રસ્તો દેખાડનાર આ સિસ્ટમ ઘણી વાર અપડેટેડ ન હોવાને લીધે ઘણી વાર ખોટું ડાયરેક્શન આપી દે છે
બિહારનો એક પરિવાર કારથી ગૂગલ મૅપ્સના સહારે ગોવા જઈ રહ્યો હતો ત્યારે GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)એ ખોટો રસ્તો દેખાડતાં તેઓ કર્ણાટકના અજાણ્યા જંગલમાં ફસાઈ ગયા હતા. (ડાબી તસવીર), ઉત્તર પ્રદેશમાં ગૂગલ મૅપ્સે દેખાડેલા રસ્તે જઈને એક કાર અન્ડર-કન્ટ્રક્શન બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી અને એમાં ત્રણે જણે જીવ ગુમાવ્યા હતા. (જમણી તસવીર)
ઘણા લોકોના જવાબ હા હશે. ઘણી વાર ગૂગલ મૅપ્સના ભરોસે ફરવા નીકળ્યા હોઈએ અને એને બ્લાઇન્ડ્લી ફૉલો કર્યા બાદ ખબર પડે કે ધારેલા ડેસ્ટિનેશનને બદલે કોઈ બીજી જ જગ્યાએ પહોંચી ગયા. આ તો જાના થા જપાન ઔર પહોંચ ગએ ચીન જેવું થઈ જાય છે. ઘણા લોકો સાથે મૅપ ખોટી દિશા દર્શાવે એવા રમૂજી કિસ્સા બનતા હોય છે ત્યારે ઘણી વાર આ જ મૅપ ખોટાં ડાયરેક્શન આપે તો જીવલેણ બની જાય છે એની ખબર પડતી નથી
થોડા સમય પહેલાં ગૂગલ મૅપ્સને કારણે બિહારનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હોવાની ઘટના બની હતી. કિસ્સો એવો હતો કે બિહારનો એક પરિવાર કારથી ગૂગલ મૅપ્સના સહારે ગોવા જઈ રહ્યો હતો. GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)એ ખોટો રસ્તો દેખાડતાં તેઓ કર્ણાટકના અજાણ્યા જંગલમાં ફસાઈ ગયા હતા. બહાર નીકળવાનો રસ્તો ન મળતાં અંતે પોલીસની સહાય લેવી પડી હતી. ગૂગલ મૅપ્સને કારણે લોકો મુશ્કેલીમાં ફસાયા હોય એવો આ પહેલો કિસ્સો નથી, આ પહેલાં પણ ઉત્તર પ્રદેશમાં ગૂગલ મૅપ્સે દેખાડેલા રસ્તે જઈને એક કાર અન્ડર-કન્ટ્રક્શન બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી અને એમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા. આવી ઘટનાઓ ગૂગલ મૅપ્સ પર આંખ મીંચીને ભરોસો કરવાને કારણે બની છે. રસ્તો દેખાડનાર આ સિસ્ટમ ઘણી વાર અપડેટેડ ન હોવાને લીધે ઘણી વાર ખોટું ડાયરેક્શન આપી દે છે અને રસ્તો ભટકાવીને નવી મુસીબતમાં ફસાવી દે છે. મુંબઈગરાને પણ ગૂગલ મૅપ્સે ગોટે ચડાવ્યા છે ત્યારે ચાલો તેમને કેવા પ્રકારના અનુભવો થયા છે એ જાણીએ.
ADVERTISEMENT
રેસ્ટોરાંનું લોકેશન નાખ્યું અને ખેતર પહોંચાડ્યા
નયન સોલંકી
વિરારમાં રહેતા ગુજરાતી સિંગર નયન સોલંકીને ગૂગલ મૅપ્સે એક નહીં, બે નહીં પણ અનેક વાર ગોટે ચડાવ્યો છે. તેની સાથે બનેલા કિસ્સાઓ વિશે વાત કરતાં નયન કહે છે, ‘થોડા સમય પહેલાં હું શેગાવના ગજાનન મહારાજના મઠમાં મારા બે મિત્ર સાથે કારમાં ગયો હતો. જતી વખતે તો મૅપે કોઈ તકલીફ ન આપી. રિટર્ન જર્નીમાં અમારા રૂટમાં સંભાજીનગર આવ્યું. ડિનરનો સમય હતો અને અમને પણ ભૂખ લાગી હતી. સાંભળવામાં આવ્યું હતું કે ત્યાં એક ફેમસ રેસ્ટોરાં છે જ્યાં સેલિબ્રિટીઝ ખાસ ભોજન કરવા આવે છે. અમને પણ એ રેસ્ટોરાંની વાનગીઓનો સ્વાદ માણવાની ઇચ્છા થઈ. મારા મિત્રને નામ ખબર હતી તો તેણે લોકેશન નાખ્યું અને અમે તેને ફૉલો કરતા રહ્યા. પછી અમે એક સૂમસામ જગ્યા પર પહોંચ્યા. આસપાસ કોઈ દેખાય નહીં. અમને હોટેલ હજી ૭૦ મીટરના અંતર પર છે એવું ગૂગલ મૅપ્સ દેખાડી રહ્યું હતું પણ ગાડીની હેડલાઇટ કરી તો સામે ખેતર દેખાઈ રહ્યું હતું. આજુબાજુ કોઈ કાચોપાકો રસ્તો નહીં. અમારું તો માથું ભમવા લાગ્યું. એક તરફ જબરી ભૂખ લાગી અને અહીં ગૂગલ મૅપે ખોટી જગ્યાએ પહોંચાડ્યા. પાંચ મિનિટ વિચાર કર્યા બાદ અમે નક્કી કર્યું કે અહીં સુધી આવ્યા છીએ તો એ રેસ્ટોરાંમાં જ જમવું છે. સૌથી પહેલાં તો ગૂગલ મૅપ્સ બંધ કર્યું, યુ-ટર્ન માર્યો અને મેઇન રોડ પર જઈને સ્થાનિક લોકોની મદદથી આખરે અમે એ રેસ્ટોરાં પર પહોંચ્યા. આ મારો ત્રીજો આવો અનુભવ છે. આ પહેલાં પણ હું નૈતિક નાગડાના શોમાં પર્ફોર્મ કરવા માટે પવઈ સ્કૂટીથી જઈ રહ્યો હતો. મને વેન્યુનો રસ્તો ખબર નહોતો તો મેં ગૂગલ મૅપ્સનો સહારો લીધો, પણ એણે તો મને કાચી કેડીવાળા સૂમસામ રસ્તે પહોંચાડી દીધો. હું છોકરો હતો એટલે કંઈ વાંધો ન આવ્યો, પણ ડર તો મને પણ લાગ્યો. તાત્કાલિક મૅપ બંધ કરીને બહાર નીકળ્યો અને લોકોને પૂછતાં-પૂછતાં હું વેન્યુ પર પહોંચ્યો. હવેથી તો નક્કી કર્યું છે કે ગૂગલ મૅપ્સના ભરોસે ક્યાંય ફરવા જવું નહીં અને જો વાપરવું જ હોય તો સ્થાનિક લોકો સાથે ક્રૉસચેક કરી લેવું.’
ગૂગલ મૅપ્સનાં ડાયરેક્શન ફૉલો કર્યાં હોત તો ભયંકર ઍક્સિડન્ટ થઈ જાત
કમલેશ રાજગોર પરિવાર અને મિત્રો સાથે
મુલુંડમાં રહેતા વ્યવસાયે શિક્ષક કમલેશ રાજગોર ફરવાના શોખીન છે. તેઓ પરિવાર અને મિત્રો સાથે અવારનવાર ટ્રિપનું આયોજન કરતા હોય છે. દિવાળી સમયે તેઓ મેઘાલય ફરવા ગયા હતા ત્યારે તેમને ગૂગલ મૅપ્સની મદદ લેવી ભારે પડી હતી. તેઓ અકસ્માતનો ભોગ બનતાં-બનતાં બચ્યા હતા. પ્રવાસના કડવા અનુભવને શૅર કરતાં કમલેશભાઈ જણાવે છે, ‘અમે દર વર્ષે ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે ભારતના અલગ-અલગ હિસ્સાને એક્સપ્લોર કરતા હોઈએ છીએ. આ દિવાળીના અમે ૧૫-૧૬ લોકો મેઘાલય ગયા હતા. આસામના કાઝીરંગા નૅશનલ પાર્કથી અમે શિલોન્ગ જવા નીકળ્યા હતા. ત્યાંની હોટેલનું બુકિંગ ઑનલાઇન જ કર્યું હોવાથી ત્યાંના મૅનેજરે મને હોટેલ સુધી પહોંચવા માટે ગૂગલ લોકેશન મોકલ્યું હતું અને અમે નવા વર્ષના દિવસે સાંજે સાડાછ વાગ્યે શિલોન્ગ પહોંચ્યા હતા. ત્યાં એક મિની બસ જેવું વાહન કરીને હોટેલ પહોંચવા માટે રવાના થયા. શિલોન્ગમાં સૂર્યાસ્ત જલદી થઈ જાય છે. છ વાગ્યે તો રાત્રે આઠ વાગ્યા જેટલું જ અંધારું થઈ જાય. અમારા લોકેશનથી હોટેલ નજીક હતી પણ અજાણી જગ્યા હોવાથી અમે ગૂગલ મૅપ પર ભરોસો રાખ્યો. મૅપે તો અમને આગળ કાચા રસ્તામાં ઉપર ચડવાનું ડાયરેક્શન આપ્યું અને અમે ચડી પણ ગયા. ત્યાં પહોંચીને ખબર પડી આગળ તો ખીણ છે. તોય અમને ગૂગલ જમણી બાજુએ જવાનું બતાવતું હતું. ત્યાં અમે પહોંચ્યા તો કન્ટ્રક્શન સાઇટ હતી અને એની પાછળ જંગલ હતું. નસીબજોગે ત્યાં એક જણ હતો તેને પૂછ્યું તો ખબર પડી કે જો અમે થોડા પણ આગળ ગયા હોત તો ભયંકર અકસ્માત થઈ ગયો હોત, કારણ કે આગળ રસ્તો જ નહોતો. અમે એન્ડ પૉઇન્ટ પર આવી ગયા હતા. પછી ડ્રાઇવરે ગાડી મેઇન રોડ પર લીધી અને ગૂગલ લોકેશનને બંધ કરીને હોટેલના મૅનેજરનો સંપર્ક સાધીને મેઇન રોડ પર આવવાનું કહ્યું અને હોટેલ પહોંચ્યા ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો. આ ઘટના બાદ કાન પકડ્યા, હવે ગૂગલ મૅપ્સને આંખ મીંચીને ફૉલો કરવું નહીં.’
ગૂગલ મૅપ્સ અપડેટેડ ન હોવાથી ધાર્યા લોકેશન પર પહોંચી ન શક્યાનું દુ:ખ છે
વિદ્યા પંચાલ
ઐરોલીમાં રહેતી ગ્રાફિક-ડિઝાઇનર વિદ્યા પંચાલને મુંબઈમાં જ ગૂગલ મૅપને કારણે કડવો અનુભવ થયો હતો. આ વિશે જણાવતાં વિદ્યા કહે છે, ‘થોડા સમય પહેલાં અમે ઑફિસના ફ્રેન્ડ્સે મળીને બાંદરાની એક રેસ્ટોરાંમાં પાર્ટી કરવાનો પ્લાન બનાવ્યો હતો. ગૂગલમાંથી સારા રેટિંગવાળી રેસ્ટોરાં જોઈને અમે લોકેશનને અનુસરીને ત્યાં પહોંચ્યા તો ખરા, પણ અમને એ રેસ્ટોરાંની જગ્યાએ બીજી કોઈ નૉનવેજ રેસ્ટોરાં દેખાઈ. જોકે ગૂગલમાં તો અમે નક્કી કરેલી વેજ રેસ્ટોરાં ખુલ્લી છે એમ જ દેખાડતું હતું. આજુબાજુમાં પૂછપરછ કરતાં ખબર પડી કે અમે જે રેસ્ટોરાંને શોધી રહ્યા હતાં એ તો બંધ થઈ ગઈ છે. ગૂગલ મૅપ્સમાં અપડેટ ન થવાને કારણે પ્લાન મુજબ કંઈ ચાલ્યું નહીં. પછી અમારે નાછૂટકે બીજી રેસ્ટોરાંમાં જવું પડ્યું. આ મૅપને લીધે અમારો પ્લાન ચોપટ થઈ ગયો હતો. મૅપમાં લોકેશન જોઈને ટ્રિપ પ્લાન કરીએ અને સિસ્ટમ અપડેટેડ ન હોય તો આવી હાલાકી પણ થતી હોય છે. તેથી મૅપ પર આંધળો ભરોસો કરવો નહીં એ શીખ અમને આ ઘટના પરથી મળી ગઈ.’
ગૂગલ મૅપ્સ પર કેટલો વિશ્વાસ રાખવો
ગૂગલ મૅપ્સ ઉપયોગી ટૂલ છે એ વાતને નકારી શકાય નહીં પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં. સમયાંતરે એ અપડેટ થતું રહે છે તેમ છતાં ભૂલો થઈ શકે છે. ખાસ કરીને ગ્રામીણ ભાગોમાં એની શક્યતા વધુ રહેલી હોય છે. આ ઉપરાંત નવા બનેલા વિસ્તારોમાં ગૂગલ મૅપ્સનો ઉપયોગ કરવો મુશ્કેલીરૂપ બની શકે છે. ટ્રાફિક સ્ટેટસ બતાવે છે એ પણ હંમેશાં સચોટ હોતું નથી. તમારા સ્માર્ટફોનનાં GPS સિગ્નલ અને ઇન્ટરનેટ સ્પીડથી પણ એ પ્રભાવિત થઈ શકે છે એટલું જ નહીં, કેટલીક વાર ગૂગલ મૅપ્સમાં અધૂરા પુલ કે જોખમી રસ્તાઓ પણ દેખાઈ શકે છે. તેથી જો તમે પણ ગૂગલ મૅપ્સનો ઉપયોગ કરો છો તો તમારે સાવચેત રહેવું જરૂરી છે.