પોતાનું ઘર લેવું એ મુંબઈગરાઓ માટે બહુ મોટું સપનું છે. દરેક મુંબઈગરાને ઘર લેવા માટે હોમલોનની જરૂર પડે જ છે. એવામાં ફાઇનૅન્સ મૅનેજમેન્ટ બહુ જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
પોતાનું ઘર લેવું એ મુંબઈગરાઓ માટે બહુ મોટું સપનું છે. દરેક મુંબઈગરાને ઘર લેવા માટે હોમલોનની જરૂર પડે જ છે. એવામાં ફાઇનૅન્સ મૅનેજમેન્ટ બહુ જરૂરી છે. તમે કેટલી કિંમતનું ઘર અફૉર્ડ કરી શકો એમ છો, કેટલી રકમની લોન કેટલા સમય માટેની હોવી જોઈએ અને તમારા પગાર મુજબ આઇડિયલી કેટલો હિસ્સો EMIમાં જવો જોઈએ એ માટે ફાઇનૅન્શિયલ પ્લાનર્સ 5/20/30/40ની ફૉર્મ્યુલા આપે છે. પ્લાનર પાસેથી જાણીએ આ ફૉર્મ્યુલાના અંક શું સૂચવે છે
લોન લઈને કે લોન લીધા વગર મહેલ જેવું નહીં તો નાનકડી ઝૂંપડી જેવું પણ ઘર લેવું એ દરેકનું માત્ર સપનું જ નહીં, મૂળભૂત જરૂરિયાત પણ છે. ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં કે જ્યાં રોટલો મળે છે પણ ઓટલો નથી મળતો એવી જગ્યાએ દિવસે-દિવસે સામાન્ય માણસો માટે પોતાનું ઘર લેવાનું એટલું અઘરું બની ગયું છે કે એ સપનું મટીને હવે કલ્પનાની કૅટેગરીમાં આવતું જાય છે. આવા સમયે કામ આવે છે આપણા અનુભવી ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝરોની સોનેરી સલાહો. આ કલ્પના જો જીવવી હોય તો શું કરી શકાય? મોટા ભાગે આવી પરિસ્થિતિમાં સેવિંગ્સ પર ભાર આપતાં ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર્સ આવા સમયે ૫/૨૦/૩૦/૪૦ની ફૉર્મ્યુલા આપે છે. આવો જાણીએ એ શું છે.
ADVERTISEMENT
૫/૨૦/૩૦/૪૦ની ફૉર્મ્યુલા
5/20/30/40નો નિયમ પહેલી વાર ઘર ખરીદનાર માટે એક વ્યવસ્થિત નાણાકીય પદ્ધતિ પ્રદાન કરે છે જેમાં તેમને સમજદારીપૂર્વક અને સંતુલિત નિર્ણય લેવા માટેનું માર્ગદર્શન મળે છે. આ નિયમ નાણાકીય તનાવ ઘટાડવામાં અને આવી સ્થિતિમાં ફાઇનૅન્શિયલ બૅલૅન્સ જાળવી રાખવામાં સહાયક બને છે. આ નિયમનો દરેક અંક કશુંક સૂચવે છે. જેમ કે....
5 - જે ઘર લેવું છે એની કિંમત તમારી વાર્ષિક આવકના પાંચગણાથી વધુ ન હોવી જોઈએ : જો કોઈ વ્યક્તિ દર વર્ષે ૧૨ લાખ કમાય છે તો તેણે મહત્તમ ૬૦ લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદવું જોઈએ. આમ કરવાથી પગારથી વધુ લોન લેવાથી બચી શકાય છે.
20 - લોન ૨૦ વર્ષમાં ભરપાઈ થઈ જાય એ રીતે નક્કી કરવી : ૨૦ વર્ષ અથવા એનાથી ઓછી મુદત માટે લોન લેવી વધુ સારો વિકલ્પ છે. એના લીધે વધુ લાંબા સમય સુધી લોન ચૂકવવી ન પડે અને વ્યાજની મોટી રકમથી બચી શકાય છે.
30 - માસિક આવકના ૩૦ ટકાથી વધુ EMI ન હોવો જોઈએ : નાણાકીય સંતુલન માટે આ ખૂબ જ જરૂરી છે. જેમ કે કોઈની માસિક આવક ૧ લાખ છે તો EMI મહત્તમ ૩૦ હજાર સુધી જ રાખવો જોઈએ. એના લીધે અન્ય આવશ્યક ખર્ચો સરળતાથી મૅનેજ કરી શકાય છે.
40 – ૪૦ ટકા ડાઉન પેમેન્ટ : ઘર ખરીદતી વખતે ઓછામાં ઓછી ૪૦ ટકા રકમ ડાઉન પેમેન્ટ તરીકે ચૂકવવી જોઈએ. જેમ કે ૫૦ લાખના ઘરમાં ૨૦ લાખ જેટલી રકમ બચાવવી જરૂરી છે. આનો હેતુ એટલો જ કે જેટલી લોનની રકમ ઓછી રહે એટલો વ્યાજનો ભાર ઘટે.
ઉપરોક્ત નિયમના ફાયદાઓ અનેક છે પણ દરેક પાસે આ રીતે કડકાઈથી ચાલવું સરળ નથી. દરેક ખરીદદાર ૪૦ ટકા ડાઉન પેમેન્ટ ભરવાનું સામર્થ્ય હંમેશાં ન પણ રાખી શકે. આ સિવાય શહેરોમાં વધતા રિયલ એસ્ટેટ ભાવને કારણે પાંચ ગણી આવકમર્યાદા અનુસરી શકવી મુશ્કેલ થઈ શકે અને એ લોનની પાત્રતા અને વ્યાજદર બજાર પર આધાર રાખે છે. એવા સમયે કઈ રીતે પ્લાનિંગ શક્ય છે એ વિશે જણાવતાં ‘લક્ષ્મીજ્ઞાન’ નામના ફાઇનૅન્શિયલ સ્ટાર્ટઅપનાં ફાઇનૅન્શિયલ એજ્યુકેટર પ્રિયંકા આચાર્ય કહે છે, ‘પ્લાનિંગ પહેલાં તો આખી વાત સમજીએ. આજથી દસ-પંદર વર્ષ પહેલાં પણ સ્થિતિ આવી જ હતી. ત્યારે ઘરની કિંમત ઓછી હતી, પણ લાઇફસ્ટાઇલ સાદી હોવા છતાંય જવાબદારી વધારે અને ફૅમિલી-સિસ્ટમ બ્રૉડ હતી. ઉપરાંત ઇન્કમ-સોર્સ ઓછા હતા. એટલે ઘર લેવા સેવિંગ્સ ખાલી કરવી પડતી અને ખેંચ પડતી જ. આ વર્ષોથી ચાલે છે. અત્યારે વધારે ત્રાસ એટલે લાગે છે કારણ કે આપણી લાઇફસ્ટાઇલની ચૉઇસિસ વધી ગઈ છે. પહેલાં લોકો ઍસેટ ક્રીએટ થાય કે ઘર લઈ લે પછી મજા કરવાનું વિચારતા. અત્યારે લાઇફસ્ટાઇલને લીધે ખેંચ પડે છે. સ્ટ્રેસ ઓછું કરવા દર અઠવાડિયે બહાર જમવું છે કે ખર્ચ કરવો છે. ટૂંકમાં આવા ખર્ચાને લીધે EMIનું બર્ડન વધુ લાગે છે. બે-ત્રણ EMI જાય, બજેટ હલી જાય ત્યારે હોંશથી લીધેલા ઘરમાંય રાતની નીંદર ઊડી જાય. વીસ વર્ષ પહેલાં આપણે આપણી બધી જ મૂડી ખાલી કરી દેતા. સેવિંગ માઇન્ડસેટ હતું કે ૧૮ વર્ષનાં બાળકો થાય કે તેની પહેલી સૅલેરી આવે ત્યારથી તો PPF અકાઉન્ટ ખોલતા, ગોલ્ડ લેતા, FD કરતા. હવે શૅર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ છે, પણ સેવિંગ માઇન્ડસેટ ઘટ્યો છે. અત્યારે પૈસા આવે પણ સેવિંગ ઓછું છે. તો ઘર લેતાં પહેલાં બૅકઅપ માટે માઇન્ડ સેટ કરવું રહ્યું. જેમ કે ફિક્સ રિટર્ન સેવિંગમાં ટકા ઓછા મળે એટલે એને ટાળીએ એના કરતાં લિક્વિડિટી જમા કરવા ભલે સાત ટકા કે ત્રણ ટકા વ્યાજ મળે તોય આવી નાની–નાની સેવિંગથી શરૂ કરવું જેથી ઘર લેતી વખતે આપણી બધી સેવિંગ સ્વાહા ન થાય. આ પંદરેક વર્ષ પહેલાં ભલે ચાલતું પણ અત્યારે ન થઈ શકે.’
આ ફૉર્મ્યુલા કોણે કઈ રીતે વાપરવી?
આ ફૉર્મ્યુલાને ત્રણ કેસમાં ડિવાઇડ કરતાં પ્રિયંકાબહેન કહે છે, ‘જૉઇન્ટ ફૅમિલી : જૉઇન્ટ ફૅમિલીમાં મોટા ભાગે બે-ત્રણ જનરેશન સાથે રહે છે. એમાં એક-બે જણ કમાતા હોય. ઘર લેવામાં મોટું ઘર લેવું પડે. પ્રૅક્ટિકલી અઘરું પડે. આવા લોકોને આ રેશિયો અઘરો પડે. લોકો વધારે હોય, ઘર મોટું જોઈએ અને ત્રીસ ટકા ઇન્સ્ટૉલમેન્ટમાં જાય તો મોટું ઘર કઈ રીતે અફૉર્ડ કરે? આવી સ્થતિમાં તેમણે થોડા નાના સિટીમાં ઘર લેવું જોઈએ. આજે નાનાં સિટી ડેવલપ થઈ રહ્યાં છે એટલે ઘણા લોકો મેટ્રો સિટી છોડી ત્યાં જવા માંડ્યા છે. ત્યાં લાઇફસ્ટાઇલના ખર્ચા ઓછા થઈ જાય. આ સ્માર્ટર વે છે. ન્યુક્લિયર ફૅમિલી : આવા કેસમાં બે-ત્રણ જણ ઘરમાં હોય એટલે એક્સપેન્સ અને લાઇફસ્ટાઇલ પર ફોકસ થાય. તેમણે આ રેશિયો જાળવવા બે-ત્રણ વર્ષનું ટાઇમ હોરાઇઝન રાખી સેવિંગની એક આદત બનાવવી પડશે. અચાનક EMI તેમના માટે અઘરો પડે. જૉઇન્ટ ફૅમિલીમાં લોકો કૉન્ટ્રિબ્યુટ કરે, વારસો પણ મળે પણ આવી ફૅમિલીમાં આ પડકારરૂપ છે. મેટ્રો સિટીમાં બેથી અઢી કરોડમાં ફ્લૅટ આવે છે. એવા કેસમાં એકથી બે લાખનું EMI થાય. અચાનક આવું થાય તો તકલીફ થાય. એટલે અમુક સેવિંગ એવું જ કરીએ કે ડાઉન પેમેન્ટ માટે ૨૦ ટકા અમાઉન્ટ તો નીકળી જાય. આમાં ખાસ એક વાતનું ધ્યાન રાખો કે ફ્યુચર પ્લાનિંગ પર રિસ્ક ન લેવું. ઘણી વાર લોકો બાળકના એજ્યુકેશન માટે સેવિંગ કર્યું હોય અને પછી ઘર લેવાનું પ્લાન કરે તો પહેલાં એમાંથી આપી દે, એ વિચારી કે હજી તો છોકરાને વાર છે. એવા સમયે ડાઉન પેમેન્ટ કરવામાં તકલીફ થાય. EMIનું બર્ડન આવે પછી ઇન્વેસ્ટમેન્ટનું હોરાઇઝન ઘટી જાય એટલે ફરી એવાર બાળકના એજ્યુકેશન માટે સેવિંગ ભેગું કરવામાં તકલીફ થાય. સોલો લિવિંગ : આ ત્રીજો પાર્ટ અત્યારે વીસથી ત્રીસ વર્ષના યંગ લોકો છે જે ક્યાંક સ્ટુડિયો અપાર્ટમેન્ટમાં રહીને અલગ રહેવા માગે છે. એકલા રહેવાનું માઇન્ડસેટ હોય, લગ્ન પણ ન કરવાં હોય ત્યારે એ હોમલોન લેવા લાંબું પ્લાનિંગ નથી કરતા. એ લોકો માટે આ રેશિયો ડિસિપ્લિન માગી લે. રેન્ટ બહુ વધારે હોય એ કરતાં ઘર લેવું હિતાવહ લાગે. ભલે સ્ટુડિયો અપાર્ટમેન્ટ જ હોય. એકલા હોય તો કોઈ પૂછનારું નથી હોતું અને એમાં આજની લાઇફસ્ટાઇલ પ્રમાણે ઑનલાઇન ફૂડ ઑર્ડરથી લઈને શૉપિંગમાં ખર્ચ ક્યાં થઈ જાય એનો ખ્યાલ પણ નથી આવતો. એને કારણે સમયસર EMI ચૂકવવામાં ઘણી વાર તકલીફ પડતી હોય છે.’
