Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નવી હોય કે પુરાણી, કહેવત એટલે ચાર-છ શબ્દોનું જીવતુંજાગતું શાસ્ત્ર

નવી હોય કે પુરાણી, કહેવત એટલે ચાર-છ શબ્દોનું જીવતુંજાગતું શાસ્ત્ર

Published : 05 October, 2025 02:55 PM | IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

અફસોસની વાત એ છે કે આજના સમયમાં શાસ્ત્રોની સાથોસાથ કહેવતો પણ ભૂંસાતી જાય છે. ઓછા શબ્દોમાં સચોટ રીતે વાત સમજાવી દેતી કહેવતોને ટકાવી રાખવા શું કરવું એ તમે વિચારો, મેં તો મારી રીતે ટ્રાય મારી લીધી છે

સાંઈરામ દવે

લાફ લાઇન

સાંઈરામ દવે


હમણાં હું એક ભાઈબંધની ઘરે ગ્યો. વાત-વાતમાં ભાઈબંધનાં ઘરવાળાં મને ક્યે કે સાંઈ, આ તમારા ભાઈ ને એનો છોકરો બેય સરખા. સવારે જાગવાનું નામ નો લ્યે. મેં કીધું, ‘ભાભી, બાપ એવા બેટા ને વડ એવા ટેટા.’

મારી વાત સાંભળીને છોકરો ધબાક દઈને અંદર આયવો ને એની મમ્મીને ક્યે, ‘મમ્મી, હું ટેટો છું કે છોકરો?’



બોલો, એક સામાન્ય કહેવત એ છોકરાને ખબર નો’તી. મારા મતે કહેવત એટલે ચાર-છ શબ્દોનું જીવતુંજાગતું શાસ્ત્ર. જ્યારે આપણા વડવાઓને વેદો-ઉપનિષદો-પુરાણો લોકહૃદય સુધી પૂરાં નથી પહોંચ્યાં એવું લાગ્યું હશે ત્યારે એનાં જ સૂત્રોનો લોકબોલીમાં અર્ક કાઢીને એની કહેવતો અને રૂઢિપ્રયોગો બનાવવામાં આવ્યાં હશે. દરેક વ્યક્તિએ વાણી અને પાણી બન્ને સમજીને વાપરવાં જોઈએ. જૂનો દુહો છે.


કાણાને કાણો નવ કહીએ...
વહમાં લાગે વેણ; 
ધીરે રહીને પૂછીએ કે 
શીદને ગુમાવ્યાં નેણ?

આપણી બાને ‘બાપુજીની બાયડી’ નથી કહેવાતી એ આપણી ભાષાનો વિવેક છે. ગુજરાતી ભાષામાં કેવી અદ્ભુત સમજણ અને સંવેદન ધરબાઈને પડ્યાં છે. મોંઘવારીના કાળઝાળ સમયમાં નવા વિષય પર લખવું હમણાં તો મને પણ પોસાય એમ નથી એટલે જૂની કહેવતને સજીવન કરવા નવા ફૉર્મમાં ફરી લખી રહ્યો છું.


જૂની કહેવત: નવરાત્રિમાં નાગોલિયો છેટો રખાય.

અર્થ: જે સમયે જે કામ થતું હોય એ કરવું જોઈએ.

નવી કહેવત: હાર્યા પછી ટ્રોફી લઈને ભાગી જવું / સામા પવને છત્રી સીધી રાખવી. 

મૉરલ ઑફ ધ સ્ટોરી: રાજકોટમાં અમારા એક શાસ્ત્રીય નૃત્ય શીખવતા ગુરુજીએ તેમની જ સુંદર વિદ્યાર્થિની સાથે પ્રેમલગ્ન કરી લીધાં. કોકે એ વિદ્યાર્થિનીને પૂછ્યું કે પંદર વર્ષનો એજ-ડિફરન્સ હોવા છતાં તે ગુરુજીને પતિ તરીકે કેમ પસંદ કર્યા?

વિદ્યાર્થિનીએ જવાબ આપ્યો, ‘તેણે નચાવી ત્યારે મેં નાચી લીધું તો હવે તેણેય દાવ દેવો પડેને...’

જૂની કહેવતઃ ઝાઝી કીડીઓ સાપને તાણે.

અર્થઃ નાના માણસો સંગઠિત થાય તો મોટું કાર્ય કરી શકે. 

નવી કહેવતઃ ઝાઝા દીકરા મા-બાપને વૃદ્ધાશ્રમ પહોંચાડે / ઝાઝું ચૅટિંગ બૅટરી પતાવે.

