નારાયણ મૂર્તિનું એક વાક્ય ખૂબ ઉપયોગી છે : Your best teacher is your competitor.
સોશ્યોલૉજી
નારાયણ મૂર્તિ
જીવનમાં ડગલે ને પગલે કસોટીઓ આવતી રહે છે. આવા દરેક પ્રસંગે માણસ ચિંતાગ્રસ્ત રહેતો હોય છે કે આમ થશે તો શું થશે? સોમાંથી ૯૯ કિસ્સાઓમાં વસ્તુના ભય કરતાં વસ્તુ હંમેશાં નાની કદની હોય છે જેનો માણસ આસાનીથી સામનો કરી શકે છે. તમને જે પરીક્ષામાં નાપાસ થવાનો ડર છે એની ખરેખરી અગત્યતા તમારા જીવનમાં કેટલી છે એનો વિચાર કરી જુઓ. કદાચ તમે બીજા માર્ગે વધારે સારી રીતે ખીલી શકો એમ હો એવું પણ બને.
એક જાણીતા લેખકને ખેતીવાડી કૉલેજમાં ભણીને ગ્રૅજ્યુએટ થવું હતું. સંજોગોએ આ ઇચ્છા પાર પડવા ન દીધી. એ વખતે તેમને આઘાત લાગ્યો, પણ પછી તે જ લેખક પોતે પોતાની જિંદગી પર નજર ફેરવીને લખે છે કે લેખક તરીકે મને જે સુખ અને સંતોષ મળ્યાં છે, જે તૃપ્તિનો અનુભવ થયો છે એ ખેતીવાડી અધિકારી બનવાથી પ્રાપ્ત થઈ શકત નહીં. આ લેખક એટલે પ્રખ્યાત સાહિત્યકાર મોહમ્મદ માંકડ. મેં પોતે ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી લીધા બાદ પ્રકાશક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
ADVERTISEMENT
જાણીતા કવિ અને લેખક ઉદયન ઠક્કર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, કૉસ્ટ અકાઉન્ટન્ટ થયા પછી બિલ્ડર થયા, શૅરબજારના રોકાણકાર થયા અને આજે કવિ અને લેખક તરીકે પ્રખ્યાત બની ગયા છે. સંખ્યાબંધ જાણીતી હસ્તીઓએ પોતાના જીવનની શરૂઆતમાં જે વિષયનો અભ્યાસ કર્યો એનાથી જુદા જ ક્ષેત્રમાં મહેનત કરીને નામના પ્રાપ્ત કરી છે. આર્થર કોનન ડોઇલ ડૉક્ટર હતા, બેકાર ડૉક્ટર. તેમના દવાખાનામાં દરદીઓ આવતા નહોતા એટલે તેમણે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું અને ‘શેરલૉક હોમ્સ’ના પાત્રનું સર્જન કરીને વિશ્વવિખ્યાત લેખક બની ગયા. એ જમાનામાં ઍલેક્ઝાન્ડર ડુમા અને વૉલ્ટર સ્કૉટની ઐતિહાસિક નવલકથાઓ ખૂબ લોકપ્રિય હતી. તેમણે ઐતિહાસિક નવલકથાઓ લખી અને એમાં નાપાસ થયા. એ સમયના મહાન લેખકોની ઐતિહાસિક નવલકથાઓ ભુલાઈ ગઈ છે પણ શેરલૉક હોમ્સ હજી જીવંત છે.
સફળ થવા માટે નિષ્ફળતાથી ફફડીને ડરી જવાને બદલે આપણે સમજવું જોઈએ કે એ નિષ્ફળતા તો માત્ર આપણે જે રસ્તે જઈ રહ્યા હોઈએ છીએ ત્યાંથી પાછા વાળવા માટે કે કેટલીક વાર આપણી ગતિ નિયંત્રિત કરવા માટે કે આપણને બીજા રસ્તે વાળવા માટેનો કુદરતી સંકેત જ હોય છે, આપણી મહેનત ઓછી હોય તો કસોટીમાં સફળતા મેળવવા માટે હજી વધારે મહેનતની જરૂર છે એવી ટકોર છે. દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે નારાયણ મૂર્તિનું એક વાક્ય ખૂબ ઉપયોગી છે : Your best teacher is your competitor. બાકી આ દુનિયામાં તમે સફળ થયા છો કે નહીં એ ફક્ત એક જ વ્યક્તિ નક્કી કરી શકે અને એ વ્યક્તિ તમે પોતે જ છો.
- હેમંત ઠક્કર