ઘણા લોકો ડૉગ્સને નવડાવતા જ નથી, તો ઘણા લોકો દર અઠવાડિયે એને ઘસી-ઘસીને નવડાવે છે . આવું કરવાથી ડૉગની ત્વચાના નૅચરલ ઑઇલને નુકસાન થાય છે.
પ્રતીકાત્મક તસવીર
ઘણા લોકો ડૉગ્સને નવડાવતા જ નથી, તો ઘણા લોકો દર અઠવાડિયે એને ઘસી-ઘસીને નવડાવે છે . આવું કરવાથી ડૉગની ત્વચાના નૅચરલ ઑઇલને નુકસાન થાયછે. આજે નિષ્ણાત પાસેથી જાણીએ પેટ ડૉગને સ્વચ્છ રાખવા શું કરવું? કેટલી વાર નવડાવવો અને નવડાવતી વખતે શું કાળજી રાખવી જોઈએ?
આપણા વહાલસોયા ડૉગ્સ આપણી સાથે રહેતા હોય ત્યારે એનું બેઝિક હાઇજીન જળવાય એ આપણું લક્ષ્ય હોય છે. એમને આપણી જેમ જ સ્વચ્છ અને આરોગ્યવંત રાખવા આપણે અવિરત મથતા હોઈએ છીએ. પણ શું એમને આપણી જેમ રોજ નવડાવી શકાય? – ના બિલકુલ નહીં. તો પછી કેટલી વાર નવડાવાય? અમુક લોકો તો એટલું ઘસીને નવડાવે કે ડૉગની ત્વચાને મોઇશ્ચર આપતું કુદરતી તેલ જ ઓછું થઈ જાય. આવા સમયે યોગ્ય સંતુલન જાળવવું મહત્ત્વનું છે.
ADVERTISEMENT
ડૉગ માટેની વિશિષ્ટ જરૂરિયાતો સમજવી
દરેક ડૉગ્સ અનન્ય છે અને બાથ આપવાની ફ્રીક્વન્સી ઘણી બાબતો પર નિર્ભર કરે છે. જેમ કે જાતિ, કોટ પ્રકાર, ઍક્ટિવિટી-લેવલ અને વાતાવરણ. જેમ કે તેલવાળા કોટ ધરાવતા કૂતરા (જેમ કે બાસેટ હાઉન્ડ)ને વધારે બાથની જરૂર પડી શકે છે, જ્યારે વૉટર-રિપેલન્ટ કોટ ધરાવતા બ્રીડ (જેમ કે ગોલ્ડન રિટ્રિવર્સ) માટે ઘણી વાર બાથ કરાવવું જરૂરી નથી. એથી જે કૂતરા બહાર રમતા, માટીમાં ફરતા હોય એવા, એમને માટે વધુ બાથ કરાવવું યોગ્ય છે, જ્યારે ઘરે જ રહેતા કૂતરા માટે ઓછા બાથ પણ પૂરતા છે. આ વિશે વિગતવાર વાત કરતાં બોરીવલીમાં ગ્રૂમિંગ પાર્લર ચલાવતા છેલ્લાં ૨૦ વર્ષના અનુભવી માઇકલ નિકોલસ પટેલ કહે છે, ‘મોટા ભાગના લોકો ડૉગ્સને ઘરે નવડાવે છે, પણ પછી ડ્રાય નથી કરતા એટલે એમને ફંગલ-ઇન્ફેક્શન થઈ જાય છે. ભારતમાં ઘણા બધા ડૉગ્સને કોટ અને સ્કિન પ્રૉબ્લેમ જોવા મળે છે એની પાછળનું એક કારણ આ પણ જોવા મળે છે. આમ તો ડૉગ્સને દર બે અઠવાડિયાં બાદ અથવા મહિનામાં એક વાર નવડાવી શકાય, પણ આ વસ્તુ ટોટલી એમના પોતાના હાઇજીન પર આધાર રાખે છે. મોટા ભાગે લૅબ જેવા ડૉગ્સને પાણીમાં રમવાનું ગમે છે એટલે એ રમે અને પછી એને ઘરે પૂરેપૂરો સૂકવવામાં આવતો નથી. ગ્રૂમિંગ પાર્લરમાં વધુ સમય લઈને એમને ડ્રાયરથી સૂકવાય છે એટલે એમની સ્કિન પૂરી સુકાય છે પણ રોજબરોજ આવું ઘરે શક્ય નથી બનતું એટલે એમના કોટની અંદર ભીનાશ રહે છે એટલે ફંગલ-ઇન્ફેક્શન અને અન્ય સ્કિન પ્રૉબ્લેમ થાય છે. ક્યારેક વધારે બાથ આપવાથી કૂતરાની ત્વચા પરનાં કુદરતી તેલ ઓછાં થાય છે અથવા નાશ પામે છે જેનાથી એમને ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે. એટલે આરોગ્ય જાળવવા માટે ફ્રીક્વન્સી જાળવવી જરૂરી છે.’
ડૉગ ગ્રૂમિંગ એક્સપર્ટ માઇકલ નિકોલસ પટેલ
કેટલા સમયના અંતરે બાથ આપવો જોઈએ?
જેની ત્વચામાં તેલ ઓછું થવાની સમસ્યા હોય એવા ડૉગ્સ માટે સામાન્ય રીતે ચારથી ૬ સપ્તાહમાં એક વાર બાથ કરાવવો યોગ્ય હોય છે. આ સમયગાળો કૂતરાને સ્વચ્છ રાખે છે અને ત્વચાની કુદરતી તેલની રક્ષણાત્મક પ્રક્રિયા પણ જાળવે છે. જોકે કેટલીક અસામાન્ય સ્થિતિઓ માટે આ ગાઇડલાઇન ફેરવી શકાય છે. આ વિશે માઇકલ કહે છે, ‘સ્કિનમાં તેલ ઓછું ન થાય એ માટે સારી કક્ષાનાં કન્ડિશનર વપરાય છે. મોટા ભાગે ડેન્ડ્રફવાળા ડૉગ્સ આવે છે ત્યારે એની ત્વચા થોડી ડ્રાય હોય છે. એને અમે મેડિકેટેડ બાથ જ આપીએ છીએ જેથી એમાં રહેલા ખોડા અને જૂનો ઉપચાર થઈ શકે. ડેન્ડ્રફવાળા ડૉગ્સના વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે. કૂતરાનું બિલાડીઓની જેમ નથી. બિલાડીઓને પાણી ગમતું નથી, પણ એ જાતે ક્લીન રહે છે. જ્યારે કૂતરાને (ખાસ કરીને લૅબ્રૅડોર જેવી બ્રીડને) પાણી ગમે છે પણ એમને ક્લીન કરવા પડે છે. ડૉગ્સ બહાર જતા હોય, બગીચામાં રમવા જતા હોય તો સ્વાભાવિક છે કે માટીવાળા થાય અને એય ન થાય તો એમના પંજા તો ખરાબ થાય જ છે. એટલે એમના પંજાને વેટ ટિશ્યુથી સાફ કરવા જોઈએ, પણ જો ગંદા થાય તો પછી એમને નવડાવવા જોઈએ. બહાર જતા ડૉગ્સને ટિક્સ લાગવાનું પણ કૉમન જોવા મળે છે. જો રોજ બ્રશ વગેરે કરવામાં આવે તો એમના કોટમાં ગાંઠ નથી પડતી. એવા કેસમાં મહિનામાં એકાદ વાર નવડાવાય તો પણ ચાલે. જો કોટમાં ગાંઠ પડવાનું શરૂ થાય તો જલદી નવડાવીને એ ગાંઠ કાઢી નાખવી જોઈએ. જ્યાં સુધી નૅચરલ ઑઇલનો સવાલ છે તો આગળ કહ્યું એમ અહીં મોટા ભાગના ડૉગ્સને સ્કિન-પ્રૉબ્લેમ જોવા મળે જ છે. એનાં કારણો આગળ સૂચવ્યાં એમ છે. જો તમારા કૂતરાને કોઈ ત્વચા અથવા ઍલર્જી સંબંધિત સમસ્યા છે તો નિષ્ણાતો સાથે સલાહ લઈ વિશિષ્ટ શૅમ્પૂ અથવા દવા વાપરવાની જરૂર પડે છે. જો કૂતરા ઘરમાં જ રહેતા હોય, વયસ્ક હોય અને બહુ ઍક્ટિવ ન હોય તો ૬થી ૮ સપ્તાહમાં એક વાર બાથ કરાવવો પણ પૂરતો છે.’
