Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > ધતિંગ સ્વાહા પાખંડ સ્વાહા

ધતિંગ સ્વાહા પાખંડ સ્વાહા

21 July, 2024 11:05 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ગુરુપૂર્ણિમા નિમિત્તે સંકલ્પ કરજો કે આવા એક પણ બાબાના રવાડે ચડી ન જવાય

પથ્થરથી એક્સ-રે કરતા બાબા

પથ્થરથી એક્સ-રે કરતા બાબા


ટેક્નૉલૉજીના નવા આયામો ખૂલતા જાય છે ત્યારે આપણે ત્યાં આજે પણ દેશમાં એવા બાબાઓ છે જેઓ અતરંગી નુસખાઓ સાથે લોકોને ભરપૂર ભરમાવી રહ્યા છે. તેમના દરબારમાં કીડિયારું ઊભરાતું હોય એમ ભાવિકો આવે છે અને ટ્રીટમેન્ટના નામે ચાલતી વિચિત્ર પ્રક્રિયાઓમાં ભાગ પણ લે છે. ચમત્કારના નામે ભોળા ભક્તોના ભરોસાને કચડીને ભારોભાર છેતરપિંડી કરનારા આ બાવાઓ વિશે જાણી લો.


પથ્થરથી એક્સ-રે : નાશિકના આ બાબાજી પાસે પવિત્ર પથ્થર છે જેને માથા પર મૂકો અને બીમારીનું નિદાન કરો



નાશિકના યંબકેશ્વરના આ પથ્થરવાળા બાબાનો દાવો છે કે તેની પાસે એવો દિવ્ય પથ્થર છે જે એક્સ-રે અને મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) જેવું કામ આપે છે. બાબા આ દિવ્ય પથ્થરથી લાખો લોકોની સારવાર કરી હોવાનો દાવો પણ કરે છે. બાબા પોતાનો પથ્થર પેશન્ટના મસ્તક પર મૂકે છે અને એ પછી પોતે તો વિનાસંકોચ આજુબાજુમાં બેઠેલા બીજા ભક્તો સાથે વાતોએ વળગી જાય. થોડી વાર પછી બાબા માથા પરથી પથ્થર હટાવી લે અને નિદાન કરી દે. મજાની વાત એ છે કે બાબા જે બીમારી કહે એ બીમારીનો સ્વીકાર પણ પેશન્ટ કરે છે.


બાબા પાસે મહારાષ્ટ્રભરમાંથી તો પેશન્ટ આવે જ છે, પણ સાથોસાથ મધ્ય પ્રદેશ, દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશથી પણ પેશન્ટ જઈને દિવ્ય પથ્થરના સ્પર્શ સાથે પોતાની બીમારીની જાણકારી મેળવે છે. કૅન્સર અને હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ (HIV) જેવી જીવલેણ બીમારી ધરાવતા પેશન્ટ પણ બાબા પાસે આવે છે તો બાબા પાસે માઇગ્રેન, ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી લાઇફસ્ટાઇલ બીમારી ધરાવતા પેશન્ટ પણ આવે છે.

દિવ્ય પથ્થરથી નિદાન કર્યા પછી આ પથ્થરબાબા એટલે કે દેવબપ્પા મહારાજ પોતાના જ આશ્રમમાં તૈયાર થયેલી જડીબુટ્ટીઓ સારવાર અર્થે આપે છે. બાબાનો દાવો છે કે તેમણે તૈયાર કરેલી જડીબુટ્ટી જંગલમાંથી શોધવામાં આવે છે અને એ પછી એને તેમની પાસે રહેલા પથ્થરથી સિદ્ધ કરવામાં આવે છે. તેમની પાસે આ દિવ્ય પથ્થર કેવી રીતે આવ્યો એ વિશે બાબા જીભે ચડે એ જવાબ આપી દે છે. એક ઇન્ટરવ્યુમાં બાબાએ એવું કહ્યું હતું કે તેમના પર પ્રસન્ન થઈને આ પથ્થર હનુમાનજીએ તેમને આપ્યો છે, તો ટીવી ચૅનલના એક ઇન્ટરવ્યુમાં બાબાએ કહ્યું હતું કે તેમની સાધનાથી ખુશ થઈને તેમના ગુરુએ સિદ્ધ થયેલો આ પથ્થર ભેટ આપ્યો હતો, જેને તે ગુરુની પાદુકાના સ્વરૂપમાં જુએ છે.


સિદ્ધ થયેલા આ પથ્થરનો લાભ માત્ર સામાન્ય લોકો જ લે છે એવું નથી. બાબાના દાવા મુજબ તેમની પાસે ઍક્ટરથી લઈ સ્પોર્ટ‍્સમૅન, રાજકારણી જેવી સેલિબ્રિટીએ પણ સારવાર લીધી છે તો અમુક ડૉક્ટર પણ તેમને ત્યાં પેશન્ટ મોકલે છે.

અગત્યની વાત એ છે કે બાબા દિવ્ય પથ્થરની સેવા નિઃશુલ્ક આપે છે, પણ આશ્રમમાંથી મળતી જડીબુટ્ટીનો તે ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા જેટલો ચાર્જ લે છે અને હૉસ્પિટલની સારવારમાં ખર્ચાતા હજારો ને લાખો રૂપિયા બચાવવા લોકો બાબા પાસે ટ્રીટમેન્ટ માટે આવે છે.

આ તો કંબલની કમાલ : કાંબળી ઓઢાડીને બાબા દરદીઓની પંસદગી કરે અને એવાં કરતબ દેખાડે કે હાડવૈદો  પણ પાણી ભરે

રાજસ્થાનના ઉદયપુરથી ૬૩ કિલોમીટર દૂર આવેલા રાજસમંદના કંબલવાલે બાબા તરીકે પૉપ્યુલર થયેલા આ બાબાનું સંસારી નામ છે ગણેશ ગુર્જર. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ગણેશ ગુર્જરના માથા પર કાળા રંગનો સાફો હોય અને ખભા પર કાળા કલરની કાંબળી (એટલે કે શાલ) હોય. આ કાળી કાંબળીથી બાબા જન્મજાત લકવા અને પૅરૅલિસિસના પેશન્ટની સારવાર કરે છે, જે ઘડીના છઠ્ઠા ભાગમાં ઊભા થઈને ચાલવા પણ માંડે છે. ગણેશ ગુર્જરનો દાવો છે કે તેની પાસે જે કાંબળી છે એ કાંબળી દૈવી શક્તિ ધરાવે છે. એક રાતે તે ઘેટાં-બકરાં ચરાવીને જ્યારે પાછા આવતા હતા ત્યારે એક ઝાડ પર તેને આ કાંબળી લટકતી જોવા મળી. તેમણે એ કાંબળી હાથમાં લીધી કે તરત દેવીમા પ્રસન્ન થયાં અને માતાજીએ કહ્યું કે તું આ કાંબળીથી શારીરિક પીડા ધરાવતા લોકોની સારવાર કરી શકીશ, તારે કોની સેવા કરવી છે?

ગણેશ ગુર્જરે માતાજી પાસે માગ્યું કે એવા લોકોની સેવા કરવી છે જે પોતાના હાથે ખાઈ નથી શકતા અને જમીન પર પગ માંડી નથી શકતા. માતાજીએ આશીર્વાદ આપ્યા અને બસ, ગણેશ ગુર્જરનું જીવન બદલાઈ ગયું.

માતાજીની કાળી કાંબળી સાથે તેણે લકવાગ્રસ્તની સેવા શરૂ કરી અને એ સેવાની વાતોએ તો એવો વેગ પકડ્યો કે હવે તો તેમની શિબિરમાં અમેરિકા અને ઑસ્ટ્રેલિયાથી લોકો આવવા માંડ્યા છે. કંબલવાલે બાબાએ માત્ર રાજસમંદમાં જ નહીં, રાજસ્થાનભરમાં અને હવે તો બીજાં રાજ્યોમાં પણ પોતાની શિબિર શરૂ કરી દીધી છે. શિબિરની શરૂઆતમાં બાબા સામાન્ય દરદીઓને જુએ છે અને એ પછી તે માતાજી સામે પોતાની કાંબળી ખોલીને આરાધના કરે. આરાધના પૂરી થયા પછી બાબા કાંબળી લઈને શિબિરમાં આવેલા લોકો વચ્ચે ફરે અને પોતાને મન થાય તેને એ કાંબળી ઓઢાડી, તેની નજીક જાય અને પછી તેના હાથ-પગના સાંધાને ખેંચે, એવું દબાણ આપે કે પેલાનાં ટચાકિયાં ફૂટી જાય અને એ પછી બાબા તેને એમ જ ઊભો રાખે. પેલો લકવાગ્રસ્ત ઊભો પણ રહે અને થોડી ક્ષણો પછી બાબાની સામે નાચવા પણ માંડે!

એવું નથી કે બાબા માત્ર લકવાગ્રસ્તની જ સારવાર કરે છે. બાબા અન્ય બીમારીની સારવાર કરે છે, પણ લકવામાં બાબાની એક્સપર્ટાઇઝ આવી ગઈ હોય એમ એ તકલીફ ભોગવતા લોકોની તેમની પાસે લાંબી લાઇન લાગે છે. બાબાની શિબિર પંદર દિવસની હોય છે, જેમાં અમુક પેશન્ટ્સે ફરીથી આવવાનું પણ રહે છે.

વાઇબ્રેશન બાબા :  યસ, આ બાબા ડિટ્ટો ફોનની જેમ વાઇબ્રેટ થાય, પ્લસ ગરમાગરમ તેલથી માલિશ કરે અને એવું તો ઘણું બધું

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં રહેતા ભરત માળીને લોકો વાઇબ્રેશન બાબા કહે છે. આ જે વાઇબ્રેશન બાબા છે તેનો દાવો છે કે મા અંબા તેને હાજરાહજૂર છે. મા તેના શરીરમાં આવે ત્યારે તે ભલભલા લોકોની તકલીફ દૂર કરી શકે છે. વાઇબ્રેશન બાબાની આ વાત એવી તે ફેલાઈ કે દૂર-દૂરથી આદિવાસીઓ તેના આશીર્વાદ લેવા આવવા માંડ્યા. મંગળ અને શનિવારે થતી વાઇબ્રેશન બાબાની શિબિરનો આરંભ શરીરનું એકેક રૂંવાડું ઊભું કરી દેનારું હોય છે.

બાબા આવીને સ્ટેજ પર બેસે, એ પછી તેની સામે તેલની મોટી કડાઈ ભરવામાં આવે અને એ તેલને ઉકાળવામાં આવે. એ સમય દરમ્યાન બાબા છે એ માતાજીની આરાધના કરતા હોય. તેલ ઊકળી જાય એટલે બાબા સ્ટેજ પરથી ઊતરી, પેલા ઊકળતા તેલમાં હાથ નાખીને એવી રીતે મોઢું ધુએ જાણે સામે ઠંડા પાણીની બાલદી ભરી હોય! છૂટા હાથે ગરમાગરમ તેલથી મોઢું ધોતી વખતે બાબાના મોઢામાંથી ઊંહકારો પણ નથી નીકળતો. મોઢું ધોયા પછી બાબા ફરી સ્ટેજ પર આવે અને ગણતરીની મિનિટોમાં બાબા એવા વાઇબ્રેટ થવા માંડે જાણે તેના શરીરમાં કોઈએ વાઇબ્રેશન મોડ ઑન કરી દીધો હોય. બાબાનો દાવો છે કે તેને ગીઝરનો શૉક લાગ્યો ત્યારે પોતે ગુજરી ગયા હતા, પણ તેમને પાછા લઈ જવાને બદલે માતાજીએ કહ્યું કે તે લોકોની સેવા કરે અને લોકોનાં દુઃખ-દર્દ દૂર કરે. બસ, તેની આંખો ફરી ખૂલી ગઈ અને દુનિયાની મદદે આ વાઇબ્રેશન બાબા આવી ગયા.

વાઇબ્રેશન બાબાનું કામ MBBS ડૉક્ટર જેવું છે, બાબા તમામ સામાન્ય બીમારીની સારવાર કરે છે. 

એક ફૂંક અને બધું સફાચટ :  યસ, આ બાબાની  ફૂંકમાં એટલો પાવર છે કે ઇલાજ કરવા માટે બીજું કંઈ કરવાની જરૂર જ નથી

દિલ્હીના બવાના વિસ્તારમાં આવેલા અને બવાનાધામ તરીકે જાણીતા થયેલા આ ધામમાં જે બાબા છે તેનું નામ કપિલબાબા છે, પણ ભક્તો તેમને MBBS બાબા કહે છે. આ જે MBBS બાબા છે એ ફૂંક મારીને સારવાર કરે છે અને સારવાર પણ કેવી બીમારીની તો કહે, કૅન્સરથી લઈને હાર્ટ પ્રૉબ્લેમ, બ્રેઇન ટ્યુમર, થાઇરૉઇડ, હર્નિયા જેવી આકરી અને અઘરી બીમારી. કપિલબાબાનું કહેવું છે કે પોતે તો આ કાર્યમાં નિમિત્ત માત્ર છે, બાકી તો જે કાર્ય થાય છે એ કાર્ય તેમના ગુરુ શ્યામબાબા જ કરે છે.

બવાનામાં તેમનો રોજ કૅમ્પ લાગે છે અને રોજ તે અંદાજે પાંચથી સાત હજાર લોકોની સારવાર કરવાનો દાવો કરે છે. કપિલબાબા યંગ છે, મૉડર્ન છે અને મજાની વાત એ છે કે તે પોતે મેડિકલના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. સાઉથ અમેરિકાની મેડિકલ કૉલેજમાં દોઢ વર્ષ સ્ટડી કરનારા કપિલબાબાએ મેડિકલ એજ્યુકેશન કેમ છોડ્યું એ જાણવા જેવું છે. અમેરિકા ભણતા બાબા પર્સનલ કારણસર ઇન્ડિયા આવ્યા અને તેમની ગાડીનો ઍક્સિડન્ટ થયો, જેમાં તેમનાં મમ્મી ગુજરી ગયાં. બાબા અપસેટ અને તેમણે અમેરિકા પાછા જવાનું માંડી વાળ્યું. ડિપ્રેશનના ફેઝમાં આખો દિવસ ઘરમાં પડ્યા રહેતા કપિલબાબાને ત્યાં એક વાર રાતે શ્યામબાબા આવ્યા અને શ્યામબાબાએ આવીને આદેશ આપ્યો કે તું લોકોની સેવા શરૂ કર. કપિલબાબા કહે છે કે એ સમયે તો તેમને ખબર પણ નહોતી કે સેવા કેમ કરવી, પણ બન્યું એવું કે પાડોશમાં રહેતા અને હાઈ શુગરને કારણે કોમામાં ચાલ્યા ગયેલા એક છોકરાને તેમણે એમ જ સ્પર્શ કર્યો અને પેલો છોકરો કોમામાંથી બહાર આવીને હરવા-ફરવા માંડ્યો! બસ, બાબાને દિશા મળી ગઈ અને બાબાએ સેવાનો માર્ગ પકડી લીધો.

