મુંબઈમાં અમિત અને નેહા મધ્યમ વર્ગીય દંપતી છે. અમિતે જોયું કે તેની સાથે કામ કરનારા એક યુવાને મોટી કાર ખરીદી છે. અમિતની પાસે પહેલેથી જ કાર છે, પરંતુ સહકર્મીની જેમ તેને પણ મોટી કાર લેવાની ઇચ્છા થઈ ગઈ.
મની મૅનેજમેન્ટ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં અમિત અને નેહા મધ્યમ વર્ગીય દંપતી છે. અમિતે જોયું કે તેની સાથે કામ કરનારા એક યુવાને મોટી કાર ખરીદી છે. અમિતની પાસે પહેલેથી જ કાર છે, પરંતુ સહકર્મીની જેમ તેને પણ મોટી કાર લેવાની ઇચ્છા થઈ ગઈ. બીજી બાજુ, નેહાએ જોયું કે તેની પાડોશીએ પોતાના બાળકને મોંઘી આંતરરાષ્ટ્રીય બોર્ડની શાળામાં પ્રવેશ અપાવ્યો છે. આ જોઈને તેને વિચાર આવ્યો કે શું પોતે પોતાના સંતાનને આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણથી વંચિત રાખી રહી છે કે કેમ. બીજાઓનું અનુકરણ કરવું એ મનુષ્યનો સ્વભાવ છે. આ મનોવૈજ્ઞાનિક બાબત સમજાવનાર તત્ત્વચિંતક રેને જિરાર્ડે અજાણતાં જ બીજાઓનું અનુકરણ કે નકલ કરવામાં આવે એને મિમિટિક ડિઝાયર એવું નામ આપ્યું છે. આ ડિઝાયરને કારણે મનુષ્યને અસંતોષ અનુભવાય છે. એટલું જ નહીં, એને લીધે બિનજરૂરી ખર્ચ પણ થઈ જતા હોય છે.
મિમિટિક ડિઝાયરને લીધે થતા નાણાકીય નુકસાનથી બચવા શું કરી શકાય એના વિશે વાત કરીએઃ
ADVERTISEMENT
૧) પરિવારમાં નાણાકીય બાબતો વિશે ચર્ચાવિચારણા કરવી : પારિવારિક જરૂરિયાતોને પ્રાથમિકતાના આધારે ગોઠવવી. શિક્ષણ, આરોગ્ય, જીવનજરૂરી ચીજવસ્તુઓ, વીમો, લગ્ન, ઘર વગેરેને લગતાં લક્ષ્યો નક્કી કરવાં અને એ પૂરાં કરવા માટેનું આયોજન કરવું જેથી બીજાઓનું અનુકરણ કરવાની ઇચ્છા પ્રબળ ન થાય.
૨) સર્જનશીલ બનવું : એક વાર મેં મારા દીકરાના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કે મૉલ-મલ્ટિપ્લેક્સમાં જઈને કરવાને બદલે હું એને અગ્નિશમન મથકની મુલાકાત કરાવવા લઈ ગઈ હતી. એ દિવસે તેને ભેટ કે બીજી કોઈ વસ્તુ આપવાને બદલે એક નવો અનુભવ કરાવવા માટે મેં આમ કર્યું હતું. આજકાલ ઘણા લોકો પર્યાવરણને નુકસાન થાય નહીં અને બિનજરૂરી ખર્ચ થાય નહીં એ રીતે લગ્નપ્રસંગનું આયોજન કરે છે. આવી બીજી અનેક નવી રીત શોધીને અનુકરણની વૃત્તિને કાબૂમાં લઈ શકાય છે.
૩) નિર્ણય લેવામાં વિલંબ કરવો : દેખાદેખીમાં થતા નિર્ણયોને જો થોડા સમય પૂરતા ટાળી દેવામાં આવે તો એ નિર્ણય લેવાની ઇચ્છા ખતમ થઈ જવાની શક્યતા હોય છે. બીજાનું જોઈને કંઈક ખરીદવા જવું એને બદલે પોતાના પરિવારને એની ખરેખર જરૂર છે કે કેમ એનો વિચાર કરીને જ આગળ વધવું ઇચ્છનીય છે. ઘણી વાર સોશ્યલ મીડિયાના પ્રભાવ હેઠળ લોકો બિનજરૂરી ખરીદી કરી લેતા હોય છે.
૪) નાની-નાની બાબતોનું મહત્ત્વ ઓળખો : કોઈક નાનો વિજય કે નાની ખુશી પ્રાપ્ત થયાં હોય તો એની પણ ઉજવણી કરો. ખુશ થવા માટે મોટો ખર્ચ કરવો અનિવાર્ય હોતો નથી. બીજા શું કરે છે એ જોવાને બદલે પોતે થોડી બચત કરી લીધી હોય, પરીક્ષામાં પાસ થયા હો, આરોગ્ય સાચવવા માટે જીવનશૈલીમાં નાનો ફેરફાર કર્યો હોય, સ્વજનો ભેગા મળીને રમત રમ્યા હો વગેરે જેવી અનેક બાબતોની પરિવારમાં ઉજવણી કરો.
મિમિટિક ડિઝાયર મનુષ્યનો સ્વભાવ છે અને એ ક્યારેય જતો નથી; આપણે એને ચોક્કસપણે કાબૂમાં રાખી શકીએ છીએ અને સંતુષ્ટ જીવન જીવી શકીએ છીએ.