ઍક્ટ્રેસ પડદા પર શરાબ પીતી હોય એ વાત એ જમાનામાં કલંક ગણાતી હતી છતાં મીનાએ છોટી બહૂની ભૂમિકામાં દિલ નિચોવી દીધું હતું, કારણ કે સંબંધની એકલતા કોને કહેવાય એની તેને સારી પેઠે ખબર હતી
બ્લૉકબસ્ટર
ગુરુ દત્તને વિશ્વાસ હતો કે છોટી બહૂની ભૂમિકા માત્ર મીનાકુમારી જ કરી શકે એમ છે. જોકે મીનાના પતિ કમાલ અમરોહીને આ ભૂમિકા નકારાત્મક લાગી હતી. અમરોહીએ ફી તરીકે ૬ લાખ રૂપિયા માગ્યા હતા, જ્યારે ગુરુ દત્ત બે લાખ જ આપી શકે એમ હતા.
એક ઇન્ટરવ્યુમાં મીનાકુમારીએ કહ્યું હતું કે ‘સાહિબ, બીબી ઔર ગુલામ’માં તેની સૌથી અઘરામાં અઘરી ભૂમિકા હતી, કારણ કે ઍક્ટ્રેસ પડદા પર શરાબ પીતી હોય એ વાત એ જમાનામાં કલંક ગણાતી હતી છતાં મીનાએ છોટી બહૂની ભૂમિકામાં દિલ નિચોવી દીધું હતું, કારણ કે સંબંધની એકલતા કોને કહેવાય એની તેને સારી પેઠે ખબર હતી
સમાચાર છે કે હર્ષદ મહેતાના શૅરબજારના કૌભાંડ પર સફળ વેબ-સિરીઝ ‘સ્કેમ 1992’ બનાવનાર ડિરેક્ટર હંસલ મહેતા ઍક્ટ્રેસ મીનાકુમારીના જીવન પર બાયોપિક બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે નિર્માતા ટી-સિરીઝે ‘મિમી’ની હિરોઇન કૃતિ સેનને મીનાની ભૂમિકા કરવા માટે સાઇન કરી છે અને હંસલને એની કમાન સોંપી છે. આ સમાચારની અધિકૃત જાહેરાત થઈ નથી. જોકે મીનાકુમારીના પતિ અને ‘પાકીઝા’ના નિર્દેશક કમાલ અમરોહીના દીકરા તેજદાર અમરોહીએ પત્રકાર સુભાષ ઝા સાથે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘યે સબ બકવાસ હૈ. કિસી કી હિમ્મત નહીં બગૈર એનઓસી કે મીનાકુમારી, કમાલ અમરોહી યા ‘પાકીઝા’ પર ફિલ્મ બના શકે... વોહી ઑથેન્ટિક ન્યુઝ હોગી જિસ મેં મેરા યા બિલાલ કા નામ હોગા.’
ADVERTISEMENT
મીનાકુમારી તેના અવસાનનાં ૫૦ વર્ષ પછી પણ જિજ્ઞાસાનો વિષય રહી છે. તેના જીવન પરથી ફિલ્મ ન બને તો જ નવાઈ. સમાચાર તો એવા પણ છે કે પત્રકાર અશ્વિની ભટનાગરના ‘મહજબીન ઍઝ મીનાકુમારી’ નામના જીવનચરિત્ર પરથી ફિલ્મ બનવવા માટે ઑલમાઇટી મોશન પિક્ચર નામની કંપનીએ હક ખરીદ્યા છે. ૨૦૧૭માં એવા સમાચાર આવ્યા હતા કે વિદ્યા બાલન મીનાકુમારીની ભૂમિકા માટે ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા સાથે વાટાઘાટ કરતી હતી.
ઇન ફૅક્ટ, ૧૯૭૯માં નિર્માતા-નિર્દેશક સોહરાબ મોદીએ મીનાકુમારીના જીવન પરથી ‘મીનાકુમારી કી અમર કહાની’ ફિલ્મ બનાવી હતી. એમાં ડૉલી નામની એક ઍક્ટ્રેસે મીનાકુમારીની અને સોના મસ્તાન મિરઝાએ મધુબાલાની ભૂમિકા કરી હતી. મીનાકુમારીની ફિલ્મ-કારકિર્દી જેટલી યાદગાર અને સમૃદ્ધ હતી, તેનું અંગત જીવન એટલું જ ઉતાર-ચડાવવાળું ટ્રેજિક હતું. ખાસ તો તેના નિષ્ફળ પ્રેમસંબંધો અને તેની શરાબની લત કાયમ સમાચારો અને ગૉસિપનો વિષય રહી હતી.
મશહૂર અંગ્રેજી પત્રકાર વિનોદ મેહતાએ તેમના શરૂઆતના સંઘર્ષના દિવસોમાં મીનાકુમારીનું એક જીવનચરિત્ર લખ્યું હતું. એમાં મીનાના જીવનની ટ્રૅજેડીનો આછો અંદાજ હતો. વિનોદ એમાં લખે છે, ‘પોતાના કામને કોઈ ગમે એટલું સમર્પિત હોય, શરીરને એક લિમિટ હોય છે, અને મીના એટલી ક્રૂરતાથી કામ કરતી હતી કે તેને બ્રેકડાઉન ન આવ્યો એનું જ મને આશ્ચર્ય હતું. ૧૯૬૨-’૬૩માં તેના હાથમાં ૧૬ ફિલ્મોના કૉન્ટ્રૅક્ટ હતા. તેણે મારી પાસે કબૂલ્યું હતું કે રોજ સવારે હું સ્ટુડિયો જવા નીકળું છું ત્યારે એક થકાન મને ઘેરી વળે છે. હું મારી જાતને કહું છું કે આ છેલ્લી સવારી. સાંજે પાછી આવું એટલે બૅગ પૅક કરીને લાંબા હૉલિડે પર જતી રહું.’
૧૯૬૨માં આવેલી ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ અને ૧૯૭૨માં આવેલી ‘પાકીઝા’માં મીનાકુમારીના અંગત ભાવનાત્મક સંઘર્ષનો પડઘો પડ્યો હતો અને એ બન્ને ફિલ્મો બહુ આસાનીથી તેની કારકિર્દીનું સીમાચિહ્ન ગણાય છે. એક ઇન્ટરવ્યુમાં મીનાએ કહ્યું હતું કે ‘સાહિબ, બીબી ઔર ગુલામ’માં તેની સૌથી અઘરામાં અઘરી ભૂમિકા હતી, કારણ કે ઍક્ટ્રેસ પડદા પર શરાબ પીતી હોય એ વાત એ જમાનામાં કલંક ગણાતી હતી, છતાં મીનાએ છોટી બહૂની ભૂમિકામાં દિલ નિચોવી દીધું હતું, કારણ કે સંબંધની એકલતા કોને કહેવાય એની તેને સારી પેઠે ખબર હતી.
નિર્માતા ગુરુ દત્તની અને તેમના જ ભાઈબંધ અબ્રાર અલ્વી નિર્દેશિત આ ફિલ્મ બિમલ મિત્રાની ફિલ્મ બંગાળી નવલકથા ‘શાહેબ બીબી ગોલામ’ પરથી બનાવવામાં આવી હતી. એમાં બ્રિટિશ કલકત્તાના સામંતવાદી રઈસ પરિવારમાં પરણીને આવેલી એક એવી છોટી બહૂની વાર્તા હતી જે જમીનદાર પરિવારમાં રોજ રાતે સજીધજીને તેના પતિ છોટે બાબુ (રહેમાન)ની રાહ જોતી બેસી રહે છે અને છોટે બાબુ તવાયફોના અડ્ડા પર એશ કરતો રહે છે. પતિને ઘરમાં રાખવા માટે છોટી બહૂ તેને પીવામાં કંપની આપવા માંડે છે, પણ એમાં તે ખુદ શરાબની આદી બની જાય છે. એમાં તે એક યુવાન આર્કિટેક્ટ ભૂતનાથ (ગુરુ દત્ત)ના પરિચયમાં આવે છે અને તેની પાસે પોતાનું દિલ ખાલી કરે છે.
એવી જ એક રાતે જ્યારે તેનો પતિ કોઠા પર જવાની તૈયારીમાં હોય છે ત્યારે મીનાકુમારી નિસાસો નાખીને કહે છે, ‘હિન્દુ ઘર કી બહૂ હો કે શરાબ પી હૈ કિસી ને?’ એ સંવાદમાં તેની એકલતા અને બેબસીનું આક્રંદ હતું. આવા જ એક બીજા દૃશ્યમાં છોટી બહૂ જ્યારે પતિને તવાયફ પાસે જતો રોકે છે અને કહે છે કે ‘આટલી મોટી હવેલીમાં હું એકલી શું કરીશ? ત્યારે જમીનદાર પતિ કહે છે, ‘ગહને તુડવાઓ, ગહને બનવાઓ ઔર કોડિયાં ગીનો, સોઓ આરામ સે.’
આ બે સંવાદ ફિલ્મનું હાર્દ હતા. એક રઈસ પરિવારની, હવેલીમાં રહેતી સ્ત્રીનું કામ શું આટલા પૂરતું જ હોય? પતિ તો કોઠા પર એશ લૂંટે, પણ એકલી સ્ત્રી તેનું દુ:ખ વહેંચે તો પણ કોની સાથે?
કદાચ અંગત જીવનમાં પણ મીનાની એ જ હાલત હતી. વિનોદ મહેતા તેમના પુસ્તકમાં લખે છે, ‘મારી હિરોઇન રાતની રાણી હતી, તે ઊંઘી શકતી નહોતી, ફરક એટલો જ કે તે દિવસેય ઘોરતી નહોતી. તેના ડૉક્ટર સઈદ તિમુર્ઝાએ તેને ઊંઘવા માટે બ્રાન્ડીનો એક પેગ સૂચવ્યો હતો અને એ તેનું મોત બનવાનું હતું. શરૂઆતમાં તે થાકીને લોથ વળી જતી હતી એટલે પીતી હતી. પછી એની ટેવ પડી ગઈ. બ્રાન્ડીનો એક પેગ પૂરી બૉટલ સુધી પહોંચી ગયો હતો. તે પાણી વગર, બરફ વગર નિટ પીતી. તે જ્યારે મન થાય ત્યારે એકલી જ પીતી હતી. જાનકી કુટિરમાં ધર્મેન્દ્ર દરરોજ આવતો. બન્ને સાથે જ પીતાં.’
ગુરુ દત્તને વિશ્વાસ હતો કે છોટી બહૂની આ ભૂમિકા માત્ર મીનાકુમારી જ કરી શકે એમ છે. ૧૯૫૮માં ગુરુ દત્તે જ્યારે પહેલી વાર આ ભૂમિકા માટે મીનાનો સંપર્ક કર્યો ત્યારે મીના અત્યંત વ્યસ્ત હતી અને ફિલ્મ માટે તારીખો નહોતી. ઉપરથી મીનાના પતિ કમાલ અમરોહીને આ ભૂમિકા નકારાત્મક લાગી હતી. એક મુદ્દો પૈસાનો પણ હતો. અમરોહીએ ફી તરીકે ૬ લાખ રૂપિયા માગ્યા હતા, જ્યારે ગુરુ દત્ત બે લાખ જ આપી શકે એમ હતા.
૧૯૫૬માં ગુરુ દત્તની જ ‘સીઆઇડી’થી ડેબ્યુ કરનાર વહીદા રહેમાનને છોટી બહૂની ભૂમિકા કરવી હતી, પરંતુ ગુરુ દત્તના ફેવરિટ સિનેમેટોગ્રાફર વી. કે. મૂર્તિને લાગ્યું હતું કે આ પુખ્ત ભૂમિકા માટે વહીદા ઘણી યુવાન છે, એટલે ફિલ્મમાં ભૂતનાથના મિત્રની દીકરી જબ્બાની ભૂમિકા વહીદાને આપવામાં આવી હતી.
એ પછી ગુરુ દત્તે ફોટોગ્રાફર જિતેન્દ્ર આર્યની ઍક્ટ્રેસ-પત્ની છાયા આર્યનો વિચાર કર્યો હતો. છાયા ત્યારે લંડન રહેતી હતી. છોટી બહૂની ભૂમિકા માટે ફોટો-સેશન કરવા તે મુંબઈ પણ આવી હતી, પરંતુ ફોટો જોયા પછી ગુરુ દત્તને છોટી બહૂ મા જેવી લાગી હતી. તેમને એક એવી ઍક્ટ્રેસની જરૂર હતી જે બહુ યુવાન પણ ન લાગે અને બહુ પ્રૌઢ પણ ન લાગે.
આમાં ને આમાં છોટી બહૂનાં દૃશ્યોને બાદ કરતાં ગુરુ દત્તે ૧૯૬૨ સુધી બાકીની બધી ફિલ્મ શૂટ કરી લીધી હતી. એ પછી ફરીથી મીનાનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યાં સુધી મીના અને અમરોહી વચ્ચે ઝઘડા વધી ગયા હતા. વિનોદ મેહતા લખે છે, ‘રેમ્બ્રાન્ટ (અમરોહીના બંગલાનું નામ)માં સ્થિતિ બગડતી ગઈ. કકળાટ, બૂમાબૂમ, નારાજગી, ડ્રિન્કસ - અને હવે મારામારી. બદ્નસીબે, એની એક શરૂઆત પવિત્ર ઈદના દિવસે થઈ. એ રાતે મીના એટલી અકળાઈ હતી કે તેણે તેના શોહરનો ચીકન કુર્તો ગળામાંથી ખેંચીને ચીરી નાખ્યો હતો. અમરોહી કહે છે, ‘મેં પણ પિત્તો ગુમાવ્યો હતો અને પહેલી વાર હાથ ઉપાડ્યો હતો.’
એવા સંજોગોમાં ગુરુ દત્ત સાથે ફરીથી વાટાઘાટો શરૂ થઈ. ગુરુ દત્ત પહેલી વાર મળવા આવ્યા ત્યારે મીના શૂટિંગમાં હતી. ગુરુ દત્ત મીનાની બહેન ખુરશીદબાનોને ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ની સ્ક્રિપ્ટ આપીને પાછા જતા રહ્યા. એ જ રાતે મીનાએ સ્ક્રિપ્ટ વાંચી લીધી અને રાતે બે વાગ્યે દત્તને ફોન કર્યો, ‘મને ભૂમિકા ગમી છે.’
આ વખતે વાટાઘાટો સફળ રહી. ગુરુ દત્તે ફીમાં ૨૫ ટકાનો વધારો કર્યો. શૂટિંગ માટે મીનાએ સળંગ ૪૫ દિવસ આપ્યા. મીનાએ એક શરત મૂકી કે છોટી બહૂનાં દૃશ્યો વાર્તા જેમ-જેમ આગળ વધતી હોય એ પ્રમાણે ક્રમશ: જ શૂટ કરવાનાં, છેલ્લું દૃશ્ય પહેલાં અને પહેલું દૃશ્ય છેલ્લે શૂટ નહીં કરવાનું, જેથી તે તેના પાત્રમાં આવતાં પરિવર્તનોને ન્યાય આપી શકે.
ગુરુ દત્ત અને મીનાએ આ રીતે પહેલી વાર ફિલ્મ શૂટ કરી હતી અને એનું પરિણામ છોટી બહૂના અત્યંત પ્રભાવશાળી ચિત્રણમાં હતું. આ ભૂમિકાથી મીનાકુમારીના ‘ટ્રૅજેડી ક્વીન’ના ખિતાબ પર સિક્કો લાગી ગયો. છોટી બહૂની ભૂમિકામાં મીનાને પોતાનું દર્દ દેખાતું હતું. મીનાને આ ખબર હતી અને તેણે પૂરી ગંભીરતાથી એ ભૂમિકા કરી હતી અને એની તેણે કિંમત પણ ચૂકવી હતી. મીનાએ તેની ડાયરીમાં છોટી બહૂ માટે લખ્યું છે...
‘આ સ્ત્રી (છોટી બહૂ) મને બહુ પજવી રહી છે. આખો દિવસ અને અડધી રાત સુધી છોટી બહૂની બેબસી સિવાય કશા વિચારો જ નથી આવતા. છોટી બહૂની પીડા, છોટી બહૂનું હાસ્ય, છોટી બહૂની આશા, છોટી બહૂની તકલીફો, છોટી બહૂનું સાહસ, છોટી બહૂનું... છોટી બહૂનું... છોટી બહૂ... ઓહ! હું ત્રાસી ગઈ છું.’
છોટી બહૂ તેના જમાનાથી કદાચ ઘણી આગળ હતી. કમાલ અમરોહીએ કેમ એ ભૂમિકાને નકારાત્મક ગણી હશે એનું કારણ માત્ર શરાબખોરી જ નહીં, છોટી બહૂની બોલ્ડનેસ પણ હતી. ફિલ્મમાં છોટી બહૂ પર બે યાદગાર ગીતો હતાં : ‘ના જાઓ
સૈંયા’ અને ‘પિયા ઐસો જિયા મેં સમાઈ ગયો રે...’ એમાં ‘ના જાઓ સૈંયા’માં પતિને પથારીમાં ઇચ્છતી પત્નીની ખ્વાહિશ એ વખતના બૉલીવુડ માટે પણ એક સાહસિક વાત હતી. જાતીય અધૂરપ ત્યારે માત્ર વૅમ્પમાં જ હતી, હિરોઇનમાં નહીં.
ફિલ્મ રિલીઝ થયા પછી મીનાની અદાકારીનાં તો ચારેકોર વખાણ થયાં, પરંતુ તેના અંગત જીવનનાં તૂફાન ઓસર્યાં નહોતાં. તે વધુ ને વધુ શરાબમાં ડૂબતી જતી હતી, કમાલ અમરોહીને છોડીને તે એકલી રહેતી હતી, ધર્મેન્દ્ર પણ મોટો સ્ટાર થઈ ગયો હતો અને મીનાને ત્યાં આવતો બંધ થઈ ગયો હતો.
‘સાહેબ, બીબી ઔર ગુલામ’ના ડિરેક્ટર અને પાડોશી અબ્રાર અલ્વીને મીનાએ એક વાર મજાકમાં કહ્યું હતું, ‘કેવું કહેવાય કે હું અસલી જીવનમાંય છોટી બહૂ બની ગઈ.’
ગુરુ દત્તને વિશ્વાસ હતો કે છોટી બહૂની ભૂમિકા માત્ર મીનાકુમારી જ કરી શકે એમ છે. જોકે મીનાના પતિ કમાલ અમરોહીને આ ભૂમિકા નકારાત્મક લાગી હતી. અમરોહીએ ફી તરીકે ૬ લાખ રૂપિયા માગ્યા હતા, જ્યારે ગુરુ દત્ત બે લાખ જ આપી શકે એમ હતા.
જાણ્યું-અજાણ્યું
lગુરુ દત્તે ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ને ઑસ્કર માટે મોકલી ત્યારે ઑસ્કરના સંચાલકોએ પત્ર લખીને જણાવેલું કે સ્ત્રી શરાબ પીતી હોય એ સ્વીકાર્ય નથી
lફિલ્મનું નિર્દેશન અબ્રાર અલ્વીએ કર્યું હતું, પરંતુ શૂટિંગ પર ગુરુ દત્તનો પ્રભાવ એટલો હતો કે આ ફિલ્મ ગુરુ દત્તની ફિલ્મ તરીકે જ ઓળખાય છે.
lફિલ્મનું શૂટિંગ કલકત્તા નજીક ધનકુરિયા મૅન્શનમાં થયું હતું, પરંતુ મીના મુંબઈ બહાર જવા તૈયાર નહોતી એટલે મુંબઈમાં હવેલીના સેટ ઊભા કરાયેલા.
lભૂતનાથની ભૂમિકા શશી કપૂર કરવાનો હતો, પરંતુ ગુરુ દત્ત અને અબ્રાર અલ્વી સાથે મીટિંગમાં અઢી કલાક મોડો પડ્યો એટલે ગુરુ દત્તે જાતે જ ભૂમિકા કરી હતી.
lગુરુ દત્ત સાહિર લુધિયાનવી પાસે ગીતો અને એસ. ડી. બર્મન પાસે સંગીત ઇચ્છતા હતા. બર્મનદા બીમાર હોવાથી હેમંતકુમારે સંગીત અને શકીલ બદાયુનીએ ગીતો આપ્યાં હતાં.
lગુરુ દત્તે આ નવલકથાના હિન્દી અનુવાદ માટે અબ્રાર અલ્વી અને બંગાળી લેખક બિમલ મિત્રાને બે મહિના સુધી ખંડાલામાં એક બંગલામાં રાખ્યા હતા.
lમૂળ બંગાળી નવલકથામાં સ્વામી વિવેકાનંદનું પાત્ર આવે છે એ હિન્દીમાં કાઢી નાખવામાં આવ્યું હતું.
lફિલ્મમાં છોટી બહૂ (મીના) અને જબ્બા (વહીદા) ભેગાં થતાં નથી. વહીદાની ઇચ્છા હતી કે તે એક દૃશ્યમાં મીના સાથે હોય, પણ ગુરુ દત્તે એ સૂચનને ફગાવી દીધું હતું, કારણ કે નવલકથામાં બન્ને મળતાં નથી.