તાજેતરમાં પુણેમાં બનેલી ૨૬ વર્ષની યુવાન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના મૃત્યુની ઘટનાએ દેશમાં ખાસ્સો ખળભળાટ મચાવી દીધો છે. ઍના સેબાસ્ટિયન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતી અને અમેરિકાની વિખ્યાત મલ્ટિનૅશનલ કંપનીમાં નોકરી કરતી હતી.
સોશ્યોલોજી
પ્રતીકાત્મક તસવીર
‘આજથી ૨૦ વર્ષ પછી તમે જોજો, હવે જીવનશૈલી જે પ્રકારની થઈ રહી છે એમાં હૃદયરોગથી મૃત્યુ પામનાર વ્યક્તિઓ પચીસ-ત્રીસ વર્ષના વયજૂથમાંથી હશે...’ આ વાક્ય નિષ્ણાત યોગાચાર્ય ડૉ. ધનંજય ગુંડે પાસેથી ૯૦ના દાયકામાં સાંભળ્યું ત્યારે ગંભીરતાથી નહોતી લીધું, પરંતુ છેલ્લાં પાંચેક વર્ષમાં હૃદયરોગ કે અન્ય લાઇફસ્ટાઇલ રોગોથી થયેલા યુવાઓનાં મૃત્યુના સમાચાર જે ગતથી મળી રહ્યા છે એ સાંભળીને ડૉ. ગુંડેની ચેતવણી યાદ આવે છે.
તાજેતરમાં પુણેમાં બનેલી ૨૬ વર્ષની યુવાન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના મૃત્યુની ઘટનાએ દેશમાં ખાસ્સો ખળભળાટ મચાવી દીધો છે. ઍના સેબાસ્ટિયન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતી અને અમેરિકાની વિખ્યાત મલ્ટિનૅશનલ કંપનીમાં નોકરી કરતી હતી. કાર્ડિઍક અરેસ્ટથી તેનું મૃત્યુ થયું ત્યારે તેને એ નોકરીમાં રહ્યે માંડ ચાર મહિના થયા હતા. ઍનાનાં માતા-પિતાએ કહ્યું હતું કે ઍનાને કામનું ખૂબ દબાણ રહેતું હતું અને તે રાતે સાડાબાર વાગ્યા સુધી કામ કરતી અને એક-દોઢ વાગ્યે ઘરે પહોંચતી હતી. ઍનાની મમ્મીએ તેની કંપનીના વડાને ચાર પાનાંનો લાંબો પત્ર લખ્યો છે. તેમણે વિનંતી કરી છે કે કર્મચારીને પોતાના ખાવા-પીવા માટે કે ઊંઘવા માટે સમય ન રહે એટલું બધું કામનું દબાણ ન હોવું જોઈએ.
ADVERTISEMENT
આજે અનેક શિક્ષિત અને વ્યાવસાયિક ક્વૉલિફિકેશન્સ ધરાવતા યુવાઓ મલ્ટિનૅશનલ કંપનીમાં બહુ સારા પગારની નોકરી કરી રહ્યા છે, પરંતુ તેમના પર કામનો બોજ પણ એટલો જ આકરો હોય છે. મોટા ભાગના વ્યાવસાયિકો અતિશય કામ, સ્પર્ધાત્મક માહોલ અને ડેડલાઇન્સ તથા લક્ષ્ય હાંસલ કરવાના સ્ટ્રેસમાં જ જીવતા હોય છે. ના તો તેમને પોતાના આહાર કે આરામ માટે ટાઇમ મળતો હોય છે કે ન વ્યાયામ કે આરોગ્ય પ્રત્યે ધ્યાન આપવાનો. તેમના વ્યવસાયની વ્યસ્તતા તેમના પારિવારિક જીવનના, અંગત સંબંધો અને વ્યક્તિગત રસરુચિ માટેના લીઝર ટાઇમ પર તરાપ મારે છે. ભૌતિક વિકાસની ભારે કિંમત તેઓ પોતાના સ્વાસ્થ્ય, સંબંધો અને સુખાકારીનો ભોગ આપીને ચૂકવે છે. આ સ્થિતિ નૉર્મલ નથી અને હેલ્ધી પણ નથી.
તેમના ઉછેર અને શિક્ષણ પાછળ તેમના પરિવારે ખૂબ મહેનત કરી હોય છે. તેમણે પોતે પણ આકરી મહેનત કરી હોય છે અને દેશ કે દુનિયાની નામી કંપનીઓમાં તેમને જૉબ મળે ત્યારે તેઓ કેટલીય આંખોમાં સળગતી ઈર્ષ્યાનું નિમિત્ત બને છે, પરંતુ આવી કહેવાતી સોનાની લગડી જેવી નોકરીઓ ઘણી વાર તેમના પર કામનો અકલ્પ્ય બોજ અને અવાસ્તવિક લક્ષ્યો ખડકી દે છે અને આવાં અવાસ્તવિક લક્ષ્યો તેમને તન-મનથી એટલી હદે નિચોવી નાખે છે કે ક્યારેક જિંદગી ભાંગી પડે છે. આવી નોબત ન આવે એ માટે આજના દરેક યુવાએ સજાગ રહેવું અનિવાર્ય છે.
- તરુ મેઘાણી કજારિયા