Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જો શબ્દો હશે તો વાત કે વિચાર રજૂ કરવાની અભિવ્યક્તિ આવશે

જો શબ્દો હશે તો વાત કે વિચાર રજૂ કરવાની અભિવ્યક્તિ આવશે

Published : 15 June, 2023 04:23 PM | IST | Mumbai
JD Majethia

જો ગુજરાતી ભાષાને વધુ આયુષ્ય આપવું હશે તો નક્કર કામ કરવું પડશે અને એ નક્કર કામ કરવું હશે તો ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કરતાં ગુજરાતી નાટકોને સપોર્ટ કરવો પડશે

પ્રતીકાત્મક તસવીર

જેડી કૉલિંગ

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતી ભાષા બચાવવા માટે અભિયાન ચલાવવાથી કે પછી એની ચિંતા કરતાં ફંક્શનો કરવાથી કશું વળવાનું નથી. જો ગુજરાતી ભાષાને વધુ આયુષ્ય આપવું હશે તો નક્કર કામ કરવું પડશે અને એ નક્કર કામ કરવું હશે તો ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કરતાં ગુજરાતી નાટકોને સપોર્ટ કરવો પડશે


હું નિયમિત નાટકો જોઉં અને મારી દીકરીઓને પણ દેખાડું. આજના સમયમાં પેરન્ટ્સ તેમનાં સંતાનોને વાંચતાં-લખતાં ન શીખવી શકે એવું બની શકે. બને કે તેમની ફાસ્ટ લાઇફ વચ્ચે એ બાળકોને એટલો સમય ન આપી શકે, પણ તે ગુજરાતી ભાષા સમજવાની અને બોલવાની ક્ષમતા તો આપી શકે અને આ ક્ષમતા ગુજરાતી નાટકો દ્વારા મળે છે.



ગુજરાતી ભાષાને ટકાવી રાખવી હોય તો એનાં ચાર માધ્યમ છે; લખવું, વાંચવું, બોલવું કે સાંભળવું. આ ચાર માધ્યમમાંથી નવી જનરેશન માટે ગુજરાતી લખવાનું હવે સાવ છૂટી ગયું છે તો એ લોકો ગુજરાતી વાંચતા પણ નથી. વાત રહી બાકીનાં બે માધ્યમની એટલે કે બોલવું અને સાંભળવાનું; તો આપણાં સંતાનો, ખાસ કરીને મુંબઈમાં રહેતા ગુજરાતીઓનાં સંતાનો ગુજરાતી બોલતાં પણ નથી. ઘરની બહાર અંગ્રેજી, હિન્દી અને મરાઠી એમ ત્રણ ભાષાનો ઉપયોગ થાય છે, તો ઘરમાં પણ ખાસ ગુજરાતી બોલતાં નથી અને જે બોલાય છે એ સાચું કહું તો ખપ પૂરતી અને ઘણી ફૅમિલીમાં તો પેરન્ટ્સ જનરેશન પણ ગુજરાતીમાં વાતો કરી શકતાં નથી એટલે બને છે એવું કે આપણાં સંતાનોનું ગુજરાતીનું શબ્દભંડોળ બહુ નબળું થઈ ગયું છે. બાકી રહ્યું ચોથું માધ્યમ અને એ માધ્યમ છે ગુજરાતી સાંભળવું. ગુજરાતી સાંભળવાની બાબતમાં મેં તમને કહ્યું એમ કે ઘરમાં ગુજરાતી કે સાચી ગુજરાતીનો પ્રયોગ થતો નથી એટલે આપણો આધાર બે જ જગ્યાએ રહે છે. એક, ગુજરાતી ફિલ્મો અને બીજું, ગુજરાતી નાટકો.


ગુજરાતી ફિલ્મોમાં પણ હવે નૅશનલાઇઝેશન થઈ ગયું છે, પણ ગુજરાતી નાટકો આજે પણ હજી ભાષાને સાચવીને બેઠાં છે ત્યારે આપણી ફરજ બને છે કે આપણે એ નાટકોને સાચવીએ અને એનો વ્યાપ વધારીએ. ગયા ગુરુવારે તમને કહ્યું એમ, પોસ્ટ-કોવિડની અસર ગુજરાતી રંગભૂમિ પર વધારે આકરી પડી છે. અત્યારે આમ પણ ફિલ્મોની હાલત ખરાબ છે એવા સમયે સ્થાનિક ભાષાની ઇન્ડસ્ટ્રી તો નબળી રહેવાની જ, પણ નાટકો કે લાઇવ આર્ટને આ વાત સીધી લાગુ નથી પડતી. તમે બંગાળી અને મરાઠી થિયેટર જુઓ, બહુ સરસ કામ કરે છે, પણ એકમાત્ર ગુજરાતી થિયેટર છે જેની હાલત નબળી છે. એ નબળી હાલત આપણે સુધારવાની જરૂર છે અને આપણે એને વધારે સબળું બનાવવાની દિશામાં કામ કરવા માટે જેકોઈ ફરજ છે નિભાવવાની છે. આપણી ફરજ કઈ-કઈ છે એના વિશે ગયા ગુરુવારે વાત કરવાની શરૂ કરી અને તમને કહ્યું હતું એમ, આપણી પહેલી ફરજ છે કે આપણે ગુજરાતી નાટક જોવા જઈએ. 

બેસ્ટ નાટક જ જોવા જવું એવું કરવાને બદલે સારું નાટક હોય, ઍવરેજ નાટક હોય અને આપણે એ જોવા જવાની આદત પાડીએ. એના બે ફાયદા થશે. ઑડિયન્સ આવશે તો નાટકોની ગુણવત્તા બાબતે નિર્માતા પણ સજાગ થશે અને નાટકોની ગુણવત્તા સુધરશે તો તેમનો કૉન્ફિડન્સ વધશે તો એ પણ નવાં અને પ્રયોગાત્મક નાટકોની દિશામાં કામ કરતા થશે. મારું સ્ટ્રૉન્ગ રેકમેન્ડેશન છે કે આપણે એવું કરીએ કે રવિવારે એક નાટક જોવું એટલે જોવું. ધારો કે આપણને આગળની ટિકિટ પરવડતી ન હોય તો આપણે વચ્ચેની કે પાછળની ટિકિટ લઈને પણ નાટક જોઈ શકીએ છીએ એટલે એવું માનવું નહીં કે બજેટ બહુ વધશે. આપણામાંથી ઘણા લોકો સામાન્ય રીતે દર રવિવારે ફિલ્મ જોવા જાય છે. હિન્દી ફિલ્મ જોવા જવાને બદલે આપણે આપણી ભાષાનું નાટક જોવા જઈશું તો એનો સપોર્ટ નાટકને અને નાટક દ્વારા આપણી ગુજરાતી ભાષાને થવાનો છે. યાદ રાખજો કે અહીં વાત આપણે આપણા શોખની નથી કરતા, આપણે વાત ગુજરાતી ભાષાને સપોર્ટ કરવાની કરીએ છીએ અને જો એક વાર સપોર્ટ મળવાનું શરૂ થયું તો એવું બનશે કે નિર્માતા પણ સમજશે કે ચાલો લોકો સપોર્ટ કરે છે તો આપણે ટિકિટના ભાવ ઘટાડીએ. આ અરસપરસના સંબંધ છે અને સંબંધ જ્યારે અરસપરસના હોય ત્યારે બન્ને પક્ષે આગળ વધવાની ભાવના રાખવી પડે. નિર્માતાઓ નાટક બનાવી જ રહ્યા છે, એ અટક્યા નથી એટલે હવે અરસપરસના સંબંધોના દાવે આપણે આગળ વધવાનું છે અને આપણે નાટક જોવા થિયેટર સુધી જવાનું છે. 


નાટકોની ટિકિટની દલીલ તમને સૂઝતી હોય તો એનો એક જવાબ હું જ તમને આપી દઉં. આજે ખર્ચા એટલા વધી ગયા છે કે કલ્પના પણ ન થઈ શકે. થિયેટરનાં ભાડાં ઓછાં કરવાની બાબતમાં પણ આપણે જાગ્રત થવું પડશે અને જે વગશાળી લોકો છે (હું પણ એમાંનો જ એક છું એ સ્વીકારું છું એટલે આ વાત મને પણ લાગુ પડે છે) એણે થિયેટરનાં ભાડાં ઘટે એને માટે ગવર્નમેન્ટનાં જે-તે ખાતાંઓ પાસે રજૂઆત કરવી પડશે અને અસરકારક રીતે પરિણામ લાવવું પડશે, તો ગુજરાતી છાપાંઓ જે છે એણે પણ પોતાની જાહેરખબરના ભાવ ગુજરાતી રંગભૂમિ માટે ઘટાડવાની નીતિ દાખવવી જોઈશે. કહ્યું એમ, રંગભૂમિ ટકશે તો ગુજરાતી ભાષા ટકશે અને ગુજરાતી ભાષા ટકશે તો ગુજરાતી વાચક અકબંધ રહેશે. આપણો હેતુ એક જ છે, ગુજરાતી ભાષાને કેવી રીતે ટકાવવી અને કેવી રીતે એનું આયુષ્ય લાંબું કરવું. મને આ દિશામાં અસરકારક રીતે એક રસ્તો દેખાય છે. ખર્ચા ઓછા થશે તો નાટક આગળ ચાલશે અને નાટક આગળ ચાલશે તો આપણી ભાષા અમુક વર્ષો ખેંચાઈ જશે. હું કોઈ એવા સંમેલનમાં નથી માનતો જેમાં ભાષા બચાવવા માટેનાં લેક્ચર આપીને એને બચાવી શકાય. ના, હું એમાં નથી માનતો. ગુજરાતી ભાષાને બચાવવા માટે નક્કર દિશામાં કામ કરવું પડશે અને એ નક્કર દિશા ગુજરાતી નાટકો પાસેથી પસાર થાય છે.

એવું નથી કે આપણે ફન્ડ આપીએ છીએ. ના, જરાય નહીં. ગુજરાતી નાટકો મનોરંજક હોય છે, મજા જ આવતી હોય છે. આજે ઘણા લોકો એવા છે જેઓ શુક્ર-શનિ-રવિમાં પિક્ચર જોવા જતા રહે છે. ઘણી વાર તો રિવ્યુ પણ નથી વાંચતા. બસ, અમુક સ્ટારના પિક્ચર જોવા એટલે એ જોવા એવી માનસિકતા હોય છે. આવી માનસિકતા ગુજરાતી અને ગુજરાતમાં મેં બહુ જોઈ છે. પૈસા ખર્ચીને ફિલ્મ જોઈ આવે અને પછી કહે કે પિક્ચર કચરો હતી, પણ હું કહીશ કે જરા રાહ જુઓ અને દર વીકે ફિલ્મ જોવા જવાની માનસિકતા છોડીને મહિનામાં ઍટ લીસ્ટ એકાદ-બે પિક્ચરનું બજેટ ગુજરાતી નાટકોને આપી શકો તો આપો. આ નાટકો તમારી ભાષાને બચાવવાનું કામ કરે છે. તમને શબ્દભંડોળ આપે છે, તમને વિચારવાની ક્ષમતા આપે છે અને એ બધું મનોરંજનની સાથે મળે છે તો પછી શું કામ એવું વિચારવું કે ના, આપણે પિક્ચર જોઈએ. મારી વાત કરું તો, મને તો જ્યારે પણ તક મળે ત્યારે હું મારી દીકરીઓને લઈને નાટક જોવા જાઉં છું. હું નિયમિત નાટકો જોઉં અને મારી દીકરીઓને પણ દેખાડું. આજના સમયમાં પેરન્ટ્સ તેમનાં સંતાનોને વાંચતાં-લખતાં ન શીખવી શકે એવું બની શકે. બને કે તેમની ફાસ્ટ લાઇફ વચ્ચે એ બાળકોને એટલો સમય ન આપી શકે, પણ મજાની સાથે તો તે ગુજરાતી ભાષા સમજવાની અને બોલવાની ક્ષમતા તો આપી શકે અને આ ક્ષમતા ગુજરાતી નાટકો દ્વારા મળશે.

મારી દીકરીઓને જો મેં ગુજરાતી નાટકો ન દેખાડ્યાં હોત તો કદાચ તેમનું શબ્દભંડોળ બહુ પાતળું હોત, પોતાની વાત કહેવા માટે તેમની પાસે બહુ ઓછા શબ્દો હોત. શબ્દો તમારા વિચારને અભિવ્યક્તિ આપે, શબ્દો તમારી લાગણીઓને વાચા આપે અને શબ્દો તમારી વાતને વજનવાળી બનાવે. આ કામ ત્યારે જ શક્ય બને જ્યારે તમારાં સંતાનો પાસે શબ્દો હશે અને શબ્દો ત્યારે જ હશે જ્યારે એ તમારાં સંતાનો પાસે પોતાની વાત કહેવા માટેના વિચાર હશે. ભાષા વિચાર આપે અને ગુજરાતી ભાષામાં વિચારવાનું કામ ત્યારે જ શક્ય બનશે જ્યારે એનો વ્યાપ વધશે. ગુજરાતીને વ્યાપ આપવાનું કામ ગુજરાતી નાટકો કરી રહ્યાં છે ત્યારે શું કામ આપણે આ અને આવતા ગુરુવારે કહીશ એ ફરજ પ્રત્યે સભાન ન બનીએ?

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2023 04:23 PM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK