કૉર્પોરેટ કલ્ચરે અને મલ્ટિનૅશનલ કંપનીઓમાં કામ કરતા ઊંચા હોદ્દેદારો, મૅનેજરો અને એક્ઝિક્યુટિવ્ઝે પેલા વિશિષ્ટ વર્ગનું સ્થાન લેવા માંડ્યું છે. આ કહેવાતા નોકરિયાત વર્ગની લાઇફસ્ટાઇલ પણ ઈર્ષ્યા જન્માવે એવી હોય છે
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈનાં ઓરિજિનલ જિમખાનાં અને ક્લબોનું એક સ્પેશ્યલ કલ્ચર હતું. સાહિત્યિક ભાષામાં કહીએ તો એક આભા હતી, એક ઑરા હતી. કોઈ પણ ટૉમ, ડીક ઍન્ડ હૅરીને પ્રવેશ નહોતો મળતો. કારણ કે ત્યાં આવનારા ‘મેમ્બરો’ સામાન્ય રીતે ગર્ભશ્રીમંત કુટુંબના નબીરાઓ કે મોટા ઉદ્યોગપતિઓ હતા, શૅરબજારના ઊંચા ખેલાડીઓ કે ફિલ્મી સિતારાઓ હતા. પૈસા આપો એટલે મેમ્બરશિપ મળે જ એવું નહોતું. પણ હવે એવી વાત નથી રહી. કૉર્પોરેટ કલ્ચરે અને મલ્ટિનૅશનલ કંપનીઓમાં કામ કરતા ઊંચા હોદ્દેદારો, મૅનેજરો અને એક્ઝિક્યુટિવ્ઝે પેલા વિશિષ્ટ વર્ગનું સ્થાન લેવા માંડ્યું છે. આ કહેવાતા નોકરિયાત વર્ગની લાઇફસ્ટાઇલ પણ ઈર્ષ્યા જન્માવે એવી હોય છે. તેમની ડિસ્પોઝેબલ ઇન્કમ (મહિનાની આવકમાંથી ટૅક્સ અને ઇન્વેસ્ટમેન્ટ બાદ કરતાં ખર્ચ કરવા માટે બચતી રકમ) ખરેખર સારીએવી મોટી હોય છે. પશ્ચિમની અસર કહો કે જીવનનું તત્ત્વજ્ઞાન લાધ્યું છે એમ કહો; જીવન જીવવા માટે છે. ભવિષ્યની ચિંતા જરૂર કરવાની, પ્લાનિંગ જરૂર કરવાનું પણ વર્તમાનને ખોવાનો નથી એવી ફિલોસૉફી તેમના જીવનમાં દેખાતી હોય છે. કટ થ્રોટ કૉમ્પિટિશન અને રૅટ-રેસના જમાનામાં લાઇફ અનસર્ટેઇન છે, ક્ષણભંગુર છે એમ જાણે સૌ સમજી ગયા છે. ‘મરીઝ’નો પેલો પ્રખ્યાત શેર ભલે તેમણે સાંભળ્યો ન હોય, પણ જીવે છે તો એ પ્રમાણે જ.
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી;
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
ADVERTISEMENT
નવી-નવી ઊઘડતી ક્લબો અને જિમખાનાંની મેમ્બરશિપની રકમ પણ અધધધ કહેવાય એવી હોય છે છતાં એ એક સ્ટેટસ સિમ્બૉલ છે. ઑફિસથી છૂટીને સાંજે ક્લબમાં જવું એ સોશ્યલ તેમ જ ફિઝિકલ ફિટનેસ માટેનો મંત્ર બની ગયો છે. ડબલ ઇન્કમ ધરાવતું કપલ નવા વિચાર ધરાવે છે, એકબીજાને બન્નેએ ‘સ્પેસ’ આપવી પડે એ એક સાહજિક બાબત છે. આ સ્પેસ આપવી એટલે એકબીજાની બાબતમાં માથું નહીં મારવાનું એ. લગ્ન કર્યાં એટલે સતત સાથે જ રહેવું એ જરૂરી નથી. કરીઅર માટે તમારે એકબીજાને ફ્રીડમ તો આપવી જ પડે. મિલેનિયલ કપલ્સ પાસે નવા વિચારો છે, નવી ફિલોસૉફી છે, નવા સિદ્ધાંતો છે, નવા પ્રકારના વ્યવસાય છે, આવકના એકથી વધુ સ્રોત છે એથી ક્યારેક આવી પડતી ફાઇનૅન્શિયલ ક્રાઇસિસને જીરવી શકે છે. જિંદગી આખી એક જ કંપનીને વફાદાર રહેવું એ તેમને માટે હાસ્યસ્પદ છે. ‘જમ્પિંગ ઑફ જૉબ’ એ સામાન્ય બાબત ગણાય છે. કરીઅર ગ્રોથ માટે કંપની તો શું, શહેર અને દેશ પણ છોડવાની તૈયારી હોય છે. એવામાં લગ્ન કર્યા પછી બાળક હોવું જ જોઈએ એવું કોણે કહ્યું?