Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઝારખંડમાં સોરેન ફરી મેદાનમાં: હરિયાણામાં હવે કૉન્ગ્રેસ એકલા હાથે લડવા તૈયાર

ઝારખંડમાં સોરેન ફરી મેદાનમાં: હરિયાણામાં હવે કૉન્ગ્રેસ એકલા હાથે લડવા તૈયાર

Published : 07 July, 2024 01:35 PM | IST | Mumbai
Raj Goswami

હેમંત સોરેનનું મિશન વિધાનસભાની ચૂંટણી જીતવાનું છે. તેઓ શરૂઆતથી જ કેન્દ્રીય એજન્સીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવતા આવ્યા છે અને..

હેમંત સોરેન

ક્રૉસલાઇન

હેમંત સોરેન


હેમંત સોરેનનું મિશન વિધાનસભાની ચૂંટણી જીતવાનું છે. તેઓ શરૂઆતથી જ કેન્દ્રીય એજન્સીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવતા આવ્યા છે અને તેમની સામેની કાર્યવાહીને રાજનીતિથી પ્રેરિત ગણાવી છે. તેમને જામીન પર છોડવાનો કોર્ટનો નિર્ણય તેમને કેન્દ્રની BJP સરકારને નિશાન બનાવવાની તક પૂરી પાડવાનું કામ કરશે


૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનાં અનપેક્ષિત પરિણામોની રાજ્યોની વિધાનસભાઓ પર શું અસર પડે છે એનો પહેલો પુરાવો છ રાજ્યોમાં જોવા મળશે. આજથી ૧૨ મહિનાની અંદર હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી અને બિહારમાં ચૂંટણીઓ થવા જઈ રહી છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીરમાં સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. આ ચૂંટણીઓમાં લોકસભામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિપક્ષી ગઠબંધન INDIA એનો ચમત્કાર દોહરાવે છે કે પછી BJP એની પોચી પડેલી જમીનને સરકી જતી રોકવામાં સફળ થશે એ નક્કી થશે.



ગુજરાત વિધાનસભાની ચૂંટણીને તો હજી ત્રણ વર્ષની વાર છે (૨૦૨૭), પરંતુ ગયા સપ્તાહે તડાકાભડાકાવાળા લોકસભાના પહેલા સત્રમાં વિરોધ પક્ષના નેતા અને કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ તેમના આભાર-પ્રવચનમાં સત્તાધારી BJPને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘લિખ કે લે લો, INDIA આપકો ગુજરાત મેં હરાને જા રહા હૈ.’


ગુજરાતમાં શું થશે એ તો જુદો અને દૂરનો મુદ્દો છે, પણ INDIAનો આત્મવિશ્વાસ બુલંદ છે એમાં ના નહીં. લોકસભાના સત્રમાં વિપક્ષી સંસદસભ્યોએ સરકારને વિવિધ મુદ્દાઓ પર ઘેરવા માટે જે એકતા અને આક્રમકતા બતાવી હતી એના પરથી એટલું તો સ્પષ્ટ છે કે તેમને એ વિશ્વાસ આવી ગયો છે કે BJP અજેય નથી.

લોકસભાની ચૂંટણી પહેલાં BJPના કટ્ટર ટીકાકારો પણ એવું માનતા હતા કે BJPની વિજયકૂચ નબળી પડે એમ લાગતું નથી, પણ પરિણામોએ જુદું જ ચિત્ર રજૂ કર્યું છે. INDIAને સમજાઈ ગયું છે કે BJP એના શાસનના ટ્રૅક-રેકૉર્ડ પર નહીં પરંતુ વિરોધ પક્ષોને નબળા પાડીને, એમની વિરુદ્ધ કુપ્રચાર કરીને, ચારિત્ર્યહનન કરીને, એમના પર એજન્સીઓનો ઉપયોગ કરીને અને ચૂંટણી સમયે સામ, દામ, દંડ અને ભેદની રણનીતિ અપનાવીને એનો હાથ ઉપર રાખી રહી છે.


એટલે વિપક્ષોએ આ એમની એકતાને જાળવી રાખવા અને BJPને એની જ ​પિચ પર જઈને ઘેરવા માટેની રણનીતિ બનાવી છે. રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં આ જોવા મળશે અને એનો પહેલો પરિચય તેમણે લોકસભાના સત્રમાં આપી દીધો છે.

રાહુલનો BJP પર હુમલો

નવી લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પછી આભાર પ્રસ્તાવ પર ચર્ચા વખતે રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત બંધારણની નકલ સાથે કરી હતી, પરંતુ ભાષણની વચ્ચે તેમણે ભગવાન શિવનું ચિત્ર દર્શાવતી ટિપ્પણી કરી હતી કે શિવજી ન કોઈને ડરાવે છે કે ન તો કોઈનાથી ડરે છે. એને કારણે ગૃહમાં હોબાળો થયો હતો. BJPના સભ્યોએ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે પોતાની બેઠક પરથી ઊભા થયા અને કહ્યું કે રાહુલ ગાંધી માટે આખા હિન્દુ સમાજને હિંસક કહેવો યોગ્ય નથી. રાહુલે એનો પણ વળતો જવાબ આપ્યો હતો કે BJPને હિંસક કહેવી એ હિન્દુ સમાજનું અપમાન નથી, કારણ કે હિન્દુ સમાજનો ઠેકો BJP પાસે નથી.

આનો એક પડઘો ગુજરાતમાં પડ્યો હતો. રાહુલના નિવેદનના વિરોધમાં અમદાવાદમાં ગુજરાત કૉન્ગ્રેસના કાર્યાલય પર હુમલો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એનો ઉલ્લેખ કરીને રાહુલે ટ્​વિટર પોસ્ટમાં લખ્યું હતું, ‘ગુજરાત કૉન્ગ્રેસના કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો BJP અને સંઘ પરિવાર વિશેના મારા મુદ્દાને મજબૂત કરે છે. હિંસા અને નફરત ફેલાવનારા BJPના લોકો હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજી શકતા નથી. ગુજરાતના લોકો તેમનાં જૂઠાણાંને સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને BJP સરકારને નિર્ણાયક પાઠ ભણાવશે. હું ફરી કહી રહ્યો છું કે ગુજરાતમાં INDIA જીતવા જઈ રહ્યું છે!’

રાહુલ ગાંધીએ મોદી સરકારની અગ્નિવીર યોજના પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે અગ્નિવીરના સૈનિકો ‘યુઝ ઍન્ડ થ્રો’ મજૂર બની ગયા છે. રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે સંસદને ગેરમાર્ગે દોરવાનો કોઈ પ્રયાસ થવો જોઈએ નહીં. તેમણે કહ્યું હતું કે હું સ્પષ્ટ કરવા માગું છું કે જો કોઈ અગ્નિવીર યુદ્ધ દરમ્યાન અથવા સરહદ સુરક્ષા દરમ્યાન મૃત્યુ પામે છે તો તેના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે છે.

રાહુલે નૅશનલ એલિ​જિબિ​લિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પેપર લીક, મણિપુર, નોટબંધી, ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) જેવા મુદ્દાઓ પર પણ સરકારને ઘેરી હતી. એના જવાબમાં વડા પ્રધાન મોદીએ ફિલ્મ ‘શોલે’ના દૃશ્યનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ‘તમને બધાને ‘શોલે’ની મૌસી યાદ હશે, કૉન્ગ્રેસને નહીં.’ તેમણે કહ્યું હતું કે ‘આજકાલ સહાનુભૂતિ મેળવવાની એક નવી રમત શરૂ થઈ રહી છે. એક બાળકબુદ્ધિ ‘મને માર્યું... મને માર્યું’ કહીને રડ્યા

કરે છે. ગઈ કાલે ગૃહમાં પણ

આપણે આવું જ બાલિશ વર્તન જોયું છે.’

વડા પ્રધાનના વક્તવ્ય દરમ્યાન વિપક્ષના વૉકઆઉટ સાથે સત્રનો અંત આવ્યો હતો. વિપક્ષના સભ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ગૃહના વેલમાં ધસી ગયા હતા અને ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. વિપક્ષના નેતા જગદીપ ધનખડે વૉકઆઉટની નિંદા કરી હતી.

સરવાળે INDIA લોકસભાના પહેલા સત્રમાં આક્રમક નજર આવ્યું હતું અને સરકાર બચાવની મુદ્રામાં હતી.

ઝારખંડમાં સોરેન ફરી મેદાનમાં

INDIA લોકસભાની બહાર પણ કેટલું સક્રિય છે એ સત્ર-સમાપ્તિ પછી તરત જોવા મળ્યું. એ જ રાતે ઝારખંડમાં INDIAના વિધાનસભ્યોની એક બેઠક મળી. છ મહિના પછી આ પહેલી બેઠક હતી અને એ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને બોલાવી હતી. સોરેન જમીનકૌભાંડ સાથે જોડાયેલા એક મામલામાં હાઈ કોર્ટના જામીન બાદ ૨૮ જૂને જેલમાંથી છૂટ્યા હતા.

આ બેઠકમાં તેમને ફરીથી મુખ્ય પ્રધાનપદ સંભાળવા માટેનો પ્રસ્તાવ પસાર થયો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા તેમની ધરપકડ બાદ પદ છોડ્યાના લગભગ પાંચ મહિના પછી મુખ્ય પ્રધાન તરીકે તેમની વાપસી થઈ છે. તેમણે ૩૧ જાન્યુઆરીએ તેમની ધરપકડ પહેલાં મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. કોર્ટે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ ઈડી પાસે હેમંત સોરેન વિરુદ્ધ કોઈ પુરાવા નથી.

સોરેન જેલમાંથી બહાર આવતાં જ ઝારખંડનું રાજકારણ નવી દિશા તરફ આગળ વધવા લાગ્યું છે. ૧૫૩ દિવસમાં કાર્યકારી ચંપઈ સરકારનો અધ્યાય બંધ થઈ ગયો. JMMની છાવણીએ ઉત્સાહથી સોરેનનું સ્વાગત કર્યું છે.

જામીન પર છૂટ્યા બાદ તેમણે કૉન્ગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાતચીત હતી. એમાં સોનિયા ગાંધીએ પણ સોરેનને ફરીથી મુખ્ય પ્રધાનપદ સંભાળવા કહ્યું હતું. કૉન્ગ્રેસ નેતૃત્વનું માનવું છે કે તેમની સરકારનો કાર્યકાળ બહુ ઓછો બચ્યો છે એવી સ્થિતિમાં તેમનું સરકારમાં આવવું જરૂરી છે.

કૉન્ગ્રેસની ઇચ્છા હતી કે સરકારના વડા બનીને સોરેન ઝારખંડમાં INDIAનો ચહેરો બને. એવું જ થયું છે. સોરેને આવતાંવેંત ચૂંટણીપ્રચાર શરૂ કરી દીધો છે. રાજ્યપાલને મળ્યા બાદ સોરેને ટ્વીટ કર્યું, ‘મહામહિમ રાજ્યપાલનો આભાર. વિપક્ષો દ્વારા ઘડવામાં આવેલા લોકશાહીવિરોધી કાવતરાનો અંત આવવાનો શરૂ થઈ ગયો છે. સત્યમેવ જયતે.’

સોરેનનું મિશન વિધાનસભાની ચૂંટણી જીતવાનું છે. તેઓ શરૂઆતથી જ કેન્દ્રીય એજન્સીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવતા આવ્યા છે અને તેમની સામેની કાર્યવાહીને રાજનીતિથી પ્રેરિત ગણાવી છે. તેમને જામીન પર છોડવાનો કોર્ટનો નિર્ણય તેમને કેન્દ્રની BJP સરકારને નિશાન બનાવવાની તક પૂરી પાડશે.

ઝારખંડમાં BJPએ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ ૧૧ બેઠકો જીતી હતી, પરંતુ ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં JMM સામે હારી ગઈ હતી. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં BJPએ આઠ બેઠકો જીતી હતી, જ્યારે JMMની સંખ્યા ૨૦૧૯માં એકથી વધીને ૨૦૨૪માં ત્રણ બેઠકો થઈ હતી.

તાજેતરની લોકસભાની ચૂંટણીનાં પરિણામો દર્શાવે છે કે હેમંત સોરેનની ધરપકડને કારણે આદિવાસી મત કદાચ JMM તરફ વળ્યા હશે. BJP રાજ્યમાં પાંચ ST અનામત બેઠકોમાંથી એક પણ જીતી શકી નહોતી. વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં ૮૧ બેઠકોમાંથી ૨૮ બેઠકો આદિવાસીઓ માટે અનામત છે ત્યાં ST મત નિર્ણાયક રહેશે.

હરિયાણામાં કૉન્ગ્રેસ ઉત્સાહી

દરમ્યાન, હરિયાણામાં રાજકીય ઘટનાક્રમ અને લોકસભાની ચૂંટણીનાં પરિણામોને પગલે રાજ્ય કૉન્ગ્રેસમાં ઉત્સાહ વધી ગયો છે. લોકસભાની ચૂંટણીમાં BJP અને કૉન્ગ્રેસને પાંચ-પાંચ બેઠકો મળી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં BJPનો વોટ-શૅર ૫૮ ટકાથી ઘટીને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ૪૬ ટકા થયો હતો. આ વચ્ચે લોકસભાની ચૂંટણી ૨૦૨૪માં કૉન્ગ્રેસનો વોટ-શૅર ૨૮.૫ ટકાથી વધીને ૪૩.૬૭ ટકા થયો છે.

કૉન્ગ્રેસ અને INDIAની સહયોગી આમ આદમી પાર્ટી (AAP)નો વોટ-શૅર ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં BJP કરતાં લગભગ એક ટકા વધારે હતો. તાજેતરમાં પૂરી થયેલી લોકસભાની ચૂંટણીમાં મતદાનની પૅટર્ન અનુસાર ગઠબંધન ૪૬ વિધાનસભા બેઠકો પર આગળ છે, જ્યારે BJP ૪૪ બેઠકો પર આગળ છે.

તાજેતરમાં જ ત્રણ અપક્ષ વિધાનસભ્યોએ હરિયાણામાં સત્તાધારી BJPમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે એટલે રાજ્ય સરકાર સંકટમાં છે.

વિધાનસભા ક્ષેત્રના સ્તરે મતદાનના આંકડા દર્શાવે છે કે જો આજે હરિયાણાની ચૂંટણી યોજાય તો BJP અને કૉન્ગ્રેસનાં પલડાં એકસરખાં રહે એમ છે, પરંતુ INDIAનો હાથ પર રહે એમ છે.

હરિયાણા એ મુઠ્ઠીભર રાજ્યોમાં સામેલ છે જ્યાં ચૂંટણીપ્રચાર દરમ્યાન કૉન્ગ્રેસ અને AAP બેઠકની વહેંચણીમાં સફળ રહ્યાં હતાં. જો આ ગઠબંધન ચાલુ રહે અને લોકસભાના નંબર્સની પૅટર્ન પણ જળવાઈ રહે તો આ વર્ષના અંતમાં તેમની હરિયાણામાં સરકાર બનાવવાની મજબૂત તક ઊભી થશે. એમ છતાં લોકસભાની ચૂંટણીમાં AAPનો દિલ્હીમાં સફાયો થયો છે એ જોતાં કૉન્ગ્રેસ હરિયાણામાં એકલા હાથે વિધાનસભા લડે એવી પૂરી સંભાવના છે.

કૉન્ગ્રેસે ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગયા રવિવારે એક મહિના માટે પાર્ટીએ પૂરા રાજ્યમાં કાર્યકરોની પરિષદ શરૂ કરી છે. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્રસિંહ હૂડાએ કર્નાલમાં ચૂંટણીપ્રચારની શરૂઆત કરતાં લોકસભાનાં પરિણામોના સંદર્ભમાં કાર્યકરોને કહ્યું હતું કે ‘આ તો માત્ર શરૂઆત છે. સાચો સંઘર્ષ હજી બાકી છે. આપણે ન તો રોકાવું જોઈએ, ન તો નમવું જોઈએ. જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે આગળ વધતા રહેવાનું છે.’

BJP માટે પણ આ ચૂંટણીઓ મહત્ત્વની છે. એની સરકારે આત્મવિશ્વાસ સાથે ત્રીજો કાર્યકાળ શરૂ કર્યો છે. BJPએ અગાઉના પ્રધાનમંડળને જ કોઈ ધરખમ ફેરફાર વગર ચાલુ રાખ્યું છે જે દર્શાવે છે કે એ લોકસભાનાં પરિણામોને સકારાત્મક દૃષ્ટિએ લે છે, પણ વડા પ્રધાન મોદી એટલા પણ ભોળા નથી કે INDIAના દેખાવને નજરઅંદાજ કરે. રાજ્યોની ચૂંટણીમાં તેઓ પણ એટલા જ જુસ્સાથી ઊતરવાના છે જેટલા જુસ્સાથી તે લોકસભા લડ્યા હતા. BJPનું નામ ‘ઇલેક્શન મશીન’ અમસ્તું જ નથી પડ્યું.

લાસ્ટ લાઇન

બુલંદી દેર તક કિસ શખ્સ કે હિસ્સે મેં રહતી હૈ
બહુત ઉંચી ઇમારત હર ઘડી ખતરે મેં રહતી હૈ
- મુનવ્વર રાણા

(લેખક સિનિયર પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે)

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 01:35 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK