રાજ કપૂરના મનમાં એક ફિલ્મનું કથાબીજ વર્ષોથી રમતું હતું. કે. એ. અબ્બાસ અને વી. પી. સાઠેને તેમણે સ્ક્રીન પ્લે અને ડાયલૉગ તૈયાર કરવાની સૂચના આપી અને નવી ફિલ્મ ‘હિના’નું મુહૂર્ત કર્યું.
વો જબ યાદ આએ
ફિલ્મમેકર તરીકે રાજ કપૂર અને તેમના પુત્રો વચ્ચે સંબંધો કેવા
‘રામ તેરી ગંગા મૈલી’ની સફ્ળતાએ આર. કે. ફિલ્મ્સની નાણાકીય મુશ્કેલીઓમાંથી રાજ કપૂરને તાત્કાલિક રાહત આપી. એક વાત નક્કી હતી. આર. કે. ફિલ્મ્સના મોટા ખર્ચા પૂરા કરવા રાજ કપૂરે વહેલામોડા એક નવી ફિલ્મની શરૂઆત કરવી જ પડે. રાજ કપૂરના મનમાં એક ફિલ્મનું કથાબીજ વર્ષોથી રમતું હતું. કે. એ. અબ્બાસ અને વી. પી. સાઠેને તેમણે સ્ક્રીન પ્લે અને ડાયલૉગ તૈયાર કરવાની સૂચના આપી અને નવી ફિલ્મ ‘હિના’નું મુહૂર્ત કર્યું.
બીજા દિવસથી લાગતા-વળગતા અનેક લોકોના ફોન રાજ કપૂર પર આવવા લાગ્યા. દરેક પોતાની નજીકની યુવાન પ્રતિભાઓને આર. કે. ફિલ્મ્સની હિરોઇન બનાવવા ઉત્સુક હતા. આમ સેંકડો યુવતીઓ પોતાનો પોર્ટફોલિયો લઈને આર. કે. સ્ટુડિયોનાં ચક્કર મારવા લાગી. એમાં એક વસ્તુ કૉમન હતી. દરેક ઉમેદવાર પોતાના અનેક અર્ધનગ્ન ફોટોનું આલબમ સાથે લઈને આવતી.
દરેકને એમ હતું કે રાજ કપૂરની ફિલ્મની હિરોઇન બનવું હોય તો આવા ‘પોઝ’ આપવા અનિવાર્ય છે. એટલે બન્યું એવું કે લેભાગુ ફોટોગ્રાફર્સ ઇચ્છુક યુવતીઓ પાસેથી મોંમાગ્યા પૈસા લઈને તેમના પોર્ટફોલિયો બનાવવા લાગ્યા. મોટા ભાગની યુવતીઓને અભિનયનો કોઈ જ અનુભવ નહોતો પરંતુ ભરોસો હતો કે મંદાકિનીની જેમ રાજ કપૂરના ડિરેક્શનનો જાદુ તેમને હિરોઇન બનાવી દેશે.
એમાંની એક (જેણે દૂરદર્શનની સિરિયલ ‘એક કહાની’માં નાનો રોલ ભજવ્યો હતો) ખૂબ જ હિંમતવાન હતી. ક્યાંકથી તેણે રાજ કપૂરનો ફોન-નંબર મેળવી લીધો એટલે તે વારંવાર રાજ કપૂરને ફોન કરતી. એમાં પણ જો રાતનો સમય હોય તો એટલું જરૂર કહેતી, ‘હું તમને બહુ મિસ કરું છું.’ આ સાંભળી રાજ કપૂર કૃષ્ણા કપૂરને મસ્તીભર્યા અંદાજમાં કહેતા, ‘કાશ, આવા ફોન મને ૨૦ વર્ષ પહેલાં આવતા હોત તો જલસો પડી જાત.’ (એમ કહેવાય છે કે બુઢાપાનો મોટામાં મોટો ફાયદો એ છે કે પત્ની તમારા પર શક કરવાનું બંધ કરી દે છે.)
આ તરફ મીડિયામાં અલગ-અલગ સમાચાર આવતા કે રાજ કપૂર આને નહીં તો તેને, હિરોઇન બનાવશે. કોઈ એમ પણ કહેતું કે છેવટે તો મંદાકિની જ હિરોઇન બનશે. જોકે થોડા સમય બાદ રાજ કપૂરે ‘હિના’ બનાવવાનો વિચાર પડતો મૂક્યો, કારણ કે મોટા ભાગનું આઉટડોર શૂટિંગ પાકિસ્તાનમાં કરવાનું હતું. રાજ કપૂરની નાદુરસ્ત તબિયતને કારણે એ શક્ય નહોતું એટલે તેમણે ‘પરમ વીર ચક્ર’ શરૂ કરવા તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું.
આ ફિલ્મ તેમના પ્રોડક્શન કન્ટ્રોલર નિવૃત્ત મેજર અશોક કૌલની વાર્તા પર આધારિત હતી. ‘રામ તેરી ગંગા મૈલી’ શરૂ કરતાં પહેલાં તેમનો વિચાર આ ફિલ્મ બનાવવાનો હતો પરંતુ સંજોગવશાત એ શક્ય નહોતું બન્યું. મેજર અશોક કૌલ મનોમન ખુશ હતા કે રાજ કપૂર ફરી એક વાર ફિલ્મ માટે રાજી થયા છે. કે. એ. અબ્બાસ અને વી. પી. સાઠેએ સ્ક્રિપ્ટ તૈયાર કરી. જોકે સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે આ ફિલ્મના આઉટડોર શૂટિંગ માટે રાજ કપૂરે ‘હિના’ કરતાં પણ વધારે શારીરિક તકલીફો ભોગવવી પડે એમ હતી. નાછૂટકે રાજ કપૂરે આ વિચાર પણ માંડી વાળવો પડ્યો.
રાજ કપૂર જેવા ક્રીએટિવ જિનીયસ નવરા બેસી રહેવાના મૂડમાં નહોતા. વર્ષો પહેલાં તેમના મનમાં એક કથાબીજ હતું. એના આધાર પર તેમણે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એ દિવસોમાં દૂરદર્શન પર મનોહર શ્યામ જોશી લિખિત સિરિયલ ‘બુનિયાદ’ અઠવાડિયામાં બે વખત ટેલિકાસ્ટ થતી હતી. રાજ કપૂર રસપૂર્વક એ જોતા. ‘બુનિયાદ’ના લેખનથી તે ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે જોશીને મળવા બોલાવ્યા અને આમ બંનેની નિકટતા વધતી ગઈ. થોડા સમય બાદ રાજ કપૂરે તેમની નવી ફિલ્મ ‘ઘૂંઘટ કે પટ ખોલ’ની જાહેરાત કરી.
આમ પણ ‘બુનિયાદ’ની લોકપ્રિયતાને કારણે જોશીનું નામ થઈ ગયું હતું. તેમણે લખેલી વાર્તા પરથી રાજ કપૂરે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું એટલે તેમનો સિતારો બુલંદ થઈ ગયો. એક સફળ ફિલ્મમેકર અને એક સફળ રાઇટર સાથે કામ કરતા હતા એટલે દરેકને અપેક્ષા હતી કે એક મહાન ફિલ્મ બનશે. બંનેની કોશિશ પણ એ જ હતી. પૂરી ઈમાનદારીથી આ જોડી કામ કરતી અને લગભગ છ મહિનાના ગાળામાં અમુક મહત્ત્વનાં દૃશ્યો, સૉન્ગ સીક્વન્સ અને ગીતની ધૂનો (સંગીતકાર રવીન્દ્ર જૈન) તૈયાર થયાં.
અચાનક એવું શું બન્યું કે રાજ કપૂર અને જોશી વચ્ચેનો તાલમેલ ખોરવાઈ ગયો એનું કારણ કોઈને જ ખબર નથી. પરિણામસ્વરૂપ ફરી એક વાર રાજ કપૂરે ફિલ્મ બંધ કરી અને અંગત વર્તુળમાં કહ્યું કે તે ‘હિના’ બનાવશે. તેમનો આ નિર્ણય પણ સ્વજનો માટે આશ્ચર્યજનક હતો, કારણ કે સૌને લાગતું હતું કે રાજ કપૂર આયુષ્યના એવા પડાવ પર આવી ચૂક્યા છે જ્યાં તે સાચો નિર્ણય લેવાની ક્ષમતા ખોઈ ચૂક્યા છે.
જ્યારે તેમણે ‘ઘૂંઘટ કે પટ ખોલ’ની જાહેરાત કરી હતી ત્યારે રણધીર કપૂરે ટીકા કરતાં કહ્યું કે આવી ફિલ્મો ૪૦ અને ૫૦ના દાયકામાં ચાલે, અત્યારે નહીં. રણધીર કપૂરની પિતા સામેની નારાજી માટે બીજાં કારણો હતાં. આર. કે. ફિલ્મ્સમાં રણધીર કપૂરનું નામ ભલે પ્રોડ્યુસર તરીકે આવતું હોય, તેનું કામ કેવળ ચેક સાઇન કરવા પૂરતું સીમિત હતું. રાજ કપૂર જે રીતે કામ કરતા એનાથી ફિલ્મોનું બજેટ હમેશાં ખોરવાઈ જતું. તેનું માનવું હતું કે રાજ કપૂર હજી ૫૦ના દાયકાના વિષયો લઈને ફિલ્મો બનાવતા હતા અને તેમની ફિલ્મમેકિંગની સ્ટાઇલ ખર્ચાળ અને ‘આઉટડેટેડ’ હતી.
ડિરેક્ટર તરીકે રણધીર કપૂરની ‘કલ આજ ઔર કલ’ અને ‘ધરમ કરમ’ બૉક્સ-ઑફિસ પર ઠીક-ઠીક ચાલી હતી, પરંતુ તેના કામનાં વખાણ થયાં હતાં. પ્રોડ્યુસર તરીકે ‘બીવી ઓ બીવી’માં ડિરેક્ટર રાહુલ રવૈલ સાથે તેનું કામ સંતોષજનક હતું. ‘રામ તેરી ગંગા મૈલી’ની રજૂઆત બાદ લાંબા સમય સુધી રાજ કપૂરે નવી ફિલ્મની શરૂઆત નહોતી કરી ત્યારે તેણે કે. કે. ભલ્લા સાથે એક સ્ક્રિપ્ટ પર કામ કર્યું અને રાજ કપૂર સાથે એની ચર્ચા કરી. પરંતુ રાજ કપૂરે ચોખ્ખી ના પાડતાં કહ્યું કે સ્ક્રિપ્ટ સાવ નબળી છે એટલે ફિલ્મ ન બની શકે. રણધીર કપૂર અને ભલ્લા ખૂબ નિરાશ થયા, કારણ કે તેમના માનવા મુજબ એ સ્ક્રિપ્ટ ઘણી સારી હતી. રણધીર કપૂર પાસે ધૂંધવાઈને ચૂપ બેસવા સિવાય બીજો કોઈ ચારો નહોતો.
આ બાબતમાં રિશી કપૂર એકદમ ડહાપણથી વર્તન કરતો. તે કદી આર. કે. ફિલ્મ્સના વહીવટમાં દખલ નહોતો કરતો. એક સફળ અભિનેતા તરીકે તેની પાસે ઘણી ફિલ્મો હાથમાં હતી. તે અને નીતુ કપૂર પરિવાર સાથે એક ‘હેલ્ધી ડિસ્ટન્સ’ રાખીને આજ્ઞાંકિત કપલની ભૂમિકા કુશળતાથી નિભાવતાં. વારતહેવારે હાજરી આપવાની, પૂરી મર્યાદા સાથે વડીલો સાથે વર્તન કરીને તેમને રાજી રાખવાના, આમ બંને પોતાની જવાબદારી નિભાવતાં.
રિશી કપૂર રાજ કપૂરની નસ-નસને જાણતો હતો. આર. કે.માં શું ગતિવિધિઓ થઈ રહી છે એની રજેરજ માહિતી તેની પાસે રહેતી, પરંતુ તેણે સામે ચાલીને રાજ કપૂર પાસે હીરોનો રોલ માગવાની ભૂલ ન કરી. તેને ખબર હતી કે પિતા એ બાબતમાં કોઈ પણ જાતની બાંધછોડ નહીં કરે. એ ઉપરાંત નાના ભાઈ રાજીવને તે નારાજ નહોતો કરવા માગતો. તેનું ધ્યાન અભિનેતા તરીકેની પોતાની કારકિર્દીને સધ્ધર બનાવવા તરફ વધારે હતું.
રાજીવ કપૂર એક અભિનેતા તરીકે ‘અબોવ ઍવરેજ’ હતો. રાજ કપૂરના મત પ્રમાણે તેનામાં એક સારા ડિરેક્ટર બનવાની ક્ષમતા હતી. તેની પાસે એક સ્ક્રિપ્ટ હતી, જેના પરથી રાજ કપૂરને ‘પ્રેમ ગ્રંથ’ નામની ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી પરંતુ તે કોઈ અંતિમ નિર્ણય નહોતા લઈ શકતા. આ દરમ્યાન રણધીર કપૂર એક બીજી સ્ક્રિપ્ટ લઈને રાજ કપૂર પાસે આવ્યો પણ ફરી એક વાર રાજ કપૂરે એ નાપસંદ કરી.
‘રામ તેરી ગંગા મૈલી’ની અણધારી સફળતા બાદ ખરી રીતે તો રાજ કપૂર જેવા કલાકાર બમણા જોશથી કામ કરતા હોવા જોઈએ. પરંતુ નવી ફિલ્મ માટે તેઓ કોઈ પણ જાતનો નિર્ણય નહોતા લઈ શકતા. શરીર ભલે પૂરતો સાથ નહોતું આપતું પણ ફિલ્મો માટેનું તેમનું પૅશન હજી એવું ને એવું જ હતું. એમ છતાં રાજ કપૂર અવઢવમાં હતા કે ‘હિના’ બનાવવી કે નહીં.