ગાઝા પટ્ટી અને વેસ્ટ બૅન્ક પર શાસન કરતા હમાસનું લક્ષ્ય અખંડ પૅલેસ્ટીનનું છે અને એ ઇચ્છે છે કે ઇઝરાયલ સહિતના પૂરા ક્ષેત્રમાં ઇસ્લામિક પૅલેસ્ટીનિયન રાજ્ય હોય. એટલા માટે એ ઉત્તરોત્તર ઇઝરાયલ-પૅલેસ્ટીનના વિવાદમાં ઊંડું ઊતરતું રહ્યું છે
ક્રોસલાઈન
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ-પૅલેસ્ટીન વચ્ચેની લડાઈ ઠંડી પડી નથી. ઇઝરાયલનું ગાઝા પટ્ટી અને વેસ્ટ બૅન્ક પર આક્રમણ ચાલુ છે. ત્યાંથી જાનમાલના નુકસાનના દુખદ સમાચાર સતત આવી રહ્યા છે. ઇઝરાયલે સત્તાવાર રીતે યુદ્ધ ઘોષિત કર્યું છે અને કહ્યું છે કે જ્યાં સુધી હમાસના આતંકવાદી માળખાને નષ્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી આક્રમણ ચાલુ રહેશે.
બે પ્રશ્ન સતત પુછાતા રહે છે કે ‘સાતમી ઑક્ટોબરે હમાસે ઇઝરાયલ પર અચાનક હુમલો કેમ કર્યો? એના જવાબમાં ઇઝરાયલે કચકચાવીને યુદ્ધ જાહેર કર્યું? અને બે, હમાસ જો આટલી બારીક વ્યૂહરચના અને તૈયારી સાથે હુમલો કરી શકતું હોય તો એને ઇઝરાયલી પ્રતિક્રિયાનો અંદાજ નહીં હોય? સરળ જવાબ એ છે કે હમાસને ઇઝરાયલ પૅલેસ્ટીન પર ગાજ વરસાવે એમાં રસ હતો અને એટલે જ એણે સાતમી ઑક્ટોબરે આતંક ફેલાવ્યો હતો.
આતંકવાદી ઘટનાઓ, ખાસ કરીને મધ્ય-પૂર્વના દેશોમાં ચાર-પાંચ લોકોનું વગરવિચાર્યું ગાંડપણ નથી હોતું. એની પાછળ લાંબા ગાળાની અમુક રાજકીય ગણતરીઓ હોય છે. એમાં નિર્દોષ લોકો મરી જાય એને કો-લેટરલ ડૅમેજ કહે છે. એ મુખ્ય ઉદ્દેશ નથી હોતો, એ આડઅસર હોય છે. મુખ્ય ઉદ્દેશ બીજી તાકાતને અમુક રીતે પ્રતિક્રિયા આપવાની ફરજ પાડવાનો હોય છે, જેવું યુદ્ધમાં થાય છે.
અત્યારે જર્મનીમાં ભળી ગયેલા ૧૯મી સદીના પ્રશિયા રાજ્યના મિલિટરી જનરલ કાર્લ વૉન ક્લાઉસવિત્ઝનું એક અતિપ્રસિદ્ધ વિધાન છે, ‘વૉર ઇઝ ધ કન્ટિન્યુએશન ઑફ પૉલિટિક્સ બાય અધર મીન્સ - યુદ્ધ પણ રાજનીતિ જ છે. રાજનીતિ એટલે સત્તા મેળવવાની અથવા નિયંત્રણ સ્થાપિત કરવાની વ્યૂહરચના. બે દેશો સત્તા કે નિયંત્રણ સંબંધી પ્રશ્નોને વાટાઘાટો મારફત ઉકેલે છે, પણ જ્યારે એમાં સફળતા ન મળે અને એક દેશ મનસ્વી રીતે વર્તે ત્યારે ઘણી વાર યુદ્ધથી વિવાદનો હલ લાવવામાં આવે છે. એ અર્થમાં યુદ્ધ રાજનૈતિક સંવાદનો જ વિસ્તાર છે, પણ બળપ્રયોગ કરીને, એવો કાર્લ વૉનનો તર્ક હતો.
પ્રશિયન મિલિટરી જનરલના આ વિધાનને ટાંકીને ઇઝરાયલના લેખક અને ઇતિહાસના પ્રોફેસર યુવલ નોઆ હરારી, ઇઝરાયલ અને પૅલેસ્ટીન વચ્ચેની તાજી લડાઈના સંદર્ભમાં એક અણિયાળો સવાલ પૂછે છે, ‘ઇઝરાયલ પર આશ્ચર્યજનક રીતે હુમલો કરીને પૅલેસ્ટીન ક્ષેત્રમાં આવેલી ગાઝા પટ્ટી પર શાસન કરતા મિલિટરી સંગઠન હમાસે યુદ્ધ જીતી લીધું છે?
લંડનના ‘ધ ગાર્ડિયન’ સમાચારપત્રના એક લેખમાં હરારી કહે છે કે યુદ્ધ જો રાજનીતિનો જ વિસ્તાર હોય તો હમાસે એનું રાજકીય લક્ષ્ય હાંસલ કરી લીધું છે. શું લક્ષ્ય હતું? જવાબ : શાંતિમાં બાધા નાખવી. ગુજરાતી ભાષામાં એને ‘હવનમાં હાડકાં નાખવાં’ કહે છે. હમાસે ઇઝરાયલ પર નિર્દયી રીતે આતંકવાદી હુમલો કરીને મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન કર્યું, એટલું જ નહીં, ઇઝરાયલને વળતો જવાબ આપવા માટે પણ મજબૂર કરી દીધું, જેથી પૅલેસ્ટીનના લોકોના જાનમાલની તબાહી મચી.
તે લખે છે, ‘જેમ-જેમ લાશના ઢગલા થતા જશે એમ આ યુદ્ધ કોની તરફ જશે? જે લોકો વધુમાં વધુ હત્યા કરે છે એના પક્ષે નહીં, જે લોકો વધુ ને વધુ ઘરો તબાહ કરે છે એના પક્ષે નહીં કે પછી જેને વધુ ને વધુ આંતરરાષ્ટ્રીય સમર્થન મળે છે એ પક્ષે પણ નહીં - યુદ્ધ એ જીત્યું કહેવાશે જેનો રાજકીય હેતુ બર આવ્યો હોય.’
વર્તમાન કિસ્સામાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને બાહરિન સાથે બુચ્ચા કર્યા પછી, ઇઝરાયલ સાઉદી અરેબિયા સાથે ઐતિહાસિક શાંતિકરાર પર હસ્તાક્ષર કરવાની અણી પર હતું. એ કામ થયું હોત તો એ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની સૌથી મોટી સિદ્ધિ સાબિત થયું હોત. નેતન્યાહુ ઘણા સમયથી ઘરઆંગણે વિવિધ મોરચે વિરોધનો સામનો કરી રહ્યા હતા અને સાઉદી સાથે શાંતિની પહેલ શરૂ કરીને વિરોધીઓથી રાહત મેળવી શક્યા હોત.
સંબંધોને સામાન્ય બનાવીને તેમને સાઉદી સાથે વેપારક્ષેત્રે મોટો લાભ થયો હોત, એટલું જ નહીં, શાંતિકરારને પગલે મોટા ભાગના આરબ જગતમાં ઇઝરાયલ માટે લાલ જાજમ બિછાવવાની તૈયારી શરૂ થઈ હોત. એ શાંતિકરારમાં સાઉદી અરેબિયા અને ઇઝરાયલના સૌથી મોટા સમર્થક અમેરિકાના આગ્રહથી એવી પણ જોગવાઈઓ કરવામાં આવી હતી કે પૅલેસ્ટીનના કબજા હેઠળના લાખો લોકોની યાતનાઓને ઓછી કરવા માટે તેમને નોંધપાત્ર છૂટછાટ આપવામાં આવે તેમ જ ઇઝરાયલ-પૅલેસ્ટીન વચ્ચે શાંતિ સ્થાપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે.
પૅલેસ્ટીનના મુસ્લિમ લોકોની યાતના, અન્ય આરબ દેશોની જેમ, સાઉદી અરેબિયામાં પણ એક સંવેદનશીલ બાબત છે અને નેતાન્યાહુ તેમની પીડા ઓછી કરવાની અને પૅલેસ્ટીન સાથે શાંતિ સ્થાપવાની દિશામાં નોંધપાત્ર કામ કરવાની ખાતરી આપતા હોય તો સાઉદી સરકાર પણ પોતાની જનતાને વિશ્વાસમાં લઈ શકે કે આપણે જે કરી રહ્યા છીએ એ પૅલેસ્ટીનના લોકોની ભલાઈ માટે છે.
હરારી લખે છે, ‘શાંતિ અને સામાન્યકરણની આ સંભાવના હમાસ માટે જીવલેણ ખતરો હતી. ૧૯૮૭માં એની સ્થાપના થઈ ત્યારથી આ કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠને ક્યારેય ઇઝરાયલના અસ્તિત્વને માન્યતા આપી નથી અને પોતાની જાતને કટ્ટર સશસ્ત્ર સંઘર્ષ માટે તૈયાર કરી હતી. ૧૯૯૦ના દાયકામાં હમાસે ઓસ્લો શાંતિ પ્રક્રિયા અને એ પછીના તમામ શાંતિ-પ્રયત્નોને વિક્ષેપિત કરવા માટે એની બધી જ તાકાત ખર્ચી છે.’
વાસ્તવમાં ગાઝા પટ્ટી અને વેસ્ટ બૅન્ક પર શાસન કરતા હમાસનું લક્ષ્ય અખંડ પૅલેસ્ટીનનું છે અને એ ઇચ્છે છે કે ઇઝરાયલ સહિતના પૂરા ક્ષેત્રમાં ઇસ્લામિક પૅલેસ્ટીનિયન રાજ્ય હોય. એટલા માટે એ ઉત્તરોત્તર ઇઝરાયલ-પૅલેસ્ટીનના વિવાદમાં ઊંડું ઊતરતું રહ્યું છે અને વાટાઘાટોમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરતું રહ્યું છે.
છેલ્લા એક દાયકાથી નેતન્યાહુની સરકારે પૅલેસ્ટીન સાથે કળથી કામ કરવાના પ્રયાસ પડતા મૂકીને બળની ભાષા શરૂ કરી હતી. એ સમય દરમ્યાન હમાસ પણ ચૂપચાપ બેઠું રહ્યું હતું, પરંતુ નેતન્યાહુ આરબ જગત સાથે બુચ્ચા કરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની અણી પર હતા ત્યારે જ ૭ ઑક્ટોબરે ઇઝરાયલ પર ઘાતક હુમલો કરીને હમાસે શાંતિપ્રક્રિયાના ફુરચેફુરચા ઉડાડી દીધા.
હમાસનું તાત્કાલિક લક્ષ્ય ઇઝરાયલ-સાઉદી શાંતિપ્રક્રિયાને ખોરંભે પાડવાની હતી અને લાંબા ગાળા માટે એ ઇઝરાયલમાં અને મુસ્લિમ જગતમાં યહૂદીઓ માટે નફરતનાં બી વાવવા ઇચ્છતું હતું. હમાસ ઇચ્છતું હતું કે ઇઝરાયલ વળતા જવાબમાં પૅલેસ્ટીનમાં તબાહી મચાવે અને એટલે જ એણે લાગ જોઈને ૭ ઑક્ટોબરે જબરદસ્ત રીતે સંકલિત રીતે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો.
એવું જ થયું. જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલે હમાસના કબજા હેઠળના ગાઝા પટ્ટી વિસ્તારમાં ભારે આક્રમણ કર્યું અને એ લડાઈ હજી પણ ચાલુ છે. એનો અર્થ એ થયો કે હમાસ જે ઇચ્છતું હતું એવું જ થયું. હમાસને જાનમાલના નુકસાન અને પીડાની ચિંતા નહીં થતી હોય?
હરારી કહે છે, ‘વ્યક્તિગત રીતે હમાસના કાર્યકરો ચોક્કસપણે જુદી-જુદી લાગણીઓ અને વલણ ધરાવે છે, પરંતુ સંગઠનનો વૈશ્વિક દૃષ્ટિકોણ વ્યક્તિગત પીડાને માનતો નથી. હમાસના રાજકીય ઉદ્દેશો એની ધાર્મિક કટ્ટરતા દ્વારા નિર્ધારિત થાય છે.’
હમાસનો ઉદ્દેશ જો ઇઝરાયલ-સાઉદી શાંતિપ્રક્રિયાને ખોરંભે પાડવાનો હતો તો એ એમાં સફળ સાબિત થઈ રહ્યું છે. ઇઝરાયલ હમાસની જાળમાં ફસાઈ ગયું છે. પૅલેસ્ટીન પર હુમલો કરીને નિર્દોષ લોકોનો ભોગ લઈને ઇઝરાયલ હમાસનું જ કામ કરી રહ્યું છે.
પૅલેસ્ટીન પર હુમલા કરવાથી શું થશે? એમાં હમાસ ખતમ થઈ જશે? હમાસ જો ખતમ ન થાય અને નિર્દોષ લોકો આ યુદ્ધમાં સ્વાહા થતા રહે તો પછી શાંતિ સ્થપાવાના ઇઝરાયલના તમામ ભાવિ પ્રયાસો ખોરંભે પડતા રહેવાના અને એ જ તો હમાસ ઇચ્છે છે.
ઇઝરાયલ જ્યાં સુધી આરબ જગત સાથે શાંતિપૂર્ણ સંબંધ નહીં સ્થાપે અને પૅલેસ્ટીનના લોકોને ન્યાય અને સુખની જિંદગી પ્રદાન નહીં કરે ત્યાં સુધી આ લડાઈ ચાલતી રહેશે. હમાસ નહીં હોય તો બીજું કોઈ સંગઠન આવશે. યાસર અરાફતનું પૅલેસ્ટીન લિબરેશન ઑર્ગેનાઇઝેશન હતું ત્યારે હમાસ ક્યાં હતું? પીએલઓને નબળું પાડવા માટે ઇઝરાયલે ત્યારે હમાસને તગડું કર્યું હતું. આજે એ જ હમાસ દૈત્ય બની ગયું છે.
હિંસાની પ્રત્યેક ઘટના તમને એક પગલું પાછળ અતીતમાં લઈ જાય છે અને એટલે જ લડાઈ કરનારાઓમાં અતીતનો બદલો લેવાની ભાવના પ્રબળ હોય છે. એવાં યુદ્ધ નિરર્થક અને લક્ષ્યવિહીન હોય છે. અતીતનું રક્ષણ ક્યારેય થઈ શકતું નથી, માત્ર ભવિષ્યનું સર્જન થઈ શકે છે. હમાસનું રાજકીય લક્ષ્ય સ્પષ્ટ છે ઃ શાંતિપ્રક્રિયાને ખોરંભે પાડવી. ઇઝરાયલનું રાજકીય લક્ષ્ય શું હોવું જોઈએ? ગમે તેમ કરીને શાંતિપ્રક્રિયા ચાલુ રહે એ માટેના પ્રયાસ, એ ‘ગમે તેમ કરીને’માં ઘણું બધું આવી ગયું.