ગ્રાઉન્ડ ફ્લોર પરથી અઢારમા ફ્લોર પર લિફ્ટ આવવા લાગી. સાથે-સાથે સંતાનોની સલાહનો ટ્રાફિક જૅમ થઈ જવા લાગ્યો.
પ્રતીકાત્મક તસવીર
ગ્રાઉન્ડ ફ્લોર પરથી અઢારમા ફ્લોર પર લિફ્ટ આવવા લાગી. સાથે-સાથે સંતાનોની સલાહનો ટ્રાફિક જૅમ થઈ જવા લાગ્યો. પૅસેજની બારીમાંથી દૂર લાગતી સિગ્નલની લાલ અને લીલી લાઇટો કાનમાં આવીને આદેશો આપવા લાગી. બે દિવસથી શું કરવું, શું ન કરવુંથી શરૂ થયેલી વાતો હજી પણ ત્યાં જ ઝબૂક-ઝબૂક થતી રહી. ‘ત્યાં પહોંચતાં જ ફૉર્માલિટી શરૂ કરી દઈશું. છ-સાત મહિનામાં તારે ત્યાં અમારી પાસે જ આવી જવાનું છે. મને પણ કેટલો બધો સપોર્ટ રહેશે.’ કહેતી દીકરી ગળે લાગી. ત્યાં લિફ્ટનો દરવાજો ખૂલ્યો.
હજી વાતો ચાલતી હતી ત્યાં દરવાજો બંધ થવા જતો હતો. શાલિનીએ લિફ્ટનું બટન દબાવીને દરવાજાને બંધ ન થવા દીધો. તેણે બટન દબાવી રાખ્યું હતું. બધો સામાન મુકાયો. આદત મુજબ પાંચમી વખત માનસીને પૂછી જ લીધું, ‘પાસપોર્ટ મૂક્યોને સાચવીને? તારો પમ્પ હૅન્ડબૅગમાં જ છેને બેટા?’ માનસીએ દર વખતની જેમ જવાબમાં ફક્ત હસીને ખભા ઉલાળ્યા. આજે તે છણકો ગળી ગઈ. ‘જતી વખતે પણ મમ્મીની આવી જ ટકટક!’
અને અચાનક ગ્રીન લાઇટ થાય અને ટ્રાફિકનું ઘોડાપૂર નીકળે એમ આખો પરિવાર લિફ્ટમાં વહી ગયો. બધા લિફ્ટમાં ગોઠવાયા. અડધી મિનિટ માટે વાતાવરણ થોડુંક ક્ષુબ્ધ થઈ ગયું.
માનસીના અવાજથી શાલિની જરાક ઝબકી, ‘મમ્મા, તારી ટિકિટ કરાવીને તને ફોન કરીશ એટલે તું તૈયારી શરૂ કરી દેજે.’
માનસીની સામે સ્થિર નજરે જોઈ શાલિનીએ શાંતિથી જવાબ આપ્યો, ‘ના, મને પૂછ્યા સિવાય કંઈ જ ન કરતી.’
‘એક કામ કરજે મમ્મા, તું સત્સંગ જૉઇન કરી લેજે! અહીં પણ ક્યાંક તો થતાં જ હશે.’ રજતે કહ્યું.
‘ના, હું કંઈક બીજું વિચારું છું.’ રજતના ચહેરા પર આશ્ચર્ય દેખાય એ પહેલાં તેણે લિફ્ટનું બટન છોડી દીધું. લિફ્ટનો દરવાજો બંધ થયો. લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી ત્યાં સુધી તેણે નંબર જોયા કર્યા.
સાવ ખાલી થઈ ગયેલા ઘરના સેફ્ટી ડોર પાસે શાલિની અટકી. કસ્ટમમેડ નેમપ્લેટ પર પોતાના નામને જોયા કર્યું. ‘શાલિની આશિષ પરીખ... આ નેમપ્લેટ, મારા નામની... આશિષે કરેલું એક મહાન કામ! આ સેફ્ટી ડોરનું લૅમિનેશન, મેઇન ડોરની ડિઝાઇન... અરે, આ બહારનાં ડેકોરેટિવ પીસ, આ આર્ટિફિશ્યલ પ્લાન્ટ્સ, એમાં લાગેલાં ફૂલોના કલર... આશિષે કેટલી બધી ચીવટથી પસંદ કર્યા હતા!’
શાલિનીએ નેમપ્લેટને હળવા હાથે પંપાળી. છેલ્લા એક મહિનાથી બેસતી જતી ધૂળ આંગળીઓ પર લાગી ગઈ. દુપટ્ટાનો છેડો હાથમાં લીધો. દુપટ્ટાને છેડે સુકાઈ ગયેલી ખારાશ હાથની આંગળીઓ પર અનુભવાઈ ગઈ. એ ખારાશને ખંખેરતી હોય એમ છેડાને જરાક ઝાટક્યો. પછી નેમપ્લેટને ધીરે-ધીરે લૂછી. ધૂળના આવરણ નીચે ઝાંખું દેખાતું નામ હવે સ્પષ્ટ દેખાવા લાગ્યું. રોઝ ગોલ્ડ કલરમાં લખાયેલું નામ જરાક-જરાક ચમકવા લાગ્યું હોય એમ કળાયું. શાલિની ધીરે પગલે દરવાજાની અંદર આવીને સોફા પર બેસી પડી. હૉલમાં આસપાસ નજર ફેરવતી રહી.
‘આ ફ્લૅટ, આ હૉલની સજાવટ, આ સેન્ટર ટેબલ, આ ફ્રેમ... એક-એક નાની-મોટી વસ્તુઓ સાથે આશિષની પસંદ અને યાદો જોડાયેલી છે. પાંચ વર્ષ થઈ ગયાં અહીં આવ્યે. મને ક્યાં જરાય મન હતું માટુંગાથી સાઉથ મુંબઈ આવવાનું!’
મન પાછું ઉદાસ થઈ ગયું. ‘ત્યાં રહેતાં હોત તો અત્યારે આમ આટલા મોટા ઘરમાં હું એકલી ન હોત. કેવો સરસ પાડોશ, મારું ફ્રેન્ડસર્કલ બધું જ વિખૂટું પડી ગયું!’
શાલિની ગુમસૂમ થઈને બેસી જ રહી. આમ અચાનક આવો ખાલીપો! શૂન્ય નજરે દીવાલોને તાકી રહી.
‘છોકરાઓ ઍરપોર્ટ પહોંચી ગયા હશે. ફોન કરું? ના, ફ્રી થશે એટલે એ લોકો જ કરશે. હું કરું ત્યારે કદાચ ફોન ન લઈ શકે. ઇમિગ્રેશન, લગેજ બધામાંથી પરવારીને એ લોકો જ કરશે.’
‘અહીં તો પાડોશમાંથી પણ કોઈ નહીં ડોકાય! આશિષ વખતે ફૉર્માલિટી નિભાવવા પૂરતા બધા ઉભડક પગે આવી ગયા! હવે તો હું અને આ ઘર બેઉ એકલાં! એકબીજા સાથે વાતો કરીશું! આ ઘર મારો અવાજ ઓળખશે? આશિષ પરીખને બદલે મારા અવાજને સ્વીકારશે?’
શાલિનીની નજર ફરતી-ફરતી ખૂણામાં આવેલી ભારતીય બેઠક પર અટકી.
‘આશિષે આ કૉર્નર બનાવવા માટે પણ કેટલી મગજમારી કરી હતી! આખી વૉલ તોડીને આ એરિયા બન્યો હતો.’ તે ત્યાં જઈને બેસી પડી.
સજાવટ માટે રાખેલી સિતાર અને તબલાં પર થોડી ધૂળ દેખાઈ. જરાક હાથ ફેરવ્યો ત્યાં સિતાર રણઝણી ઊઠી! એ રણઝણથી અંદર કશુંક ખળભળ્યું કે શું થયું, સીધી ઊભી થઈને બેડરૂમમાં ગઈ.
‘શાલિની, જ્યારે ને ત્યારે આ તુનતુનિયા લઈને મંડી ન પડ. ખબર છે વિશારદ છે મોટી! ક્યારેક કોઈ પાર્ટીમાં એકાદ-બે રાગ ગાઈ નાખવા, મારું માથું ન ખાવું.’ ત્યાર પછી સિતાર થોડું-થોડું રડી લેતી, જ્યારે લતાબાઈ એના પરની ધૂળ ઝાટકતાં કે ક્યારેક સિતારના તાર સાફ થતા ત્યારે.
આંખ પર હાથ રાખીને ક્યાંય સુધી પડી રહી. આંખો સખત રીતે ભીડી લીધી.
‘ના, હવે ઊભા તો થવું જ પડશે. કાલે જ મંદાએ કહ્યું હતું કે જીવવું તો પડશે જ! તો જીવીને જીવવાનું!’
શાલિનીએ પોતાની જાતને બળપૂર્વક ઊભી કરી. તે બાલ્કનીમાં ગઈ અને પડદાઓ ખેસડ્યા. સ્લાઇડિંગ ગ્લાસ ખસેડીને આખી બાલ્કની ખુલ્લી કરી નાખી. ત્રણ સાઇડથી ખુલ્લી બાલ્કની પૅક કરવાનો ફેંસલો તો આશિષનો હતો. પોતાની ઇચ્છા તો... ખેર... શાલિની નમતી સંધ્યાનો સોનેરી ઉજાસ જોઈ રહી.
‘સાંજ ઢળતાં પહેલાં બધું જ સૌંદર્ય વિખેરવા માગે છે કે સૌંદર્ય સાથે ઢળવા માગે છે?’
જવાબની રાહ જોતી હોય એમ આકાશ સામે તાકી રહી. પાછી બેડરૂમ તરફ ફરી. ‘આ બેડ, વૉર્ડરોબ, પડદા અને પડદાની અંદર બધું જ, બધું જ આશિષની પસંદ, ઇચ્છા અને મરજી.’
વૉર્ડરોબ ખોલીને છેક નીચેના ખૂણામાંથી એક પૅકેટ બહાર કાઢ્યું. નેવી બ્લુ કલરનો ડ્રેસ બહાર કાઢ્યો. ‘કેટલો સરસ છે!’ આશિષને પૂછ્યા વગર પહેલી વાર આટલો મોંઘો ડ્રેસ લઈ આવી હતી.
ડ્રેસ હાથમાં લઈને બેસી પડી.
‘કેવો બકવાસ કલર છે. તને સમજ ન પડે તો મને પૂછવું તો હતું! બસ, બપોર પડે ને પર્સ લઈને નીકળી પડવું અને જે મળે એ લઈ લેવું! શું એસ્થેટિક સેન્સ! શું ટ્રેન્ડ! આવો ડાર્ક કલર? કોઈ પેસ્ટલ શેડ્ઝ લેવાયને?’
શાલિનીએ ડ્રેસ બેડ પર ફેલાવ્યો. દુપટ્ટો પણ પાથર્યો.
‘ના, ડ્રેસ તો સરસ જ છે. મંદા સાથે હતી. તેણે પણ કહ્યું હતું. તેની ને મારી ડ્રેસિંગ-સેન્સ કૉલેજ અને મ્યુઝિક-ક્લાસમાં ચર્ચાનો વિષય હતી. કેવા સંયોગ કે મંદા છ મહિના પહેલાં આ બુટિકમાં જ સાવ અચાનક મળી ગયેલી. સારું જ થયું. એક મહિનામાં પાંચ વાર આવી ગઈ આશિષનું બન્યા બાદ... કેટલી બિઝી હોવા છતાં પણ!’
શાલિનીએ ડ્રેસિંગ-ટેબલ સામે જઈને પોતાના પર લગાવ્યો, પછી પહેરીને અરીસામાં પોતાને નિરખી રહી. પાછી બારી પાસે ગઈ. સાંજ ઢળી ગઈ હતી. શ્યામલ આકાશમાં ટમટમતા તારા અને ઓઢણીમાંનું બાદલાવર્ક તેને સરખાં લાગ્યાં.
‘અરે! છોકરાઓ ઍરપોર્ટ પહોંચી ગયા હશે. ઉતાવળમાં ફોન નહીં કરી શક્યા હોય. મારે ત્યાં નથી જ જવું, કમસે કમ હમણાં થોડો સમય તો નહીં જ.’
શાલિનીને નવાઈ લાગી. ‘હું આટલું ફર્મલી વિચારી શકું છું! ફરીથી! ખરેખર?’
તેને યાદ આવ્યું કે દીકરાએ સત્સંગમાં જવાનું કહ્યું ત્યારે પણ પોતે શું જવાબ આપ્યો હતો.
કિચનમાં ગઈ ત્યાં ફોનની બેલ વાગી. રજતનો ફોન હતો. ‘અચ્છા! સરસ... પહોંચીને તરત ફોન કરજો. ના, હું કહીશ ત્યારે જ. જ્યારે મને મન થશે ત્યારે જણાવીશ. ત્યાં સુધી તમે લોકો આઠ-દસ મહિને આવતા જ રહેશોને. ત્યાં પહોંચો એટલે નિરાંતે વાત કરીશું. બાય બેટા!’
સરસમજાની કૉફી બનાવીને હૉલમાં આવી. સોફા પર આરામથી ફેલાઈને બેઠી. સેન્ટર ટેબલ પર પગ ટેકવીને ટીવી ચાલુ કર્યું. આરામથી કૉફીના ઘૂંટ ગળે ઉતારવાનો વૈભવ માણ્યો.
મંદાને ફોન કર્યો, ‘સાંભળ મંદા, આવતા મહિને જે રણોત્સવ પ્રવાસમાં તું જવાની છેને એમાં મારું પણ બુકિંગ ફાઇનલ રાખજે. ત્યાં સુધીમાં હું સિતારવાદન માટે પણ તૈયાર થઈ જઈશ. એક કામ કરીએ. આજે ડિનર સાથે લઈએ અને બધું પ્લાન કરી લઈએ. ના, ના... કોઈના પણ ઘરે નહીં. બહાર જ જમીશું.’ પછી ઉમેર્યું, ‘રિહર્સલ અહીં જ રાખીશું, મારા ઘરમાં જ.’
અને શાલિનીએ સિતાર પરની ધૂળ પૂરેપૂરી ખંખેરીને તાર મેળવવાની શરૂઆત કરી.
(સ્ટોરી: દીના રાયચુરા)
ADVERTISEMENT