દરેક ડૉગને નવડાવતી વખતે અલગ-અલગ કૅરની જરૂર પડે છે, છતાં આટલી બેઝિક ચીજો નોંધી લો
ડૉગ્સને નવડાવવા માટે કાં તો પૂરી કાળજી લેવાય અથવા એના માટે એક્સપર્ટ ગ્રૂમરના હાથે જ એમને બાથ આપવામાં આવે એ વાત પર ભાર મૂકતાં માઇકલ પટેલ ડૉગ-બાથ દરમ્યાન અમુક વસ્તુની કાળજી લેવાનું સૂચન કરે છે.
યોગ્ય પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો: ડૉગ્સ માટે ખાસ બનાવેલા શૅમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો. આપણા શૅમ્પૂમાં pH સ્તર વધુ હોવાથી એ ડૉગ્સની ત્વચાને નુકસાન કરી શકે છે. મેડિકેટેડ શૅમ્પૂ જોઈએ તો એ જ વાપરો.
ઍલર્જી-ટેસ્ટ કરાવો: કોઈ પણ નવા ઉત્પાદનનો ઉપયોગ કરતાં પહેલાં થોડાં પરીક્ષણ કરો, જેથી તમારા ડૉગની ત્વચા પર એનો પ્રતિકૂળ પ્રભાવ ન પડે.
પાણીનું તાપમાન યોગ્ય રાખો: હળવા ગરમ પાણીનો ઉપયોગ કરો. ખૂબ ગરમ કે ઠંડા પાણીથી સ્નાન કરાવવાથી ડૉગને અસ્વસ્થતા થઈ શકે છે.
નમ્રતાપૂર્વક હૅન્ડલિંગ: શૅમ્પૂ લગાવતાં અને મસાજ કરતી વખતે ખૂબ નમ્ર રહેવું. ખાસ કરીને તેમનાં મોઢા, કાન, પેટ અને પંજા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વધુ ધ્યાન આપો. ગ્રૂમિંગ દરમ્યાન એ સ્ટ્રેસમાં ન આવે એનું ધ્યાન રાખવા એની સાથે નમ્ર રહો.
સંપૂર્ણ રીતે ધોવો: બાથ પછી પાણીથી પૂરેપૂરું ધોવું જોઈએ જેથી શૅમ્પૂના કોઈ અવશેષો ન રહે. ક્યારેક એને ચાટવાથી કે ત્વચા પર રહેવાથી એલર્જી કે ઇરિટેશન થાય છે. સૂકવવાની યોગ્ય રીત: ખાસ કરીને આ મુદ્દો ધ્યાનમાં લેવો કે બાથ બાદ વધારે સમય ટૉવેલથી સૂકવો અને પછી સૂકવવા માટે હૅર-ડ્રાયરનો ઉપયોગ કરી એનો એક એક વાળ સૂકવી દો.
નિયમિત ગ્રૂમિંગ: નિયમિત બ્રશિંગ કરવાથી ડૉગના કુદરતી તેલ સારી રીતે વિતરિત થાય છે, કોટ સ્વચ્છ રહે છે અને ત્વચા હેલ્ધી રહે છે.
બાથ સિવાયની જાળવણી: ડૉગ માટે સ્નાન સિવાય, નિયમિત ગ્રૂમિંગ, કાનની સફાઈ અને દાંતની જાળવણી પણ એટલાં જ મહત્ત્વપૂર્ણ છે. એક આરોગ્યપ્રદ આહાર જેમાં ઓમેગા ફૅટી એસિડ અને જરૂરી પોષકતત્ત્વો હોય એ કોટને ચમકદાર અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