મૉરલ ઑફ ધ સ્ટોરી: આપણા સમાજને કોમવાદનું કૅન્સર થયું છે. અહીં એક સમાજને દેખાડી દેવા અને પાડી દેવા બીજો સમાજ સંગઠિત થાય છે. એટલે જ તો આખેઆખા સમાજ એના લક્ષથી મિસફાયર થાય છે.

જૂની કહેવતઃ વાડ થઈને ચીભડાં ગળે. 

અર્થ: પોતાના જ પોતાનાને નુકસાન કરે.

નવી કહેવત: માસ્તર પોતાના જ વર્ગનાં ટ્યુશન કરે / હિમેશ રેશમિયા પોતાનાં ગીત સંભળાવવા ફિલ્મ ન બનાવે.

મૉરલ ઑફ ધ સ્ટોરી: આખી વાડીમાં બીજી ઘણી શાકભાજી ઊગે પણ વાડ માત્ર ચીભડાં જ શું કામ ગળે ઈ મને નથી સમજાતું તો શું શેઢો સફરજન ગળે છે? સીમ સરગવા ગળે છે? જોતર જામફળ ગળે છે? કેડી કેળાં ગળે છે? ગાડું ગુલાબ ગળે છે? વાડને સમજાવો વાડીમાં ચીભડાં કરતાં પણ સારી ને સ્વાદિષ્ટ વાનગીઓ છે, પણ શું જીવનભર ગધેડા પર સવારી કરનારને ઘોડા પર પણ રોદા લાગે.

જૂની કહેવત: ઉતાવળે આંબા ન પાકે.

અર્થ: કોઈ પણ કાર્યની પૂર્ણ સફળતા માટે ધી૨જ રાખો.

નવી કહેવત: મિસ કૉલ કર્યે સંબંધ ન ટકે / વૉટ્સઍપ વાપર્યા વગર બૅટરી ન ખવાય.

મૉરલ ઑફ ધ સ્ટોરી: એક આંબાવાડીમાં માલિકે કેરી ચોરતા છોકરાને પકડ્યો ને ઘઘલાવ્યો કે હમણાં તારા બાપાને ફરિયાદ કરું છું. છોકરો કહે, તો કરો. મારા બાપા સામેના આંબે જ ચડ્યા છે. હવે આખો ઘાણવો જ દાઝી ગયો હોય ત્યાં ફરિયાદ કોને ક૨વા જવાની?

જૂની કહેવત: સાપ ગયા ને લિસોટા રહ્યા. 

અર્થ: દરેક વ્યક્તિ પોતાની છાપ મૂકતી જાય છે.

નવી કહેવત: કૉન્ગ્રેસ ગઈ અને કૌભાંડો રહ્યાં / માસ્તર ગયા ને લેસન રહ્યાં / તેજી ગઈ ને શૅર રહ્યા. 

મૉ૨લ ઑફ ધ સ્ટોરી: એક ભાઈને સાપ કરડ્યો તોય ઈ ભાઈ હસવા લાગ્યો. સાપ સામે પગ લંબાવ્યો કે લે, હજી ડંખ માર. સાપે બેચાર ફેણ મારી પણ પછી તો સાપને ચક્કરી આવી ગયાં કે અમારાં ઝેર નાબૂદ થઈ ગયાં કે શું? સાપે પૂછ્યું કે ભાઈ, તું ઝેરપ્રૂફ છો? તો ભાઈએ જવાબ દીધો, ‘ના સાપદાદા, આ પગ જયપુરથી મંગાવેલો છે ને પ્લાસ્ટિકનો છે.’

જૂની કહેવતઃ મોરનાં ઈંડાં ચીતરવાં ન પડે

અર્થ: અમુક લોહીના સંસ્કાર વારસામાં જ મળે.

નવી કહેવતઃ નેતાના છોકરાવને સેટિંગ શીખવવું ન પડે / કૉલેજિયનોને ક્લાસમાંથી ગુટલી મારતાં શીખવવું ન પડે.

મૉ૨લ ઑફ ધ સ્ટોરી: મોર કોઈ દી ઈંડાં મૂકે? ઈંડાં તો ઢેલ મૂકે છે યાર! આવા તો કેટલાય સવાલો હિમાદાદા મને રોજ પૂછ્યા કરે કે જમવાની થાળીનો આકાર ગોળ જ શું કામ ને સ્ત્રીઓના પહેરવેશમાં ખિસ્સાં શા માટે નથી ને ગોળને ગોળ શું કામ કહે, ચોરસ કેમ નહીં?

લ્યો દ્યો જવાબ, તેવડ હોય તો.

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2025 02:55 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK