આપણે વાત કરીએ શ્રી વિલે પાર્લે કેળવણી મંડળે ગુજરાતી રંગભૂમિમાં પૂરેલા પ્રાણની, એને આપેલા ઑક્સિજનની, રંગભૂમિને આપેલા નવા શ્વસનની
પ્રતીકાત્મક તસવીર
ભાઈદાસ ઑડિટોરિયમ નવું ઘડવા માટે ગયું એ પછી ગોરેગામથી જુહુ સુધીના વિસ્તારમાં ઑડિટોરિયમની બાબતમાં રીતસર દુકાળ પડી ગયો હતો. આ વિસ્તારમાં નાટકના શોખીનો પણ મોટી સંખ્યામાં, પણ એમ છતાં એક પણ ઑડિટોરિયમ નહીં અને એ અછત એ શોખીનના જીવને પણ તડપાવતી હતી. પહેલો વિચાર આવ્યો ભાઈદાસ ઑડિટોરિયમના મૅનેજર એવા વિનય પરબને અને તેમણે જ આગેવાની લઈને શ્રી વિલે પાર્લે કેળવણી મંડળના મૅનેજમેન્ટની સાથે પ્રોડ્યુસરોની મીટિંગ કરાવી, જે મીટિંગમાં કેળવણી મંડળના મૅનેજમેન્ટે મંડળ પાસે રહેલું મુકેશ પટેલ ઑડિટોરિયમ એ રીતે રંગભૂમિ માટે ખોલી આપ્યું જેની કોઈએ કલ્પના સુધ્ધાં ન કરી હોય. અત્યંત અદ્યતન અને અલ્ટ્રા-મૉડર્ન ટેક્નિક સાથે બનાવવામાં આવેલું આ ઑડિટોરિયમ પહેલાં પણ ગુજરાતી રંગભૂમિ માટે મળતું હતું, પણ એનું ભાડું એવું તોતિંગ હતું કે તમે કલ્પના સુધ્ધાં ન કરી શકો. એ ભાડું કેવું તોતિંગ હતું એ વાત તમને સરળતા સાથે સમજાવું.
મુકેશ પટેલ ઑડિટોરિયમ તમે ભાડે રાખો એટલે પ્રતિ સીટ બસો રૂપિયા તો એ ઑડિટોરિયમનું રેન્ટ લાગી જાય. આ ઉદાહરણ છે, પણ એના પરથી તમે સમજી શકો કે મુકેશ પટેલ ઑડિટોરિયમમાં જો તમારે શો કરવો હોય તો ટિકિટનો ભાવ શું રાખવો પડે અને ધારો કે એ ભાવ તમે રાખો તો તમે કલ્પના કરી શકો કે નૅચરલી એ ભાવે કોઈને ટિકિટ લેવી પરવડે નહીં. કેળવણી મંડળના અમરીશ પટેલ અને ભૂપેન પટેલ સામે બધાએ પોતાની આ તકલીફની વાત કરી અને પટેલબંધુઓએ ઘડીના છઠ્ઠા ભાગમાં ઑડિટોરિયમનું ભાડું ઘટાડી નાખવાનું નક્કી કરી લીધું.
ADVERTISEMENT
વેન્ટિલેટર પર જવા માંડેલી ગુજરાતી રંગભૂમિને કેળવણી મંડળે એવી તાકાત આપી દીધી કે તમે કલ્પના સુધ્ધાં ન કરી શકો. તેમણે એક બીજો પણ રસ્તો દેખાડ્યો કે આ ઑડિટોરિયમમાં તમે બ્લૉકબુકિંગ ન લેતા, જેણે આવવું હોય એ બૉક્સ-ઑફિસ પર ટિકિટ લઈને નાટક જોવા આવે. સાચું કહું, આ બૉક્સ-ઑફિસ જ ગુજરાતી રંગભૂમિની કરોડરજ્જુ છે, પણ અનાયાસે એ કરોડરજ્જુ તૂટવા માંડી હતી. સંસ્થાના શો અને બ્લૉકબુકિંગને કારણે જ રંગભૂમિ પરથી પ્રયોગાત્મકતા પણ ઘટીને નહીંવત્ થઈ ગઈ હતી તો આ જ બ્લૉકબુકિંગને કારણે પ્રોડક્શન સાથે પણ બાંધછોડ થવા માંડી હતી, પણ હવે એ અટકશે. અટકશે એટલું જ નહીં, બૉક્સઑફિસ પરથી ટિકિટ ખરીદવાની માનસિકતા પણ કેળવાશે અને જો આ જ અવસ્થા રહી તો લોકો પ્રયોગાત્મક રંગભૂમિ તરફ આગળ વધવા માટે પણ વિચારતા થશે.
ગુજરાતી રંગભૂમિને નવેસરથી ઑક્સિજન આપવા બદલ, નવેસરથી રંગભૂમિમાં પ્રાણવાયુનો સંચાર કરવા બદલ શ્રી વિલે પાર્લે કેળવણી મંડળ તથા અમરીશ પટેલ અને ભૂપેન પટેલનો ખરેખર આભાર. કોણ કહે છે ગુજરાતીઓ બિઝનેસમેન જ છે. ના રે, એ કેળવણીકાર પણ છે અને છપ્પનની છાતી સાથે કલાની બાજુમાં ઊભા રહી એના રક્ષક પણ બનવાને સક્ષમ છે.