સોરોસ રાજકીય રીતે ઘણા સક્રિય છે. અમેરિકામાં તેઓ ડેમોક્રેટિક પાર્ટીના ‘મેગા ડોનર’ તરીકે ઓળખાય છે. તેમણે હંગેરી, ટર્કી, સર્બિયા અને મ્યાનમાર જેવા દેશોમાં લોકશાહીતરફી ચળવળોને સમર્થન આપ્યું છે. તેમણે બરાક ઓબામા, હિલેરી ક્લિન્ટન અને જો બાઇડન...
જ્યૉર્જ સોરોસ
વિશ્વના ત્રીજા નંબરના ધનિક ગૌતમ અદાણીના કારોબારને લઈને ‘કૉર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી ઠગાઈ’ નામના હિંડનબર્ગ રિપોર્ટના પગલે આવેલા ધરતીકંપના આફ્ટરશૉક્સ હજી ચાલુ જ છે. એમાંથી એક ‘શૉક’ જ્યૉર્જ સોરોસના નામે આવ્યો છે. ભારતમાં કૉન્ગ્રેસ અને અમુક સ્વતંત્ર સમાચાર-માધ્યમોમાં આ રિપોર્ટને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યૉર્જ સોરોસની સરખામણીમાં તો એ ટીકાઓ ‘સૉફ્ટ’ હતી. કૉન્ગ્રેસે તો એમાં વડા પ્રધાન અને અદાણીની ઘનિષ્ઠતા પર સવાલો ઉઠાવ્યા હતા; પરંતુ જ્યૉર્જ સોરોસે તો એનાથી પણ આકરી ટીકા કરીને માત્ર ભાજપને જ નહીં, ખુદ કૉન્ગ્રેસને પણ અકળાવી મૂકી હતી.
મ્યુનિક (જર્મની) ટેક્નિકલ યુનિવર્સિટીમાં એક વક્તવ્ય દરમિયાન આ અબજપતિ અમેરિકન ઇન્વેસ્ટર સોરોસે હિંડનબર્ગ રિપોર્ટના સંદર્ભમાં કહ્યું હતું કે ગૌતમ અદાણીની પ્રગતિથી ‘ભારતીય લોકતંત્રને જોખમ છે’ અને તેમની હારમાં જ ‘લોકતંત્રની જીત છે.’ તેમણે કહ્યું હતું કે મોદી અને અદાણીનું ભાગ્ય પરસ્પર જોડાયેલું છે અને અદાણીનો ફિયાસ્કો મોદીને કમજોર કરશે જેથી ભારતમાં લોકતંત્ર ફરીથી જીવંત થશે.
સોરોસના આ નિવેદનથી ભાજપ તો ભડક્યો જ, પણ કૉન્ગ્રેસનેય લાગી આવ્યું. કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું હતું કે ‘હું પહેલાં પણ સોરોસનાં મોટા ભાગનાં બયાનો સાથે સંમત નહોતો અને આજે પણ નથી. સરકારમાં કોણ હશે અને કોણ નહીં હોય એ ભારતની જનતા નક્કી કરશે, સોરોસ નહીં.’
વિદેશપ્રધાન જય શિવશંકરે સોરોસને લબડધક્કે લેતાં કહ્યું હતું કે ‘જ્યૉર્જ સોરોસ બુઢ્ઢા, જિદ્દી, અમીર, પૂર્વગ્રહી અને ખતરનાક છે. તે વાર્તાઓ ઘડવામાં મહેર છે અને ન્યુ યૉર્કમાં બેસીને આજે પણ એવું માને છે કે દુનિયા તેના હિસાબે ચાલે.’
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ વિવાદમાં ઝંપલાવતાં કહ્યું હતું કે ‘બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડને તોડનાર અને એક દેશમાં આર્થિક યુદ્ધ માટે ગુનેગાર ગણાયેલો આ માણસ હવે ભારતની લોકશાહીને તોડવાની વાત કરી રહ્યો છે. તમે જાણો છો એમ એક આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ-સાહસિક જ્યૉર્જ સોરોસ હવે ભારતની લોકશાહી પ્રક્રિયાઓમાં હસ્તક્ષેપ કરવાનો તેમનો ઇરાદો વ્યક્ત કરી રહ્યો છે.’
મૂળ હંગેરીમાં જન્મેલા જ્યૉર્જ સોરોસ ૧૯૪૭માં સામ્યવાદીઓએ હંગેરીમાં સત્તા પર કબજો જમાવ્યો ત્યારે બુડાપેસ્ટથી લંડન આવ્યા હતા. ત્યાં તેમણે રેલવે પોર્ટર તરીકે અને નાઇટ ક્લબમાં વેઇટર તરીકે કામ કરીને લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં ભણતર મેળવ્યું હતું. ૧૯૫૬માં તેઓ યુએસ સ્થળાંતરિત થયા, જ્યાં તેમણે શરૂઆતમાં યુરોપિયન સિક્યૉરિટીઝના વિશ્લેષક તરીકે શરૂઆત કરી હતી.
૧૯૭૩માં ‘સોરોસ ફન્ડ મૅનેજમેન્ટ’ના નામથી કંપની બનાવીને અમેરિકન શૅરબજારમાં રોકાણ શરૂ કર્યું. ૧૯૭૯ સુધીમાં તેઓ એટલા સફળ બિઝનેસમૅન બન્યા હતા કે રંગભેદનો સામનો કરી રહેલા અશ્વેત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનું શરૂ કર્યું હતું. તેઓ વિશ્વના સૌથી મોટા કરન્સી ટ્રેડર તરીકે પ્રખ્યાત થઈ ગયા હતા. હાલમાં તેમની કુલ સંપત્તિ ૭૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.
સોરોસ રાજકીય રીતે ઘણા સક્રિય છે. અમેરિકામાં તેઓ ડેમોક્રેટિક પાર્ટીના ‘મેગા ડોનર’ તરીકે ઓળખાય છે અને સરમુખત્યારશાહી શાસનના સ્પષ્ટ ટીકાકાર રહ્યા છે. તેમણે હંગેરી, તુર્કી, સર્બિયા અને મ્યાનમાર જેવા દેશોમાં લોકશાહીતરફી ચળવળોને સમર્થન આપ્યું છે. તેમણે બરાક ઓબામા, હિલેરી ક્લિન્ટન અને જો બાઇડનને પ્રમુખપદની ચૂંટણીમાં સમર્થન અને ભંડોળ પૂરું પાડ્યું હતું. સોરોસ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન વિરુદ્ધ બોલતા રહ્યા છે.
તેમણે ૨૦૦૩માં ઇરાક યુદ્ધની ટીકા કરી હતી અને અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીને લાખ્ખો ડૉલરનું દાન આપ્યું હતું. ત્યાર બાદ તેમના પર અમેરિકાના દક્ષિણપંથીઓના હુમલાઓ વધી ગયા હતા. ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે પણ સોરોસ પર કેટલાય પ્રહારો કર્યા હતા.
૨૦૧૯માં ટ્રમ્પે એક વિડિયો રીટ્વીટ કરતાં દાવો કર્યો હતો કે હોન્ડુરસમાંથી ૧,૦૦૦ શરણાર્થીઓને અમેરિકામાં પ્રવેશવા માટે સોરોસે પૈસા આપ્યા છે. બાદમાં જાણવા મળ્યું હતું કે સોરોસે કોઈને પૈસા નહોતા આપ્યા અને ટ્રમ્પે જે વિડિયો શૅર કર્યો હતો એ પણ ફેક હતો.
સોરોસ તેમના પરોપકારી પ્રયાસો માટે જાણીતા છે. તેઓ માનવ-અધિકાર, શિક્ષણ અને જાહેર આરોગ્ય જેવી સમસ્યાઓ માટે સતત દાન કરતા રહ્યા છે. તેમણે ડ્રગ્સ સામે અમેરિકાની લડાઈની ટીકા કરી હતી અને એને ‘દવાઓની સમસ્યા કરતાં વધુ હાનિકારક’ ગણાવી હતી. વર્ષ ૨૦૦૦ની શરૂઆતમાં તેઓ સમલૈંગિક લગ્નના સમર્થક બન્યા હતા.
જ્યૉર્જ સોરોસ ઉદાર વલણ ધરાવતા અબજોપતિઓના મોટા જૂથનું નેતૃત્વ કરે છે જેઓ તેમના પૈસાથી વિશ્વ પર કબજો કરવા તૈયાર છે. આ અભિયાનને અમેરિકામાં શૅડો પાર્ટી નામ આપવામાં આવ્યું છે. આ પાર્ટી ન તો ચૂંટણી લડે છે કે ન તો મતદારોને રીઝવે છે. જોકે તેઓ દરેક ચૂંટણીમાં પોતાનો પ્રભાવ જાળવી રાખે છે. ઉદાહરણ તરીકે વર્ષ ૨૦૦૪માં અમેરિકામાં આ શૅડો પાર્ટીના ઉદારવાદી અબજોપતિઓએ ડેમોક્રેટિક પાર્ટીને જીતવા માટે ૩૦૦ મિલ્યન યુએસ ડૉલર ખર્ચ્યા હતા. દરમિયાન, સોરોસે જ્યૉર્જ બુશને પ્રમુખપદેથી હાંકી કાઢવા માટે નક્કર પ્રયાસો કર્યા હતા. વૉશિંગ્ટન પોસ્ટને આપેલા ઇન્ટરવ્યુ મુજબ સોરોસે પોતે સ્વીકાર્યું હતું કે જો કોઈ બુશને સત્તા પરથી હટાવવાની ખાતરી આપે તો તેઓ પાણીની જેમ પૈસા ખર્ચવા તૈયાર છે.
સોરોસે ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સની સ્થાપના કરી છે, જે ૧૦૦થી વધુ દેશોમાં સક્રિય છે. તેમણે પોલૅન્ડ, રશિયા અને ભૂતપૂર્વ યુગોસ્લાવિયા અને ચેકોસ્લોવાકિયા સહિતના પૂર્વ યુરોપિયન દેશોમાં શીત યુદ્ધ પછી આ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. ફાઉન્ડેશનનું વાર્ષિક બજેટ એક બિલ્યન ડૉલરથી વધુ છે અને એના મારફત સોરોસ માનવ-અધિકાર માટેની ચળવળોમાં મદદ કરે છે.
ઓપન સોસાયટીએ ૧૯૯૯માં ભારતમાં કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં એણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્થાઓમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે શિષ્યવૃત્તિ અને ફેલોશિપ ઑફર કરી હતી. ૨૦૧૪માં એણે એક ભારત-વિશિષ્ટ અનુદાન-નિર્માણ કાર્યક્રમ શરૂ કર્યો છે, જે સ્થાનિક સંસ્થાઓને ટેકો આપે છે અને જે આરોગ્ય, ન્યાયપ્રણાલીમાં સુધારા, મનોસામાજિક વિકલાંગ લોકો માટે અધિકારો, જાહેર સેવાઓ જેવાં ક્ષેત્રોમાં કામ કરે છે.
સોરોસ પાછલા ઘણા સમયથી ભારત વિશે બોલતા રહે છે. અગાઉ ૨૦૨૦માં દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની બેઠકમાં સોરોસે કહ્યું હતું કે દુનિયાના લોકતંત્ર માટે સૌથી મોટો ઝટકો ભારતમાં લાગ્યો છે જ્યાં લોકતાંત્રિકરૂપે ચૂંટાયેલા નરેન્દ્ર મોદી એક હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા છે અને લાખો મુસલમાનોને નાગરિકતાથી વંચિત રાખવાની ધમકી આપી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે સોરોસે ભારતમાં મોદીવિરોધી મીડિયા અને ઍક્ટિવિસ્ટોને ફન્ડિંગ કર્યું છે અને એ દિશામાં તેમનું એક્સપોઝર વધારી રહ્યા છે. અર્થાત્ તેઓ અમાંથી પણ પૈસા કમાઈ રહ્યા છે.
૧૯૯૮માં સોરોસને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે શું તેમણે પૂર્વી એશિયાઈ દેશોની કરન્સી સામે દાવ લગાવીને આર્થિક પતનને ધક્કો માર્યો છે? ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મારું મૂળ કામ પૈસા બનાવવાનું છે. હું જે કરું છું એનાં સામાજિક પરિણામો હું જોતો નથી... હું ખુદને દોષી ગણતો નથી. હું નૈતિક કામોમાં નથી, પણ એનો અર્થ એ નથી કે હું ખોટો છું.’
સોરોસે ક્યારેય તેમનો એજન્ડા છુપાવ્યો નથી. તેમણે અનેક સામ્યવાદી દેશોને સરમુખત્યારશાહીમાંથી લોકતંત્ર સુધી લઈ જવામાં મદદ કરી છે. સોરોસ ઇચ્છે છે કે દુનિયામાં ઓપન શાસનવ્યવસ્થા હોય. એટલા માટે તેમનાં ભારતવિરોધી બયાનોમાં ઘણા લોકોને ષડયંત્રની ગંધ આવે છે. ૨૦૧૧માં એક આર્થિક અખબારના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું હતું કે ‘પૈસાના જોરે જ સોરોસ અત્યાર સુધી જેલની બહાર છે.’ ૧૯૯૨ સુધી બ્રિટનમાં સોરોસને ધ મૅન હુ બ્રોક ધ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ (બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડને તોડનારા માણસ) તરીકે ઓળખવામાં આવતા હતા.
મોટા ભાગના અમેરિકન લેખકો માને છે કે સોરોસની કામ કરવાની પદ્ધતિ બિલકુલ લેનિન જેવી છે. તેઓ લોકોને ઉશ્કેરે છે અને બળવો અને ક્રાંતિની મદદથી સત્તામાં પરિવર્તન લાવે છે. સોરોસે ૨૦૦૩માં જ્યૉર્જિયામાં શાસન-પરિવર્તન માટે ‘રોઝ રેવલ્યુશન’ ચળવળમાં નાણાંનું રોકાણ કર્યું હતું. લૉસ ઍન્જલસ ટાઇમ્સમાં સોરોસે પોતે આ વાતની પુષ્ટિ કરી હતી, ‘જ્યૉર્જિયામાં જે બન્યું એનાથી હું ખુશ છું અને એમાં યોગદાન આપવા બદલ મને ખૂબ ગર્વ છે.’