આપણી ભાષામાં કેટલાક શબ્દો જોડકાની જેમ જોડાયેલા છે. જે સાથે તે આવે, જો સાથે તો આવે અને જ્યારે સાથે ત્યારે આવે. કલાપી યાદ આવે : જે પોષતું તે મારતું તે ક્રમ દિસે છે કુદરતી. શબ્દના વિનિયોગનો પણ એક નશો હોય છે.
અર્ઝ કિયા હૈ
પ્રતીકાત્મક તસવીર
આપણી ભાષામાં કેટલાક શબ્દો જોડકાની જેમ જોડાયેલા છે. જે સાથે તે આવે, જો સાથે તો આવે અને જ્યારે સાથે ત્યારે આવે. કલાપી યાદ આવે : જે પોષતું તે મારતું તે ક્રમ દિસે છે કુદરતી. શબ્દના વિનિયોગનો પણ એક નશો હોય છે. આપણી જાણ બહાર શબ્દ આપણને ઘડતો હોય છે. ધૂની માંડલિયા એની મહત્તા કરે છે...
શબ્દ જ્યારે પણ સમજણો થાય છે
અર્થ ત્યારે કંકુવરણો થાય છે
રોજ નમણું રૂપ સામે જોઈને
જો અરીસો પણ આ નમણો થાય છે
સામાન્ય રીતે અરીસો કોઈથી લોભાતો નથી. એ જે દેખાય તે જ પ્રતિબિંબે છે. કવિ અરીસાને કુમળી રીતે અસરગ્રસ્ત કરી અજાણપણે એના પુલ્લિંગ હોવા પ્રત્યે આપણું ધ્યાન દોરે છે. જિગર ફરાદીવાલા અરીસાના અસ્તિત્વને વિસ્તારે છે...
જે દી’ નામ તારું ભુલાશે સખી
તને ત્યારે અહેસાસ થાશે સખી
અરીસો થશે સૌ દિશાઓ પછી-
તું કઈ છાવણીમાં લપાશે સખી
કોઈને ભુલાવું ગમતું નથી, પણ એ માટે જરૂરી છે કે કોઈને યાદ આવીએ એવું કશુંક આપણે કર્યું હોય. કોઈ આપણને લેણદાર તરીકે યાદ રાખે એ આવકાર્ય પરિસ્થિતિ નથી. આપણે દેણદાર તરીકે સામેવાળાને સતત યાદ આવતા રહીએ એ પણ આદર્શ સ્થિતિ નથી. આપણે કયા સ્તર પર રહેવાનું છે એ હિરેન ગઢવી સમજાવે છે...
જે ચાહે તે પહોંચી શકે આપણા સુધી
કાયમ એ સ્તરમાં હોઈએ, બીજું શું જોઈએ
તારા થયાની ઘોષણા કરવાનું થાય મન
ત્યારે સબરમાં હોઈએ, બીજું શું જોઈએ
કેટલાક લોકો પોતાની આવડત માટે અહંકાર રાખતા હોય છે તો કેટલાક લોકો પોતાની સિદ્ધિને લઈને વેંત ઉપર ચાલતા હોય છે. આવડત અને સિદ્ધિ બંનેનું સન્માન છે, પણ આમાં ઈશ્વરકૃપાને વિસારી દેવાય છે. કર્તા કરતાં કાર્યને વધારે મહત્ત્વ મળે એ ઉપકારક છે. જીવવાના પણ કેટલાક નિયમો હોય છે. હિમલ પંડ્યા પાસેથી એ શીખીએ...
શંકાથી પર થવાય ને! ત્યારે જીવાય છે
શ્રદ્ધા પૂરી સ્થપાય ને! ત્યારે જીવાય છે
સાવ જ અજાણ્યા લોકનાં દુઃખ-દર્દ જોઈને
આ આંખ ભીની થાય ને! ત્યારે જીવાય છે
રશિયા-યુક્રેન યુદ્ધ વખતે આપણે યુક્રેનના નાગરિકોની દયનીય સ્થિતિ જોઈ. ઍક્શન રિપ્લે થતું હોય એમ ઇઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધને કારણે પૅલેસ્ટીનના નાગરિકોની પણ એવી જ સ્થિતિ થઈ. બે દેશ વચ્ચેના સંઘર્ષને કારણે અથવા લશ્કર જેટલી પહોંચ ધરાવતા આતંકવાદી સંગઠનને કારણે અંતે તો નાગરિકોએ જ સહન કરવાનું આવે છે. ઘરબાર છોડીને હિજરત કરવી પડે. ઈજાગ્રસ્ત થઈને જિંદગી માટે ભીખ માગવી પડે. મરણને સામે જોઈને જીવવું સહેલું કામ નથી. સ્વજનોને મોતના મુખમાં હોમાતા જોવા પડે કે વિખૂટા થઈને ઝૂરવું પડે. હમાસે જેમનું અપહરણ કર્યું છે તેમની અને તેમની પ્રતીક્ષામાં પારાવાર વેદના અનુભવતા સ્વજનોની સ્થિતિ કેટલી
વિદારક હશે. ચિનુ મોદી લખે છે...
આંસુઓનાં તોરણ આજે પણ ગમે છે
એમને એ સ્મરણમાં આવે
ત્યારે આંખ ભીની થાય છે
ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત થતા દેખાય છે
એકે-૪૭ લઈને હુમલો કરનારા આતંકીઓને તમે હાથમાં ફૂલ લઈને ઊભેલા ન કલ્પી શકો. આ લોકો ગુલદસ્તો લઈને ઊભા હોય તોય એમાં કશુંક અણીદાર હોવાની શક્યતા રહેવાની. આવા લોકોને કઈ જાતનું શિક્ષણ અપાયું હશે એની તો કલ્પના જ કરવી રહી. અરે, આઇટી ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રીધારકો પણ આતંકવાદી તરીકે કામ કરતા જોવા મળે એ દુઃખદ વાત છે. વાતને જરાક કુમળો વળાંક આપીને અલગ દૃષ્ટિકોણથી જોઈએ તો ખ્યાલ આવે કે આજનું શિક્ષણ મહત્તા મેળવતું ગયું છે, પણ સહજતા ગુમાવી બેઠું છે. સ્નેહી પરમારની શિક્ષકને કરેલી વિનંતીમાં સૂર પુરાવવાનું મન થાય...
થોડું મમ્મી જેવું તો ફીલ આપો સાહેબ
ક્લાસમાં આવો ત્યારે સ્માઇલ આપો સાહેબ
ઇંગ્લિશ સાયન્સ મૅથ્સનો આપ્યો એવી રીતે
સપનાં જોવાનો પણ ટાઇમ આપો સાહેબ
લાસ્ટ લાઇન
ઊભા રહીને ક્ષિતિજોનાં ચરણ થાકી જશે ત્યારે?
વિહગ થઈ ઘૂમતું વાતાવરણ થાકી જશે ત્યારે?
ADVERTISEMENT
કિનારાની તરસ, સુક્કી નીરવતામાં વહ્યા કરશે
પરંતુ શું થશે જળનું, ઝરણ થાકી જશે ત્યારે?
તમારા સ્પર્શની લીલાશમાં ખોવાયાં-ખોવાયાં
હરણ થઈને ફર્યાં કરતાં સ્મરણ થાકી જશે ત્યારે?
ઊંટો પડછાયે-પડછાયે મૂકી નીકળી ગયાં, પાછળ
દિશા વચ્ચે ઘૂમરીઓ ખાતું રણ થાકી જશે ત્યારે?
મને આપ્યા કરે બળતાં સતત જંગલ ઉદાસીનાં
પરંતુ હાંફતું પગનું સરણ થાકી જશે ત્યારે?
હવે શ્રદ્ધા નથી રહી કોઈ સંભવમાં મને કોઈ
તમે જે નામ લો તે નામ પણ થાકી જશે ત્યારે?
રમેશ પારેખ
જન્મદિન ઃ ૨૭ નવેમ્બર