સાધુ ભલે ન બની શક્યો, પણ હું માણસ તો બની ગયો
પદ્મભૂષણ જૈનાચાર્ય વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના સ્વમુખે ધર્મલાભ
પર્વાધિરાજ પર્યુષણમાં પદ્મભૂષણ જૈનાચાર્ય વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના સ્વમુખે ધર્મલાભ
‘મહારાજસાહેબ! જિંદગીભર માટે જુગાર ન રમવાનો અને દારૂ ન પીવાનો નિયમ લેવા આપની પાસે અત્યારે આવ્યો છું. આપ વાસક્ષેપ નાખી આપી દો નિયમ.’
ત્રીસ વર્ષની ઉંમરનો એક પરિચિત યુવક બપોરના સમયે ઉપાશ્રયમાં આવ્યો છે અને એકબે નિયમની માગણી કરી રહ્યો છે.
‘જુગાર રમે છે?’
‘હા, વીસેક વર્ષથી.’
‘દારૂ પીવાનું?’
‘લગભગ બારેક વર્ષથી નિયમિત...’
‘આ સિવાયની કોઈ કુટેવો?’
‘ન પૂછો તો સારું...’
યુવકે હાથ જોડ્યા.
‘રહેવાનું ક્યાં છે?’
‘વાલકેશ્વરમાં.’
‘કોઈ મહાત્માનાં પ્રવચનો
સાંભળ્યાં છે?’
‘ચંદનબાળા અપાર્ટમેન્ટમાં આપના ચાતુર્માસનાં તમામ પ્રવચનો મેં સાંભળ્યાં છે. ૧૬ રવિવારીય શિબિરોના તમામ પ્રવચનો મેં સાંભળ્યાં છે. કદાચ અનેક યુવાનોનાં હૃદયપરિવર્તન અને જીવનપરિવર્તન એ પ્રવચનો અને શિબિરના માધ્યમે થયાં હશે, પણ હું એવો ને એવો જ રહ્યો છું. મારામાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી.’
‘તો પછી અચાનક આ નિયમ લેવાની પ્રેરણા ક્યાંથી થઈ?’
‘એક ઘટના ઘટી ગઈ એટલે...’
‘જુગારમાં પૈસા હાર્યો?’
‘ના.’
‘દારૂથી તબિયત બગડી?’
‘ના.’
‘તો?’
‘ઘટના એક અઠવાડિયા પહેલાંની છે. બન્યું એવું કે મારા ઘરનો ઘાટી માળિયા પરનો બધો સામાન સાફ કરી રહ્યો હતો. અનેક જાતના ભંગાર જેવા
સામાનમાં અચાનક ઘાટીની નજર એક બૅગ પર પડી. એ બૅગ બંધ હતી. તેણે માળિયા પરથી બૅગ નીચે ઉતારી અને મારી સામે લાવીને મૂકી દીધી. મેં તાળું તોડીને બૅગ ખોલી નાખી.
વર્ષો પહેલાં એમાં મૂકેલી જાતજાતની ચીજો મેં બહાર કાઢી, પણ અચાનક મારી નજર એક ફોટો પર પડી અને હું સ્તબ્ધ થઈ ગયો. મારો જ એ ફોટો હતો. કદાચ ૨પ વર્ષ પહેલાંનો હતો. નાનકડા બાળકના સ્વરૂપમાં મારી જાતને જોઈને હું આશ્ચર્યમાં ગરકાવ તો થઈ ગયો પણ મારી આંખ પહોળી ત્યારે થઈ કે મારા એ ફોટોમાં મારા શરીર પર મેં ઝભલું ન જોતાં આપના શરીર પર જેવાં વસ્ત્રો છે એવાં વસ્ત્રો મેં જોયાં. ફોટો લઈને હું સીધો મમ્મી પાસે ગયો.
‘મમ્મી! આ હું છું?’
‘હા.’
‘સાધુનાં કપડાંમાં?’
‘બેટા! કોડ હતા મારા મનમાં કે ભવિષ્યમાં મારે તને પવિત્ર એવા સંયમજીવનનો સ્વામી બનાવવો. સાધુ જીવનમાં તું કેવો લાગીશ એ જાણવા માટે મેં તને સાધુ જેવાં કપડાં પહેરાવ્યાં અને આ
ફોટો પડાવ્યો. એ ફોટો જોઈને મેં દિવસોના દિવસો આંખમાંથી હર્ષનાં આંસુ પડેલાં. પરમાત્માને પ્રાર્થના કરતી કે હે પ્રભુ, મારા આ લાલને તું સાધુ જ બનાવજે, પણ બેટા મારા એ કોડ અધૂરા રહી ગયા. તું સાધુ તો ન બન્યો પણ આજે...’
આટલું બોલતાં-બોલતાં મમ્મી રડી પડ્યાં.
અને વાત કરતાં-કરતાં યુવાન પણ.
‘મહારાજસાહેબ! મમ્મીએ મારે માટે સેવેલાં અરમાનોની વાત સાંભળીને હું ચોધાર આંસુએ મમ્મીના ખોળામાં માથું નાખીને રડ્યો અને એ જ પળે જુગાર અને દારૂત્યાગનો સંકલ્પ લઈ લીધો.’
યુવાનની આંખોમાં આંસુ હતાં, પણ ચહેરા પર હર્ષ પણ હતો.
સાચા જીવનની દિશા મળ્યાની ખુશી એ સમયે તેની આંખોમાં દેખાતી હતી.
‘શું કહું હું આપને? જે કામ મારે માટે આપનાં પ્રવચનો ન કરી શક્યાં એ કામ મારા પાંચ વર્ષની વયે પાડેલા એક ફોટોએ અને એ ફોટોની પાછળના ઇતિહાસે કરી દીધું. આપ આપી દો નિયમ. મને એટલો તો સંતોષ આપી દો કે હું સાધુ ભલે નથી બની શક્યો, પણ માણસ તો બની જ ગયો છું.’