MBBS બાબાને સમયાંતરે ખબર પડી કે પોતે ફૂંક મારીને બીમારીને શરીરમાંથી દૂર કરી શકે છે એટલે બાબાએ આશીર્વાદ અને સ્પર્શ આપવાની સાથોસાથ ફૂંક મારવાનું પણ શરૂ કર્યું.
આજે એવી પરિસ્થિતિ છે કે દિલ્હીની જાણીતી હૉસ્પિટલના રિટાયર મેડિકલ ઑફિસર અને ડૉક્ટર સુધ્ધાં તેમની અસાધ્ય બીમારીનો ઇલાજ કરાવવા બાબાના દરબારમાં આવે છે. બાબા તો એવો દાવો પણ કરે છે કે જો સરકાર તેને સુવિધા પૂરી પાડે તો એ દેશઆખાની બીમારી દૂર કરવા પણ સક્ષમ છે.

આવો પ્રખર દાવો કરનારા આ જ બાબાને એક ટીવી-શોમાં બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ MBBSનું ફુલફૉર્મ બોલી નહોતા શક્યા અને એ પછી તેમણે આખી વાતને એવી રીતે ફેરવવાની કોશિશ કરી કે એ પિરિયડ મને તમે યાદ ન કરાવો, કારણ કે મને મારી માની યાદ આવે છે.

અત્યાર સુધી આઠેક લાખ લોકોની ટ્રીટમેન્ટ કરી ચૂક્યા હોવાનો દાવો કરતા MBBS બાબાએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોતાની શિબિર રાખવાની તૈયારીઓ કરી હતી. જોકે ધીમા પણ મક્કમ અવાજનો વિરોધ શરૂ થતાં તેમણે એ શિબિર કૅન્સલ કરાવી દીધી અને પેશન્ટ્સને એવું કહી દીધું કે શ્યામબાબાના ધામમાં જ એટલે કે મૂળ મંદિર છે એ દિલ્હીના બવાના વિસ્તારમાં જ તેમને ટ્રીટમેન્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. MBBS બાબા હજી માંડ ત્રીસેક વર્ષના છે, પણ વાતો ઘડવામાં તેઓ માહેર છે. બીમારી શું કામ આવી એ વાત પણ તેઓ એવી અદ્ભુત રીતે પેશન્ટને સમજાવી દે છે કે પેશન્ટ પોતે તેમની બોલી બોલવા માંડે છે.

તો લે ખા હથોડો : યસ, હરિયાણાના મનુભૈયા હથોડાે મારીને લોકોની શારીરિક પીડા દૂર કરે છે

હરિયાણાના ગુડગાંવના શનિધામના મનુભૈયાને સેંકડો લોકો હથોડાબાબા તરીકે ઓળખે છે, તો અઢળક લોકો એને ફૂંકવાલે બાબા તરીકે પણ જાણે છે. મનુભૈયાનો દાવો છે કે એ ફૂંક મારીને લોકોની બીમારી દૂર કરી શકે છે અને જરૂર પડે તો હથોડો મારીને પણ લોકોની શારીરિક પીડા દૂર કરે છે. મનુભૈયાની આ સારવાર-પદ્ધતિ પર લોકોને એ સ્તરે શ્રદ્ધા છે કે બાબાએ પોતાના કૅમ્પમાં ટોકન આપવાનું શરૂ કર્યું અને લોકો ટોકન માટે પણ લાંબી લાઇન લગાવીને બેસે છે અને ટોકન લીધા પછી પોતાના ઉપચાર માટે પણ. બુધ અને શનિ એમ બે જ દિવસ બાબા ટ્રીટમેન્ટ આપે છે. હથોડાબાબાની પૉપ્યુલરિટી જુઓ, તેમણે પોતાની વેબસાઇટ મનુભૈયા ડૉટકૉમ શરૂ કરી છે, જ્યાંથી પણ સારવાર માટે ટોકન આપવામાં આવે છે.

