Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જરાય ન જંપતાં બાળકો માટે બેસ્ટ ઇલાજ બની શકે છે ચેસ

જરાય ન જંપતાં બાળકો માટે બેસ્ટ ઇલાજ બની શકે છે ચેસ

Published : 24 December, 2024 03:21 PM | Modified : 24 December, 2024 04:31 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

એક નૉર્મલ બાળક ચેસ રમે તો તે વધુ સ્માર્ટ બને છે એ વાત પાકી, પરંતુ અટેન્શન ડેફિસિટ હોય કે હાઇપરઍક્ટિવ બાળક હોય તો એમાં ફોકસ વધારવાનું અને ધીરજ લાવવાનું કામ પણ ચેસ કરે છે.

જરાય ન જંપતાં બાળકો માટે બેસ્ટ ઇલાજ બની શકે છે ચેસ

જરાય ન જંપતાં બાળકો માટે બેસ્ટ ઇલાજ બની શકે છે ચેસ


માનસિક ક્ષમતાઓને ખીલવવામાં ચેસ અત્યંત મદદરૂપ છે એ આપણે સૌ જાણીએ છીએ. એક નૉર્મલ બાળક ચેસ રમે તો તે વધુ સ્માર્ટ બને છે એ વાત પાકી, પરંતુ અટેન્શન ડેફિસિટ હોય કે હાઇપરઍક્ટિવ બાળક હોય તો એમાં ફોકસ વધારવાનું અને ધીરજ લાવવાનું કામ પણ ચેસ કરે છે. ઑટિઝમ ધરાવતાં બાળકો, જેમનો IQ ઘણો વધારે છે તેમને પણ ચેસ એક નવી દિશા દર્શાવી શકે છે. આજે જાણીએ ચેસના કેટલાક હેલ્થ બેનિફિટ્સ


ગુકેશ દોમ્મારાજુના યંગેસ્ટ ગ્રૅન્ડમાસ્ટર બન્યા પછી ચેસ શીખવા માટે જુદા-જુદા ક્લાસિસમાં બાળકોની ભીડ ખૂબ વધી ગઈ છે. જો ગુકેશ કરી શકે છે તો અમારું બાળક પણ કરી શકશે એવું માનીને ઘણા પેરન્ટ્સ તેમનાં બાળકોને આ રમત શીખવા માટે ઉત્સાહી બન્યા છે. ચેસ રમવાને કારણે બાળક ગુકેશની જેમ ગ્રૅન્ડમાસ્ટર બનશે કે નહીં એ તો બાળકની ટૅલન્ટ અને તેની મહેનત પર આધાર રાખે છે. પરંતુ એ રમત તેની પર્સનાલિટી પર ખાસ્સી અસર કરશે, કારણ કે આ રમતના હેલ્થ બેનિફિટ્સ પણ અઢળક છે. મગજ પર એ કઈ રીતે અસર કરે છે અને એના કેવાક ફાયદા બાળકને મળી શકે છે એ વિશે આજે એક્સપર્ટ પાસેથી સમજવાની કોશિશ કરીએ.



સામાન્ય બાળકો માટે


ચેસ રમવાથી બાળક સ્માર્ટ બને છે એવું બધા માને છે પણ આ સ્માર્ટનેસ આવે છે કઈ રીતે? એ સમજાવતાં ગુકેશની મૅનેજમેન્ટ ટીમના સદસ્ય, SMCA ચેસ સ્કૂલ, પેડર રોડના ચીફ કોચ દુર્ગા નાગેશ ગુટ્ટુલા કહે છે, ‘ચેસ એક એવી રમત છે જેમાં મગજની દરેક ઍક્ટિવિટી કામે લગાડવામાં આવે છે. આ રમતથી બાળકની યાદશક્તિ વધે છે, એક પ્રકારનું ફોકસ ડેવલપ થાય છે. મગજને એક જગ્યાએ ધ્યાન આપવું જ પડે. એ ધ્યાન કેન્દ્રિત કર્યા પછી સ્ટ્રૅટેજી બનાવવામાં ક્રિટિકલ થિન્કિંગ અને લૉજિક ડેવેલપ થાય છે. પ્લાનિંગ સ્કિલ્સ બાળકોની ડેવલપ થતી દેખાય છે. એવાં ઘણાં રિસર્ચ પણ છે જે કહે છે કે ચેસ રમતાં બાળકો ભણવામાં વધુ હોશિયાર સાબિત થાય છે. આજકાલ બાળકોમાં જેનો ભયંકર અભાવ જોવા મળે છે એ છે ફોકસ, જે ચેસ રમતા બાળકમાં અનિવાર્ય રીતે આવી જ જાય છે. અમે અમારા સ્ટુડન્ટ્સમાં એ બદલાવ અને એ પ્રોગ્રેસ જોઈએ જ છીએ. ચેસ રમવા પહેલાંનું બાળક અને ચેસ રમતું બાળક એ બન્નેમાં આ દેખીતો ફરક ઓળખાઈ જાય છે.’

માનસિક રીતે સ્પેશ્યલ બાળકો માટે


ચેસની આ બાબતોને કારણે જ એ નૉર્મલ બાળકો માટે જ નહીં, માનસિક કન્ડિશન ધરાવતાં બાળકો માટે પણ એ અતિ ઉપયોગી સાબિત થાય છે એમ જણાવતાં નારાયણ હેલ્થની SRCC ચિલ્ડ્રન હૉસ્પિટલનાં પીડિયાટ્રિક ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રજ્ઞા ગાડગીળ કહે છે, ‘ADD અટેન્શન ડેફિસિટ ડિસઑર્ડર અને ADHD અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડર ધરાવતાં બાળકોમાં જે અભાવ હોય છે એ છે અટેન્શનનો. આ બાળકો એક જગ્યાએ ધ્યાન આપી શકતાં નથી. ચેસ જેવી રમત તેમને એ શીખવે છે. જે બાળકો એકદમ હાઇપર છે, પગ વાળીને બેસતાં જેમને આવડતું જ નથી તેમને સ્થિરતા શીખવે છે. એક જગ્યાએ બેસતાં શીખવે છે. હું એવાં ઘણાં બાળકોને ઓળખું છું જેમને એપિલેપ્સી હોય અને તે ચેસના ખૂબ સારા પ્લેયર્સ હોય. ઑટિઝમ ધરાવતાં બાળકોમાં પણ અમુક બાળકોનો IQ ખૂબ ઊંચો હોય છે. એવાં બાળકોને ચેસ જેવી રમત શીખવવી જ જોઈએ. એનાથી ચોક્કસ તેમને ફાયદો થશે.’

ધ્યાન રાખવું

પરંતુ આ બાળકોને શીખવાડતાં પહેલાં એક વસ્તુ પર ધ્યાન આપવું પણ જરૂરી છે, જેના તરફ ધ્યાન દોરતાં ડૉ. પ્રજ્ઞા ગાડગીળ કહે છે, ‘સામાન્ય બાળકોમાંથી પણ અમુક જ બાળકો છે જે સારા ચેસ પ્લેયર બની શકતા હોય છે. બીજું એ કે એમાંથી પણ અમુક જ બાળકોને ચેસમાં રસ પડી શકે છે, બધાંને જ પડશે એવું હોતું નથી. ADD, ADHD, ઑટિઝમ જેવા રોગો ધરાવતાં બાળકોમાં પણ આ જ થિયરી છે. દરેક બાળકની આવડત અને તેની અભિરુચિ જુદી-જુદી હોઈ શકે છે. જે સિવિયર કે મૉડરેટ પ્રકારનો ADD કે ADHD ધરાવે છે એ બાળકોને ચેસ શીખવવી અઘરી પડશે. તે નહીં રમી શકે એવું નથી પણ એમનેમ એ ફોકસ લાવવું, તેમને પ્રૉપર ગેમ રમાડવી અઘરી છે જે ધીમે-ધીમે કદાચ શક્ય બને. માઇલ્ડવાળાં બાળકો એ કરી શકશે. ઑટિઝમમાં પણ કયું બાળક ચેસ રમી શકશે એ તેના થેરપિસ્ટ જ કહી શકશે. એટલે એવું ન કહી શકાય કે જો તમારા બાળકને આ પ્રકારની તકલીફ હોય તો ચેસ રમાડવા લાગો. આ એટલું સિમ્પલ નથી. પણ હા, એ વાત સાચી છે કે જો બાળક રમી શકે તો નક્કી તેને ફાયદો થશે.’

થેરપ્યુટિક છે

આ વાતને વધુ સ્પષ્ટ રીતે સમજાવતાં પીડિયાટ્રિક ઑક્યુપેશનલ થેરપિસ્ટ ડૉ. ઉષા કાસર કહે છે, ‘અમે જ્યારે થેરપી આપીએ ત્યારે બાળકની ક્ષમતા અને તેના પ્રૉબ્લેમ્સને સમજીને તેમને અમુક પ્રકારની ગેમ્સ રમવાનું સજેસ્ટ કરતા હોઈએ છીએ. ઘણી વાર અમે જુદી-જુદી પઝલ્સ, વર્ડ સૉલ્વિંગ, બ્લૉક ગેમ્સ તેમને રમવાનું કહીએ છીએ જેમાંની ચેસ એક રમત છે. એનાથી તેમનું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત કરતાં બાળકો શીખે છે પરંતુ અમે માતા-પિતાને એ સમજાવીએ છીએ કે આ રમતો કોઈ થેરપી નથી, એની અસર થેરપ્યુટિક છે. એટલે કે આ રમવાથી બાળકના અમુક પ્રકારના પ્રૉબ્લેમ સૉલ્વ કરવામાં મદદ મળશે. એનાં ઘણાં સારાં રિઝલ્ટ હોય છે પરંતુ આ બાળકોને જે તકલીફ છે એ કૉમ્પ્લેક્સ છે એટલે એનો ઇલાજ પણ કૉમ્પ્લેક્સ હોવાનો. ઘણીબધી વસ્તુઓ ભેગી કરીએ ત્યારે ઇચ્છિત રિઝલ્ટ મળે છે. એમાંનો એક નાનો ભાગ આ પ્રકારની રમતો હોઈ શકે.’

ડિમેન્શિયામાં કામ લાગે ખરા?

ADD, ADHD કે ઑટિઝમ જેવા રોગો બાળકોના રોગો છે પરંતુ ચેસ એક એવી રમત છે જે વયસ્કો પણ રમે છે અને મગજને તીક્ષ્ણ રાખવાનું કામ આ રમત કરે છે. ઉંમરને કારણે શારીરિક જ નહીં, માનસિક ક્ષમતાઓ પણ ઓછી થતી જાય છે. ચેસ જેવી રમતો મગજને બુઠ્ઠું થતાં અટકાવે છે. એમ જણાવતાં ફિઝિયોરીહૅબનાં પ્રણેતા ફિઝિયોથેરપિસ્ટ અને રીહૅબ સ્પેશ્યલિસ્ટ ડૉ. અંજના લોન્ગાની કહે છે, ‘જેમ વ્યક્તિએ શારીરિક કસરતો કરવી જરૂરી છે જેને લીધે શરીર કસાયેલું રહે એ જ રીતે વ્યક્તિએ માનસિક કસરતો કરવી પણ ખૂબ જ જરૂરી છે જે વ્યક્તિની માનસિક ક્ષમતાને સારી રાખવામાં કારગત નીવડે છે. એટલે જ એક ઉંમર પછીથી જ્યારે એમ કહેવામાં આવે છે કે વ્યક્તિએ શરીરનું ધ્યાન રાખવા માટે કસરતો દરરોજ કરવી. અમે એ પણ કહીએ જ છીએ કે વ્યક્તિએ આ પ્રકારની મગજને કસવાવાળી રમતો રમવી જેમાં સિનિયર સિટિઝનો ખાસ આવે છે. જેટલા પણ લોકો રિટાયર્ડ થઈ ગયા છે, જેમની પાસે દરરોજનું માનસિક કાર્ય ઘટી ગયું છે તેમણે આ પ્રકારની રમતો રમવી જરૂરી છે. ચેસ રમતા સિનિયર સિટિઝનોને ભવિષ્યમાં વધતી ઉંમરને કારણે માનસિક પડતી લાવતો રોગ જેમ કે ડિમેન્શિયા જેવા રોગો આવતા નથી અથવા તો મોડા આવે છે. જોકે એક વાર આ રોગ આવ્યા પછી એની વધતી ગતિને ધીમી પાડવા માટે પણ અમે જે ન્યુરો-રીહૅબ પ્રોગ્રામ કરીએ છીએ એમાં આ પ્રકારની રમતો રમવી એવું સૂચન કરીએ છીએ. જોકે એમાં પણ લિમિટેશન છે. જેમનો ડિમેન્શિયા થોડો વધવા લાગ્યો હોય તેઓ આ પ્રકારની રમતો રમી શકતા નથી. પરંતુ આ રોગને રોકવા માટે તો ચોક્કસ એ કારગત સાબિત થાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2024 04:31 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK