એક તરફ ગરમીએ પગપેસારો કરી દીધો હોય તો બીજી તરફ રંગોની રમણા આપણી આંખોને ટાઢક આપવા તત્પર હોય
અર્ઝ કિયા હૈ
પ્રતીકાત્મક તસવીર
ફાગણ માસમાં ફોરમનો વૈભવ પથરાવા લાગે. એક તરફ ગરમીએ પગપેસારો કરી દીધો હોય તો બીજી તરફ રંગોની રમણા આપણી આંખોને ટાઢક આપવા તત્પર હોય. રેડિયો ચાલુ કર્યા વગર ‘ઉપકાર’ ફિલ્મનું ગીત કર્ણપટ પર ગૂંજવા લાગે : આઇ ઝૂમ કે બસંત, ઝૂમો સંગ સંગ મેં. ખાસ આ કટાર માટે ગઝલશિબિરના મિત્રોએ નવાં મુક્તક-શેર લખ્યાં છે એનાથી મહેફિલને રંગીન બનાવીએ. રશ્મિ અગ્નિહોત્રી રંગમાં તથ્ય શોધે છે...
આંખે વહાલ આંજો
ADVERTISEMENT
ગાલે ગુલાલ છાંટો
કોરું રહે ના કોઈ
જો હોય રંગ પાકો
આંખમાં વહાલ આંજવા માટે હૃદય આર્દ્ર અને મન પ્રસન્ન જોઈએ. રાગ અને દ્વેષ સાથેની નજરો ફેંકાય તો રંગમાંય જંગ વર્તાવા લાગે. જરૂર રંગમાં અભંગ શોધવાની છે. તુકારામે ગાયું : દેખોનિ કીર્તનાચા રંગ, કૈસા ઉભા પાંડુરંગ. અર્થાત્ કીર્તનનો રંગ જોઈને ભગવાન પણ ઊભો રહી જાય છે. મેધાવિની રાવલ ‘હેલી’ ભાવથી ભીંજવે છે...
ભીંજવે નિત્યે હૃદયને, કલ્પનાઓ ઝરમરે
કોણ રંગોની પિયાલી, ભરતું રહે છે ભીતરે?
મૂળભૂત રંગો સાત છે, પણ એમના સંયોજન દ્વારા પ્રકૃતિ રંગોનું સામ્રાજ્ય સર્જે છે. લીલું ઘાસ જોઈએ તો પણ એમાં કેટલું રંગવૈવિધ્ય હોય. જેમ સંગીતમાં મંદ સપ્તક અને તાર સપ્તક હોય એમ લીલું ઘાસ એકદમ આછા રંગથી લઈને અત્યંત ગાઢું - ડાર્ક બનીને આપણને લખપતિ લીલાશ આપે. ફૂલોના વિવિધ રંગો જોઈને પ્રાણપ્રશ્ન થાય કે દુનિયામાં જોવાનું આટલું બધું છે તો લોકોને લડવાનું શું કામ ગમતું હશે. ડૉ. અપૂર્વ શાહ રંગમાં અપૂર્વતા જુએ છે...
અબીલનોય અંગ છે ગુલાલનોય રંગ છે
મલાલને ભુલાવતો વિશિષ્ટ આ પ્રસંગ છે
પલાશની સુવાસ ને ગુલાબનોય અર્ક છે
ભળી શકે બધાયમાં જ શ્રેષ્ઠ એ જ રંગ છે
પલાશ એટલે કેસૂડો. સંસ્કૃતમાં એને બીજસનેહ, બ્રાહ્મોપાદપ, કરક, કૃમિઘ્ન, લક્ષતરુ, રક્તપુષ્પક, ત્રિપત્રક જેવાં નામોથી ઓળખવામાં આવ્યો છે. વિનેશ અંતાણીની એક નવલકથાનું નામ હતું ‘પલાશવન’. કૃષ્ણ સાથેના સંવાદમાં યુધિષ્ઠિર પોતાનાં પ્રિય ફૂલોમાં કમળ, કેસૂડો, માલતી, કરવરી, ચણકને ગણાવે છે. જનોઈ આપવાના પ્રસંગે કેશ કાપ્યા પછી બ્રહ્મચારીને પલાશના પતરાળામાં જમવાનું પૂજાક્રિયામાં દર્શાવવામાં આવ્યું છે. પ્રીતિભાવ સાથે ભક્તિભાવ વ્યક્ત કરતાં કેસૂડાંનાં ફૂલો સૌને આકર્ષે છે. ડૉ. સેજલ દેસાઈ એને વિસ્તારે છે...
આકાશે કેસૂડાંનાં તોરણ મને ગમે છે
સોનેરી રંગનું એ વળગણ મને ગમે છે
જે આગવી છટાથી તનમન કરે છે ઘાયલ
રંગોભર્યો ખજાનો ફાગણ મને ગમે છે
કેસૂડાંનું કામણ આગળ વધારીએ તો વ્યવસાયે તબીબ પણ પ્રકૃતિને આકંઠ પીનાર પ્રદીપ સંઘવીના લેખનો એક ફકરો આપણને આ ફૂલનો સવિશેષ પરિચય કરાવશે. પોતાના બ્લૉગમાં લેખક લખે છેઃ ‘કેસૂડાનું ફૂલ મજાનું, ઠાવકું, બંધ પાંખડીઓવાળું - અડોઅડ બેસીને પાંચીકૂકા રમતી છોકરીઓ જેવું. ફક્ત એક પાંખડી જરા અક્કડ ને અલગ. રંગ લાલ કરતાં કેસરી તરફ વધારે; પનરવાનાં ફૂલ જેવો લોહિયાળ તો નહીં જ. છતાં ફૂલોથી લચેલા વૃક્ષને તડકામાં ઝગમગતું જુઓ તો એનું અંગ્રેજી નામ ફ્લેમ ઑફ ફૉરેસ્ટ સાર્થક લાગે.’ વાત સાર્થકતાની નીકળે તો ઘનશ્યામ કુબાવતનો આ શેર ગહન અનુભૂતિ કરાવશે...
રંગ ભગવો આ ધરાનો થઈ ગયો છે કાયમી
કેસૂડો યોગી બની માથું ધુણાવે જોઈ લો
વિવિધ ઋતુમાં કુદરતની અભિનવ રમણા ચાલતી હોય છે. આપણે કૌતુક ગુમાવી દીધું છે એમ નથી કહેવું, પણ આ કૌતુક ક્યાંક હાંસિયામાં ચોક્કસ ધકેલાઈ ગયું છે. મનોરંજનના અનેક બળકટ પર્યાયો સામે કુદરત પાસેથી મળતું મનોમંથન ચૂકી જવાય છે. માત્ર ૧૭ વર્ષની ઉંમર હોવા છતાં અમદાવાદ રહેતા કવિ મહિમ્ન પંચાલ ૭૦ વર્ષ જેવા કોઈ બુઝુર્ગ જેવી વાત છેડે છે...
કેટલા તહેવાર આવ્યા’તા અને ચાલ્યા ગયા
સૌ અભાવોને મૂકી મારી કને ચાલ્યા ગયા
મેં સહાનુભૂતિ માટે આંસુઓ ભેગાં કર્યાં
લોક બસ આવ્યા અને રંગી મને ચાલ્યા ગયા
લાસ્ટ લાઇન
માત્ર ચહેરા પર નહીં અંદર સુધી પહોંચ્યો હતો
જે લગાવ્યો રંગ તેં ક્યાંથી કદી લૂછી શકું
સ્પર્શ તારા હાથનો ભરપૂર છલકાતો હતો
સ્પંદનો ઊઠ્યાં ઘણાં, ના સહેજ પણ ભૂલી શકું
અતુલ દવે
અલગ રંગો છે, જો ભેગા મળે, તહેવાર લાગે છે
પછી હોળી કે રંગોળીયે રોનકદાર લાગે છે
ભર્યો છે પ્રેમ રંગોમાં, મિટાવે રંજ, ગમ સહુના
દિલોને દિલથી જોડાવા પછી ક્યાં વાર લાગે છે
તૃપ્તિ ભાટકર
ઐશ્વર્ય હોય તેથી ઈશ્વર નથી બનાતું
હિરણ્યકશ્યપુથી બાળક નથી હણાતું
પૃથા મહેતા સોની