ગો ફર્સ્ટ ઍરલાઇન્સે નાદારી નોંધાવતાની સાથે જ વાડિયા ગ્રુપની માલિકીની આ ઍરલાઇન્સમાં ઉનાળાના વેકેશનમાં ફરવા જનારા લોકો ટેન્શનમાં આવી ગયા છે. તેમને ચિંતા સતાવી રહી છે કે હવે શું થશે અને તેમણે શું કરવું જોઈએ?
સ્પેશ્યલ સ્ટોરી
પ્રતીકાત્મક તસવીર
સસ્તું વિમાની ભાડું ને ટેન્શન-પુરની યાત્રા - સમર વેકેશનમાં બહારગામ જવા માટે ગો ફર્સ્ટની ટિકિટ સસ્તામાં કઢાવી લેનાર પ્રવાસીઓના અત્યારે આ હાલ છે : હોટેલથી લઈને સાઇટ-સીઇંગ સહિતનાં બુકિંગ થઈ ગયાં છે, પણ હવે દેશ-પરદેશનાં પર્યટન સ્થળ સુધી પહોંચવા માટેની ઍરલાઇને હાથ ઊંચા કરી દીધા છે : એવામાં ડબલ કે એથી વધુ મોંઘી બીજી ઍરલાઇન્સની ટિકિટો ગો ફર્સ્ટને ગાળો ભાંડીને પણ ખરીદવી પડી છે : ‘મિડ-ડે’ના રોહિત પરીખ સાથે ગો ફર્સ્ટને કારણે વિચિત્ર સંકટમાં મુકાયેલાં મલાડનાં દિવ્યા બીબોડી અને તેમની દીકરી વિદિશા (ફોટોમાં) સહિતના કેટલાક ગુજરાતીઓએ તેમના પર શું વીતી રહી છે એ શૅર કર્યું...
જઈએ તો આર્થિક નુકસાન, ન જઈએ તો માનસિક તાણ
ADVERTISEMENT
ગો ફર્સ્ટ ઍરલાઇન્સની ટિકિટના પૈસા પાછા મળશે કે નહીં અને બીજી ઍરલાઇન્સના વધી ગયેલા ભાડામાં હવે ટૂર થશે કે નહીં એવી મૂંઝવણમાં મુકાઈ ગઈ છે પોતાના ગ્રુપ સાથે ટ્રેકિંગ માટે જનારી મલાડ અને પુણેની બે ગુજરાતી મહિલાઓ. આ બંને મહિલાઓ ૧૭ મેથી ૨૬ મે સુધી તેમના યુથ ઍડ્વેન્ચર ઍન્ડ માઉન્ટનરી ગ્રુપ સાથે ગણપતિના જન્મસ્થાન ડોડીતાલ અને ડાવરા ટૉપ ટ્રેકિંગ માટે જવાની હતી. તેમના ગ્રુપના બધાની ઍરટિકિટો અન્ય ઍરલાઇન્સમાં છે. જોકે આ બે મહિલાઓની ટિકિટો ગો ફર્સ્ટ ઍરવેઝમાં હોવાથી તેઓ અત્યારે હતાશામાં આવી ગઈ છે. આ મહિલાઓએ કહ્યું હતું કે ‘ગો ફર્સ્ટ તરફથી આજ પછી શું થશે એની કોઈ જ જાહેરાત નથી. અમે રાહ જોવા રહીએ તો જે ટિકિટોના બીજી ઍરલાઇન્સના ભાવ અત્યારે જ ગો ફર્સ્ટના ૬,૦૦૦ રૂપિયાની સામે ૧૬,૦૦૦ રૂપિયા છે એ ક્યાં જઈને પહોંચશે એની કોઈ જ ખાતરી નથી. આ સંજોગોમાં અમારા માથે તો અત્યારે લટકતી તલવાર છે.’
આ બાબતની માહિતી આપતાં મલાડની દિવ્યા બીબોડી પોતાની માનસિક તાણ વિશે કહે છે, ‘હું છેલ્લાં બે વર્ષથી આ ગ્રુપ સાથે હિમાલયમાં ટ્રેકિંગ કરું છું. આ વર્ષે મારી ૧૩ વર્ષની દીકરી વિદિશા સાથે આવવાની છે. અમે જાન્યુઆરી મહિનામાં જ મારા ગ્રુપ સાથે દેહરાદૂન જવાની ટ્રેનની ટિકિટો લઈ લીધી હતી. અમારે અમારું ટ્રેકિંગ ૨૬ મેએ પૂરું થાય કે તરત જ મુંબઈ પાછા આવી જવું હતું. એટલે અમે મેક માય ટ્રિપમાંથી દેહરાદૂનથી મુંબઈ આવવાની ગો ફર્સ્ટ ઍરલાઇનની બે ટિકિટો બુક કરી લીધી હતી. અમને ક્યાંક અમારો આખો પ્રોગ્રામ આ કારણે રદ થઈ જશે એનું ટેન્શન આવી ગયું છે. અત્યારે અમે બીજી ફ્લાઇટના ૨૬ મેના ભાવ જોયા તો એક ટિકિટના ૧૬,૦૦૦ રૂપિયા ચાલે છે. એની સામે ટ્રેનમાં ટિકિટ મળતી નથી. અમે ટ્રેકિંગ માટેના પૈસા ભરી દીધા છે જે રીફન્ડેબલ નથી. અમને એ પણ ખબર નથી કે ગો ફર્સ્ટની ટિકિટો અમે કૅન્સલ કરાવીશું તો ટિકિટના પૈસા અમને પાછા મળશે કે નહીં. સૌથી મહત્ત્વનું તો એ છે કે અત્યારે ગો ફર્સ્ટ તરફથી ફક્ત આજ સુધી તેમની ફ્લાઇટ કૅન્સલ જાહેર કરી છે, ૨૬ મેની અમને કોઈ સૂચના આપવામાં આવી નથી, પરંતુ ગો ફર્સ્ટ જો છેલ્લી મોમેન્ટે ફ્લાઇટ રદ કરે તો અમે સાવ જ અટકી પડીએ.’
અમારી મા-દીકરીની ટ્રેકિંગ પર જવાની બધી જ તૈયારી થઈ ચૂકી છે એમ જણાવતાં દિવ્યા બીબોડીએ કહ્યું હતું કે ‘અમે અહીંથી ૧૭ મેએ ટ્રેનમાં જતા રહીએ અને પછી અમારે મોંઘી ફ્લાઇટની ટિકિટો લઈને પાછા આવવું પડે જેનાથી આર્થિક બોજો વધી જાય છે. અમે અત્યારે ખૂબ જ મૂંઝવણમાં છીએ. કાં તો અમારે ૪૦,૦૦૦ રૂપિયા અને અન્ય ટ્રાવેલિંગ ખર્ચનું નુકસાન ભોગવવું પડશે અથવો તો અમારા પર ૩૨,૦૦૦ રૂપિયાનો આર્થિક બોજો વધારવો પડશે. સરકારે આવા સંજોગોમાં કોઈ રસ્તો શોધવો જોઈએ. અમને કોઈ વિકલ્પ સૂઝતો નથી.’
હું તો ફર્સ્ટ ટાઇમ ટ્રેકિંગમાં જઈ રહી છું એમ જણાવતાં રિક્રૂટમેન્ટ અને ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીમાં નોકરી કરી રહેલી પુણેની ૪૨ વર્ષની ઉર્વી સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફર્સ્ટ ટાઇમ ટ્રેકનો અનુભવ લેવાનો મને અનેરો જુસ્સો છે. પાંચ મહિના પહેલાં મેં ગો ફર્સ્ટ ઍરવેઝમાં મારી ટિકિટ બુક કરાવી હતી. ટ્રેક પર જવાના પંદર દિવસ બાકી હતા ત્યાં જ સમાચાર મળ્યા કે ગો ફર્સ્ટની મારી રિટર્ન ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી છે. ઍરલાઇન્સ માટે ફ્લાઇટ કૅન્સલ કરવી એ એક સામાન્ય ઘટના છે. તેમને અમારી ખુશાલી, જુસ્સા કે અમને પડનારી મુસીબતો અને તકલીફની કોઈ ફિકર હોતી નથી. હું ફર્સ્ટ ટાઇમ સોલો ટ્રાવેલ કરવાની છું. હવે મારી પાસે ગો ફર્સ્ટ કૅન્સલ થવાથી બીજી ઍરલાઇન્સના આસમાને પહોંચેલા ઍર-ટિકિટના ભાડાને લીધે ટ્રાવેલિંગ કરવા માટેનો બીજો કોઈ રસ્તો પણ નથી.’
રજાની મજા માણવાની જગ્યાએ કાશ્મીરની ટૂર બની ગઈ સજા
ઘાટકોપરના સિનિયર સિટિઝન દંપતી અને તેમના સિનિયર સિટિઝન મિત્ર દંપતીને ગો ફર્સ્ટની ફ્લાઇટો કૅન્સલ થવાથી ઘાટકોપરના ચાર સિનિયર સિટિઝનોને ટૂર કરતાં પણ ઍરટિકિટનો ખર્ચ વધારે થયો કેમ કે તેમણે બીજી ઍરલાઇન્સમાંથી ડબલ કરતાં પણ વધારે ભાવ આપીને ટિકિટો ખરીદવી પડી હતી. આ ચાર સિનિયર સિટિઝનોની તેમની સાત દિવસની કાશ્મીરની ટૂર રજામાં મજા માણવા જેવી લાગવાને બદલે હવે સજા માણવા જેવી લાગી રહી છે.
અમે બંને દંપતી અમારા વ્યવસાયમાં એટલાં બધાં વ્યસ્ત હોઈએ છીએ કે રજા મળે ત્યારે અમે બહારગામ નીકળી જતાં હોઈએ છીએ એમ જણાવીને વિદ્યાવિહાર-ઈસ્ટના ૭૩ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ નરેશ શાહે કહ્યું હતું કે ‘અમને અત્યાર સુધી ક્યારેય નહોતો થયો એવો ખરાબ અનુભવ ગો ફર્સ્ટનો થયો હતો. અમે ફેબ્રુઆરી મહિનામાં જ અમારી કાશ્મીરની ટૂર માટે શ્રીનગર જવાની ફ્લાઇટની ટિકિટો બુક કરી લીધી હતી. હોટેલ, ઍરટિકિટ અને ટ્રાન્સપોર્ટેશનનું બુકિંગ થઈ જતાં અમે મે મહિનાની રાહ જોતા હતા. જોકે મંગળવારે ગો ફર્સ્ટ ઍરવેઝે નાદારી જાહેર કરીને એની ફ્લાઇટો રદ કરતાં અમારી શાંતિ હણાઈ ગઈ હતી. ગો ર્ફ્સ્ટ ઍરવેઝે ફ્લાઇટો કૅન્સલ કરી, પણ ટિકિટોના પૈસા રીફન્ડ આપશે કે નહીં અને ક્યારે પાછા આપશે એની મથામણમાં પહેલાં અમે લાગી ગયા હતા.’
અમે અમારા ટૂર-ઑપરેટરની સલાહ લીધી તો તેણે અમને કહ્યું કે તમારી હોટેલો અને ટૂર બુક થઈ ગઈ છે એટલે એના પૈસા તમને રીફન્ડ મળવા મુશ્કેલ છે એમ જણાવીને નરેશ શાહે કહ્યું હતું કે ‘તેનો આ જવાબ સાંભળીને એક વાત તો નક્કી હતી કે ગો ફર્સ્ટ અમને રીફન્ડ આપે કે ન આપે, અમારે અમારા સમયે કાશ્મીરની ટૂરમાં તો જવું જ પડશે. ટૂર-ઑપરેટર અમારી કાશ્મીરની ટૂરને મુલતવી રાખવા કે એને કૅન્સલ કરીને પૈસા પાછા આપવા કોઈ પણ સંજોગોમાં સીઝનનો સમય હોવાથી તૈયાર નહોતો. આથી અમે નિર્ણય લીધો કે ગો ફર્સ્ટની ઍરટિકિટોના પૈસા પાછા મળે કે ન મળે એની રાહ જોયા વગર અમારે બીજી ઍરલાઇન્સની ટિકિટો એમનાં ભાડાંમાં જબરો ઉછાળો આવે એ પહેલાં લઈ લેવી જોઈએ. આમ પણ અમારી ટૂર ૭ મેથી શરૂ થતી હતી. અમે મુંબઈથી ૭ મેએ શ્રીનગર જવા નીકળવાના હોવાથી અમારી પાસે ગો ઍરવૅઝની નવી જાહેરાતની રાહ જોવા જેટલો સમય પણ નહોતો. ઓછા સમયમાં અમારે સમજદારીનો નિર્ણય લેવાનો હતો. અમને ખબર હતી કે આ વખતની રજામાં મજા માણવાને બદલે ગો ફર્સ્ટને કારણે અમારી રજા સજા માણવા જેવી બની ગઈ છે, પરંતુ અમારી પાસે કોઈ જ બીજો રસ્તો નહોતો. આથી અમે અમારી કાશ્મીરની સાત દિવસની ટૂરના ખર્ચ કરતાં પણ ઍરટિકિટોના વધારે ભાવ આપીને અમારી નવી ટિકિટો બુક કરાવી લીધી હતી. અમે ફેબ્રુઆરી મહિનામાં શ્રીનગર આવવા-જવાની ઍરટિકિટોના જેટલા રૂપિયા ચૂકવ્યા હતા એનાથી ૭૩,૦૦૦ રૂપિયા વધારે ચૂકવીને નવી ઍરટિકિટો લીધી હતી. આટલાં વર્ષોમાં અમને ક્યારેય ઍરલાઇન્સનો આવો કડવો અનુભવ થયો નથી.’
ટૂર કૅન્સલ કરીએ કે જઈએ, અમને તો લાખો રૂપિયાનું નુકસાન જ થવાનું છે
‘ગો ફર્સ્ટ ઍરવેઝે અમારી ટૂરના બજેટને પણ જબરદસ્ત નુકસાનમાં નાખી દીધું છે, ટૂરની મજા ઓસરી ગઈ છે. હજી અમે એ આંચકામાંથી બહાર આવ્યા નથી.’
આ શબ્દો છે ઘાટકોપરનાં ડેન્ટિસ્ટ યોગિતા બજાણીના. તેમણે કહ્યું હતું કે ‘અત્યારે અમને આ ઍરવેઝને કારણે પહેલાં તો મુંબઈથી ચંડીગઢની બે લાખ રૂપિયાની જે ઍરટિકિટો ખરીદી છે એના પૈસા પાછા આવશે કે નહીં અને પાછા આવશે તો કેટલા આવશે એની ચિંતા છે. જોકે અત્યારે અમારા એજન્ટે અમને કહ્યું છે એ પ્રમાણે અમારા બે લાખ રૂપિયા ડૂબી ગયા છે. હવે અમે મુંબઈથી ચંડીગઢ જવાની નવી ટિકિટો ખરીદવા જઈશું તો એના અમારે અંદાજે આજના બીજી ઍરલાઇન્સ જે ભાવ ચાલે છે એ પ્રમાણે વધારાના ૨,૮૦,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે, જે અમારી ટૂરની કૉસ્ટ પર વધારાનો આર્થિક બોજો છે.’
ડૉ. યોગિતા બજાણીએ ૨૦ સભ્યો સાથે ત્રણ મહિના પહેલાં ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલા સ્પીતિ વૅલી ફરવા જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. આ ટૂરની મજા માણવા ૧૪થી લઈને ૪૭ વર્ષ સુધીના બધા સભ્યો ખૂબ જ ઉત્સાહિત હતા. જેવી બધાની આવવા-જવાની ઍરટિકિટો અને હોટેલ-બુકિંગ થઈ ગયું એટલે તેમણે ફરવા જવા માટેનાં કપડાં, બૅગ જેવી વસ્તુઓની ખરીદી શરૂ કરી દીધી હતી. આ સંદર્ભમાં યોગિતા બજાણીએ કહ્યું હતું કે ‘અમે મુંબઈથી ચંડીગઢ જવાની ગો ઍરવેઝમાંથી ૨૦ ઍરટિકિટ બુક કરાવી હતી. એ માટે અમે બે લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આખી સફર દરમિયાન હોટેલ અને મુસાફરીની અન્ય સુવિધાઓ પણ બુક કરાવી દીધી છે. અમે ૨૦ મેએ અહીંથી ચંડીગઢ જવા નીકળવાના છીએ. એ માટે ઑફિસમાં રજાઓથી લઈને બધું મૅનેજ કરીને ૨૦ મેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા. ત્યાં જ મંગળવારે ગો ઍરવેઝની નાદારીના સમાચાર મળ્યા. તપાસ કરી તો જાણવા મળ્યું કે જો ટૂરનો ફિયાસ્કો ન કરવો હોય તો ૨૦ મે સુધી ગો ફાસ્ટ ઍરવેઝની કે એના રીફન્ડની રાહ જોયા વગર બીજી ઍરલાઇન્સની ટિકિટો લઈ લેવી જોઈએ. હવે પહેલાંના બે લાખ રૂપિયા બ્લૉક કરીને અમારે ૨,૮૦,૦૦૦ રૂપિયાની નવી ટિકિટ લેવાની નોબત આવી છે. અન્ય ઍરલાઇન્સની ફ્લાઇટની ટિકિટના ભાવ બહુ ઊંચા હોવાથી અમે હજી મૂંઝવણમાં છીએ. એની સામે હોટેલના અને અન્ય ખર્ચાઓ અમે બ્લૉક કરીને બેઠા છીએ.’
અમે જાણીએ છીએ કે આજે જે અમને ૨,૮૦,૦૦૦ રૂપિયાની ટિકિટો મળે છે એના ભાવ કદાચ કાલે આસમાને પહોંચી શકે એમ છે એમ જણાવતાં યોગિતા બજાણીએ કહ્યું હતું કે ‘આમ છતાં અમારી નિર્ણયાત્મક શક્તિ સૂમ થઈ ગઈ છે. અમારા માટે એક બાજુ ખાડી છે અને બીજી બાજુ કૂવો. અમે ટૂરમાં જઈએ કે કૅન્સલ કરીએ બંનેમાં આર્થિક ફટકો તો અમને જ પડવાનો છે.’
લાફો મારીને ગાલ લાલ રાખ્યો, બીજી ઍરલાઇન્સની ટિકિટો લઈને
પાંચ મહિના પહેલાં થાઇલૅન્ડની ઍરટિકિટો અને હોટેલો બુક કરાવીને ટૂરની તૈયારીમાં વ્યસ્ત લાલબાગના દીપેશ છેડા અને તેમના મિત્રોના પરિવારોને ગો ફર્સ્ટ ઍરવેઝની નાદારીના સમાચારે જબરો ધ્રાસકો લાગ્યો હતો. તેમના માથે જાણે વીજળી પડી હતી. આખરે તેમણે નિર્ણય લીધો કે આમ પણ નુકસાન છે અને આમ પણ નુકસાન છે. આથી દીપેશ છેડા અને તેમના મિત્રોએ ગો ફર્સ્ટ ઍરવેઝની બીજી જાહેરાતોની રાહ જોયા વગર જ પરિવારના બાર સભ્યોની ટિકિટોના બે લાખ રૂપિયા વધારે ખર્ચીને બીજી ઍરલાઇન્સમાંથી લઈને તમાચો મારીને ગાલ લાલ રાખે એવી રીતે જ થાઇલૅન્ડની ટૂરને માણવાની તૈયારી કરી લીધી છે.
મારા પરિવારના અને મારા મિત્રોના પરિવારનાં બાળકો સાથે અમે બાર સભ્યોએ ૨૪ મેએ થાઇલૅન્ડની દસ દિવસની ટૂરનો પ્રોગ્રામ કર્યા હતો એમ જણાવીને રેડીમેડ ગાર્મેન્ટ્સનો બિઝનેસ કરતા લાલબાગના દીપેશ છેડા કહે છે, ‘અમે આખો પ્રોગ્રામ કર્યો ત્યારે મુંબઈથી થાઇલૅન્ડની ગો ફર્સ્ટની ટિકિટોના ભાવ એકદમ રીઝનેબલ હતા. અમે ઘણોબધો અભ્યાસ કરીને જવાની ટિકિટો ગો ફર્સ્ટની બુક કરાવી લીધી હતી અને વિઝાની પણ મેળવી લીધા હતા. બધા ટૂરમાં જવા માટે ખૂબ ઉમંગમાં હતા. અચાનક મંગળવારે અમને ખબર પડી કે અમારી થાઇલૅન્ડ જવાની ગો ફર્સ્ટની ફ્લાઇટને રદ કરવામાં આવી છે. અમને થયું કે આ તો ટૂરની વાટ લાગી ગઈ! સત્ય જાણવા અમે ટ્વિટર, ગૂગલ બધું જ ચેક કરવાનું શરૂ કર્યું. હોટેલ અને થાઇલૅન્ડમાં ટ્રાન્સપોર્ટ બધું જ અમે બુક કરી લીધું હતું. એમાં ઍડ્વાન્સ પેમેન્ટ પણ થઈ ગયું હતું. હવે ટૂર કૅન્સલ કરવાનો ઝીરો પર્સન્ટ સ્કોપ હતો.’
અમે પાંચ મહિના પહેલાં ટિકિટ લીધી ત્યારે એ સાવ સસ્તી પડી હતી, પણ એની સામે અત્યારે બીજી ઍરલાઇન્સના ભાવ અધધધ વધારે છે એમ જણાવતાં દીપેશ છેડાએ કહ્યું હતું કે ‘અમારી પાસે કોઈ જ રસ્તો નહોતો. પૈસા તો વધારે આપ્યા, પણ છોગામાં અમને ટેન્શન પણ મળ્યું. સસ્તું ગોતવા જતાં અત્યારે અમને એ જ મોંઘું પડી રહ્યું હતું. ઍરલાઇન કંપનીએ ફક્ત બે લાઇન લખી નાખી કે નાદારી છે અને ફ્લાઇટો રદ કરવામાં આવી છે, પરંતુ અમારા જેવા લાખો લોકોની વેકેશન-ટૂરના પ્લાન દાવ પર લાગી ગયા છે. અમુક લોકો અમારી જેમ ત્રણગણા પૈસા આપી મોંઘીદાટ ટિકિટો ખરીદીને તેમના દિલને ટૂર કર્યાનું સાંત્વન આપશે તો કેટલાયનાં ટૂરનાં સપનાં ચકનાચૂર થઈ જશે એવો આ ઝટકો છે. અમારે અમારા કાર્યક્રમમાં પણ ફેરફાર કરવો પડ્યો છે. પહેલાં અમે ૨૪ મેએ મુંબઈથી જવાના હતા અને બીજી જૂને પાછા આવવાના હતા. હવે અમને નવી ટિકિટો ૨૨ મેની મળી છે. આથી એ ખર્ચમાં પણ વધારો થવાનો છે.’