એ સમયના વડા પ્રધાન જવાહરલાલ નેહરુને લાગતું હતું કે સોમનાથ મંદિરના પુન:નિર્મિત કાર્યને અત્યારે હાથમાં લેવાની જરૂર નથી, જેના માટે તેમણે કૅબિનેટની બેઠકમાં પણ ટીકા કરતાં કહ્યું હતું...
કનૈયાલાલ મુનશી
અયોધ્યામાં ભગવાન રામલલ્લાનું મંદિર બનાવવા માટે જાહેરાત થઈ એ સમયે ખાસ્સો રાજકીય વિરોધ થયો હતો, જે ઑલમોસ્ટ બે દશક ચાલ્યો અને એ પછી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એ મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું. આઝાદી પછી જ્યારે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની જાહેરાત થઈ એ સમયે પણ એવું જ વાતાવરણ સર્જાયું હતું. રાજકારણની દૃષ્ટિએ આ આખી વાતને જોવાની નથી, પણ ઇતિહાસનાં પાનાંઓ પર આ વાત લખાયેલી છે એ જ માત્ર અહીં શૅર કરવાનો હેતુ છે.
સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુન:નિર્માણનું કાર્ય શરૂ કરવાનો નિર્ણય લીધો ત્યારે જવાહરલાલ નેહરુએ એનો વિરોધ કરતાં એવું નિવેદન કર્યું હતું કે આ હિન્દુ પુનરુત્થાનવાદનું એક એવું પગલું છે જે નવનિર્મિત ભારતમાં લેવું યોગ્ય નથી. જોકે સરદાર પટેલ એ વાત માન્યા નહીં અને પોતાની જીદ પર અડગ રહ્યા. એ સમયે થયેલી દલીલો અને નેહરુજી તથા સરદાર પટેલ વચ્ચેનો વાર્તાલાપ કનૈયાલાલ મુનશીએ ‘પિલગ્રિમ્સ ટુ ફ્રીડમ’માં લખી છે અને અત્યારે એ પુસ્તક પણ બજારમાં છે. જે વાંચવા ઇચ્છે તે એ વાંચી શકે છે.
ADVERTISEMENT
જવાહરલાલ નેહરુએ કૅબિનેટની બેઠકમાં પણ સરદારે લીધેલા પગલાને વખોડી કાઢ્યું હતું અને સરદાર એ સમયે જવાબ આપવાને બદલે ચૂપ રહ્યા હતા. તેમની એ ચુપકીદીમાં દૃઢતા સાથેનો સંકલ્પ હતો કે આ કામ તો ચોક્કસપણે કરવું જ છે. એ જ કૅબિનેટની બેઠક પછી નેહરુજીએ કનૈયાલાલ મુનશીને રૂબરૂ મળવા માટે બોલાવ્યા હતા અને કહ્યું હતું કે ‘તમે આ જે કાર્ય કરી રહ્યા છો એ સોમનાથ પુનરુદ્ધારનું કાર્ય અત્યારે હાથમાં લેવાય એવું હું બિલકુલ ઇચ્છતો નથી એટલે તમે કહી શકો કે આ કાર્ય મારી મરજી વિરુદ્ધ થઈ રહ્યું છે. આ હિન્દુ પુનરુત્થાનવાદનો એક ભાગ છે, જે આ દેશમાં વૈમનસ્ય વધારશે. લોકોને એવું લાગશે કે નવનિર્મિત સરકાર દેશની સેવાનાં કાર્યો કરવાને બદલે મંદિરો બનાવવાનાં કાર્યો કરે છે.’
મુનશીજીએ લખ્યું છે કે સરદાર પોતાની આ બાબતમાં પણ સ્પષ્ટ હતા અને તેમણે સત્તાવારપણે જાહેર પણ કરી દીધું હતું કે આ કાર્યમાં રાજસત્તા પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવશે નહીં. આ કાર્ય આપણી પ્રજાએ જાતે જ ઉપાડી લેવાનું છે અને આ કાર્યમાં કોઈ જાતની રાજકીય મદદની અપેક્ષા રાખવાની રહેતી નથી. એ પછી પણ નેહરુજીના મનમાં કદાચ એવો ભાવ હતો કે પાછલા બારણેથી મંદિર માટે આર્થિક સહાય કરવામાં આવે, પણ એવી કોઈ ગણતરી દૂર-દૂર સુધી સરદારની નહોતી. કનૈયાલાલ મુનશી લખે છે કે મેં એ વિશે ફરી એક વાર નેહરુજીને વાત કરી અને નેહરુજીને કહ્યું કે એક નવી પાઈ પણ આપણી સરકારે ચૂકવવાની નથી કે ખર્ચ ઉપાડવાનો નથી ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને ધારો કે તમને એવું લાગતું હોય તો જે જાહેરાત સરદારે સોમનાથ મંદિરના પટાંગણમાંથી કરી હતી એ જ જાહેરાત તમે પણ વડા પ્રધાનના કાર્યાલયથી કરી શકો છો, પણ નેહરુજી એ માટે તૈયાર નહીં અને તે એક જ વાત પકડીને બેસી રહ્યા કે તમારે આ કાર્ય રોકવું જોઈએ; એટલું જ નહીં, તમારે એ બાબતમાં સરદારને પણ સમજાવવા જોઈએ.
કનૈયાલાલ મુનશીએ કહ્યું કે સરદાર સાથે આ બાબતમાં વાત કરવી એ મારા માટે અસંભવ છે. હાથીના પગમાં હું મારો પગ મૂકું એ ગેરવાજબી કહેવાય, પણ આ કાર્ય શું કામ અત્યંત જરૂરી છે અને શું કામ એ થવું જોઈએ એ વિશે હું ચોક્કસ તમને વાત કહી શકું અને મુનશીજીએ એ કાર્ય કર્યું પણ ખરું.
કનૈયાલાલ મુનશીને નિયમિત ડાયરી લખવાની આદત હતી. તેમણે ઘરે જઈને નેહરુજીને પોતાની ડિસેમ્બર મહિનાની એ ડાયરી મોકલાવી જે મુનશીજીએ ૧૯૨૨માં લખી હતી. મુનશીજીએ પોતાની એ ડાયરી વિશે પણ આ જ પુસ્તકમાં લખ્યું છે. મુનશીજી લખે છે : ૧૯૨૨ના ડિસેમ્બર મહિનામાં હું સોમનાથના ક્ષીણ થઈ ગયેલા મંદિરની તીર્થયાત્રા પર નીકળ્યો. અગાઉ મેં એના વિશે પુષ્કળ સાંભળ્યું હતું, પણ આ વખતે હું એ સ્થળ પર યાત્રાના ભાવથી જ રવાના થયો હતો.
સોમનાથ જઈને મેં જે જોયું એ દૃશ્યથી મારા હૃદયમાં આગ લાગી. અપવિત્ર એવું એ સ્થળ, જેને બાળવામાં આવ્યું હોય એ ત્યાંના પથ્થરોને જોતાં જ ખબર પડતી હતી. દીવાલો જર્જરિત થઈ ગઈ હતી અને એ સ્થળે ઘેટાં-બકરાંઓની વિષ્ટા પડી હતી.
એમ છતાં પણ એ સ્થળની ગરિમા અદ્ભુત હતી. એ દૃઢતા સાથે પોતાની જાતને અડગ ઊભી રાખીને પોતાના જાજરમાન ઇતિહાસનો પુરાવો આપતું હતું. જાણે કે કૃતજ્ઞતા અને અપમાનને ક્યારેય ભૂલવાં નહીં એ વાતનો સંદેશ આપતું એ અડીખમ ઊભું હોય. કઈ વ્યક્તિ આ સંદેશને સમજી ન શકે, કઈ વ્યક્તિ એ સંદેશનો સૂર પકડી ન શકે?

