કેટલાક સબ્જેક્ટ હોય જ એવા કે તમારી પાસે મરવાનો પણ સમય ન હોય અને એ પછી પણ એ સબ્જેક્ટ તમારી સામે આવી જાય અને તમે નક્કી કરી લો કે કંઈ પણ થાય, હું આ કરીશ. ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ એવો જ સબ્જેક્ટ છે
જેડી કૉલિંગ
`પુષ્પા ઇમ્પૉસિબલ`નો સીન
મા પાસેથી આપણે એટલું એક્સપેક્ટ કરીએ જાણે તે સુપરવુમન હોય. મા જ નહીં, દરેક સ્ત્રીને આ વાત લાગુ પડે છે. પછી એ ભાભી હોય, પત્ની હોય, બહેન હોય, દીકરી હોય કે કોઈ પણ ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલા હોય. જ્યારે મધરનું લેબલ લાગે ત્યારે તેની જવાબદારી વધી જાય છે.
‘પુષ્પા ઇમ્પૉસિબલ.’
ADVERTISEMENT
આ એક નવા શોનું ટાઇટલ છે, પણ દુનિયાનો દસ્તુર છેને કે કંઈ પણ નવાની પાછળનો ઇતિહાસ બહુ લાંબો અને ઇન્ટરેસ્ટિંગ હોય. અમારા નવા શો ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ સાથે પણ એ જ વાત લાગુ પડે છે. લાંબો અને ઇન્ટરેસ્ટિંગ ઇતિહાસ. જરા માંડીને વાત કહું. તમને ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ના મેકિંગની વાત બહુ ગમશે.
આપણો ‘વાગલે કી દુનિયા’ શો તો સરસ ચાલી જ રહ્યો છે. તમને મજા આવે છે, અમને મજા આવે છે અને બધા એમાંથી પુષ્કળ શીખી પણ રહ્યા છે. ‘વાગલે કી દુનિયા’ની શરૂઆત થોડી ટફ હતી એની તમને બધાને ખબર જ છે. શો શરૂ થયો એ સમયે પૅન્ડેમિક ચાલતું હતું. વચ્ચે સેકન્ડ વેવ આવી અને અમારા યુનિટની સેફ્ટી માટે અમે બાયો-બબલ જનરેટ કરવાના હેતુથી શૂટિંગ કરવા દક્ષિણ ગુજરાતના એક રિસૉર્ટમાં ચાલ્યા ગયા અને ત્યાં બેથી ત્રણ મહિના સાથે રહીને શૂટિંગ કર્યું. ‘વાગલે કી દુનિયા’એ રીતસર તહેલકો મચાવી દીધો, ટ્વિટર પર પણ ટ્રેન્ડિંગમાં આવી ગઈ, જે સામાન્ય રીતે કોઈ ટીવી-સિરિયલ આવતી નથી અને એ બધા વચ્ચે એક વર્ષ પણ પૂરું કર્યું.
‘વાગલે કી દુનિયા’ની સાથોસાથ અમે એક વેબ-સિરીઝ પણ પૂરી કરી, જેની હમણાં બહુ જાહેરાત આવી, અનાઉન્સમેન્ટ આવી અને પાર્ટીઓ પણ થઈ. ‘હૅપી ફૅમિલી-કન્ડિશન અપ્લાય’ નામની આ વેબ-સિરીઝ પણ ટૂંક સમયમાં રિલીઝ થશે.
આ બધા વચ્ચે હું એટલો બધો વ્યસ્ત હતો કે મનમાં એમ જ ચાલતું હતું કે હમણાં કશું નવું કામ કરવું નથી. કામ કરવું બહુ ગમે, પણ ડર હતો કે બધે પહોંચી વળી નહીં શકાય અને એ જ હકીકત છે. ૧૮-૧૮ કલાક કામ ચાલે, એ બધા વચ્ચે-વચ્ચે નવો શો કરવાની જગ્યા નામ પૂરતી પણ દેખાતી નહોતી. દૃઢપણે લાગતું હતું કે સમય આપી જ નહીં શકાય અને ધારો કે સમય આપી શકાશે તો પછી જોઈએ એવું રિઝલ્ટ આપી નહીં શકાય, પણ અમારા ફીલ્ડની એક ખાસિયત કહું. તમને સબ્જેક્ટ એવો જો મળી જાય તો તમને એવું જ લાગે કે બધું થઈ જશે, બધે પહોંચી વળાશે અને અમારી સાથે એવું જ થયું.
જ્યારે વિષય મળ્યો ત્યારે થયું કે હવે બધું છોડીને આને જ સમય આપવો જોઈએ, આના પર જ ધ્યાન આપવું જોઈએ, આ અને માત્ર આ જ સબ્જેક્ટ કરવો જોઈએ અને સાચું કહું તો વાત પણ એવી જ છે.
આજના આર્ટિકલની શરૂઆતમાં જ જેમ મેં કહ્યું કે શો નવો છે, પણ એની શરૂઆત થોડા વખત પહેલાંની છે અને ક્યાંક ને ક્યાંક એના બીજમાં વર્ષો પહેલાંની વાત છે. હવે આવીએ મૂળ વાત પર.
૬ જૂનથી અમારો બીજો શો ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ સબ ટીવી પર શરૂ થશે. ‘વાગલે કી દુનિયા’ દરરોજ રાતે નવથી સાડાનવ વાગ્યે આવશે અને એ પછી એટલે કે સાડાનવથી દસ વાગ્યે આવશે નવો શો ‘પુષ્પા ઇમ્પૉસિબલ’. ઇમ્પૉસિબલ શબ્દ અંગ્રેજી છે અને સિરિયલના ટાઇટલમાં ભાગ્યે જ અંગ્રેજી શબ્દનો ઉલ્લેખ થાય તો તમને થાય કે આ સિરિયલમાં કેમ અંગ્રેજી શબ્દનો વપરાશ થયો છે, કારણ કે સિરિયલનું લીડ કૅરૅક્ટર પુષ્પાનું પાત્ર એવું છે જે Impossible ને I’m possible તરીકે જુએ છે. આ એક જ વાત કેટલું બધું કહી જાય છે, સમજાવી જાય છે કે પરિસ્થિતિને જે રીતે જુએ અને એ જોઈને નિરાશ થઈ જાય, પણ આપણું પાત્ર એવી રીતે જુએ કે લાઇફમાં કશું જ અશક્ય કે અસંભવ નથી, બધું જ શક્ય છે. અશક્યમાંથી કે પછી અસંભવમાંથી ‘અ’ કાઢી નાખો તો બધું પૉસિબલ થઈ જાય એવી રીતે અને આ જ વાત ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં કહેવામાં આવી છે.
વાત શું છે અને એની શરૂઆત ક્યાંથી થઈ એ વાત પણ કહું.
અંદાજે પાંચેક મહિના પહેલાં સોની-સબ ચૅનલના કર્તાહર્તા બિઝનેસ-હેડ નીરજ વ્યાસજીનો મને એક મેસેજ આવ્યો. એ મેસેજ તેમણે આતિશ કાપડિયાને પણ મોકલ્યો હતો. મા-દીકરાની વાત હતી. મેસેજ પછી તેમણે મને ફોન કર્યો, પણ હું ક્યાંક અટવાયેલો હતો એટલે મારો ફોન રિસીવ ન થયો એટલે નીરજજીએ આતિશને ફોન કર્યો અને આતિશે કહ્યું કે તમે જેડીને ફોન કરો, તેની પાસે એક સબ્જેક્ટ છે અને જેડી એ સબ્જેક્ટ પર લાંબા સમયથી કામ કરે છે.
નીરજજીનો મને ફોન આવ્યો. મેં તેમને કહ્યું કે વિષય તો સરસ છે, પણ મને થોડો સમય આપો, હું તમને જણાવું. મારો જે વિષય હતો એ બહુ જુદો હતો. મને એમ હતું કે ટીવી પર માનો રોલ આપણે બહુ ખરાબ રીતે દેખાડી રહ્યા છીએ. ટીવી-સિરિયલમાં માને બહુ ખોટી રીતે બહુ ચીતરવામાં આવી છે. મા તે મા હોય. અદ્ભુત વ્યક્તિત્વ હોય છે માનું. આપણે તેની પાસે એટલું બધું એક્સપેક્ટ કરીએ છીએ, જાણે મા આપણે માટે સુપરવુમન જ છે અને મારું પણ માનવું છે જે કે મા સુપરવુમન તો છે જ, પણ આ સુપરવુમન પોતાની બધી જવાબદારી નિભાવવામાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે તે પોતાની જિંદગી જીવતી નથી, બીજા બધાને ખુશ રાખવામાં અને બીજા બધાએ લગાવેલું લેબલ નિભાવવામાં માની જિંદગી આખી નીકળી જાય છે.
મા જ નહીં, દરેક સ્ત્રીને આ વાત લાગુ પડે છે. પછી એ મારી ભાભી હોય, મારી પત્ની હોય, બહેન હોય, દીકરી હોય કે સમાજના કોઈ પણ ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલા હોય. જેટલા લોકોને મેં જોયા છે એ બધાને આ વાત સીધી જ લાગુ પડી જાય છે. જ્યારે સ્ત્રીને એક લેબલ લાગે મધરનું ત્યારે તેની જવાબદારી વધી જાય છે.
એ જોઈને મને હંમેશાં થાય કે આવું શા માટે?
એવો સમાજ કેમ આપણે ઊભો કર્યો, કેમ આપણાથી એવો સમાજ ઘડાઈ ગયો? અને ધારો કે એવું થઈ પણ ગયું તો પછી આપણે કેમ એને બદલવાની કોશિશ ન કરી?
એવું નથી કે એવો પ્રયાસ બિલકુલ નથી થયો. અમુક અંશે એ કોશિશ થઈ છે, પણ છૂટીછવાઈ. ફરીથી આપણે શોની વાત પર આવીએ. સ્ત્રીઓમાં જે ખામી હોય છે એ ખામી સાથે તેમને જીવવાનો અધિકાર છે. તેને કરેક્ટ કરવામાં કોઈ એવી વાત ન હોવી જોઈએ કે તેમનું ક્યાંય પણ સ્વમાન ઘવાય. હું માનું છું કે તેમને એ જવાબદારીમાંથી મુક્ત કરવી જોઈએ જેની પાછળ તે આખી જિંદગી ખર્ચી નાખે છે. જવાબદારીમાંથી મુક્ત કરીને તેમને સાઇડ પર બેસાડી નથી દેવાની. ના, કહેવાનું છે કે તમે તમારી જિંદગી જેમ જીવવા ઇચ્છો છો એમ જીવો અને કશું આડુંઅવળું થાય તો એનો કળશ જાતે જ તમારા પર રેડી દેવાને બદલે સહજ રીતે તમારી જિંદગી પણ જીવો.
રોજ સવારે જાગે અને બધા માટે જીવતાં-જીવતાં પોતાનો દિવસ ક્યારે પૂરો થઈ જાય એની પણ માને ખબર નથી હોતી. આપણી પુષ્પા એવી જ છે, પણ તેની પોતાની એક મિસ્ટરી પણ છે. પુષ્પાના હસબન્ડનું શું થયું એની કોઈને ખબર નથી. પુષ્પા નાની હતી ત્યારે તેના પિતા ગુજરી ગયા એટલે તેણે સ્કૂલ છોડી દેવી પડી, જે ઘણી છોકરીઓના કિસ્સામાં બનતું હોય છે.
સત્તરમા વર્ષે તો પુષ્પાને પરણાવી દેવામાં આવી અને પુષ્પાને ત્રણ છોકરાં થઈ ગયાં. વર તો કામ માટે ગામમાં ભટકતો રહેતો. આગળ તમને કહ્યું એમ, વરની મિસ્ટરી છે. તે અચાનક ગાયબ થઈ ગયો કે મરી ગયો એની વાતમાં આપણે પડતા નથી. પુષ્પા સ્ટ્રગલ કરીને, વરને શોધવા તેની પાછળ મુંબઈ આવી. મુંબઈની ચાલમાં રહી. મુંબઈ આવી ત્યારે એક દીકરી પેટમાં હતી અને એક હાથમાં ૩ વર્ષનો અને બીજા હાથમાં ૬ વર્ષનો નાનો દીકરો. મુંબઈ આવી પુષ્પાએ ટિફિન-સર્વિસ શરૂ કરી. પેટે પાટા બાંધીને છોકરાંઓને ભણાવ્યાં, મોટાં કર્યાં, પણ છોકરાંઓ પર માની જ છાયા ન રહે. એકલી મા, કામમાં બિઝી, ઘર પણ ચલાવતી હોય અને એ પછી પણ તેણે બહુ સરસ રીતે પાળીપોષીને છોકરાંઓને મોટાં કર્યાં, પણ એમ છતાં છોકરાંઓ બહારથી સંસ્કાર લે તો ખરાંને. એવું જ બન્યું પુષ્પાની લાઇફમાં પણ. મોટો દીકરો બહુ સારો, સમજુ. વચલો દીકરો થોડો આડા પાટે પણ થોડો. નાનીમોટી ઘરમાં ચોરી કરી લે. નાની દીકરી બહુ અણસમજુ. તેને લાગે છે કે માને બહાર કાઢવા જેવી જ નથી, તેને બોલતાં પણ નથી આવડતું.
‘પુષ્પા ઇમ્પૉસિબલ’ની વધુ વાતો કરીશું આપણે આવતા ગુરુવારે, પણ એ પહેલાં સોમવારે જોવાનું ચૂકતા નહીં. નવી જનરેશનની આ નવી માને.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)