૨પ માર્ચે ઇન્ટ્રોડ્યુસ થયેલી ગિબ્લી આર્ટે માત્ર બે જ વીકમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ચૅટબૉટ ChatGPTના વૅલ્યુએશનમાં પાંચ બિલ્યન ડૉલરનો ઉમેરો કરી દીધો છે ત્યારે આ ગિબ્લીનું અથથી ઇતિ જાણી લેવા જેવું છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ ગિબ્લી અવતાર.
આમ જોવા જાઓ તો આ એક ગાંડપણ માત્ર છે અને બીજા શબ્દોમાં કહીએ તો ગિબ્લી એક એવી આર્ટ છે જેનો અમલ કરવાનો સીધો અર્થ અત્યારે જગતમાં એવો નીકળે છે કે તમે ટેક્નૉલૉજી સાથે અપડેટેડ છો. આંખો મોટી, નાક ગોળાકાર અને હોઠને બોટ જેવા આકારમાં કન્વર્ટ કરતી આ જે ગિબ્લી આર્ટ છે એ ChatGPT નામના AI પ્લૅટફૉર્મે ગયા મહિનાની ૨પ તારીખે ઇન્ટ્રોડ્યુસ કરી અને ગણતરીના કલાકોમાં જ દુનિયા આખી એની પાછળ તૂટી પડી. જો ટેક્નૉલૉજી ઇન્ડસ્ટ્રીના બિગ-શૉટ્સની વાત સાચી માનો તો આ એક ડિઝાઇન કરાયેલી સ્ટ્રૅટેજી હતી, જેમાં સામાન્ય લોકો મોટા પાયે જોતરાઈ ગયા. જોકે એ ચર્ચામાં અત્યારે પડ્યા વિના વાતને આગળ વધારવી હોય અને એંસી વર્ષના દેહાતી દાદાને પણ આખી વાત સમજાઈ જાય એમ કહેવાની હોય તો કહેવું પડે કે ગિબ્લી એક એ પ્રકારની આર્ટ છે જે જૅપનીઝ કલ્ચર સાથે જોડાયેલી છે. છેલ્લા દોઢેક વર્ષથી AIના શૉર્ટ ફૉર્મથી ઓળખાતી મોટા ભાગની તમામ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ મોબાઇલ ઍપ્લિકેશન અને વેબ-પ્લૅટફૉર્મે ફોટોને જુદું જ રૂપ મળે એવા હેતુથી કેટલાંક ટૂલ આપ્યાં છે, જેમાં તમને અનેક પ્રકારની વરાઇટીઓમાં ફોટો ડાઉનલોડ કરવા મળે. એ ટૂલનો ઉપયોગ કરીને અવકાશયાત્રીના રૂપમાં પણ દેખાઈ શકો અને તમે પંદર વર્ષના ટીનેજ અવતારમાં પણ જાતને જોઈ શકો.
ChatGPT નામે AI પ્લૅટફૉર્મ આપતી કંપનીએ ગિબ્લીના નામે એક એવું ટૂલ આપ્યું જે ટૂલમાં ફોટો અપલોડ કરવાથી કૉમિક કે કાર્ટૂન કૅરૅક્ટર જેવી ઇમેજ તૈયાર થાય. આ જે ગિબ્લી ટૂલ છે એ ટૂલ ગયા મહિને ફ્રી પ્લૅટફૉર્મ પર મુકાયું પણ એની પહેલાં આ ટૂલ જે પ્રીમિયમ કસ્ટમર એટલે કે ChatGPTનું સબસ્ક્રિપ્શન જેમણે લીધું હતું એ લોકોને વાપરવા મળતું જ હતું. અલબત્ત, એ સમયે આ ટૂલ એટલું પૉપ્યુલર નહોતું થયું જેટલું એ મફતમાં કસ્ટમરને વાપરવા આપવામાં આવ્યું એ પછી થયું. સચિન તેન્ડુલકરથી માંડીને સિદ્ધાર્થ મલ્હોત્રા, અનુષ્કા શર્મા જેવી સેલિબ્રિટીથી લઈને મિલિન્દ દેવરા અને શશી થરૂર જેવા સ્ટાર પૉલિટિશ્યનોએ પણ આ ગિબ્લી આર્ટથી પોતાની ઇમેજ તૈયાર કરી.
ADVERTISEMENT
અમિતાભ બચ્ચન દર રવિવારે ચાહકોને ઘરની બહાર મળે છે એ દૃશ્યનું ગિબ્લી વર્ઝન.
ભારત સરકારના સત્તાવાર સોશ્યલ મીડિયા હૅન્ડલ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ AI-જનરેટેડ ગિબ્લી આર્ટવાળી તસવીરો શૅર કરવામાં આવી હતી. એમાં અયોધ્યામાં રામમંદિરમાં અભિષેક કરતી વખતે, લોકસભામાં સેંગોલ સાથે, લક્ષદ્વીપ ટાપુ પર ખુરસીમાં શાંત મુદ્રામાં, મિલિટરીના યુનિફૉર્મમાં તેમ જ ભગવાં વસ્ત્ર અને રુદ્રાક્ષ ધારણ કરેલા નરેન્દ્ર મોદીની તસવીરો છે. તેમની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્સથી લઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅક્રૉન સાથેની તસવીરો પણ છે. એ પછી તો જાણે દાવાનળ ફાટ્યો. સાચો ઉચ્ચાર પણ ન આવડતો હોય એ લોકો પણ ગિબ્લી આર્ટથી ઇમેજ ડેવલપ કરવા માંડ્યા.
નામ કેમ છે આવું?
કેટલાક આને ઘિબલી કહે છે તો કેટલાક આને ગિહ્બલી બોલે છે તો કેટલાક પાછા જીહિબ્લી પણ બોલે છે. હકીકતમાં આ જે આર્ટ છે એનું જૅપનીઝ સાચું ઉચ્ચારણ ગિબ્લી છે. જપાનના ખ્યાતનામ આર્ટિસ્ટ એવા હાયા મિયાઝાકીએ આ ગિબ્લી આર્ટ શોધી છે. હાયાભાઈને એવિએશનમાં બહુ દિલચસ્પી, જો આર્ટિસ્ટ ન બન્યા હોત તો આ મહાશય પાઇલટ ચોક્કસ બન્યા હોત. આ ભાઈએ જેટલી પણ આર્ટ ડેવલપ કરી એ તમામ આર્ટનાં નામો તેમણે એવિએશન ઇન્ડસ્ટ્રીમાંથી લીધા છે. વાત કરીએ ગિબ્લીની, તો જ્યારે આ આર્ટ ડેવલપ થતી હતી એ સમયે તેમણે ન્યુઝપેપરમાં ન્યુઝ વાંચ્યા કે ઇટલીના એક પ્લેનને હુલામણું નામ ગિબ્લી આપવામાં આવ્યું છે. એ જે પ્લેન હતું એનો ઉપયોગ મોટા ભાગે સહરા રણના વિસ્તારને પાર કરવામાં થતો હતો. સહરા રણમાંથી જન્મતી ગરમ હવાની લહેરને અરબી ભાષામાં કિબલી કહેવામાં આવે છે. કિબલી પણ સહન કરી લે એવી ક્ષમતા ધરાવતા એ પ્લેનને ઇટલી એવિએશનના ઑફિસરો ગિબ્લીના હુલામણા નામે બોલાવતા. બસ, મિયાઝાકીને નામ મળી ગયું અને તેમણે પોતે જે આર્ટ ડેવલપ કરતા હતા એને ગિબ્લી નામ આપ્યું.
રણબીર કપૂર દીકરી રાહા સાથે.
આ જે આર્ટ ડેવલપ થતી હતી એ આર્ટનો ઉપયોગ ઍનિમેશન ફિલ્મોમાં કરવાનો હતો. મિયાઝાકીભાઈએ પહેલાં તો ઍનિમેશનમાં ગિબ્લી આર્ટ ડેવલપ કરી અને પછી પોતાના સ્ટુડિયોને ગિબ્લી સ્ટુડિયો નામ આપ્યું અને કામ શરૂ કરી દીધું. આપણે ભલે ગિબ્લી પાછળ હવે ગાંડપણ દેખાડતા થયા હોઈએ, પણ જપાનના ગિબ્લી સ્ટુડિયોમાં અત્યાર સુધીમાં બાર જેટલી ઍનિમેશન ફિલ્મો આ આર્ટથી તૈયાર થઈ છે અને વર્લ્ડની બેસ્ટ ટૉપ ટેન ઍનિમેશન ફિલ્મમાં ચાર ફિલ્મ આ ગિબ્લી સ્ટુડિયોએ બનાવી છે.
આ જે ગિબ્લી આર્ટ છે એ પણ કંઈ સાવ હવામાં નથી આવી. કોરિયન ગ્રાફિક નૉવેલ તમે જુઓ તો તમને એ ગ્રાફિક કે કૅરૅક્ટર્સમાં આ ગિબ્લી આર્ટની ઝલક દેખાઈ આવે. મોટી ગોળ આંખો, બોર જેવું ગોળ નાક અને હોડી જેવો ઘાટ ધરાવતા હોઠ તૈયાર કરતી આ ગિબ્લી આર્ટના ChatGPT વર્ઝનમાં પણ એના પર જ ફોકસ રાખવામાં આવ્યું છે. તમે જે કોઈ ફોટો અપલોડ કરશો એમાં મૅક્સિમમ ચહેરાના આ ત્રણ ભાગ પર જ ફોકસ કરવામાં આવશે અને બાકીના પાર્ટને અકબંધ રાખીને એને ઍનિમેશન ફીલ આપવામાં આવશે.
સચિન તેન્ડુલકરે શૅર કરેલી વર્લ્ડ-કપ વિનિંગ મોમેન્ટ.
અચાનક આવી લાઇમલાઇટમાં
આગળ કહ્યું એમ, ગિબ્લી આર્ટથી તૈયાર થતા ઍનિમેશન ફ્લેવરના ફોટોગ્રાફ્સ કંઈ રાતોરાત ChatGPTએ દાખલ નથી કર્યા. કંપનીના પ્રીમિયમ કસ્ટમરને આ ફીચર આપવામાં આવતું જ હતું અને એ પણ બે મહિના પહેલાંથી. ChatGPTનો વહીવટ કરે છે એ OpenAI કંપનીના ચીફ ઑપરેટિંગ ઑફિસર સૅમ ઑલ્ટમૅને તો ધાર્યું પણ નહોતું કે ગિબ્લી લોકો પાસે આ પ્રકારનાં ગાંડપણ કઢાવશે. સૅમ ઑલ્ટમૅને એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે પ્રીમિયમ કસ્ટમરને ઍટ્રૅક્ટ કરવામાં ગિબ્લીએ ખાસ કંઈ મહત્ત્વ દર્શાવ્યું નહીં એટલે પૉલિસી લેવલ પર અમે નક્કી કર્યું કે ગિબ્લીને જનરલ યુઝર્સ માટે ખુલ્લી મૂકીએ અને પછી જે ક્રેઝ આવ્યો એ અનબિલીવેબલ રહ્યો.
આંખો ફાટી જાય અને હૃદયના ધબકારા બુલેટ ટ્રેન જેવા ઝડપી થઈ જાય એવી વાત તો હવે આવે છે. ગિબ્લી આર્ટનું ફીચર ChatGPT પર ઉમેરાયા પછી માત્ર ચાર જ દિવસમાં કંપની પાસે ૧૮,૦૦,૦૦,૦૦૦ એટલે કે અઢાર કરોડથી પણ વધુ ફોટોનો ડેટા આવ્યો. આગળ સાંભળો. સાત કરોડ નવા લોકોએ ChatGPTનો વપરાશ શરૂ કર્યો. કહો કે આટલા લોકોએ ChatGPTની ઍપ ડાઉનલોડ કરી. રેટિંગની વાત કરીએ તો ગિબ્લી આર્ટ ઉમેરાયા પછી ChatGPTના ઍપલ અને ગૂગલ સ્ટોરના રેટિંગમાં અનુક્રમે ૦.૩ અને ૦.પ રેટિંગ વધ્યું. વાંચવા કે સાંભળવામાં આ રેટિંગ ભલે ચણામમરા જેવું લાગે પણ સાહેબ, IT ફીલ્ડ સાથે જોડાયેલા કોઈને પૂછશો તો ખબર પડશે કે ૪ પછી રેટિંગમાં ઉમેરાતો ૦.૧ પણ બિલ્યન ડૉલર અપાવી જનારો હોય છે. ઍનીવેઝ, વાત આગળ વધારીએ. ગિબ્લી આર્ટ આવ્યા પછી ChatGPTના ભારતમાં સિત્તેર લાખ પ્રીમિયમ સબસ્ક્રાઇબર્સ વધ્યા. ગિબ્લી આર્ટ પહેલાં ChatGPT પર દિવસ દરમ્યાન ઍવરેજ ૧૪ મિનિટ ટાઇમ સ્પેન્ડ કરવામાં આવ્યો હતો, પણ ગિબ્લી આવ્યા પછી એ વધીને ૩૩ મિનિટે પહોંચ્યો. રુકો, સુનો. ગિબ્લી આર્ટ આવ્યા પછી ChatGPTના વૅલ્યુએશનમાં પણ પાંચ બિલ્યનનો ઉછાળો આવ્યો અને એ વધીને ૩૦૦ બિલ્યન પર પહોંચી ગયું.
સ્વીકારવું પડે કે ગિબ્લી જ્યાં પણ ગઈ છે ત્યાં એણે બધાને પેટ ભરીને આપ્યું છે. પહેલાં ગિબ્લી સ્ટુડિયોને છપ્પરફાડ લાભ કરાવ્યો અને હવે ChatGPTને પણ સૂંડલો ભરીને આપવાનું શરૂ કર્યું. મજાની વાત એ છે કે ગિબ્લી આર્ટને ChatGPTમાં લઈ આવવાનો વિચારમાત્ર બીજાથી અલગ તરવાના હેતુથી કરવામાં આવ્યો હતો.
સૉફ્ટવેર થયો તૈયાર
મોટા ભાગનાં AI પ્લૅટફૉર્મ કે મોબાઇલ ઍપ પર અલગ-અલગ પ્રકારનાં ઇમેજ ક્રીએટર ટૂલ્સ છે જ. એ બધાથી જુદા કેવી રીતે પડવું એનો વિચાર ચાલતો હતો એ દરમ્યાન ગ્રાન્ટ સ્લૅટને બધાની સામે ગિબ્લી આર્ટની વાત મૂકી. વાત આગળ વધારતાં પહેલાં ગ્રાન્ટ સ્લૅટન નામના આ અમેરિકન માડુને મળી લેવું જોઈએ.
હજી માંડ પાંત્રીસ વર્ષે પહોંચેલો ગ્રાન્ટ સ્લૅટન સૉફ્ટવેર ડેવલપર છે અને તેણે ઍમૅઝૉન જેવી તોતિંગ કંપની માટે પણ સૉફ્ટવેર બનાવ્યાં છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સાથે ફોટો તૈયાર કરવાનો હોય અને એ ફીચર પણ તમે પ્રીમિયમ કસ્ટમરને એટલે કે પૈસા ચૂકવતા કસ્ટમરને આપવા માગતા હો ત્યારે ફોટો તૈયાર કરવામાં લાગતો સમય બહુ મહત્ત્વનો બની જાય છે. આપણે ત્યાં હજી પૈસા બચાવવાની માનસિકતા છે, પશ્ચિમના દેશો તો વર્ષોથી એનાથી પર થઈ ગયા છે. એ લોકો તો સમય બચાવવામાં માને છે.
ગ્રાન્ટની સામે વાત મૂકવામાં આવી અને ગ્રાન્ટે ત્રીસ સેકન્ડમાં ઇમેજ તૈયાર કરી આપતો સૉફ્ટવેર તૈયાર કરીને ChatGPTના બાપુજી એટલે કે OpenAIને આપ્યો. એ પછી વાત આવી કે આર્ટ કઈ વાપરવી અને એમાં ફાઇનલ થયું કે જપાનમાં વપરાતી ગિબ્લી આર્ટને ફૉલો કરીએ. તમે માનશો નહીં, પણ ગિબ્લી આર્ટના ફોટો તૈયાર કરવા માટે ગ્રાન્ટ અને તેની ટીમે જે સૉફ્ટવેર તૈયાર કર્યો એ સૉફ્ટવેર તૈયાર કરવામાં નવ મહિના લાગ્યા હતા. જે સૉફ્ટવેર તૈયાર થયો એ સૉફ્ટવેર અંદાજે ૧૮,૦૦૦ લાઇનનો હતો અને એમાં અલગ-અલગ સાતસોથી વધારે કમાન્ડ અપાયા હતા. આ જે આંકડાઓ છે એ આંકડાઓ સૉફ્ટવેર તૈયાર થયો ત્યારના છે. એ પછી એમાં જરૂરી સુધારા-વધારા અને ઉમેરાઓ કરવામાં આવ્યા એ તો લટકામાં.
ગિબ્લી આર્ટ જ શું કામ?
આ સવાલનો જવાબ નવાઈ પમાડે એવો છે. ગિબ્લી આર્ટ પસંદ કરવા પાછળ કોઈ ખાસ કારણ નહોતું. બસ, એક જ વાત હતી કે બીજા કોઈ AI પ્લૅટફૉર્મ કે ઍપ્લિકેશનમાં ન હોય એ પ્રકારની ઇમેજ તૈયાર કરવી છે. ઘણાને એવો વિચાર આવે કે આટલી અમસ્તી જ વાત છે? તો જવાબ છે ના, આટલી જ વાત નથી. ગિબ્લી આર્ટને પૉપ્યુલર કરવા પાછળ ગ્રાન્ટ સ્લૅટનને પણ તમારે જશ આપવો રહ્યો. ગિબ્લી આર્ટનો જે સૉફ્ટવેર તૈયાર થયો છે એ સૉફ્ટવેર એ સ્તરના પર્ફેક્શન સાથેનો છે કે એમાં ભૂલની માત્રા માત્ર ૦.૦૦૧ ટકાની છે અને એ પણ ત્યારે જ્યારે ઓરિજિનલ ઇમેજમાં એ પાર્ટ બ્લર કે બીજા પાર્ટ સાથે મર્જ થઈ ગયો હોય.
આ વાતને ઉદાહરણ સાથે સમજવી જોઈએ. ધારો કે એક કપલ મૅરેજ વખતે સ્ટેજ પર ઊભું છે અને તેમના હાથમાં બુકે છે. બીજા પ્લૅટફૉર્મ પર એવું બની શકે કે એ ઇમેજને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સાથે તૈયાર કરવામાં આવે તો નવદંપતીના હાથમાં બુકેની જગ્યાએ નવજાત શિશુ આવી જાય. આવું ગિબ્લીમાં નહીં બનતું હોવાનું કારણ ગ્રાન્ટ સ્લૅટને એક ઇન્ટરવ્યુમાં સમજાવ્યું હતું અને કહ્યું હતું કે મોટા ભાગનાં AI પ્લૅટફૉર્મ 9D એટલે કે નાઇન ડાઇમેન્શન (નવ અલગ-અલગ ઍન્ગલ)થી જુએ છે, જ્યારે ગિબ્લી આર્ટ માટે જે સૉફ્ટવેર તૈયાર થયો છે એ ૯ મુખ્ય ડાઇમેન્શન અને ૧૮ બૅકગ્રાઉન્ડ ડાઇમેન્શન સાથે ઇમેજ તૈયાર કરે છે. એટલે ઑફિસની ઇમેજમાં ક્યાંય ભૂલથી પણ દરિયાકિનારાની ફ્લેવર નથી આવતી કે બીચ પર લીધેલી ઇમેજમાં બેડરૂમની ફ્લેવર નથી આવતી.
કેવી રીતે પ્રીપ્લાન્ડ માર્કેટિંગ?
યક્ષપ્રશ્ન છે કે ગિબ્લી આર્ટ આટલી વાઇરલ કઈ રીતે થઈ અને એવું તે શું એમાં સેલિબ્રિટીએ જોયું કે બધા પોતાના સોશ્યલ મીડિયા પર આ આર્ટથી તૈયાર કરેલા ફોટોગ્રાફ્સ અપલોડ કરવા માંડ્યા?
જવાબ છે હિડન માર્કેટિંગ સ્ટ્રૅટેજી.
ChatGPT જેની માલિકીની છે એ કંપની OpenAIની આ માર્કેટિંગ સ્ટ્રૅટેજી હોવાનું એની હરીફ કંપનીઓનું માનવું છે. ક્યાંય ડાયરેક્ટ માર્કેટિંગ કર્યા વિના આ ફીચર્સનો ઉપયોગ સેલિબ્રિટી કરે અને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એ ફોટો અપલોડ કરે એ માટે તેમને પેમેન્ટ ચૂકવવામાં આવે છે, જેને લીધે એવું જ લાગે કે સેલિબ્રિટી પણ આ ફીચર્સ વાપરીને ખુશ થયા છે. ગિબ્લી આર્ટમાં પણ એ થયું હોવાની શક્યતા ભારોભાર છે. સીધી વાત છે, ગિબ્લી આર્ટ પ્રીમિયમ કસ્ટમર માટે ઑલરેડી પહેલેથી જ મૂકી દેવામાં આવી હતી. હવે પ્રશ્ન એ થાય કે શું સચિન તેન્ડુલકર કે પછી વિકી કૌશલ જેવા ઍક્ટર એ ફ્રી પ્લૅટફૉર્મ વાપરતા હોય? સ્વાભાવિક છે, ન જ વાપરતા હોય. અમુક હજારો રૂપિયા ખર્ચવામાં તેને પ્રૉબ્લેમ ન હોય અને તે એ વાપરીને વચ્ચે આવતી ખોટેખોટી જાહેરખબરો જોઈને પોતાનો સમય બરબાદ કરે પણ નહીં. જો આ સાચું હોય તો જ્યારે સામાન્ય લોકો માટે ફ્રી પ્લૅટફૉર્મ પર ગિબ્લી આર્ટ મૂકવામાં આવી ત્યારે જ કેમ સચિન કે વિકી કે પછી એક્સ, વાય, ઝેડ સેલિબ્રિટીએ એનો ઉપયોગ કરીને પોતાના સોશ્યલ મીડિયા પર એ ફોટો અપલોડ કર્યો?
કંપનીએ હિડન માર્કેટિંગ માટે કૉન્ટ્રૅક્ટ કર્યો હોય તો (જ) આવું બની શકે.
સાવધાન, ગિબ્લીના ગેરફાયદાઓ પણ છે
આજે જ્યારે ગિબ્લી-ગિબ્લી કરતાં ગામ આખું ગોકીરો કરવા માંડ્યું છે ત્યારે એ પણ જાણવું જોઈએ કે ગિબ્લીના ગેરફાયદાઓ છે કે નહીં? છે, ગિબ્લી પર અપલોડ થતા ફોટોગ્રાફ્સનો એક મોટો ડેટા કંપની પાસે ઊભો થતો જાય છે, જેનો કંપની ધારે ત્યારે અને ધારે એ પ્રકારનો ઉપયોગ કરી શકે છે. કમ્પ્યુટર ફીલ્ડના એક્સપર્ટ્સનું માનવું છે કે આ જે ઇમેજ હશે એના આધારે ભવિષ્યમાં આર્ટિફિશ્યલ કૅરૅક્ટર ઊભાં કરવાનું કામ થઈ શકે એટલે કે અમિતાભ બચ્ચનનું નાક અને તમારી આંખો લઈને એક નવું જ પાત્ર બનાવવું હોય તો એ કામ આસાનીથી કંપની કરી શકે અને એ માટે એણે મને કે તમને પાંચિયું પણ આપવું નહીં પડે.
આ પ્રકારના પ્લૅટફૉર્મ પર અપલોડ થતા ફોટોગ્રાફ્સ ફિલ્મ અને ઍનિમેશન પ્રોડક્શન હાઉસ ધરાવતી કંપનીઓ માટે બહુ અગત્યના છે એટલે ભવિષ્યમાં એનો સોદો થાય એની સૌકોઈએ તૈયારી રાખવાની રહેશે. આ ઉપરાંતનું બીજું ભયસ્થાન છે ફેશ્યલ લૉક ધરાવતાં અકાઉન્ટ્સ અને મોબાઇલ કસ્ટમરને.
ફેસ-લૉક ધરાવતા લોકોના ફોટોગ્રાફ્સ દ્વારા તેના મોબાઇલ કે બીજાં અકાઉન્ટ ઓપન કરવાં સહેલાં છે એટલે એક જ પ્રકારના કે ફ્લૅટ એક્સપ્રેશન સાથે વધારે ફોટો અપલોડ કરવાથી ફેસ-રીડર માટે એ ચહેરો બનાવી શકાય અને પછી એનો ઉપયોગ કરીને તમારા જ મોબાઇલ દ્વારા તમારા બૅન્ક-અકાઉન્ટ સુધી પણ પહોંચી શકાય. બૅન્ક-અકાઉન્ટ સુધી પહોંચનારો અકાઉન્ટની આરતી તો નથી ઉતારવાનો એ પણ આપણે જાણીએ છીએ, એ અકાઉન્ટ ખાલી જ કરે. પણ આવું ત્યારે શક્ય બને જ્યારે OpenAIનો ડેટા હૅક થાય કે પછી કંપની પોતે હરામીપંતી કરવાના મૂડમાં આવે. બીજી શક્યતાની સંભાવના ઓછી છે.
શું છે આ સ્ટુડિયો ગિબ્લી?
જપાનના ટોક્યો પાસે આવેલા કોગાનેઇ શહેરમાં આ ગિબ્લી સ્ટુડિયો આવ્યો છે. આ સ્ટુડિયો વૉલ્ટ ડિઝનીના ડિઝનીલૅન્ડ જેવો જ ભવ્ય છે, ટિકિટ ખરીદીને એ જોવા પણ જઈ શકાય છે. આપણે ત્યાં યશરાજ ફિલ્મ્સ અને ધર્મા પ્રોડક્શન્સ સ્ટાર્સને લઈને ફિલ્મો બનાવે છે, જ્યારે ગિબ્લી સ્ટુડિયોએ પોતાનાં કૅરૅક્ટર બનાવ્યાં છે અને એ ઍનિમેશન ફિલ્મ બનાવે છે. ૧૯૮પમાં આ ગિબ્લી સ્ટુડિયોની શરૂઆત હાયા મિયાઝાકી, ઇસાઓ ટાકાહાતા, તોશિયો સુઝુકી અને યોસુયોસી ટોકુમા નામના અટપટાં નામ ધરાવતાં ચાર જૅપનીઝોએ કરી, પણ હાયા મિયાઝાકી મેઇન ભેજું.
આ જે ગિબ્લી આર્ટ છે એ ઓરિજિનલી એક પ્રકારની પેઇન્ટિંગ થીમ છે, જેમાં આછા કલર ટોન અને યલો કલરના સેપિયા ટોનને બેઝ બનાવવામાં આવે છે.
સ્ટુડિયો ગિબ્લીથી ધ્યાન હટાવવા હવે નવો ટ્રેન્ડ શરૂ થયો વુલી વન્ડર્સનો
જૅપનીઝ આર્ટ સ્ટુડિયો જિબલી હવે આગની જેમ લોકોને આકર્ષી રહ્યો છે અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ AI પ્લૅટફૉર્મ પર જિબલી આર્ટનો ધસારો જબરદસ્ત વધ્યો છે ત્યારે ઓપન AIનું ChatGPT લોકોને નવા ટ્રેન્ડ તરફ વાળવાના પ્રયત્નો કરી રહ્યું છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પ્લૅટફૉર્મ પર હવે જિબલીમાં જે ફોટોગ્રાફ્સ વાઇરલ થયેલા એનું વુલી વન્ડર વર્જન તૈયાર થઈ રહ્યું છે. એમાં તમે જે ફોટોગ્રાફ્સ અપલોડ કરો એ જાણે ઊનના દડામાંથી બન્યો હોય એવી પ્રિન્ટવાળો થઈ જાય છે. એ પિક્ચરને ક્રીએટિવ નામ પણ આપવામાં આવ્યું છે. ‘ભૂલભુલૈયા’ના છોટા પંડિતના ફોટોને વુલ ભુલૈયા, ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ ફિલ્મનો શાહરુખ ખાન અને કાજોલનો આઇકોનિક ટ્રેન સીન રીક્રીએટ કરીને વુલવાલે દુલ્હનિયા લે જાએંગે નામ આપ્યું છે. ધોનીની હેલિકૉપ્ટર સિક્સને કૅપ્ટન વુલ, ખાકી : ધ બૅન્ગાલ ચૅપ્ટરના પોસ્ટરને કન્વર્ટ કરીને ખાકી : ધ વુલન ચૅપ્ટર નામ આપ્યું છે.

