Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > સુનીલ છેત્રી ફુટબૉલ કિંગ ઑફ ઇન્ડિયા

સુનીલ છેત્રી ફુટબૉલ કિંગ ઑફ ઇન્ડિયા

Published : 02 June, 2024 11:30 AM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

હાઇએસ્ટ ઇન્ટરનૅશનલ ગોલ કરનારા પ્લેયર્સના લિસ્ટમાં ઓવરઑલ ચોથા અને ઍક્ટિવ ખેલાડીઓમાં રોનાલ્ડો અને મેસી પછી ત્રીજા નંબરે બિરાજતો આ ભારતીય સ્ટાર રિટાયર થઈ રહ્યો છે. ૬ જૂને તે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મૅચ રમવાનો છે ત્યારે તેને ગાર્ડ ઑફ ઑનર આપીએ

સુનીલ છેત્રી

સુનીલ છેત્રી


ભારતના પનોતા પુત્ર, અર્જુન અવૉર્ડી, ખેલરત્ન, પદ‍્મશ્રી  સુનીલ છેત્રી આવતા મહિનાની ૬ તારીખે ભારતના નામની જર્સી પહેરી છેલ્લી વાર મેદાન પર ઊતરશે. ચોક્કસપણે એવું કહી શકાય કે ભારતમાં ફુટબૉલની રમત જાણીતી થઈ, જોવાતી થઈ અને રમાતી થઈ હોય એમાં બાઈચુંગ ભૂટિયા પછી સુનીલ છેત્રી નામના આ મહારથીનો સૌથી મોટો ફાળો છે. જે દેશમાં ક્રિકેટ, ક્રિકેટ અને માત્ર ક્રિકેટનું ગાંડપણ હોય, જે દેશના ખેલપ્રેમીઓ ક્રિકેટર્સને ભગવાનની જેમ પૂજતા હોય એ દેશનું ફુટબૉલ જેવી રમતમાં પ્રતિનિધિત્વ કરી ૧૫૦થી વધુ ઇન્ટરનૅશનલ મૅચ રમવી, ૯૪થી વધુ ગોલ મારી વિશ્વના ચોથા સૌથી વધુ ગોલ કરનારા પ્લેયર તરીકે ટકી રહેવું એ કંઈ ખાવાના ખેલ નથી.


૧૯ વર્ષની જબરદસ્ત ઉતાર-ચડાવવાળી સ્પોર્ટ્‍સ-કરીઅર પછી આખરે આ સિંહે થોડા દિવસ પહેલાં જાહેરાત કરી કે ૬ જૂને કુવૈત સામે રમાનારી ફુટબૉલ મૅચ તેના કરીઅરની છેલ્લી મૅચ હશે. છેત્રી રિટાયર થવા જઈ રહ્યો છે. આજે આ પ્રતિભાશાળી ખેલાડીની માત્ર સિદ્ધિઓ વિશે જ વાત નથી કરવી, પણ તેના જીવનમાં એ રીતે ડોકિયું કરવું છે કે જાણે આપણે આપણા કોઈ સાવ નજીકના મિત્રના જીવન વિશે વાત કરી રહ્યા હોય. ઇન્ડિયન આર્મીના જવાન, મૂળ તો નેપાલના વતની પણ વર્ષોથી ભારતમાં વસી ગયેલા સવાયા ભારતીય એવા કે. બી. છેત્રીને ત્યાં ૧૯૮૪ની સાલના ઑગસ્ટ મહિનાની ત્રીજી તારીખે એક દીકરો જનમ્યો. મા-બાપે દીકરાનું નામ રાખ્યું સુનીલ. ત્યારે ક્યાં ખબર હતી કે આ દીકરો એક દિવસ દેશમાં ફુટબૉલનો પર્યાયવાચી શબ્દ થઈ ઊભરી આવશે.



માનો વારસો જિંદગી બની ગયો 


પિતા આર્મીમાં હતા, દેશના ખૂણે-ખૂણે ટ્રાન્સફર થતી રહી. દીકરાની સ્કૂલ બદલાય, મિત્રો બદલાય, ભણતરના વિષયો કે રહેવાનું ઘર પણ બદલાય; પરંતુ કોઈ એક ચીજ નહીં બદલાઈ તો એ હતો મા તરફથી વારસામાં મળેલો ફુટબૉલ પ્રત્યેનો પ્રેમ. સુનીલ છેત્રીની મા સુશીલા છેત્રી પોતે એક જબરદસ્ત ફુટબૉલ પ્લેયર હતાં. તેઓ તેમના સમયમાં નેપાલ તરફથી નૅશનલ અને ઇન્ટરનૅશનલ લેવલની અનેક ટુર્નામેન્ટ રમી ચૂક્યાં હતાં. માના સંસ્કાર દીકરામાં ઊતર્યા ખરા, તે પણ માત્ર ઍડ્‍મિશનની ટિકિટ તરીકે. સુનીલને સ્કૂલના સમયમાં ફુટબૉલ રમવાનું ગમતું ખરું, તે રમતો પણ હતાે અને ટ્રેઇનિંગ પણ લેતો, પરંતુ એ સમયે ફુટબૉલ રમવા પાછળ માત્ર એક વિચાર હતો અને તે એ કે ફુટબૉલને કારણે સ્પોર્ટ્‍સ-ક્વોટામાં કોઈક સારી કૉલેજમાં ઍડ્‍મિશન મળી જાય, જોકે સમય વીત્યો અને ધીરે-ધીરે સુનીલને સમજાઈ ગયું કે માત્ર પ્રવેશપત્ર તરીકે રમાતા રહેલા આ ખેલમાં તેને પોતાની જિંદગી દેખાઈ રહી છે; તે ખૂબ સારું રમી રહ્યો છે અને આ સ્પોર્ટ એટલી પ્રિય બની રહી છે કે તે આખી જિંદગી પણ એ રમી શકે છે. માત્ર ૧૬ વર્ષની ઉંમર હતી અને તેણે ભારતની સૌથી જાણીતી એવી તાતા ફુટબૉલ ઍકૅડેમી-દિલ્હીમાં ઍડ્‍મિશન લઈ લીધું.

સિંહની પહેલી દહાડ


૨૦૦૨માં કલકત્તાની મોહન બાગાન નામની ફુટબૉલ ક્લબની ટીમમાં ૧૮ વર્ષનો એક તરવરિયો યુવાન નવા ખેલાડી તરીકે એન્ટ્રી કરે છે. દિલ્હીની સિટી ક્લબમાં ઠીકઠાક રમી લેતો તે લવરમૂછિયો મોહન બાગાનની ટીમમાં આવી કંઈક નવું ઉકાળી લેશે એવી કોઈને આશા નહોતી, કારણ કે ખુદ મોહન બાગાનની ટીમ જ ટુર્નામેન્ટ્સમાં કોઈ ખાસ દેખાવ કરી શકતી નહોતી. છેત્રી ટીમમાં ૨૦૦૨માં જોડાયો અને આખીયે ટુર્નામેન્ટમાં તેણે ચાર ગોલ પણ કર્યા, પણ ટીમની પોઝિશનમાં એથી કંઈ ખાસ ફરક પડવાનો નહોતો. પૉઇન્ટ-ટેબલમાં ટીમ તળિયાના છેક સાતમા સ્થાન પર જ રહી. બીજા વર્ષે ફરી નૅશનલ ફુટબૉલ લીગ આવી, આ વર્ષે તો છેત્રી પણ ઝાંખો પડી ગયો, આખીયે ટુર્નામેન્ટમાં તે માત્ર બે ગોલ કરી શક્યો અને ટીમ? ટીમ રહી ગઈ તળિયાની નવમી પોઝિશન પર. ત્રીજા વર્ષે ફરી ટુર્નામેન્ટ અને ટીમ ફરી તળિયાની આઠમી પોઝિશન પર, પરંતુ આ વખતે એક મોટો ફરક પેલા છેત્રી નામના ખેલાડીના પર્ફોર્મન્સમાં હતો. ટૉલીગંજ અગ્રગામી ક્લબની ટીમ સામે રમવા માટે છેત્રી સ​​બ્સ્ટિટ્યુટ તરીકે આવ્યો અને હેટ-ટ્રિક ગોલ કરી બધાને ચોંકાવી દીધા. બસ, સુનીલ નામના સિંહની આ પહેલી દહાડ. ત્યાર પછી તેણે સ્ટ્રાઇકર તરીકે જે મેદાન સર કરવાં માંડ્યાં એ કોઈ સિંહને જ શોભે એવી સફર રહી.

ફુટબૉલનો બાદશાહ, રેકૉર્ડ્‍સનો મહારાજા

૨૦૦૫ની સાલમાં જ્યારે સુનીલ છેત્રીએ ભારતીય ફુટબૉલર તરીકે ઇન્ટરનૅશનલ ફુટબૉલ મૅચ રમવાનું શરૂ કર્યું ત્યારે પહેલો ઇન્ટરનૅશનલ ગોલ તેણે પાકિસ્તાન સામેની મૅચમાં કર્યો હતો. ત્યાર બાદ ૨૦૧૨માં સુનીલને ભારતીય ફુટબૉલ ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો અને છઠ્ઠી જૂને જ્યારે રિટાયર થશે ત્યારે પણ ટીમના કૅપ્ટન તરીકે જ રિટાયર થશે, પરંતુ આ ૧૯ વર્ષમાં છેત્રીએ ફુટબૉલ ક્ષેત્રે માત્ર રેકૉર્ડ્‍સ ક્રીએટર તરીકે જ નહીં, નામ અને સન્માન મેળવવામાં પણ ભારતનું નામ મોખરે લાવીને મૂકી દીધું છે. પોર્ટુગલના ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ ઇન્ટરનૅશનલ મૅચમાં કુલ ૧૨૮ ગોલ કર્યા છે. હાઇએસ્ટ ગોલ કરનાર વિશ્વના બીજા ક્રમાંકના ખેલાડી તરીકે ઈરાનના અલી ડેઈનું નામ છે જેણે ૧૯૯૩થી ૨૦૦૬ સુધીની કરીઅરમાં ૧૦૮ ગોલ કર્યા હતા. ૧૦૬ ગોલ સાથે બધાના ફેવરિટ એવા આર્જેન્ટિનાના મેસીનું નામ ત્રીજા નંબરે આવે છે અને ઇન્ટરનૅશનલ મૅચમાં વિશ્વમાં સૌથી વધુ ગોલ મારનારા ચોથા ખેલાડી તરીકે જે નામ અંકિત છે તે છે ભારતના સિંહ સુનીલ છેત્રીનું.

ક્રિકેટ ભારતમાં અત્યંત લોકપ્રિય છે કબૂલ, પણ શું આપણે એ જાણીએ છીએ કે વિશ્વમાં સૌથી લોકપ્રિય રમતોની યાદી બનાવવામાં આવે તો એમાં ફુટબૉલ મોખરાની ત્રણમાં હોય. એવી આ રમતના વિશ્વના તમામ ખેલાડીમાં માત્ર ૮ ખેલાડી એવા છે જે ૧૫૦ ઇન્ટરનૅશનલ મૅચ કે એથી વધુ રમ્યા હોય અને આ આઠમાં એક નામ ભારતના સુનીલ છેત્રીનું છે. રોનાલ્ડો ૨૦૫ મૅચ સાથે પહેલા સ્થાને છે તો ૧૮૦ મૅચ સાથે મેસી સાતમા સ્થાને અને આઠમા સ્થાને બિરાજે છે સુનીલ છેત્રી. તે આ વર્ષના માર્ચ મહિનામાં જ ગુવાહાટીના ઇન્દિરા ગાંધી ઍથ્લેટિક સ્ટેડિયમમાં પોતાની કરીઅરની ૧૫૦મી મૅચ અફઘાનિસ્તાન સામે રમ્યો હતો. સુનીલ છેત્રીએ ભારતને ફુટબૉલ ક્ષેત્રે ૯, જી હા, ૯ ઇન્ટરનૅશનલ ટ્રોફી જિતાડી છે.

છેત્રી કે છત્તર સબ સે બહેતર

‍સુનીલ છેત્રીના રમતજીવનનો એ કિસ્સો યાદ આવે છે જેને કારણે ટીમમાં તેનું કેટલું મહત્ત્વ છે એ ભારતને સમજાઈ ગયું હતું. વર્ષ હતું ૨૦૦૮નું. AFC ચૅલેન્જ કપ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. ટુર્નામેન્ટ હતી ૨૦૦૮ની સાલમાં, પરંતુ એના પડઘા ક્યાંક ૨૦૧૧ની સાલમાં સંભળાવાના હતા. કહાણી કંઈક એવી છે કે AFC એશિયન કપ નામની ઇન્ટરનૅશનલ ફુટબૉલ ટુર્નામેન્ટ ફુટબૉલના વિશ્વમાં ખૂબ જાણીતી અને માનીતી ટુર્નામેન્ટ છે. એશિયામાં જેટલા દેશો ફુટબૉલ રમે છે એ બધા માટે આ ટુર્નામેન્ટ જાણે પોતાનો સિક્કો વિશ્વને મનાવડાવવા માટેની ટુર્નામેન્ટ જેવી છે. હવે વાત કંઈક એવી છે કે ભારત છેલ્લાં ૨૭ વર્ષથી એશિયન કપ નામની ફુટબૉલ ટુર્નામેન્ટમાં રમવાનું તો ભૂલી જાઓ, ક્વૉલિફાય સુધ્ધાં કરી શકતું નહોતું. એ જ એશિયન કપનું આયોજન ૨૦૧૧ની સાલમાં થવાનું હતું.

એ પહેલાં ૨૦૦૮માં AFC ચૅલેન્જ કપનું આયોજન થયું. સુનીલ છેત્રી ભારતની ટીમમાં હતો. તે આ ટુર્નામેન્ટની દરેક મૅચ રમ્યો અને કુલ ચાર ગોલ તેણે સ્કોર કર્યા. અફઘાનિસ્તાન સામેની પહેલી મૅચ ભારત ૧-૦થી જીતી ગયું. આ એકમાત્ર ગોલ માર્યો હતો ભારતના સ્ટ્રાઇકર લૉરેન્સે, પણ એ ગોલ મારવા સુધીનો ક્લાઇમૅક્સ રચી આપ્યો હતો સુનીલ છેત્રીએ. ત્યાર બાદ બીજી મૅચ તાજિકિસ્તાન સામે હતી જે ૧-૧ના સ્કોરથી ટાઈ થઈ. ત્રીજી મૅચ તુર્કમેનિસ્તાન સામે હતી જે ૨-૧ના સ્કોરથી ફરી ભારત જીત્યું. બે જીત અને એક ટાઈ. ભારત આ સફરમાં સેમી ફાઇનલ સુધી આવી ચૂક્યું હતું. મ્યાનમાર સામેની સેમી ફાઇનલમાં સ્કોર રહ્યો હતો ૧-૦ અર્થાત્ આખીયે મૅચમાં માત્ર એક ગોલ થયો હતો જે ભારતનો હતો અને તે સુનીલ છેત્રીએ કર્યો હતો. ભારત સેમી ફાઇનલ જીતી ગયું, હવે ફાઇનલ રમવાની હતી. ફરી એક વાર એ ટીમ સામે જેની સામે મૅચ ટાઈ થઈ હતી, તાજિકિસ્તાન. સુનીલ છેત્રીએ એ મૅચમાં હેટ-ટ્રિક મારી. યસ, ત્રણ ગોલ કર્યા અને બિન્ગો. ભારત AFC ચૅલેન્જ કપ જીતી ગયું. રમનારા, જોનારા અને ચાહનારા બધાને આ જીત ત્યારે વધુ વહાલી લાગે જ્યારે ખબર પડે કે ૨૦૦૮માં જીતેલા AFC ચૅલેન્જ કપને કારણે ૨૦૧૧ના એશિયન કપમાં સીધેસીધા ક્વૉલિફાય થયેલા ગણાય. અર્થાત્ જે એશિયન કપમાં ભારત ૨૭ વર્ષથી ક્વૉલિફાય સુધ્ધાં નહોતું કરી શક્યું એની ટુર્નામેન્ટમાં સીધી એન્ટ્રી.

થોડા અદબ સે હમારા નામ લિયા કીજિએ

૧૯ વર્ષની સ્પોર્ટ્‍સ કરીઅર અને એમાં કુલ ૭ વાર ‘ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશન (AIFF) મેલ પ્લેયર ઑફ ધ યર’નો ખિતાબ સુનીલ છેત્રી જીતી ચૂક્યો છે. ૨૦૧૩માં તેને ભારત સરકારે રમતગમત ક્ષેત્રે બીજા ક્રમાંકનો સૌથી ઉત્તમ અવૉર્ડ કહેવાય એવા અર્જુન અવૉર્ડથી નવાજ્યો. ત્યાર બાદ ૨૦૧૯માં તેને ભારતના ત્રીજા ક્રમાંકનો સૌથી ઉત્તમ સિવિલિયન અવૉર્ડ પદ‌્મશ્રીથી નવાજવામાં આવ્યો. બે જ વર્ષનો ગૅપ અને ૨૦૨૧માં ફરી એક વાર સુનીલ પોતાનો દબદબો સાબિત કરે છે. ભારત સરકારના સ્પોર્ટ્‍સ કૅટેગરીના સૌથી શ્રેષ્ઠ એવા અવૉર્ડનો તે હકદાર બને છે, એ અવૉર્ડ એટલે મેજર ધ્યાનચંદ ખેલરત્ન અવૉર્ડ.

ભારતમાં ફુટબૉલની લહેર ફેલાવનાર આ ખેલાડીની મહત્તા માત્ર ભારત જ નહીં આખું વિશ્વ સ્વીકારે તો એમાં હવે નવાઈ ક્યાં હતી?  ૨૦૨૨માં વિશ્વકક્ષાએ ફુટબૉલના ખેલનું ગવર્નિંગ કરનારી FIFAએ સુનીલ છેત્રીને ‘કૅપ્ટન ફૅન્ટાસ્ટિક’ની ઉપાધિ આપી અને તેના પર એક ડૉક્યુમેન્ટરી પણ બનાવી.

એક વિનંતી ખેલરસિયાઓને નામ

રમતમાં એક શબ્દ વારંવાર આપણે સાંભળીએ છીએ યાદ છે? ‘સ્પોર્ટ્‍સમૅન સ્પિરિટ’. સુનીલની સ્પોર્ટ્‍સમૅન સ્પિરિટ અને ફુટબૉલ પ્રત્યેના ડેડિકેશનનો એક જબરદસ્ત નમૂનો તેના ખેલજીવનની એક ઘટના પરથી મળે છે જે કદાચ આપણા દરેક ભારતીય માટે અત્યંત શરમજનક કિસ્સો છે એમ પણ કહી શકાય.

ભારતના આટલા જબરદસ્ત ખેલાડીએ ભારતીય ખેલરસિકોને, દર્શકોને હાથ જોડીને, આજીજી કરીને કહેવું પડે કે ‘મહેરબાની કરી અમને સપોર્ટ કરો. ફુટબૉલની મૅચ સ્ટેડિયમમાં જોવા આવો. અમારાથી નારાજગી હોય તો કમ સે કમ એ નારાજગી જાહેર કરવા પણ આવો, પરંતુ પ્લીઝ, આવો. અમને ગાળ દેવી હોય કે પ્રશંસા કરવી હોય તો એ બન્ને સ્ટેડિયમ પર આવીને કરો. ફુટબૉલની રમતને પણ પસંદ કરો.’ આપણા જેવા ખેલના રસિયાઓ માટે કેટલું નીચા જોવાપણું કહેવાય કે દેશના આટલા મહાન ખેલાડીએ આ રીતે ભારતને વિનંતી કરવી પડી હતી. પણ હા, તેની આ વિનંતી ભારત માટે જાણે ગેમ-ચેન્જર સાબિત થઈ. નૅશનલ ટીમ-કૅપ્ટનની એ વિનંતીએ એવી હવા બદલી નાખી કે ફુટબૉલ સ્ટેડિયમ ઑડિયન્સથી ભરાઈ ગયાં અને લોકો સારી એવી સંખ્યામાં ફુટબૉલ જોવા અને રમવા તરફ વળ્યા. જોકે આંકડો હજી ઓછો જ છે, પણ પરિસ્થિતિ હવે ઘણી સુધરી છે.

૬ જૂનની મૅચ મહત્ત્વની 

૨૦૦૨થી શરૂ થયેલી આ સફરનો સાચો આરંભ ૨૦૦૫થી થયો જ્યારે સુનીલ પહેલી વાર ભારતીય ફુટબૉલર તરીકે ભારતની બ્લુ જર્સી પહેરી ઇન્ડિયન ફુટબૉલ ટીમનો સભ્ય બન્યો અને પહેલી ઇન્ટરનૅશનલ મૅચમાં તેણે પદાર્પણ કર્યું. અને આજે હવે ૧૯ વર્ષની ખેલાડી તરીકેની કારકિર્દીની છેલ્લી મૅચ તે ૬ જૂને રમવા જઈ રહ્યો છે. આ મૅચ ભારત અને છેત્રી બન્ને માટે અત્યંત મહત્ત્વની મૅચ છે. સુનીલ છેત્રી આ મૅચ પછી રિટાયર થઈ જશે એવી તેણે જાહેરાત કરી દીધી છે. અર્થાત્ તેની કરીઅરની તો છેલ્લી મૅચ ખરી જ, સાથે જ ભારત માટે કુવૈતની સામે રમાનારી આ મૅચ એટલા માટે મહત્ત્વની છે કારણ કે હાલ ફુટબૉલની આ ગેમ્સ વર્લ્ડ કપની ક્વૉલિફાયર મૅચ તરીકે રમાઈ રહી છે જેનો આ બીજો રાઉન્ડ છે. ભારત બીજા રાઉન્ડમાં પ્રવેશી ચૂક્યું છે અને એની આગામી મૅચ કલકત્તાના સૉલ્ટલેક સ્ટેડિયમમાં કુવૈત સામે રમાશે. હવે ભારતે જો ફુટબૉલ વર્લ્ડ કપ ક્વૉલિફાયરના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશવું હશે તો આ મૅચમાં કુવૈતને હરાવવું ખૂબ જરૂરી છે.

ભારતની ફુટબૉલ ટીમના કૅપ્ટન તરીકે જર્સી નંબર નવ-સુનીલ છેત્રી ટીમને બીજા રાઉન્ડ સુધી તો લઈ આવ્યો છે, પરંતુ ૩૯ વર્ષના આ તરવરિયા યુવાને હવે દેશની ટીમની કમાન બીજા ખેલાડીઓને સોંપવાનું નક્કી કરી લેતાં કહ્યું કે સૉલ્ટલેકમાં કુવૈત સામે રમાનારી મૅચ તેની ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્‍સ કરીઅરની છેલ્લી મૅચ હશે. જો આ મૅચ ભારત જીતી શકે તો જ ૨૦૨૬માં રમાનારી FIFA વર્લ્ડ કપ ક્વૉલિફાયરના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી શકે એટલું જ નહીં, જો ભારત આ મૅચ જીતે તો જ ૨૦૨૭માં રમાનાના AFC એશિયન કપમાં પણ ક્વૉલિફાય થઈ શકશે. બીજા રાઉન્ડની આ ચાલી રહેલી મૅચમાં ભારત સિવાય બીજા ત્રણ દેશો ભારતના હરીફ તરીકે રેસમાં છે ઃ કતાર, કુવૈત અને અફઘાનિસ્તાન. ભારત હજી સુધી ચાર મૅચ રમી ચૂક્યું છે અને એના ૪ પૉઇન્ટ્સ છે. આ પૉઇન્ટ્સ-ટેબલમાં ૯ પૉઇન્ટ્સ સાથે કતાર સૌથી મોખરે છે. ભારતની હજી બે મૅચ બાકી છે, જેમાં કુવૈત સામેની એક જે ૬ જૂને રમાશે અને એ સિવાય કતાર સામેની મૅચ રમાવાની બાકી છે. સુનીલના આ ૧૯ વર્ષના તપમાં તેને એકમાત્ર અફસોસ એ વાતનો રહ્યો છે કે ભારત આજ સુધી FIFA વર્લ્ડ કપ ચૅમ્પિયનશિપમાં એક પણ વાર ક્વૉલિફાય સુધ્ધાં નથી કરી શક્યું. હવે આ વખતે છેત્રીની આ છેલ્લી મૅચ કુવૈતની સામેનો મુકાબલો જો ભારત જીતી ગયું તો જબરદસ્ત બ્રાઇટ ચા​ન્સિસ છે કે ભારત કદાચ FIFAના ત્રીજા રાઉન્ડ માટે ક્વૉલિફાય થઈ જાય.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2024 11:30 AM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK