‘બાઝી’ના શૂટિંગ દરમ્યાન બલરાજ સાહની બીજા શૂટિંગમાં વ્યસ્ત હતા. તેમની ગેરહાજરીમાં ગુરુ દત્તે સ્ક્રીનપ્લેમાં ફેરફાર કરતાં બન્ને વચ્ચે મનદુઃખ થયું અને ત્યાર બાદ બન્નેએ કદી એકસાથ કામ ન કર્યું.
વો જબ યાદ આએ - ગુરુ દત્ત સ્પેશ્યલ
જિગરજાન મિત્રો જૉની વૉકર અને ગુરુ દત્ત
પ્રથમ દૃષ્ટિએ થતો પ્રેમ એ કેવળ ઘટના નથી. એ તો છે એક લાંબા પ્રવાસની શરૂઆત. શરૂઆતમાં તો બન્ને સહપ્રવાસીઓને એમ જ લાગે કે જીવનના અંત સુધી એકમેકનો સંગાથ રહે. આ ઉત્કટ અનુભૂતિનો ક્યારેય અંત ન આવે. બસ, અનંતની અવિરત યાત્રા સુધી એકમેકનો સહવાસ રહે.
ગુરુ દત્ત અને ગીતા રૉય આવી જ મદહોશ દશામાં જીવતાં હતાં. એક તરફ ‘બાઝી’નું શૂટિંગ શરૂ થયું અને બીજી તરફ ગુરુ દત્ત અને ગીતા રૉયના પ્રેમગ્રંથનાં પ્રકરણોની શરૂઆત થઈ ચૂકી હતી. દેવ આનંદ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એ દિવસોમાં અમે ટ્રેન અને બસમાં મુસાફરી કરતા. અનેક વાર ગુરુ દત્ત અને હું પાલી હિલથી માટુંગા તેમના ઘરે આવતા. ગુરુનાં માતાજી અમારે માટે સ્વાદિષ્ટ ભોજન બનાવતાં. એ દિવસોમાં ગીતા પણ ત્યાં આવતી. અમે સૌ ખાઈ-પીને જલસો કરતાં.’
ADVERTISEMENT
એ દિવસોને યાદ કરતાં લલિતા લાજમી કહે છે, ‘ગીતા તેની લિમોઝિન ગાડીમાં આવતી, પરંતુ તેનામાં જરા પણ અભિમાન નહોતું. એક સામાન્ય વ્યક્તિની જેમ તે અમારી સાથે હળીમળી ગઈ હતી. હોંશે-હોંશે મમ્મીને રસોઈકામમાં મદદ કરતી. પ્રેમથી તે મમ્મીને ‘માશીમા’ કહેતી. તેની વાણી અને વર્તન એટલાં લોભમણાં હતાં કે અમારા પૂરા પરિવારની તે લાડકી બની ગઈ હતી. તે મમ્મીની ખૂબ નજીક આવી ગઈ. બન્ને બંગાળીમાં જ વાતો કરતાં. અમારી સાથે તે હિન્દીમાં વાત કરતી. હું તેને મોટી બહેન ગણતી.
ગુરુ અને ગીતા એકમેકને પ્રેમ કરતાં હતાં એ સૌને સ્પષ્ટ દેખાતું હતું. અમારું ઘર નાનું હોવાથી તેમને એકાંત મળવું મુશ્કેલ હતું. એકમેકને પત્ર આપવા હોય ત્યારે એ લોકો મારો સહારો લેતાં. હું તેમની કુરિયર હતી. તેમને બહાર મળવું હોય ત્યારે મને ફરવા લઈ જવાના બહાને બન્ને નીકળી પડતાં. ગીતાની મોટી ગાડીમાં અમે પવઈ લેક જતાં. બન્નેને ફિશિંગનો શોખ હતો. કલાકો સુધી કશું બોલ્યા વિના બન્ને એકમેકના સાંનિધ્યને માણતાં.
રાજ ખોસલા ગુરુ દત્તના અસિસ્ટન્ટ હતા. જ્યારે અમે લૉન્ગ ડ્રાઇવ પર ખંડાલા કે લોનાવલા જતાં ત્યારે તેઓ પણ અમારી સાથે જોડાતા. અમારા સૌ માટે એ દિવસો સૌથી યાદગાર હતા. મને લાગે છે કે એ દિવસો ગુરુ અને ગીતાના જીવનના સૌથી સુખી દિવસો હતા.’
એક તરફ ‘બાઝી’નું શૂટિંગ આગળ વધતું હતું અને બીજી તરફ ગુરુ દત્ત અને ગીતા રૉયના પ્રેમનો ગ્રાફ પણ ઊંચે ચડતો જતો હતો. ૧૯૫૧માં ‘બાઝી’ રિલીઝ થયું. સાહિર લુધિયાનવી અને સચિન દેવ બર્મનની જોડીનાં ગીતોએ ધૂમ મચાવી અને ‘બાઝી’ની ગણના હિટ ફિલ્મમાં થઈ. ફિલ્મનાં ૮ ગીતમાંથી ૬ ગીત રૉયના સ્વરમાં રેકૉર્ડ થયાં. ખાસ કરીને ‘તદબીર સે બિગડી હુઈ તકદીર બના લે’, ‘સુનો ગજર ક્યા ગાયે’ અને ‘આજ કી રાત પિયા દિલ ના તોડો’ ગીતો બેહદ લોકપ્રિય થયાં હતાં.
ફિલ્મનાં ગીતોની સફળતાને કારણે ગીતા રૉયને અનેક મોટી ફિલ્મોની ઑફર આવી. કેવળ કલકત્તા, હૈદરાબાદ, દિલ્હી, મદ્રાસ જ નહીં, લંડન અને વિદેશનાં બીજાં શહેરોમાંથી શો માટે આમંત્રણ મળવા લાગ્યાં. તે હવે મોટા ગજાની પ્લેબૅક સિંગર બની ગઈ હતી.
‘બાઝી’ એક બેકાર ટૅક્સી-ડ્રાઇવર મદન (દેવ આનંદ) અને સમાજે તરછોડી દીધેલી નીના (ગીતા બાલી)ની પ્રેમકહાની હતી. ફિલ્મના એક દૃશ્યમાં ગુરુ દત્ત પણ દેખાય છે. જોકે ફિલ્મ માટે વિવેચકોનો અભિપ્રાય બહુ ઊંચો નહોતો. એક ચીલાચાલુ સામાન્ય મનોરંજક ફિલ્મ તરીકે તેમણે ફિલ્મને વખોડી કાઢી. એક વિવેચકે તો એમ પણ લખ્યું કે ગર્લફ્રેન્ડ ગીતા રૉયની લોકપ્રિયતાના સહારે સામાન્ય કક્ષાના ડાયરેક્ટર ગુરુ દત્ત આગળ વધવાના નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા છે.
ફિલ્મના ક્રેડિટ ટાઇટલ્સમાં સ્ટોરીરાઇટર તરીકે બલરાજ સાહની અને ગુરુ દત્તનાં નામ હતાં. જોકે ફિલ્મના શૂટિંગ દરમ્યાન બલરાજ સાહની ગુરુ દત્ત સાથે નારાજ હતા, કારણ કે બન્નેની વિચારધારામાં ફેર હતો. બલરાજ સાહની ડાબેરી વિચારસરણી ધરાવતા હતા અને તેમનું માનવું હતું કે ફિલ્મો દ્વારા સમાજને કોઈક સારો સંદેશ મળવો જોઈએ. જ્યારે ગુરુ દત્ત તેમના મેન્ટર જ્ઞાન મુખરજીની માફક (એ દિવસોમાં) એમ માનતા કે ફિલ્મ કેવળ મનોરંજનનું સાધન છે. પ્રેક્ષકોને ખુશ કરવા માટે એમાં લોકભોગ્ય મસાલો નાખવો જરૂરી છે. એમાં ડાન્સ, ફાઇટ સીક્વન્સ અને મેલોડ્રામા હોવાં જ જોઈએ.
‘બાઝી’ના શૂટિંગ દરમ્યાન બલરાજ સાહની ‘હલચલ’ના શૂટિંગમાં વ્યસ્ત હતા. તેમની ગેરહાજરીમાં ગુરુ દત્તે સ્ક્રીનપ્લેમાં ઘણા ફેરફાર કર્યા. આ કારણસર બન્ને વચ્ચે મનદુઃખ થયું અને ત્યાર બાદ બન્નેએ કદી એકસાથ કામ ન કર્યું.
‘બાઝી’ને કારણે ગુરુ દત્તની પર્સનલ લાઇફમાં જેમ ગીતા રૉયનું આગમન થયું એવી રીતે જ તેમની પ્રોફેશનલ લાઇફમાં બે કલાકાર-કસબીઓનું આગમન થયું. એક હતા કૉમેડિયન જૉની વૉકર અને બીજા હતા સિનેમૅટોગ્રાફર વી. કે. મૂર્તિ. જૉની વૉકર સાથે તેમની ઘનિષ્ઠતા એટલી વધી કે તે તેમના મિત્ર અને સ્વજન બન્યા.
બદરુદ્દીન કમાલુદ્દીન કાઝી (જેને આપણે જૉની વૉકરના નામે જાણીએ છીએ)નો જન્મ ૧૯૨૪માં ઇન્દોરમાં થયો. તેમના પિતા મિલ-કામદાર હતા. મિલ બંધ પડતાં તેઓ બેકાર બન્યા અને ઇન્દોરમાં બહોળા પરિવારનો નિર્વાહ કરવો મુશ્કેલ હોવાથી મુંબઈ આવ્યા. પરિવારની આર્થિક મુશ્કેલીઓમાં સહાય કરવા જૉની વૉકર રસ્તા પર શાકભાજી, આઇસક્રીમ અને બીજી પરચૂરણ વસ્તુઓ વેચતા. સ્વભાવે આનંદી હોવાથી તેઓ નાના-મોટા બધા સાથે હળીમળી જતા. મહામુસીબતે તેમને ‘બેસ્ટ’ની બસમાં કન્ડક્ટરની નોકરી મળી. ત્યાં પણ તેમણે પોતાનો રમૂજી સ્વભાવ ન છોડ્યો. લોકોને ટુચકા કહેવા, મજાકિયા પ્રસંગો કહેવા અને જ્યારે બસ-સ્ટૉપ આવે ત્યારે પોતાના અલગ અંદાજથી એની જાહેરાત કરવાની આવડતને કારણે પ્રવાસીઓ ખુશ થઈ જતા.
અભિનેતા બલરાજ સાહની એક દિવસ બસમાં મુસાફરી કરતા હતા ત્યારે તેમણે જૉની વૉકરનો આ પર્ફોર્મન્સ જોયો. તેમને થયું કે આ માણસે તો બસને પોતાનું સ્ટેજ બનાવી દીધું છે. તેમણે નક્કી કર્યું કે ‘બાઝી’ માટે તેનું ‘ઑડિશન’ લેવું જોઈએ. આ વાત તેઓ ગુરુ દત્તથી ખાનગી રાખવા માગતા હતા. તેમણે નક્કી કર્યું કે એક દિવસ અચાનક જૉની વૉકર ગુરુ દત્ત સામે ‘સરપ્રાઇઝ ઑડિશન’ આપશે.
‘બાઝી’ના સેટ પર ગુરુ દત્ત અને દેવ આનંદ એક દૃશ્ય બાબતે ગંભીર ચર્ચા કરતા હતા ત્યાં અચાનક એક દારૂડિયો આવી ચડ્યો. લથડતી ચાલે તે એક-એક વસ્તુ સાથે અથડાતો જાય અને ઊલટુંસૂલટું બોલતો જાય. તેનો આ તમાશો જોઈને સૌની સાથે ગુરુ દત્ત અને દેવ આનંદ પણ મજા લેતા હતા. એટલી વારમાં યુનિટના બીજા માણસો આવીને તેને પકડીને સેટની બહાર લઈ જવા લાગ્યા. તેણે સહજ થઈને નમ્રતાથી પરિચય આપતાં કહ્યું કે ‘હું દારૂડિયો નથી..’ સાચી વાત જાણીને ગુરુ દત્ત અને દેવ આનંદ તેમના અભિનયથી ખાસ્સા પ્રભાવિત થયા અને આમ જૉની વૉકર અભિનેતા બન્યા.
ફિલ્મમાં ક્રેડિટ વખતે ગુરુ દત્તે પૂછ્યું, ‘ટાઇટલ્સમાં તારું નામ બદરુદ્દીન કાઝી રાખીએ તો ચાલશેને?’
‘લોકોને એમ લાગશે કે હું તો નિકાહ ભણનારો કાઝી છું...’ જૉની વૉકરે પોતાના મજાકિયા અંદાજમાં જવાબ આપતાં ઉમેર્યું, ‘દુનિયા જઈને મારા પિતાને કહેશે, ‘તમારો છોકરો તો અભિનેતા બની ગયો. પ્લીઝ, મારા માટે કોઈ બીજું નામ શોધો.’
ગુરુ દત્તે કહ્યું, ‘એક શરાબી તરીકે તારો અભિનય લાજવાબ હતો. મારી ફેવરિટ વ્હિસ્કી છે જૉની વૉકર. આજથી તારું નામ જૉની વૉકર...’ અને આમ બદરુદ્દીન કાઝીનું નામકરણ થયું જૉની વૉકર.
‘બાઝી’ની સફળતા એ ગુરુ દત્તની કારકિર્દીનો પહેલો માઇલસ્ટોન હતો. હવે અંગત જીવનમાં અધૂરું સ્વપ્ન પૂરું કરવાનો સમય આવી ચૂક્યો હતો, પણ એ વસ્તુ ધાર્યા જેટલી સરળ નહોતી. એ વાત આવતા શનિવારે.