મનુભૈયાની આ ટ્રીટમેન્ટ પાખંડ છે એવું કહીને જ્યારે પણ ટીવી-ચૅનલના જર્નલિસ્ટ તેમના આશ્રમમાં ગયા છે ત્યારે બાબાએ સહજ રીતે આખી વાતને આયુર્વેદ સાથે એવી રીતે જોડવાની કોશિશ કરી છે કે જગતની દરેકેદરેક વ્યક્તિ મહામૂર્ખ હોય. બાબા એવો દાવો કરે છે કે મહર્ષિ ચરક અને આયુર્વેદાચાર્ય સુશ્રુતે એવો દાવો કર્યો છે કે દરેક પીડા શારીરિક નથી હોતી, કેટલીક પીડા પ્રેતાત્મક હોય છે અને પોતે એ પ્રેતાત્મક પીડાને દૂર કરવાનું કામ કરે છે.

બાબાશ્રી પાસે જનારા ભક્તોનો તોટો નથી. બાબાની કામગીરી જાણવા જેવી છે. ભક્ત બાબા પાસે જઈને પોતાની પીડા વર્ણવે એટલે બાબા બે સેકન્ડ માટે આંખો બંધ કરે અને પછી પોતે ઇલાજ નક્કી કરે કે પીડા વર્ણવનારાના કાનમાં તેના મોઢેથી ફૂંક મારવી કાં તેને ઉપાડીને હથોડો ઝીંકવો. બાબા એવી ચોખવટ પણ કરે છે કે તે જે ફૂંક મારે છે એ શનિ મહારાજના અલગ-અલગ મંત્ર હોય છે, જે શરીરમાં જઈને પીડા દૂર કરે છે. હથોડા માટે બાબા એવું કહે છે કે હથોડાના લોખંડવાળા બન્ને ભાગ પર તેમણે હનુમાનજીનો મંત્ર કોતરાવ્યો છે એટલે એ મંત્રની તાકાત પીડા હરવાનું કામ કરે છે અને તેના ભક્તની પીડા દૂર થાય છે.

આ બાબાએ હમણાં નવી સેવા પણ શરૂ કરી છે. હવે એ માણસમાં રહેલી નેગેટિવિટી પણ જાણી આપે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના સમયમાં અફસોસની વાત એ છે કે આજે પણ બાબાનો આ ધતિંગ-આશ્રમ ધમધોકાર ચાલે છે અને બુધ-શનિ એમ બે દિવસ બાબાનો ધતિંગ-દરબાર ભરાય છે. પોતે ફદિયું લીધા વિના ટ્રીટમેન્ટ કરે છે એવો દાવો કરતા બાબા પોતાની શિબિરમાં દાનની માગણી દર પાંચ મિનિટે કરે છે અને ગરીબ લોકોનાં ખિસ્સાં ખાલી કરાવે છે.

આંગળીની કાતરથી ઑપરેશન : તમે કલ્પના કરી શકો એની? આ બાબા હાથથી કાતર દેખાડી  ઇલાજ કરે અને તમે થયા સાજા

આંગળીની કાતર બનાવીને એનાથી કટિંગ કરતાં બાળકને તમે જોયાં હશે, પણ કોઈ બાબા એવું કરતા દેખાય અને પછી એ એવો દાવો પણ કરે કે હવે તેમણે ભક્તની કિડનીમાંથી સ્ટોન કાપી નાખ્યો છે, તો તમને કેવું લાગે?

કિડનીને હાર્ટ-અટૅક આવી જાય એવી આ વાત કપોળકલ્પિત નથી. મધ્ય પ્રદેશના ચિત્રકૂટના હનુમાનદાસજી આ જ રીતે કરે છે અને હાથની બે આંગળીની કાતર બનાવીને તે પોતાને ત્યાં આવનારા પથરીના પેશન્ટ્સની પથરી કાપે છે. હનુમાનદાસજી પોતાની હાથની પહેલી બે આંગળીઓને ગુરુના આશીર્વાદ ગણાવે છે, જેનો ઉપયોગ તે કાતર તરીકે કરે છે અને એ કાતરથી લોકોની સેવા કરે છે. આશ્રમમાં એક નાનકડી ઝૂંપડી બનાવીને રહેતા હનુમાનદાસજી પેશન્ટને પોતાનાથી ૧૦ ફુટ દૂર ઊભો રાખે અને દૂરથી તે એવી રીતે હવામાં કાતર ચલાવે જાણે પેશન્ટની કિડની તેને નરી આંખે દેખાતી હોય અને તે એમાં રહેલા સ્ટોનને કાપી રહ્યો હોય.

વાઢકાપ વિનાની આ સર્જરી પૂરી કર્યા પછી હનુમાનદાસજી ગર્વ સાથે બધાની વચ્ચે પેલા પેશન્ટને પૂછે પણ ખરા કે જોઈ લે હવે દુખાવો થાય છે કે નહીં. પેશન્ટ ના પાડે તો હનુમાનદાસજી તેની પાસે ૧૧ વખત બજરંગબલીનું નામ લેવડાવે છે. હનુમાનદાસજીનો દાવો છે કે તેમણે અસંખ્ય લોકોની પથરી પોતાની જાદુઈ કાતરથી કાપી છે તો એક વખત તેમણે ઇમર્જન્સીમાં હાર્ટને બહાર કાઢ્યા વિના, પેશન્ટના શરીર પર એક પણ કાપો પાડ્યા વિના ઓપન હાર્ટ સર્જરી પણ કરી હતી.

હનુમાનદાસજી મૂળ ઉત્તર પ્રદેશના છે અને તેમના કહેવા મુજબ તેમણે હિમાલયમાં વર્ષો સુધી સાધના અને પોતાના ગુરુની સેવા કરી છે. એ સેવાના ફળસ્વરૂપે તેમને ગુરુએ આ દિવ્ય શક્તિ આપી છે. હનુમાનદાસજીના કહેવા મુજબ શરૂઆતમાં તેમણે પેટ પર પોતાની આંગળીની કાતર ફેરવવી પડતી હતી, જેને લીધે તે મહિલાઓનું ઑપરેશન નહોતા કરી શકતા અને મહિલાઓએ હેરાન થવું પડતું. બહુ લાંબા સમય સુધી ગુરુજી પાસે આજ્ઞા માગ્યા પછી ગુરુજીએ તેમને હવામાં હાથ ફેરવીને ઑપરેશન કરવાની તાકાત આપી અને પછી હનુમાનદાસજી હવામાં હાથ ફેરવીને દુનિયાનો બેડો પાર કરવા નીકળી પડ્યા.

હનુમાનદાસજીએ છેલ્લા થોડા સમયથી રાજસ્થાનમાં પણ જઈને લોકોની સેવા કરવાનું શરૂ કર્યું છે. શિબિરની સવાર પહેલાં હનુમાનદાસજી પોતાના હાથની પહેલી બે આંગળીઓ સિંદૂરમાં રાખે છે અને સવારે હાથ ધોઈને તે પોતાની ચમત્કારરિક સર્જરી શરૂ કરે છે. ચાલુ સર્જરીએ ઘણી વાર તો તે એવું પણ કહે કે જો આ જ સર્જરી પેશન્ટે હૉસ્પિટલમાં કરાવી હોત તો અહીં સુધી પહોંચ્યા પછી તેનું મોત નિશ્ચિત હતું.

હનુમાનદાસજીના આવા શબ્દો સાંભળ્યા પછી ભક્ત કે પેશન્ટનાં સગાં રડવા માંડે તો તરત હનુમાનદાસજી કહે કે અત્યારે મારું મન વિચલિત ન કરો, સર્જરી પૂરી કરી લેવા દો!

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2024 11:05 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK