Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છોકરાઓ જો લજ્જા સાથે ગરબા કરે તો તેઓ કેવા લાગે?

છોકરાઓ જો લજ્જા સાથે ગરબા કરે તો તેઓ કેવા લાગે?

Published : 19 November, 2023 03:49 PM | IST | Mumbai
Samir & Arsh Tanna | feedbackgmd@mid-day.com

જો સારા ન લાગવાના હોય તો છોકરીઓ ઊછળી-ઊછળીને ગરબા કરતી હોય તો કેવી રીતે સારી લાગે? ગ્રેસ એ છોકરીઓને મળેલું ટ્રમ્પ-કાર્ડ છે, એનો ઉપયોગ થવો જ જોઈએ

ફાઈલ ફોટો

ધીના ધીન ધા

ફાઈલ ફોટો


આપણે વાત કરીએ છીએ નવરાત્રિમાં જજિંગ દરમ્યાન કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ?
અમને બહુબધી વખત સવાલ પુછાતો હોય છે કે તમારી સામે ગરબાના ફાઇનલિસ્ટ હોય ત્યારે તમે શું જોતા હો છો અને કઈ રીતે તમારું જજમેન્ટ આપો છો? એ સમયે તો આ સવાલનો બહુ ડીટેલમાં જવાબ નથી આપ્યો, પણ આજે પહેલી વાર તમને એ બાબતમાં કહેવાનું કે જ્યારે જજિંગ કરવાનું આવે ત્યારે અમારા મનમાં કેટલીક બાબતો ક્લિયર હોય છે. ફાઇનલનું જજિંગ હોય એટલે નૅચરલી રમનારાઓ બધા સરસ જ હોય એટલે એમાંથી બેસ્ટને સિલેક્ટ કરવાનું કામ અઘરું હોય. 
અમે જજિંગની આખી પ્રોસેસને અમુક હિસ્સામાં વહેંચી દઈએ.
સૌથી પહેલાં અમે ખેલૈયાઓના ગરબા અને બીટ જોઈએ. ગરબા તો તેઓ સારા રમે છે એટલે જ ફાઇનલમાં આવ્યા છે. ગરબા લેવાની તેમની સ્ટાઇલ, નજાકત, ગ્રેસ અમારા માટે સૌથી વધારે મહત્ત્વનાં રહે છે. જો છોકરાની વાત હોય તો તેના ગરબામાં તમને તાકાત દેખાવી જોઈએ. અમારે અહીં એક વાત કહેવી છે કે જો છોકરાઓ છોકરીઓ જેવી ગ્રેસ સાથે ગરબા કરે તો એ જોવા ન ગમે. એવી જ રીતે છોકરીઓએ પણ યાદ રાખવું જોઈએ કે જો તેઓ છોકરાઓની જેમ જમ્પ અને એવા ખેલ કરે તો સારી ન લાગે. છોકરીઓએ ગરબામાં ગ્રેસફુલી જ રમવું જોઈએ. એ જે ગ્રેસ છે એ તેમનું ટ્રમ્પ કાર્ડ છે. આ વર્ષે અમે બહુબધી છોકરીઓને છોકરાઓની સ્ટાઇલથી રમતાં જોઈ, જે ખરેખર યોગ્ય નથી.
તમે ક્યારેય જોયું છે કે શૌર્ય કહેવાય એવો મણિયારો રાસ છોકરીઓ રમતી હોય? બને કે અપવાદ તરીકે ક્યાંક થયો હોય; પણ એ અપવાદ છે, રોજબરોજની વાત નથી અને અમારા તો ધ્યાનમાં એ આવ્યું જ નથી કે છોકરીઓ ક્યારેય મણિયારો રાસ રમી હોય. કહેવાનો અર્થ એ છે કે છોકરીઓએ તેમની ગ્રેસને ક્યારેય છોડવી ન જોઈએ અને છોકરાઓએ તેમની જે તાકાત છે, તેમનો જે ફોર્સ છે એને ગરબામાંથી બાદ ન કરવો જોઈએ.
ગરબાનાં સ્ટેપ્સમાં યુનિકનેસ હોવી જોઈએ, પણ એ યુનિકનેસમાં મિક્સચર ન હોવું જોઈએ. આ વખતે સાલ્સા-ગરબા પણ બહુ જોવા મળ્યા. ખબર નથી કે આવું ઇન્વેન્શન ક્યાંથી થતું હશે, પણ તમે ક્યારેય સાલ્સા-ગરબા જોયા છે ખરા? સાલ્સાની પ્રૅક્ટિસ ચાલતી હોય એ જગ્યાએ તમે કથકને મિક્સ કરવામાં આવ્યું હોય એવા સાલ્સા પણ નહીં જોયા હોય. નૅચરલી, એ ન થવું જોઈએ. તમારે સ્ટેપ્સ ઇન્વેન્ટ કરવાં હોય તો એ ગરબાના ફૉર્મમાં જ હોવાં જોઈએ અને ધારો કે તમે એ ન કરો તો પણ વાંધો નહીં. આપણા ગરબા પાસે જ હજી એટલાં બધાં સ્ટેપ્સ છે કે તમે એને જ અપનાવીને આગળ વધી શકો.
ગરબાનાં સ્ટેપ્સ પછી જો કોઈ આવે તો એ છે બીટ્સ. 
ગરબાના મ્યુઝિકની સમજણ હોવી જોઈએ. ગરબો ક્યાંક બીજી જ દિશામાં ચાલતો હોય અને તમે કંઈ જુદું જ કરી રહ્યા હો તો એ જોવું બહુ વિચિત્ર લાગે. તમારે પોતાને એનો અનુભવ કરવો હોય તો એક સૉન્ગ ટીવીમાં પ્લે કરી એનો વૉલ્યુમ બંધ કરીને મોબાઇલમાં કોઈ પણ રૅન્ડમ સૉન્ગ ચાલુ કરી દેજો. અડધી સેકન્ડમાં તમે પોતે કંટાળી જશો અને બંધ કરી દેશો. જજની પણ એવી જ હાલત થતી હોય છે.
ગરબાની સાથે જો તમે રિધમ પર ન હો તો કેવી રીતે અપેક્ષા રાખી શકાય કે તમારો ગરબો જજ એન્જૉય કરે. એક વાત બધાએ યાદ રાખવી કે જજ પણ પહેલાં તો દર્શક છે. તે તમને જુએ છે. તેને ગમશે પછી તે તમારામાં જજિંગ શરૂ કરશે, પણ પહેલાં તો તે તમને જોશે અને એના માટે તમારે તેને રિધમમાં લાવવા પડે. તે એક વાર રિધમમાં આવે એ પછી તમારાં નવાં-નવાં સ્ટેપ્સને આવકારવાનું શરૂ કરે.
ગરબાની સાથોસાથ જ તમારા એક્સપ્રેશનની વાત આવે છે. તમારા ચહેરા પર ખુશી હોવી જોઈએ. અમે અમારા ડાન્સરને પણ કહેતા હોઈએ છીએ કે ડાન્સ કરવાનું કામ ત્યારે જ થાય જ્યારે તમે ખુશ હો. તમે ડાન્સ કરતા હો ત્યારે એ ખુશી તમારા ચહેરા પર છલકાતી હોવી જોઈએ. આપણે રુદાલી નથી કે સોગિયા કે રડમસ મોઢે ગરબા કે ડાન્સ કરીએ. ગરબા કરતી વખતે પણ આ વાત દરેકેદરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી. જો તમે ખુશ નથી તો ગરબા ન કરો. તમે ગરબા નહીં કરો તો કોઈ ખિજાશે નહીં, પણ કરો તો પૂરા મનથી અને ખુશી સાથે કરો.
ઘણા એવું પણ કહે છે કે કૉસ્ચ્યુમ્સ બહુ મહત્ત્વનાં કહેવાય, પણ અમે કહીશું કે કૉસ્ચ્યુમ્સ સેકન્ડ સ્ટેજ પર છે. જો તમે ગરબા સારા લેતા હશો તો જ તમારાં કૉસ્ચ્યુમ્સ પર ફોકસ આપવામાં આવશે. બાકી આ ગરબા કૉમ્પિટિશન છે, નહીં કે ફૅશન-વીક જેમાં કૉસ્ચ્યુમ્સના આધારે તમને કોઈ પસંદ કરી લે અને ધારો કે એવું બને તો તમારે એવું ધારવું નહીં કે તમે ગરબા સરસ રમો છો.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2023 03:49 PM IST | Mumbai | Samir & Arsh Tanna

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK