છેલ્લાં બાવીસ વર્ષથી ગુઢીપાડવાના દિવસે ગિરગામ વિસ્તારમાં ભલભલાની આંખો ચોંકી જાય એવા દબદબા અને ભપકા સાથે નવા વર્ષનું સ્વાગત કરતો વરઘોડો નીકળે છે.
ગુઢીપાડવાની ગિરગામની શોભાયાત્રા ગ્લોબલ આકર્ષણ બની
છેલ્લાં બાવીસ વર્ષથી ગુઢીપાડવાના દિવસે ગિરગામ વિસ્તારમાં ભલભલાની આંખો ચોંકી જાય એવા દબદબા અને ભપકા સાથે નવા વર્ષનું સ્વાગત કરતો વરઘોડો નીકળે છે. પચાસથી વધુ રથ અને વિશિષ્ટ રીતે ડેકોરેટ કરેલી ટ્રક, નવવારી સાડીમાં બાઇક-બુલેટ ચલાવતી મહિલાઓ, લેજીમ ડાન્સ, ઢોલ-તાશા, ટ્રકમાં મલખંભનું પ્રદર્શન જેવાં મહારાષ્ટ્રની અસ્મિતાને ઉજાગર કરતાં અઢળક આકર્ષણોનો આ મેળાવડો જોવા જેવો હોય છે. આવતી કાલે યોજાનારી આ શોભાયાત્રા મિસ કરવા જેવી નથી
ઉત્સાહ, ઉત્સવ અને સંસ્કૃતિનો અનોખો સંગમ હોય અને લાખોની જનમેદની વચ્ચે મહારાષ્ટ્રની ગરિમાનો સતત પરચો મળતો હોય એવો માહોલ જોવા માટે છેલ્લાં બાવીસ વર્ષથી ગિરગામમાં દર વર્ષે ગુઢીપાડવાના દિવસે યોજાતી શોભાયાત્રામાં ગયા વિના છૂટકો નથી. મુંબઈનાં કેટલાંક સ્થળો જ નહીં પરંતુ મુંબઈમાં યોજાતાં કેટલાંક આયોજનો પણ ઇતિહાસ રચનારાં છે. પાવરપૅક્ડ દબદબો અને પ્રભાવ ધરાવતી ખાસ ઉજવણી એટલે સ્વામી વિવેકાનંદ યુવા પ્રતિષ્ઠાન દ્વારા ગુઢીપાડવાના દિવસે યોજાતી ગિરગામના પાડવાની શોભાયાત્રા. જે ઉત્સાહને શબ્દોમાં લખી ન શકાય પણ તસવીરો થકી જોઈ શકાય અને વ્યક્તિગત હાજરી આપીને અનુભવી શકાય એવા આ અનોખા આયોજનમાં ભાગ લેવાની તક મુંબઈકરો પાસે છે. આ શોભાયાત્રા દરમ્યાન અનેક સાંસ્કૃતિક આકર્ષણોનો હિસ્સો બની શકો છો. ઢોલ, તાશા, ધ્વજપથકનાં પ્રદર્શનો, લોકનૃત્ય, બાઇકરૅલી અને એ બધાની સાથે પ્રત્યેક વ્યક્તિ ધોતી, કુરતા, નવવારી સાડી, સાફા સાથે ઍટ્રૅક્ટિવ પારંપરિક પોશાકમાં સજ્જ થયેલી જોવા મળે. આ ક્ષણના સાક્ષી બનવું એ પોતાનામાં જ એક લહાવો છે. માત્ર લોકો જ નહીં પણ શોભાયાત્રા જ્યાંથી પસાર થવાની છે એ આખો વિસ્તાર રંગોળી, તોરણો અને આસપાસના બિલ્ડિંગો ગુઢી, તોરણોથી સજાવેલાં હોય છે.
ADVERTISEMENT
આવતી કાલે ગુઢીપાડવા છે અને ગિરગામની અનોખી શોભાયાત્રા યોજાવાની છે ત્યારે એના વિશેની ખાસમખાસ વાતો અને એમાં દર વર્ષે ભાગ લેતા લોકોના રોમાંચક અનુભવો જાણી લો.
ભારતનાં પહેલાં મહિલા ડૉક્ટરથી લઈને અનેક અગ્રણીઓ ગિરગામમાં જન્મ્યા છે અને તેમણે દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપ્યું છે. સાઉથ મુંબઈનો આ નાનકડો વિસ્તાર ખાસ છે એમ જણાવીને સ્વામી વિવેકાનંદ યુવા પ્રતિષ્ઠાનના આ વર્ષના અધ્યક્ષ શ્રીધર આગરકર કહે છે, ‘૨૦૦૩માં અમારા પ્રમુખ પરાગ વેદકની પ્રેરણાથી આ શોભાયાત્રાની શરૂઆત થઈ હતી. લોકો ૩૧ ડિસેમ્બરે નવ વર્ષનું સેલિબ્રેશન કરતા, પરંતુ આપણું ખરું નવું વર્ષ તો ગુઢીપાડવા છે જે પ્રકૃતિ સાથે જોડાયેલું છે. આ અવેરનેસ લાવવા માટે આ ઇનિશ્યેટિવ શરૂ થયું અને લોકલમાંથી ગ્લોબલ સ્તર પર અમારી શોભાયાત્રા પહોંચી ગઈ છે એનો આનંદ છે.’
અપર્ણા બેડેકર
શોભાયાત્રાના આયોજનમાં શરૂઆતથી જોડાયેલાં સંસ્થાની સ્વાગત સમિતિનાં કાર્યકર્તા અને શોભાયાત્રામાં પહેલા જ વર્ષે બુલેટ અને નવવારી સાડી સાથે ભાગ લેનારાં અપર્ણા બેડેકર કહે છે, ‘ભગવાન રામ અયોધ્યા પાછા ફર્યા અને તેમણે રાવણ સામે જીત મેળવી એના પ્રતીકમાં આ ગુઢીની પરંપરા શરૂ થઈ. તેમના સ્વાગતમાં સેલિબ્રેશન શરૂ થયું. બીજું, કુદરતી રીતે પણ વસંત ઋતુ નવી શરૂઆતને સૂચવે છે. ચૈત્ર મહિનામાં ઝાડ પર નવી કૂંપળો ફૂટે. પ્રકૃતિ સોળે કળાએ આ ઋતુમાં ખીલવાની શરૂ થાય એ રીતે પણ ગુઢીપાડવા ખાસ છે. પહેલા જ વર્ષે અમે આદિ શક્તિ પથકની શરૂઆત કરી હતી, જેમાં મહિલા નવવારી સાડી સાથે બુલેટ પર બેસીને ભાગ લે. એવું કરવા પાછળનો આશય સંસ્કૃતિ અને આધુનિકતાનો સંગમ કરવાનો હતો. અમારે સંદેશ આપવો હતો કે સાંસ્કૃતિક ધરોહર સાથે જોડાયેલા રહીને પણ એટલે કે નવવારી સાડી પહેરીને પણ મહિલા આધુનિકતા એટલે કે બુલેટ, જેના પર મોટા ભાગે પુરુષોનું આધિપત્ય મનાય છે, એને અપનાવી શકે છે. સાત વર્ષ પહેલાં અમે મૅગેઝિન પણ શરૂ કર્યું છે જેમાં આ શોભાયાત્રા અને એની સાથે સંકળાયેલી વાતો વિશે લખીએ છીએ જેની હું સંપાદક છું.’
મનીષ વડકે
અત્યારે આદિ શક્તિ પથકમાં લગભગ દોઢસો મહિલાઓ જોડાયેલી છે જેઓ બુલેટ અને નવવારી સાડી સાથે શોભાયાત્રામાં ભાગ લે છે. આ વર્ષની થીમ વિશે વાત કરતાં અપર્ણા બેડેકર કહે છે, ‘આ વર્ષે કેન્દ્ર સરકારે મરાઠી ભાષાનું સન્માન વધાર્યું છે એને ધ્યાનમાં રાખીને અમારી થીમ ‘માતૃભાષેલા ઘાલૂ સાદ, માય મરાઠી અભિજાત’ રાખી છે. દરેક માતૃભાષા પ્રત્યેની સભાનતા વધે અને સાથે મરાઠીનું ગૌરવ પણ વધે એવો અમારો સંદેશ છે.’ આ વર્ષે કેટલાંક નવાં આકર્ષણોમાં પણ આ શોભાયાત્રામાં જોવા મળશે. એ વિશે માહિતી આપતાં શ્રીધર આગરકર કહે છે, ‘અમારું ગિરગામ ભોજ પથક છે એ ગિરગામ ચોકમાં નરસિંહ અવતારનું નાટ્યાત્મક પ્રેઝન્ટેશન કરશે, જેમાં લગભગ ૬૫૦ લોકો ભાગ લેશે. એ સિવાય એક સંકલ્પ સભાનું પણ આયોજન કર્યું છે જેમાં ઍક્ટર અશોક સરાફ, ચિત્રકાર વાસુદેવ કામથ અને કૅલિગ્રાફી આર્ટિસ્ટ અચ્યુત પાલવ જેવી પદ્મશ્રી વિજેતા વ્યક્તિઓ હાજર રહેવાની છે. મહારાષ્ટ્ર રાજ્યનો અહિલ્યાબાઈ હોળકરની થીમ પર બનેલો રથ પણ આ યાત્રામાં જોડાશે.’
ગ્રાફિક-ડિઝાઇનર તરીકે સક્રિય અને ૧૨ વર્ષથી શોભાયાત્રા સાથે જોડાયેલો આ વર્ષનો યાત્રા પ્રમુખ મનીષ વડકે અહીંની વ્યવસ્થા અને રૂટ વિશે કહે છે, ‘અમારા ૫૦ કાર્યકર્તાઓની ટીમ વૉકી-ટૉકી સાથે યાત્રાના રૂટ પર જુદા-જુદા લોકેશન પર હાજર હોય છે. કોઈ પણ ઇમર્જન્સીમાં તાત્કાલિક ઍક્શન લેવાય, ક્યાંય ભીડ ન થાય કે ક્યાંય વધુ ખાલી જગ્યા ન રહે એની ચોકસાઈ પણ અમે રાખીએ છીએ. સવારે આઠ વાગ્યાથી બપોરે દોઢ વાગ્યા સુધીનું શેડ્યુલ અને ટાઇમિંગ ફિક્સ રાખ્યા છે. દરેક સ્પૉટ પર પહોંચવાના ટાઇમિંગનો પણ એક ટાર્ગેટ છે. છેલ્લે પ્રિન્સેસ સ્ટ્રીટ પર શ્રીસિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ રૂપે ઊભા કરવામાં આવેલા સંકુલમાં આરતી કરીએ અને પછી બધા છૂટા પડે.’
શ્રીધર આગરકર
સારથિ ફાઉન્ડેશનના નામે શોભાયાત્રામાં સામેલ થયું છે ગુજરાતી સંગઠન
છેલ્લાં ૧૩ વર્ષથી સારથિ ફાઉન્ડેશન ગિરગામ શોભાયાત્રામાં થીમને અનુરૂપ ટ્રકને ડેકોરેટ કરીને પાર્ટિસિપેટ કરે છે. સંસ્થાના પ્રમુખ જનક સંઘવી કહે છે, ‘અમે સામાજિક ધોરણે સક્રિય છીએ. આજના સમયમાં સમાજને એકજૂટ કરવાનું કામ આ શોભાયાત્રામાં અદ્ભુત રીતે થયું છે. આ જ વિસ્તારમાં બાળપણ વીત્યું છે એટલે પહેલેથી જ જોડાયેલા હતા, પરંતુ થીમ અને ડેકોરેશન સાથેની ટ્રક લઈને શોભાયાત્રામાં જોડાવાનું ૧૩ વર્ષ પહેલાં શરૂ થયું અને અમને અદ્ભુત રિસ્પૉન્સ મળ્યો છે. અમે સંત તુકારામના જીવનને અમારા ડેકોરેશનમાં પ્રદર્શિત કરીશું.
બુલેટ પર નવવારી સાડી સાથે ભાગ લે છે આ ગુજરાતી ગર્લ
સાઉથ મુંબઈના ચીરાબજાર વિસ્તારમાં રહેતી અને બૅન્કમાં કામ કરતી ૨૧ વર્ષની હસ્તી દરજી છેલ્લાં બે વર્ષથી ગિરગામની શોભાયાત્રામાં બુલેટ પર નવવારી સાડી સાથે આદિ શક્તિ પથકમાં ભાગ લે છે. હસ્તી કહે છે, ‘આ અનુભવ જ આખો અલગ છે. તમે એને વર્ડ્સમાં એક્સપ્રેસ જ ન કરી શકો. ઇટ્સ લાઇક હેવનલી એક્સ્પીરિયન્સ. મારા સિવાય પણ થોડાક અન્ય ગુજરાતીઓ હોય છે શોભાયાત્રામાં. જોકે અહીં એવો ભાષાનો ભેદ ફીલ જ નથી થતો. તૈયાર થઈને સાત વાગ્યે મળીએ. બધા દૂર-દૂરથી પણ આવે છે અને એવા એક્સાઇટેડ હોઈએ છીએ કે વાત ન પૂછો.’