ચાદર એટલા પગ
‘મેરી ઝરૂરતેં કમ હૈં ઇસ લિએ મેરી બાત મેં દમ હૈ’વાળો ફન્ડા હોમલોનમાં મહત્ત્વનો છે. ઘણી વાર હોમલોન એલિજિબિલિટી મળે છે ત્યારે લોકો મોટું ઘર ખરીદે છે જે ખરેખર તમારી જરૂર નથી હોતી. પ્રિયંકાબહેન કહે છે, ‘ડાઉન પેમેન્ટ માટે પૈસા હોવા એ સારી બાબત છે પરંતુ એનો અર્થ એવો નથી કે બધેબધી રકમ ડાઉન પેમેન્ટમાં આપી દેવી. હું તો કહીશ કે આવી ફૅમિલીઓ નાની સિટીમાં જઈને સ્માર્ટ ડિસિઝન લઈ શકે છે. પાસે વીસ લાખ હોય તો પૂરેપૂરા આપવા ન જોઈએ. પાંચ લાખ જેવી રકમ પોતાની પાસે રાખવી જોઈએ. ડાઉન પેમેન્ટના પૈસા માટે એક ભાગ ઇમર્જન્સી પ્રોવિઝન માટે રાખીએ. નાના સિટીમાં ઘર લઈ મેટ્રો સિટીમાં રેન્ટ પર રહેવામાં આવે અને નાના સિટીના ઘરને ભાડે આપી થોડી રકમનો લાભ મેળવી શકાય. મેટ્રો સિટીમાં બિઝનેસ કે જૉબ સૅચ્યુરેટ થાય ત્યારે નાના સિટીમાં મૂવ થવું સરળ રહે. ૧૦-૧૫ ટકા રકમ બાજુ પર રાખીને તમે EMI ગોઠવો. નાના સિટી માટે આ રેશિયો રાખવો સરળ થઈ જાય. અહીં મેટ્રો સિટીમાં ઇન્ફ્લેશન બહુ ઝડપથી વધતું જાય છે એમાં લોકો વટ કે દેખાડા ખાતર ઘર લે ને પછી લોનમાં ખેંચાતા જ રહે. એટલે જો તમારા પર બે-ત્રણ ડિપેન્ડન્ટ હોય ત્યારે તમારે નાના સિટીમાં જ ઘર લેવું જોઈએ. આ સામે જો ડાઉન પેમેન્ટનો કશો જ બંદોબસ્ત નથી તો ઘર લેવાની ઉતાવળ ન કરો. સેવિંગનો ટાર્ગેટ બનાવીને ત્રણ વર્ષમાં બચત કરો. ધારો કે વીસ લાખની રકમ હોય અને એને ત્રણ વર્ષમાં બચાવવી અઘરી લાગે તો એક કે દોઢ વર્ષમાં હું કેટલું સેવ કરી શકીશ એના ટાર્ગેટ બનાવો? સોનામાં બચત કરી શકો. જો પચાસ હજાર પણ સેવ કરશો તો પાંચ લાખનું પણ મોટિવેશન મળશે. ખર્ચાઓ ઘટાડીને સભાનતા સાથે નાનું-નાનું સેવિંગ કરો.’
ટર્મ ઇન્શ્યૉરન્સને અવગણો નહીં
લોકો ઇન્શ્યૉરન્સને ખૂબ જ ઇગ્નૉર કરે છે. સ્વાભાવિક છે EMI જ એટલો હોય ત્યારે એનું પ્રીમિયમ આપણને બહુ જ ભારરૂપ લાગવા માંડે. પણ ધારો કે બે કરોડની લોન લીધી હોય તો લોકો એકાદ કરોડનો ટર્મ ઇન્શ્યૉરન્સ લઈ લે છે. એ ઘણી વખત રિસ્કી થઈ જાય છે. એવા કેસમાં પચીસ લાખની ચાર ટર્મ પૉલિસી લેવી જોઈએ. એક જ પૉલિસી લીધી હોય તો એને સસ્ટેન કરવી અઘરી પડે છે. ચાર હોય તો એકાદ પ્રીમિયમ ન થાય તો પણ આપણી પાસે બીજા ત્રણ ઑપ્શન છે.

