Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > હિન્દુ રાષ્ટ્ર, સેક્યુલર રાષ્ટ્ર : ધર્મ અને વિચારધારામાં જમીન-આસમાનનો ફરક છે એ ભૂલવું નહીં

હિન્દુ રાષ્ટ્ર, સેક્યુલર રાષ્ટ્ર : ધર્મ અને વિચારધારામાં જમીન-આસમાનનો ફરક છે એ ભૂલવું નહીં

Published : 24 December, 2022 04:21 PM | IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

ભારતમાં વસતો એક-એક નાગરિક હિન્દુસ્તાની છે અને એ દૃષ્ટિકોણથી દરેક ભારતીય હિન્દુ છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


છેલ્લા થોડા સમયથી એવા સતત આક્ષેપ થઈ રહ્યા છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વાત એવા સમયે તો ખાસ થાય જ્યારે કોઈ વાત કે વિચારનો વિરોધ શરૂ થયો હોય. હમણાં ફિલ્મ ‘પઠાન’નો વિરોધ શરૂ થયો એટલે ફરીથી આ વાત છાના ખૂણે શરૂ થઈ છે અને છાના ખૂણે શરૂ થયેલી આ આખી વાતમાં અફસોસ એ બાબતનો કહી શકાય કે કાશ આ ચર્ચા જાહેરમાં થતી હોત, પણ હશે, જેવી જેની ફિતરત, જેવી જેની હિંમત.


ભારત માટે બે વાત કહેવી પડે. એક એ કે હિન્દુસ્તાન જ છે અને હિન્દુસ્તાનમાં હંમેશાં હિન્દુઓ જ પ્રહરી રહે. ભારતમાં વસતો એક-એક નાગરિક હિન્દુસ્તાની છે અને એ દૃષ્ટિકોણથી દરેક ભારતીય હિન્દુ છે. આ વાતને સહેજ પણ ધાર્મિક દૃષ્ટિકોણથી જોવાની કે પછી સમજવાની જરૂર નથી, કારણ કે હિન્દુ ધર્મ અને હિન્દુ વિચારધારા વચ્ચે બહુ મોટો ફરક છે અને એ ફરક સમજવાની તાતી જરૂર છે. રાષ્ટ્રની વાત જ્યારે નીકળે ત્યારે રાષ્ટ્રવાદથી આગળ અને એનાથી મોટો કોઈ વાદ કે વિચાર હોઈ શકે નહીં અને એ દૃષ્ટિકોણ સાથે માનવું પડે, સ્વીકારવું અને સમજવું પડે કે હિન્દુસ્તાનનો હિન્દુવાદ એ વિચારધારા છે અને આ વિચારધારા સાથે સૌકોઈએ સહમત થવું પડે અને થઈને જ રહેવું પડે. નહીં કે માત્ર ભારતને આ વાત લાગુ પડે છે. ના રે, જરાય નહીં. જો તમે અમેરિકામાં રહેતા હો તો તમારે અમેરિકી વિચારધારાનો સહજપણે સ્વીકાર કરવો પડે અને એ કરવું એ જ નાગરિક ધર્મ છે. માત્ર અમેરિકા જ નહીં, જો તમે પાકિસ્તાનમાં હો તો તમારે પાક વિચારધારાને સ્વીકારવી પડે અને એને અનુસરવું પણ પડે.



તમે હિન્દુસ્તાનમાં છો એટલે તમારે સમજવું જ પડશે કે હિન્દુ વિચારધારાને સ્વીકાર્યા સિવાયનો કોઈ વિકલ્પ છે નહીં અને એમ છતાં હિન્દુસ્તાન એટલું પ્રૅક્ટિકલ છે, એટલું સેક્યુલર છે કે એ આ અવસ્થા વચ્ચે પણ દરેક ધર્મને ‘સર્વ ધર્મ સમભાવ’ની માનસિકતાને આવકારે છે, એનો સ્વીકાર કરે છે અને એટલું જ નહીં, એમાં પૂરા મન અને ખંત સાથે સામેલ પણ થાય છે. આનાથી વિશેષ શું જોઈએ તમને ભલા માણસ? આ પરિસ્થિતિ અને આટલું સાનુકૂળ વાતાવરણ મળ્યા પછી પણ તમને જો એમ લાગતું હોય કે આપણા દેશની માનસિકતા જડ થતી જાય છે તો ધૂળ પડી તમારા જીવનમાં. તમારે આ પ્રકારના વાહિયાત વિચારોને સૌની સામે લાવવા પડે છે અને એ લાવવા મળે છે એને માટે પણ તમારે તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે તમે હિન્દુસ્તાની સલ્તનતમાં બેઠા છો. જાઓ જઈને જુઓ એક વખત કટ્ટરપંથીઓના દેશમાં, ત્યાં કેવી હાલત છે એ જોઈ આવો. એક વાર એ દેશોની હાલત જોશો તો તમને સમજાશે કે તાલિબાની બનવાથી શું નુકસાન થવાનું છે, શું લાભ થવાનો છે. હિન્દુસ્તાનની માનસિકતા હિન્દુ રાષ્ટ્રની છે, પણ એની વિચારધારામાં આજે પણ ભાઈચારો વહે છે, જેની તમને આવતી કાલે ખબર પડશે.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2022 04:21 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK