લખવા-વાંચવાની આદત નીકળી ગઈ છે અને ઘરમાં હવે સાચું ગુજરાતી બોલાતું નથી, જેની સીધી અસર સંતાનોના શબ્દભંડોળ પર થઈ છે ત્યારે ગુજરાતી નાટકો જ સંતાનોની નવી જનરેશન સુધી ગુજરાતી ભાષાને આગળ લઈ જાય એવું હું દૃઢપણે માનું છું
જેડી કૉલિંગ
‘હું, સ્વરા... એ બન્ને પણ ખરાં’ની આ ટીમની મહેનત અને જહેમતને દાદ દેવી જ રહી
લખવા-વાંચવાની આદત નીકળી ગઈ છે અને ઘરમાં હવે સાચું ગુજરાતી બોલાતું નથી, જેની સીધી અસર સંતાનોના શબ્દભંડોળ પર થઈ છે ત્યારે ગુજરાતી નાટકો જ સંતાનોની નવી જનરેશન સુધી ગુજરાતી ભાષાને આગળ લઈ જાય એવું હું દૃઢપણે માનું છું, પણ એ માટે આપણે ગુજરાતી રંગભૂમિને સક્ષમ કરવી પડશે
સારું, સફળ અને સુપરહિટ નાટક જ જોવા જવું એવો આપણે આગ્રહ રાખતા હોઈએ છીએ અને આ બહુ સામાન્ય વાત છે, પણ મારું કહેવું છે કે અત્યારે એવો આગ્રહ રાખવાનો સમય નથી. ઍવરેજ ગુડ નાટક માટે પણ આપણે સમય કાઢવાનો છે અને એ પણ જોવા જવું જોઈએ.
ADVERTISEMENT
આજે વાત કરવાની છે ગુજરાતી રંગભૂમિ પર. ગયા રવિવારે હું નાટક જોવા ગયો, ‘હું, સ્વરા... એ બન્ને પણ ખરાં’ અને હું ભારોભાર અપસેટ થયો. નાટક જોઈને નહીં પણ નાટકની, આપણી ગુજરાતી રંગભૂમિની અવસ્થા જોઈને. કોવિડની આડઅસરે ગુજરાતી રંગભૂમિની હાલત બહુ ખરાબ કરી નાખી છે. બહુ વખત પહેલાં મેં તમને કહ્યું હતું કે રંગભૂમિની સૌથી કફોડી વાત એ કે કંઈ પણ થાય તો સૌથી પહેલાં રિસ્ટ્રિક્શન એના પર આવે અને સૌથી છેલ્લે રિસ્ટ્રિક્શન રંગભૂમિ પરથી દૂર થાય. કોવિડ સમયે તો હેરાનગતિ રંગભૂમિએ સહન કરી જ પણ પોસ્ટ-કોવિડ પણ એની અવસ્થા સારી નથી જ. અફકોર્સ સિનેમાઘરની હાલત પણ ખરાબ જ છે પણ લાઇવ આર્ટનું શું છે, એનો એક ચોક્કસ વર્ગ ટકેલો રહે પણ આ વખતે એવું પણ દેખાતું નથી.
ગુજરાતી રંગભૂમિની મૂળ વાત પર આવતાં પહેલાં મારે તમને એક વાત કહેવી છે. જો આપણે આવનારી પેઢીને વાતો જ કરવા ઇચ્છતા હોઈએ કે એક સમયે ગુજરાતી રંગભૂમિનો સુવર્ણકાળ અદ્ભુત હતો અને એ વાતોથી જ આપણું પેટ ભરાઈ જવાનું હોય તો આપણે ગુજરાતી રંગભૂમિ માટે જાગૃત નહીં થઈએ તો ચાલશે, તો કંઈ કરવાની જરૂર નથી અને કોઈ પગલાં નહીં લઈએ તો પણ ફરક નહીં પડે. જેમ બધું ચાલે છે, જેમ બધું જાય છે એમ જવા દઈએ અને આપણે ટૉપિક અહીં જ પૂરો કરીએ, પણ ધારો કે તમે ઇચ્છતા હો કે ગુજરાતી રંગભૂમિની જાહોજલાલી અને એ સુવર્ણકાળ આપણી પેઢી જુએ અને સાથોસાથ આપણી ગુજરાતી ભાષા પરનું તેમનું પ્રભુત્વ પણ અકબંધ રહે તો આપણે રંગભૂમિની પડખે આવીને ઊભા રહેવું પડશે અને એને સપોર્ટ કરવો પડશે. જો આપણે ઇચ્છતા હોઈએ કે આપણાં સંતાનો, આપણી આવનારી પેઢી ગુજરાતી સાથે જોડાયેલાં રહે તો આપણે રંગભૂમિને ટકાવી રાખવી પડશે.
તમે જુઓ, આજનાં બાળકોમાં ગુજરાતી લખવાનું તો બિલકુલ જતું રહ્યું છે, વાંચવાનું પણ હવે છૂટી ગયું છે. આ બધું આપણે જોઈએ છીએ અને જીવ પણ બાળીએ છીએ પણ એની સાથોસાથ વધારે જીવ બળે એવી વાત કહું તો આવનારા સમયમાં એ હજી વધુ ઓછું થતું જવાનું છે પણ જો એવું ન થવા દેવું હોય તો આપણે બાળકોમાં ગુજરાતી અકબંધ રાખવું પડશે અને મને લાગે છે કે આ ગુજરાતી હવે ત્યારે જ અકબંધ રહેશે જ્યારે એ સાંભળી-બોલીને બાળકો શીખતાં રહે અને એ રીતે ગુજરાતી ટકી રહે. હવે તમે કહો, સાંભળવા-બોલવાનું કેવી રીતે શક્ય બને?
આપણે સંતાનોને ગુજરાતી છાપું સંભળાવતા તો નથી જ તો નથી એવું કે આપણે ઘરમાં ગુજરાતી ચૅનલો જોતા હોઈએ. ગુજરાતના સમાચાર તો ભાગ્યે જ આપણે જોતા હોઈશું અને આપણે જોતા હોઈએ છીએ ત્યારે બાળકો ઘરમાં ન હોય એવું જ બનતું હોય છે. હવે તમે જ કહો કે આમાં આવનારી પેઢી કેવી રીતે ગુજરાતી શીખે? એક ઑપ્શન બાકી રહે. ઘરમાં બોલચાલની ગુજરાતી હોય તો પણ એમાં પણ અફસોસની વાત જ છે. આજે બધાના ઘરમાં ગુજરાતી ભાષા એટલી સારી રીતે નથી બોલાતી. પેરન્ટ જનરેશન પણ એટલું સારું ગુજરાતી નથી જ બોલતા અને એને લીધે બન્યું છે એવું કે ગુજરાતીનું જે શબ્દભંડોળ હતું એ ખરાબ રીતે ઘટવા માંડ્યું છે. આવા સમયે એક જ માધ્યમ એવું રહે જ્યાંથી તમે ગુજરાતી ભાષા અને ગુજરાતી શબ્દોનો વેગ ચાલુ રાખી શકો.
નાટક કે સિનેમા.
અહીં પણ હું સહેજ બે મત પર આવું છું. સિનેમામાં એવું છે કે આજે આ લાગી અને કાલે પેલી ફિલ્મ લાગી અને એમાં પણ એટલી વાજબી રીતે ગુજરાતી ભાષાનો પ્રહાર થતો હોય એવું નથી બનતું એટલે બાકી બચી ગુજરાતી રંગભૂમિ. હા, એકમાત્ર નાટક એવું માધ્યમ છે જે આજે તમારા ઘરની બાજુમાં, નજીકમાં થયા જ કરે છે. અબ્રૉડ પણ થાય અને દેશભરમાં પણ ફરે.
સારા કલાકારો લાઇવ ભજવે, તમને ઓતપ્રોત રાખે, મજા કરાવે અને સાવ જુદો જ આનંદ આપે. હું કહીશ કે લાઇવ એન્ટરટેઇનમેન્ટનો અનુભવ જ જુદો હોય છે. રંગભૂમિને અકબંધ રાખવાનું કામ બાંગલાએ કર્યું છે. મરાઠી રંગભૂમિ પણ બહુ સારું કરે છે, પણ ગુજરાતી રંગભૂમિ અત્યારે રિસીવિંગ એન્ડ પર છે અને એ માટે ઘણાં કારણો છે.
ગુજરાતી રંગભૂમિ પાસે એનાં થિયેટરો બહુ બચ્યાં નથી તો એનાથી પણ મોટી અને કફોડી અવસ્થા જો કોઈ હોય તો એ કે રંગભૂમિ પાસે એના લોકો પણ બહુ બચ્યા નથી, જે નિયમિતપણે નાટકો જોવા થિયેટર સુધી જાય. આ રવિવારે હું નાટક જોવા ગયો ત્યારે ખરેખર બહુ હતાશ થયો અને મારી હતાશાનાં અનેક કારણો હતાં, જેની વાત આપણે તબક્કાવાર કરતા જઈએ.
‘હું, સ્વરા... એ બન્ને પણ ખરાં’ નાટક મરાઠીમાંથી આવ્યું છે તો બપોરના સમયે ઉમેશ શુક્લનું નાટક ‘માધુરી દીક્ષિત’ હતું, એ નાટક પણ મરાઠીમાંથી આવ્યું છે. આનું કારણ શું છે એ સમજવું જ રહ્યું. હવેની પેઢી ગુજરાતી ભણતી નથી એટલે લાંબું લખતાં તેમને આવડતું નથી. આગળ કહ્યું એમ, તેમની પાસે શબ્દભંડોળ પણ નથી એટલે એ અભાવ પણ ભારોભાર નડે છે. આ બન્ને કારણોસર નવી પેઢીમાંથી ગુજરાતી રંગભૂમિ પર લેખકો આવતા નથી તો જૂની પેઢીના જે લેખકો હતા કાં તો જતા રહ્યા છે અને કાં તો બહુ ઓછા થઈ ગયા છે. ટીવી અને ફિલ્મ કે વેબ-સિરીઝ લખતા થઈ ગયેલા લેખકો રંગભૂમિ તરફ આવવા તૈયાર નથી. અફકોર્સ, અમુક કલાકારો, લેખક, દિગ્દર્શક એવા છે જે પોતાની અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ રંગભૂમિ પર પ્રદાન કરતા રહે છે. આપણે એમની પણ વાત કરીશું પણ અત્યારે આ ટૉપિક પૂરો કરી લઈએ.
લેખકો આવતા નથી એટલે આપણે બીજી ભાષા પાસે જઈને ઊભા રહેવું પડે છે અને એનો મને વાંધો પણ નથી. સારું હોય તો આપણે એ કોઈનું પણ હોય, લેવું જ જોઈએ પણ એ લેતી વખત મનમાં એક વિચાર પણ આવવો જોઈએ કે આપણી ભાષા પાસે હવે સારું ખૂટતું જાય છે અને જે સારું કરી શકે છે તે આ દિશામાંથી હટી ગયા છે. આ હટી જનારા લોકો ગુજરાતી રંગભૂમિ પર પાછા આવે, તે ફરીથી અહીં સર્વાઇવ થાય એ બધાની દિશામાં આપણે કામ કરવું પડશે. જો એ કામ કરી શકીશું તો એનો લાભ ગુજરાતી રંગભૂમિ એકને જ થશે એવું માનવાની ભૂલ નહીં કરતા, કારણ કે તમને આગળ પણ કહ્યું કે તમારે તમારી ભાષાને હજી એક જનરેશન સુધી અકબંધ રાખવી હશે તો તમારે તમારી રંગભૂમિને અકબંધ રાખવી પડશે. જો એ જ અકબંધ રહેશે તો અને તો જ તમારી ભાષા, તમારી ભાષા પાસે રહેલા સુંદર મજાના શબ્દોનું સંતાનોમાં વાવેતર થશે, પણ એ કરવા માટે તમારે તમારી ફરજો નિભાવવી પડશે.
સારું, સફળ અને સુપરહિટ નાટક જ જોવા જવું એવો આપણે આગ્રહ રાખતા હોઈએ છીએ અને આ બહુ સામાન્ય વાત છે, પણ મારું કહેવું છે કે અત્યારે એવો આગ્રહ રાખવાનો સમય નથી. ઍવરેજ ગુડ નાટક માટે પણ આપણે સમય કાઢવાનો છે અને એ પણ જોવા જવું જોઈએ. જો તમે જોવા જશો તો ગુજરાતી રંગભૂમિ પણ ધબકતી થશે અને જો એ ધબકતી થશે તો રંગભૂમિ પરથી જે ટૅલન્ટ દૂર થઈ છે એ ફરીથી આ દિશામાં ઍક્ટિવ થશે. એનો સૌથી મોટો ફાયદો એ થશે કે ગુજરાતી રંગભૂમિની ગુણવત્તા સુધરશે અને જો તમે ઇચ્છતા હો કે એ ગુણવત્તા સુધરે તો આજે તમારે થોડું સુધરવાનું છે અને નક્કી કરવાનું છે કે તમે મહિનામાં એક વાર ગુજરાતી નાટક જોવા જશો જ જશો. મિડલ ક્લાસ છે એ લોકોને મારું આ સ્ટ્રૉન્ગ રેકમન્ડેશન છે તો એની સામે જે અફૉર્ડ કરી શકે છે એ લોકોને મારું રેકમન્ડેશન છે કે તેમણે દર રવિવારે નાટક જોવા જવાનો આગ્રહ રાખવો જોઈએ. આગળ કહ્યું એમ, એનાથી ફાયદો તમને જ થવાનો છે. તમારી ગુજરાતી ભાષા તમારાં સંતાનોમાં જીવતી રહેવાની છે અને જો ભાષા જીવતી રહેશે તો તમારું સાહિત્ય, તમારી લાગણીઓ, તમારા સંસ્કારો અકબંધ રહેશે.
(ગુજરાતી રંગભૂમિને ધબકતી રાખવા માટેની અન્ય ફરજ વિશે હવે વાત કરીશું આપણે આવતા ગુરુવારે)
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)