી બાજુ હું શિસ્તમાં માનનારી હતી. વિધિ ઇંગ્લૅન્ડની બોર્ડિંગ સ્કૂલમાં ભણતી હતી. વિધિ ભણવામાં નબળી પડી રહી છે એવું જણાયું ત્યારે હું બધું છોડીને તેની નજીક રહેવા ગઈ. તેના જીવનમાં નિયમિતતા આવે એવું હું ઇચ્છતી હતી. જોકે આ જ કારણસર અમારા બન્ને વચ્ચે મતભેદ થયા હતા. પીટરની અને મારી ધરપકડ થઈ એ વખતે વિધિ પીટરને પ્રેમાળ પિતા અને મને કઠોર માતા જ સમજતી હતી.’
વિધિએ આ લેખકને અગાઉ એક મુલાકાતમાં કહ્યું હતું કે તેણે ઇન્દ્રાણીના પત્રોનો જવાબ આપવાનું અને જેલમાં તેમને મળવા જવાનું બંધ કરી દીધું છે, કારણ કે જે બની રહ્યું છે એને સહન કરવા માટે તેઓ પૂરેપૂરાં સજ્જ છે.
ઇન્દ્રાણી કહે છે, ‘વિધિ ખરેખર ખૂબ ગૂંચવાયેલી હતી અને ખિન્ન હતી. તેના પર ઘણું ભાવનાત્મક દબાણ હતું. બીજાઓએ તેને જે માહિતી આપી હતી એના આધારે તેણે કડીઓ જોડી એવું મને લાગે છે.’
બન્ને વચ્ચે આખરે સમાધાન થયું છે. ઇન્દ્રાણી કહે છે કે તેમણે પોતાની દીકરીના ગ્રૅજ્યુએશનનાં અસાઇનમેન્ટ એડિટ કરવામાં પણ તેને મદદ કરી હતી. વિધિએ પોતાના પરિવારના ગૂંચવાયેલા સંબંધો અને પારિવારિક તાણાવાણા વિશે પ્રકાશ પાડનારું પુસ્તક લખ્યું ત્યારે પોતાને વાંચવા માટે જેલમાં મોકલ્યું હતું એમ પણ ઇન્દ્રાણીએ જણાવ્યું છે.
ઇન્દ્રાણી મુખરજી કહે છે, ‘વિધિએ મને એમ પણ કહ્યું હતું કે ‘જો મમ્મી, તમે આ પુસ્તકમાંથી જેકંઈ કાઢવા માગતાં હો એ હું કાઢી નાખીશ.’ મારાં વકીલો પણ ચિડાયાં હતાં. તેમને લાગ્યું કે ‘ડેવિલ્સ ડૉટર’ પુસ્તક ફક્ત ધારણાઓ પર આધારિત છે. વકીલોએ પુસ્તક પર સ્ટે ઑર્ડર લાવવાનું પણ સૂચન કર્યું હતું, પરંતુ મેં ઇનકાર કર્યો હતો. મેં વિચાર્યું કે વિધિ જે કરવા માગે છે એ તેને માટે મહત્ત્વનું છે.’
૨૪ વર્ષની વિધિએ પુસ્તક ઇન્દ્રાણીને સમર્પિત કર્યું છે. એમાં તેણે લખ્યું છે, ‘તેમના કેટલાક નિર્ણયો અને પગલાં વિશે મને કંઈ સમજ પડતી નથી. આગામી વર્ષોમાં મને કંઈ સમજ પડશે અને મારા સવાલના જવાબ મળશે એવી આશા રાખું છું.’
ઇન્દ્રાણી મુખરજી કહે છે, ‘એ પુસ્તકમાં વિધિએ ઉઠાવેલા સવાલના જવાબ હું ક્યારેક જાતે અથવા મારી રજૂઆત દ્વારા આપવાની આશા રાખું છું. હું હજી વિધિને મળી શકી નથી. મેં હજી તેને બાથમાં લીધી નથી. મારે એ માટે અદાલતની પરવાનગી લેવી પડશે.’
પોતાને મિખાઇલ પણ પ્રિય છે એવો દાવો ઇન્દ્રાણીએ કર્યો છે. અગાઉ મિખાઇલે વિશેષ સીબીઆઇ અદાલત સમક્ષ જુબાનીમાં કહ્યું હતું કે તેનાં પોતાનાં દાદા-દાદીની દયનીય સ્થિતિ માટે ઇન્દ્રાણી જવાબદાર છે. ઇન્દ્રાણીએ પોતાને મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું મિખાઇલે જણાવ્યું હતું. ઇન્દ્રાણી મુખરજી કહે છે, ‘મિખાઇલને ભલે ગમે તે લાગતું હોય, મારો તેના પ્રત્યેનો પ્રેમ ઓછો નહીં થાય. જો કોઈ દિવસે તે મારી પાસે આવશે તો હું તેનું રક્ષણ કરીશ. આ વાત કોઈને સમજાશે નહીં, પણ મિખાઇલને પોતાને ખબર છે કે મેં હંમેશાં તેનું રક્ષણ કરવા માટે મારાથી બનતા તમામ પ્રયાસ કર્યા છે.’
પોતે કોઈ સંતાન પ્રત્યે પક્ષપાત કર્યો નથી એવું જણાવતાં ઇન્દ્રાણી મુખરજી કહે છે, ‘હું દરરોજ એ બધા માટે પ્રાર્થના કરું છું. ઘણા લોકોએ મારા વિશે કે મારા જીવન વિશે જાણ્યા વગર જ બદનક્ષીભર્યું લખાણ લખ્યું છે અથવા તેઓ બોલ્યા છે. ખરું પૂછો તો તમે પર્ફેક્ટ હો તો પણ તમારામાંથી ખામી કાઢનારા લોકો મળી આવશે.’
આધ્યાત્મિકતાને લીધે પોતાના જીવનમાં ઘણો લાભ થયો હોવાનું જણાવતાં ઇન્દ્રાણી કહે છે, ‘હવે હું સહેલાઈથી કોઈને પણ ક્ષમા કરી શકું છું. મને બ્રેન ઇસ્કેમિયા નામની બીમારી થઈ છે, જેનો ઇલાજ નથી. મારી પાસે હવે કેટલું જીવન બાકી રહ્યું છે એની મને ખબર નથી. કદાચ કાલે જ મારું પ્રાણપંખેરું ઊડી જાય. જો હું સારી હોઈશ તો મારું મૃત્યુ વહેલું આવી જશે.’
મુલાકાત પતાવીને જતાં-જતાં ઇન્દ્રાણીએ મને મારું ઈ-મેઇમેલ ઍડ્રેસ પૂછ્યું. એમાં ૮૭ અંક આવે છે. તેમણે પૂછ્યું, ‘શું તારો જન્મ ૮૭ની સાલમાં થયો છે?’ મને યાદ છે કે શીનાનો જન્મ પણ એ જ વર્ષે થયો હતો. મેં જવાબમાં ‘હા’ કહ્યું અને મારી તટસ્થતા સાથે હું ત્યાંથી રવાના થઈ.