થોડા સમય પહેલાં વાંચ્યું હતું કે અત્યારે દેશમાં સાડાપાંચ હજાર વિધાનસભ્યો સામે માત્ર સાડાછસો જેટલા કૉન્ગ્રેસના વિધાનસભ્યો છે
પ્રતીકાત્મક તસવીર
ચાણક્યએ કહ્યું છે કે જે રાષ્ટ્રમાં સક્ષમ વિરોધ પક્ષ ન હોય એ રાષ્ટ્રથી વધારે નબળું કોઈ રાષ્ટ્ર ન હોઈ શકે. સક્ષમ વિરોધ પક્ષ શાસક પક્ષને સજાગ રાખવાનું કામ કરે છે, ભૂલથી પણ ભૂલ ન થાય એ બાબતમાં સક્ષમ વિરોધ પક્ષ એને જાગ્રત રાખે છે, તો સક્ષમ વિરોધ પક્ષની હાજરી શાસક પક્ષને દરેક મોરચે અડીખમ રહેવાની ક્ષમતા પૂરી પાડે છે. સક્ષમ વિરોધ પક્ષ કોઈ પણ રાષ્ટ્રની અનિવાર્ય જરૂરિયાત છે અને આ અનિવાર્ય જરૂરિયાત અત્યારે બીજેપીને પણ છે. હું માનું છું કે અત્યારે બીજેપીને જો કોઈ બાબતનો અફસોસ હોય તો એ જ કે એની સામે સક્ષમ વિરોધ પક્ષ નથી. આ અફસોસને તમે પણ સમજી શકો છો અને અમુક અંશે અનુભવી પણ શકતા હશો.
થોડા સમય પહેલાં વાંચ્યું હતું કે અત્યારે દેશમાં સાડાપાંચ હજાર વિધાનસભ્યો સામે માત્ર સાડાછસો જેટલા કૉન્ગ્રેસના વિધાનસભ્યો છે. જરા વિચાર તો કરો, ૧૨-૧૩ ટકા જેવી સંખ્યામાં વિરોધ કરનારાઓ બેઠા છે અને તમારે શાસન કરવાનું છે. જો તમે સ્પોર્ટ્સ રમ્યા હો તો તમને સમજાશે કે તમારી સામે નબળી ટીમ મૂકી દેવામાં આવે, તમારી સામે સી-માઇનસ ગ્રેડની ટીમ ઉતારી દેવામાં આવે અને તમે એ-પ્લસ ગ્રેડથી પણ ચડિયાતી કહેવાય એવી ટીમ સાથે મેદાનમાં ઊભા હો તો તમારા મોરાલને કેવી અસર થાય! આવું જ અત્યારે દેશમાં થઈ રહ્યું છે. નાછૂટકે કહેવું પડે છે કે બીજેપી ખરેખર કમનસીબી ધરાવતી પાર્ટી છે કે એની પાસે બીજેપી જેવો સબળો વિરોધ પક્ષ નથી! નાછૂટકે કહેવું પડે કે કૉન્ગ્રેસ ખરા અર્થમાં નસીબદાર હતું કે એની સામે એવો સબળો વિરોધ પક્ષ હતો જે તેમને કામ કરવાનું ઝનૂન અને કામ કરવાની પ્રેરણા આપતો હતો અને એ પણ સતત.
ADVERTISEMENT
કૉન્ગ્રેસ માટે સમય આવી ગયો છે કે હવે એ આત્મનિરીક્ષણ કરે. બહુ જરૂરી છે એ. માત્ર પક્ષ માટે જ નહીં, દેશ માટે પણ એ જરૂરી છે. સબળા વિરોધ પક્ષથી શાસક પક્ષના મનમાં ફડક રહેતી હોય છે, જે એને ક્યાંય ખોટું ન થાય એની તકેદારી રાખવા માટે મજબૂર રાખે છે. એ વાત જુદી છે કે આજનો શાસક પક્ષ રાતના અંધકારમાં કે પછી મધરાતની ગાઢ ઊંઘમાં પણ ભૂલ ન થાય એની તકેદારી રાખનારો છે, પણ એનો અર્થ એવો નથી કે શાસક પક્ષ પોતાની જાગૃતિ ત્યજીને વિદેશમાં બેસીને આક્ષેપબાજી કરે. ના, જરાય નહીં. આક્ષેપબાજી કરવી હોય તો એ જગ્યાએ કરવી જોઈએ જે જગ્યાનું મહત્ત્વ હોય અને જે કાન પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકતાં હોય.
રાહુલ ગાંધીએ વિદેશમાં કરેલા આક્ષેપોનું કશું ઊપજવાનું નથી એ સૌકોઈ જાણે છે ત્યારે કહેવાની ઇચ્છા થાય કે કૉન્ગ્રેસ, પ્લીઝ જાગે અને દેશમાં હવે પાર્ટીને વધારે સબળ અને સજ્જડ બનાવવાની દિશામાં કામ કરે. ૨૦૨૪નું લોકસભા ઇલેક્શન વધારે દૂર નથી એવા સમયે એવા સંજોગ ઊભા ન થઈ જાય કે વિરોધ પક્ષનું કાયમ તર્પણ થાય અને આ દેશની લોકસભામાં વિરોધ પક્ષના અધિકાર પણ કોઈના હાથમાં ન રહે.
પ્લીઝ, પ્લીઝ, જાગો. નબળી ટીમ સામે પર્ફોર્મ કરવાનું તો સબળી ટીમને જરા પણ ન ગમે. પ્લીઝ, જાગો.